પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૪
મંદિરના શાંત પરિસરમાં સૂર્યનો અંતિમ પ્રકાશ પણ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો, અને તેની સાથે જ દીપશિખા અને વસુંધરા ગર્ભગૃહના દ્વાર પાસે આવ્યા. દીપશિખાના ચહેરા પર એક અસ્પષ્ટ ભાવ હતો, જ્યારે મણિરાજની આંખોમાં આશા અને ડરનું મિશ્રણ હતું.
તેઓ સ્તંભ પાસે આવીને બંને રોકાઈ ગઈ. ચામવક ચતુરાઈથી પૂછવા લાગ્યો, "જાણીને આનંદ થયો કે તમને તમારા ભવિષ્યની ચિંતા છે. છતાં કહું તો તમારે પ્રાર્થના કરવાની ક્યાં જરૂર હતી! તમારા થનારા પતિ અને તેના ગુણો બંને તમારી સામે જ છે. પછી માતા ગૌરીને રીઝવવાની જરૂર તમને શું કામ પડી?"
દીપશિખા આછું સ્મિત વેરતા કહેવા લાગી, "એ બધું સમજવા તમે હજુ બહુ નાના છો ચામવક મહોદય. જરાં પૂછો તમારા આ મિત્રને, શું એને નથી ખબર કે હું માતા ગૌરી સામે આ શ્લોક શું કામ બોલી?"
ચામવક પોતાના કરેલા પ્રશ્ન પર જાણે પસ્તાઈ રહ્યો હતો. તેણે મણિરાજ સામે જોયું. દીપશિખાએ ઉમેર્યું, "મારું આ શ્લોકગાન તમારા મિત્રના આનંદને હરી ગયું. એનાથી તો એ સ્પષ્ટ થાય છે કે તમારો મિત્ર બધું જાણે છે. પછી આમ મને પૂછવાનો શું લાભ?"
વસુંધરા તેના આ સંવાદને સાંભળી અકળામણ અનુભવી રહી હતી. તેણે તેને એકબાજુ લઈ જઈ ધીમેથી કહ્યું, "દીપશિખા! આ તું શું કરી રહી છે! મણિરાજ જેવો પુરુષ તારી સામે પ્રેમ પ્રસ્તાવ રાખી ચૂક્યો છે. આવો સમોવડીયો અને ધીર પુરુષ મળવો મુશ્કેલ છે. તું એને આટલું બધું કેમ સંભળાવી રહી છે? તારે તો ખુશ થવું જોઈએ કે તને આવો શાંત અને ધીર પુરુષ પ્રાપ્ત થવાનો છે. પછી તું કોઈ બીજાની આશા રાખી માતા પાર્વતીને પ્રાર્થના શું કામ કરી રહી છે?"
હસીને એ બોલી, "મેં તને કહ્યુંને, હું તને બધું જણાવીશ. તું પહેલા મારે ઘેર ચાલ."
તે બંને ત્યાંથી જવા લાગી. મણિરાજ મૌન થઈ ગયો હતો. દીપશિખાના મનની વાત એ સુપેરે જાણતો હતો. છતાં એ પોતાને ઈન્કાર કરતી દીપશિખાને પામવા માટે અડગ ઊભેલો હતો. ભૂતકાળમાં થયેલા તેના સંવાદો મણિરાજ કદાચ ભૂલી ગયો હતો એવો આશય રાખી દીપશિખાએ તેના સપનાની ઊડતી પાંખો કાપી જમીન પર પછાડ્યો હતો.
બંને મંદિરના દાદર ઊતરી રહી હતી. મણિરાજે તેને રોકી, "દીપશિખા..."
તે બંને થોભી ગઈ. ચામવક વિમાસણમાં હતો કે હજુ આ શું વાત કરવા જઈ રહ્યો છે. મણિરાજ તેની પાસે આવ્યો. જોગાનુજોગ, એ જ સમયે મેડીના બેઠકખંડમાં બેઠેલા ચિરૂપાક્ષજીને બહાર ગવાક્ષમાં જવાનું સૂઝ્યું. તે ગવાક્ષમાં આવી ઊભા રહ્યા. નગરની શેરી અને આસપાસના ગૃહોને નીરખતા તેમનું ધ્યાન મંદિર પરિસરમાં સાથે ઊભેલા દીપશિખા અને મણિરાજ તરફ ગયું.
મણિરાજ તેની સમીપ આવ્યો અને વસુંધરા સામે જોયું. તે સમજી ગઈ અને થોડે દૂર જઈને ઊભી રહી. મણિરાજ અને દીપશિખા વચ્ચે અત્યારે એકાંત હતો. "દીપશિખા, હું જાણું છું કે મારા લીધે કિંચિત તું તકલીફ અનુભવતી હશે. અપિતુ મારો આશય ક્યારેય એવો નથી રહ્યો. મેં અત્યારે આ બાગમાં જે રીતે તારી સાથે વાત કરી... મારે નહોતી કરવી જોઈતી."
એક શ્વાસ છોડતા તેણે મણિરાજની આંખોમાં આંખો પરોવી અને તેનો એક હાથ તેની છાતી પર રાખ્યો. એક અંગાર પર શીત જળની ધાર થાય અને એ અંગાર જેવો અનુભવ કરતો હશે, એવો જ શાતા ભરેલો અનુભવ તેની છાતીમાં થયો. ગવાક્ષમાંથી આ દ્રશ્ય જોતા ચિરૂપાક્ષજી ધ્રુજી ઊઠ્યા. બંને વચ્ચેની આવી અવસ્થાએ તેને વિચારમાં નાખ્યા.
દીપશિખા શાંત સ્વરે તેને કહેવા લાગી, "મણિરાજ, હું સમજું છું. હું અનુભવું છું તારા પ્રેમને, પણ તું માહિતગાર છેને કે મારા મનમાં તારા માટે પ્રેમ નથી. છતાં તું મને ભૂલવા તૈયાર નથી! કોઈ વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહે એ પહેલા પોતાની જાતને સંભાળતા શીખી લે. વસુંધરાએ તને જે કહ્યું એ માત્ર એના જ નહિ, અપિતુ મારા પણ વિચારો છે. તારામાં કોઈ ખોટ નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી. હું તારા પ્રત્યે સમભાવ રાખું એવી આશા ના રાખ."
મણિરાજની આંખમાં પાણી તરી વળ્યું. તે બોલ્યો, "મારા હજારો યત્નો છતાં હું તને નથી ભૂલી શકતો દીપશિખા. હજુ હજારો યત્નો કરીશ કે તને મારા હૃદયમાંથી દૂર કરું. પણ એક આશા તો છે... એવી આશા કે આગામી કાળના કોઈ ચોઘડિયામાં તું અને હું..." બોલતા મણિરાજ અટકી ગયો. દીપશિખાએ તેની છાતી પરથી હળવેથી હાથ હટાવ્યો. તે ચાલવા લાગી અને વસુંધરા તેની સાથે ઘર તરફ આગળ વધી.
ગવાક્ષમાંથી આ સમગ્ર ઘટના જોયા પછી ચિરૂપાક્ષજીના મનમાં અનેક વિચારોએ સ્થાન લીધું. દીપશિખા અને વસુંધરાને તે ઘર તરફ આવતા જોઈ રહ્યા હતા. મણિરાજ અને ચામવક મંદિર પરિસરમાં વાતો કરતા હતા. કિન્તુ તેઓની થતી વાતો, કે દીપશિખા અને મણિરાજ વચ્ચે થયેલો સંવાદ એને આટલે દૂરથી નહોતો સંભળાતો.
એના મનમાં જાતજાતના વિચારો ઘર કરવા લાગ્યા. "દીપશિખાએ મણિરાજની છાતી પર હાથ રાખ્યો. શું તેમની બંનેની વચ્ચે કોઈ એવી વાત થઈ હશે! ના... એ બંને તો એટલા સંસ્કારી અને સુવિચારોથી ભરેલા છે કે આવી ગલીચ કરતૂત કરી પણ ન શકે. પરંતુ શું એ બંને વચ્ચે પ્રેમ હશે? શું એ એકબીજા પ્રત્યેની લાગણીને મારા કે નગરના ડરથી દબાવી રહ્યા હશે? પરંતુ એવું કંઈ જો હોય તો દીપશિખા મને અચૂક વાત કરે. તો પછી... એવું તો નહિ હોયને, કે એ બંને પોતાના સાહિત્યની કોઈ વાત કરતા હોય અને હું ઊંધું સમજી રહ્યો હોઉં! ક્યાંક હું તો અવળી દિશામાં નથી જતોને?" એક ક્ષણમાં તો એના મનમાં કેટલાય આવા વિચારો આવી ગયા હતા.
બંને સહેલી મંદિરથી બહાર નીકળતા દ્વાર સુધી પહોંચી ગઈ હતી. ચિરૂપાક્ષજી ત્યાંથી નીચે આવ્યા. બંને સહેલી ઘરમાં પ્રવેશી. બંને વાતો કરી રહી હતી. તેમણે કહ્યું, "દીકરી! હું સંધ્યા આરતી માટે જાઉં છું."
"જી પિતાજી. તમે આરતી કરીને આવો. હું રસોઈની તૈયારી કરું છું." કહેતા તે વસુંધરા સાથે રસોઈઘર તરફ ગઈ. ચિરૂપાક્ષજી તેને ઘડીભર જોઈ રહ્યા. તેના ચાલચલનમાં કોઈ ફેર નહોતો. "નક્કી હું વહેમાયો છું. મણિરાજ અને દીપશિખા બંને સંસ્કારી છે. હું પણ એ બંને પર આવી કુશંકા કરી બેઠો!" તે હસતા બહાર નીકળ્યા અને સંધ્યા આરતી માટે મંદિરમાં પ્રવેશ કર્યો.
મણિરાજ અને ચામવક હજુ મંદિરના પરિસરમાં એમ જ ઊભા હતા. મણિરાજ થોડો નમ્રતા અનુભવી રહ્યો હતો. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું. ચામવક તેને સહાનુભૂતિ આપવા ત્યાં જ ઊભો હતો. ચિરૂપાક્ષજીને આવતા જોઈ તે બોલ્યો, "સાવધાન મિત્ર. ચિરૂપાક્ષજી આવી રહ્યા છે."
તેના શબ્દો સાંભળી મણિરાજ સ્વસ્થ થયો. પોતાના ચહેરોનો ભાવ બદલ્યો અને ચિરૂપાક્ષજી તરફ બે ડગલાં ભરી તેણે પ્રણામ કર્યા. તેમણે તેને આશીર્વાદ આપ્યા અને ક્ષણિક તેને તાકી રહ્યા. મંદિરના ગર્ભગૃહ તરફ તે બંને સાથે જતા તેના મનમાં વિચાર સ્ફૂર્યો, "કેવી વક્રતા છે આ? હજુ હું મારી જાતને ભ્રમિત થયેલી અનુભવું છું, છતાં મણિરાજ પ્રત્યે મારી દૃષ્ટિ બદલાય છે."
બાજુમાં ચાલતા મણિરાજ તરફ તેણે નજર કરી અને વિચાર્યું, "મણિરાજ એક યોગ્ય યુવાન છે. જેનાથી હું અને મારી પુત્રી બંને પરિચિત છીએ. ત્યારે આ ધીર પુરુષ મારી દીપશિખા માટે યોગ્ય ના ગણી શકાય! અચૂક ગણાય. મારે આ અંગે તેને વાત કરવી જોઈએ? એકવાર વાત કરું ખરાં, પણ શું એ મારી દીપશિખાને સ્વીકારશે? ને જો મારા કહેવાથી એ હા કહી દે અને દીપશિખા અસ્વીકાર કરશે તો? જો બંનેએ ક્યારેય એકબીજાને એવી દૃષ્ટિથી જોયા જ નહિ હોય તો?"
ચિરૂપાક્ષજીએ દીપ પ્રગટાવી સંધ્યા આરતી શરૂ કરી. પરંતુ આજે આરતી કરતા એનું ધ્યાન જોયેલા એ દ્રશ્યમાં અને મણિરાજ તરફ વધારે હતું. એ ભગવાન શિવની આરતી કરતા કરતા પણ આરતીનું ગાન કરતા મણિરાજ સામે વારંવાર જોઈ રહ્યા હતા. બહાર ચામવક મૃદંગ વગાડી રહ્યો હતો. અંતે આરતી પત્યાના સમયે ચિરૂપાક્ષજીએ પોતાના મનોમંથનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.