સરકારી પ્રેમ - ભાગ 33 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 33

બીજા દિવસે સવારે નવનીત ઊઠ્યો તો તેને તો કશું યાદ જ ન હતું કે રાત્રે એણે દારૂના નશામાં મનના ખુણે ધરબાયેલી વાતને સાફ અને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી દીધી હતી.

આ તરફ શ્રવણ પણ‌ ચુપચાપ જ હતો કારણકે એણે જ નવનીત ને મજાક ઉડાવી મજબૂર કર્યો હતો. મહેચ્છા પણ હવે ચુપચાપ નવનીત ના કેવા મેસેજ આવે છે તેની રાહ જોઈ રહી હતી. શું નવનીત ખરેખર આ રીતે આગળ વધવા માંગે છે? કે આ ફક્ત દારૂની અસર હતી.‌

નવનીત તો રાબેતા મુજબ જ વર્તમાન પત્ર ના મુખ્ય સમાચાર મોકલી ગુડ મોર્નિંગ નો મેસેજ કરે છે પણ મહેચ્છા કોઈ જવાબ નથી આપતી. મહેચ્છા પોતાની અવઢવમાં સાચી જ હતી કારણકે આ પરિક્ષા નું પરિણામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કંઈ નક્કી ન હતું.

મહેચ્છા નો બપોર સુધી કોઈ જવાબ ન આવતા નવનીત તો ગભરાઈ જાય છે. એ કદાચ જેને સ્વપ્ન ગણી રહ્યો હતો એ ખરેખર સત્ય હતું. પછી નવનીત શ્રવણને પુછે છે તો નવનીતને શ્રવણ કહે છે કે ગઈકાલે રાત્રે તેણે ખરેખર મહેચ્છા ને આઈ લવ યુ કહ્યું હતું.

નવનીત હવે તો ખુબ ખરાબ રીતે ફસાઈ જાય છે. એ‌ હવે આજીજી કરતા અને‌ માફી માંગવા લાગ્યો. પણ મહેચ્છા હજી પણ મેસેજ વાંચી લે છે પણ કોઈ જવાબ જ નથી આપતી.

નવનીત હવે અકળાઈને મહેચ્છા ને ફોન કરે છે. પહેલા બે ત્રણ વખત તો મહેચ્છા તેનો ફોન જ નથી ઉપાડતી. પણ પછી સરિતા ની વારંવારની પુછપરછ થી અકળાઈ મહેચ્છા નવનીત નો ફોન ઉપાડે છે.

"એ ય આઈ એમ‌ સોરી." નવનીત કહે છે.

"તું શું કહેવા માંગે છે? તને ભાન છે?" મહેચ્છા પુછે છે.

"અરે એ રાત્રે હું.." નવનીત હજી આગળ કંઈ બોલી જાય એ પહેલા જ મહેચ્છા કહે છે:
"ઠીક છે. સાંજે સાત વાગ્યે દિનકર દાસગુપ્તા ની ક્લાસમાં મળીને વાતચીત કરીએ." 

"ઠીક." નવનીત પણ કોઈ આજુબાજુમાં હશે એમ સમજી જાય છે.

સાંજ પડતાની સાથે નવનીત આજે કોઈ રોમેન્ટિક ડેટ માટે તૈયાર થયો હોય એમ તૈયાર થાય છે. એ ક્લીન શેવ કરી પછી સરસ ફેશનેબલ કપડાં પહેરીને મહેચ્છા ની ક્લાસ પાસે રાહ જોવે છે.

મહેચ્છા પણ સરિતા ને કંઈક મહત્વપૂર્ણ કામ છે એટલે નવનીત ને મળવાનું છે એમ જણાવી પછી નવનીત ને મળવા માટે પહોંચી જાય છે. મહેચ્છા વાદળી રંગના સલવાર સુટ માં સાવ કોઈ અપ્સરા ની જેમ લાગી રહી હતી.

નવનીત મહેચ્છા ને જોઈ ખુશ થઈ જાય છે. પણ મહેચ્છા પોતાની જાત પર કાબુ રાખી નવનીત ને નજીક જ એક હોટેલમાં જવા માટે કહે છે.બન્ને હોટેલમાં એક ટેબલ પાસે બેસી પછી વાતચીત શરૂ કરવા માટે એકબીજાને જોવે છે.

નવનીત હજી શરમાઈ રહ્યો હતો. મહેચ્છા હવે કહે છે:
"એક જ દિવસમાં આટલું બધું પરિવર્તન.."

"હા કહો ને.. શું થયું?" નવનીત શરમાય છે.

"સર આપનો ઓર્ડર?" વેઇટરે પુછ્યું.

"મહેચ્છા આજે મારી તરફ થી ડેટ છે." નવનીત કહે છે.

બન્ને કોલ્ડ કોફી અને સેન્ડવીચ નો ઓર્ડર આપે છે.મહેચ્છા તો ચુપચાપ બધું જોઈ રહી હતી. નવનીત જ કહે છે:

"હું કાલ રાત માટે ઘણો જ દિલગીર છું. મને માફ કરી દેજે. "

બસ હવે જ મહેચ્છા નો વારો હતો. એ ટેબલ પર હાથ પછાડીને કહે છે:

"નવનીત તું કાલ રાત માટે દિલગીર છે? તો મને અંહી શું કામ બોલાવી? તું દિલગીર છે એનો અર્થ છે કે તે જે કહ્યું એ ફક્ત દારૂની અસર હતી. તું મને પ્રેમ નથી કરતો." 

"હા..ના.." નવનીત શરમાય છે.

"એક વાત કર." મહેચ્છા કહે છે.

"હા હું તને પ્રેમ કરું છું." નવનીત કહે છે.

"ઠીક છે. તો મારા બધા સવાલો નો જવાબ આપ. " મહેચ્છા પુછે છે.

"હા."નવનીત કહે છે.

"મારી પ્રથમ ઈચ્છા આઈ.એ.એસ બનવાની છે. જો એ ન કરી શકી તો હું પોતાની જાતને અને પોતાના પપ્પા ને ક્યારેય મોઢું દેખાડવા લાયક નહીં રહું. 

જો તું આ તક દરમિયાન આઈ.એ.એસ ન બની શક્યો તો તારો પ્લાન બી શું છે? "મહેચ્છા પુછે છે.

" એ તો કંઈ વિચાર નથી કર્યો." નવનીત સાચી વાત કહે છે.

"એમ જીંદગી ન જીવી શકાય. તારી ઉંમર પચ્ચીસ વર્ષની થઈ. હજી સુધી જીંદગીમાં તું સેટલમેન્ટ નથી કરી શક્યો. તારી જીંદગીમાં બીજો પ્લાન છે જ નહીં.

જો હું નોકરી ન કરું તો આપણો સંસાર કેમ ચાલે? પ્રેમમાં હા પાડી તો જવાબદારી કોણ નિભાવશે. સાથે અભ્યાસ કરવો એ અલગ વાત છે અને નોકરી કરતા સહજીવન ગાળવું એ અલગ વાત છે.

હજી તારી અંદર છોકરમત ભરેલી છે. ગમે ત્યારે હા અને ગમે ત્યારે ના પાડી દે છે." મહેચ્છા કહે છે.

"તારો કોઈ પ્લાન છે?" નવનીત ગુસ્સે થાય છે.

"હા આ મારી પહેલી તક છે. જો આમાં સફળ ન થઈ શકી તો હજી ત્રણ પ્રયત્ન છે. પણ હું પપ્પા પર બોજ બનવા કરતા ટ્યુશન ક્લાસમાં ભણાવવા જઈશ. કાલથી જ એ ચાલુ કરવાની છું.

જો ચાર પ્રયત્ન પછી પણ કંઈ ન થયું તો લગ્ન કરી ઠરીઠામ થઈ જઈશ. પછી મારા પતિને જેમ ગમે તેમ.." મહેચ્છા જવાબ આપે છે.

"સર તમારી કોલ્ડ કોફી અને સેન્ડવીચ.." વેઇટરે આવીને કહ્યું.

"હા." નવનીત ગુસ્સે થી કહે છે.

"હા તો મારો ય પ્લાન છે. હું ગુજરાતમાં જઈને ઈજનેરી કોલેજમાં પાર્ટ ટાઇમ લેક્ચર લઈશ. પછી જો આઈ.એ.એસ ન બની શક્યો તો દિનકર દાસગુપ્તાની જેમ જ યુવાનો ને પ્રશિક્ષણ આપીશ." નવનીત ઉમેરે છે.

"ઠીક છે. આ જ ફાઈનલ. " મહેચ્છા સેન્ડવીચ ખાતા કહે છે.

"હા જ્યાં સુધી આપણી મુખ્ય પરિક્ષા નું પરિણામ નથી આવતું ત્યાં સુધી આપણે મળીશું નહીં. એ વખતે પછી જે પરિણામ આવે એ પ્રમાણે નક્કી કરીશું." મહેચ્છા કહે છે.

"ઠીક છે. પણ મેસેજ તો કરીશ ને?" નવનીત પુછે છે.

"હા કામ ના જ અને જરૂર પુરતા." મહેચ્છા કહે છે.

બન્ને એકબીજાને હાથ મિલાવી પછી વિદાય લે છે. નવનીત તો મહેચ્છા ના આવા વ્યવહાર થી સાવ હતપ્રભ બની જાય છે.

નવનીત તો યુવતીઓ ને લાગણીઓ થી ભરપુર અને વ્યવહારીક ન હોય એમ જ માનતો હતો. પણ મહેચ્છા સૌથી અલગ હતી. મહેચ્છા ની સરખામણીએ નવનીત ખુબ વધારે લાગણીઓ થી ભરપુર હતો.

આ તરફ મહેચ્છા પણ પોતાની જાતને કાબુમાં રાખી પોતાના વ્યવહાર થકી નવનીત ને આંચકો આપી જાય છે. પણ ઘરે પાછી આવી ખુબ રડી. એક તરફ તો મધુકર ની ઈચ્છા અને બીજી તરફ નવનીત નો પાગલ પ્રેમ.. મહેચ્છા આ મહાસાગરમાં ગોથા ખાઈ રહી હતી.

નવનીત પણ દિનકર સર પાસે જઈને પોતાની મનની વાત રજૂ કરે છે તો દિનકર સર મહેચ્છા ની જ વાત સાચી ગણી બધું જ ભગવાન પર છોડી દેવા સમજાવે છે.

ત્રણ મહિના પછી 
નવનીત હવે ગુજરાતમાં પાછો આવી ગયો હતો. એ પોતાના વચન પ્રમાણે જ ઈજનેરી કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચરર તરીકે સેવા આપી રહ્યો હતો.

મહેચ્છા પણ દિલ્હીમાં જ સમાજશાસ્ત્ર ના ટ્યુશન ક્લાસમાં ભણાવતી.