મીરાને ડર હતો કે અથર્વ તેને આ કંપનીમાંથી કાઢી મૂકશે. જેથી ઝોયાએ તેને કહ્યું, કે તેને આ કંપનીમાંથી નીકાળવી મુશ્કેલ છે.
ખબર નહિ તે ડેવિલ શું કરે એનું કંઈ નક્કી નહીં. મીરાએ ડરથી કહ્યું.
ચાલો તો જઈએ અને મારે બંને ક્લાયન્ટને ફોન કરીને મિટિંગનું પણ કહેવાનું છે. યાર આ બંને પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય તો સારું, નહીંતર હવે તો બંને ક્લાઈન્ટ આવીને ડીલ કેન્સલ કરીને ચાલ્યા જશે. લગભગ ૮ મહિનાથી પ્રોજેક્ટ અધૂરો છે. ઝોયાએ કહ્યું.
હા ઝોયા, બહુ ટાઈમથી આ પ્રોજેક્ટ બંધ છે સારું જલ્દી કમ્પ્લીટ થઈ જાય તો.
સર મેં બંને ક્લાયન્ટને ફોન કરી દીધા છે. સ્ટાર હોટલના ક્લાયન્ટ મિ.રાજ શર્માએ તો મીટીંગ કાલે જ રાખવાનું કહ્યું અને જે બી મોલના ક્લાઈન્ટ મિ.જયરાજ ભાટીયાએ મીટીંગને થોડા મહિના સુધી લંબાવવાનું કહ્યું છે. ઝોયાએ મિસ્ટર અથર્વને કહ્યું.
ઠીક છે તો કાલે મિટિંગ પછી સ્ટાર હોટેલનું જ કામ પહેલા સ્ટાર્ટ કરશું. પછી જે બી મોલનું કામ. પ્રેઝન્ટેશન રેડી કરી નાખ્યું છે સ્ટાર હોટેલનું? અથર્વએ કહ્યું.
હા સર સ્ટાર હોટેલનું પ્રેઝન્ટેશન અમે રેડી કરી નાખ્યું છે.
સારું તો પાંચ મિનિટમાં પ્રેઝન્ટેશન લઈને મીટીંગ રૂમમાં જમા થાઓ. અથર્વએ કહ્યું.
જી સર. ઝોયા કહીને બહાર આવી ગઈ અને રાહીલ, મીરા અને બીજા બધા એમ્પ્લોયને કહ્યું મીટીંગ રૂમમાં જમા થવા માટે.
અહીંયા અથર્વએ અબીરને ફોન કર્યો, અબીર મેં તને આજે ઓફિસ જોઈન કરવાનું કહ્યું હતું યાદ છે ને તને?
હા ભાઈ યાદ છે, બસ હું આવું જ છું અડધી કલાકમાં. અબીરે કહ્યું.
હમમ આવ જલ્દી. અથર્વએ કહ્યું અને પછી તે મિટિંગ રૂમમાં ગયો. બધા એમ્પ્લોય મીટીંગ રૂમમાં આવી ગયા હતા. પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. અથર્વએ મેઈન ચેર પર બેસતા કહ્યું.
મીરાએ પડદા પર પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કર્યું... પાંચ મિનિટમાં આખી સ્ટાર હોટેલનો ડેમો અથર્વએ ધ્યાનથી જોયો,.... પછી કહ્યું ઘણી બધી ભૂલ છે આમા.
આમાં ઘણી બધી જગ્યાએ જે ન હોવું જોઈએ, એ તમે ત્યાં રાખ્યું છે, કલર પેલેટ પણ બરાબર નથી.
હોટેલની ડિઝાઇન આ જ રહેશે ફક્ત અંદર ફેરફાર કરવાના છે અને લેન્ડ સ્કેપ પર ધ્યાન દેવાનું છે કારણ કે આ બહારનો ગાર્ડનનો એરીઓ પણ ઠીક નથી લાગી રહ્યો....તો તમારે બધાને કોફી ચા કે જે કંઈ કરવું હોય, ૧૦ મિનિટનો સમય આપું છું તે કરીને આવો અને ૧૧મી મિનિટે પાછા બધા અહીંયા હાજર હોવા જોઈએ, પછી હું કઈ પણ કરવાનો સમય નહીં આપું તમને.
આ સાંભળીને બધા એમ્પ્લોય પોતપોતાને જે કરવું હતું તે કરવા ચાલ્યા ગયા, કોઈ કોફી પીવા તો કોઈ લંચ કરવા કેન્ટિંગમાં ચાલ્યા ગયા.
અહીંયા મીરા રાહીલને ગુસ્સામાં કહી રહી હતી, પાંચ મિનિટમા પ્રેઝન્ટેશનમાં એટલી બધી ભૂલ કેવી રીતે કાઢી શકે તે, આપણે બધાએ એક મહિનાથી આની ઉપર કામ કર્યું હતું અને આણે થોડીવારમાં આપણી મહેનત ઉપર પાણી ફેરવી દીધું કેટલી આસાનીથી.
મીરા તેમને ભૂલ દેખાય હસે એટલે કહ્યું, હા આપણે ઘણી મહેનત કરી હતી પણ શું કરી શકીએ, બૉસ એ છે આપણે નથી. રાહીલએ તેને સમજાવતા કહ્યું.
એ બૉસ છે તો આપણે એમ્પ્લોય છીએ રાહીલ. એ તો આજના બનેલા બૉસ છે, આપણે ચાર વર્ષથી કામ કરીએ છીએ આ કંપનીમાં. મીરા ગુસ્સામાં બોલી.
મેડમ એ આજના બૉસ હોય કે પહેલાના, લેકિન બૉસ બૉસ હોતા હૈ, અને એમ પણ તે આપણી કરતા વધુ અનુભવી છે. એટલે આપણને આપણી જોબ વાહલી હોય તો એ જેમ કહે એમ જ કરવું પડશે.
વાહ રાહીલ આવ્યા હતા એ તેની હોટલનો ડેમો જોવા, હવે એ ડેમો બનાવતા આપણને શીખવાડશે ગુડ. મીરા કટાક્ષમાં બોલી.
એ તારે જે કરવું હોય તે કર, તે મારી પાંચ મિનિટ વેસ્ટ કરી નાખી. મને જવા દે કોફી પીવા નહિતર પછી એ પણ નસીબ નહીં થાય મને, અને તું પણ ચાલ મારી સાથે તને પણ સારી કોફી પીવડાવું અને તારો આ ગુસ્સો શાંત કરૂ.
એમ કહીને રાહીલ મીરાને કોફી પીવા લઈ ગયો... ત્યાં ઝોયાએ બંને માટે કોફી લઈ પણ લીધી હતી અને થોડો નાસ્તો પણ જે ત્રણેયએ બેસીને પાંચ મિનિટમાં ખાઈ લીધું. અને પાછા મીટીંગ રૂમમાં ચાલ્યા ગયા.
ઝોયાએ પ્રેઝન્ટેશન પાછું સ્ટાર્ટ કર્યું અને અથર્વએ પ્રેઝન્ટેશનમાં જે સુધારા વધારા કરવાના હતા એ એમ્પ્લોય ને બતાવતો ગયો અને બધા એમ્પ્લોય એમ કરતા ગયા. લગભગ સો ટકાના પ્રોજેક્ટમાં ચાર કલાકમાં ૪૫ ટકા જેટલો સુધારો કર્યો.
પછી અથર્વવે આખું પ્રેઝન્ટેશન પાછું પહેલેથી જોયું, તેને બધું બરાબર લાગતા તેણે કહ્યું, ઓકે ડન બધું બરાબર છે, હવે કંઈ સુધારવાનું નથી આમાં. પ્રેઝન્ટેશનની ફાઈલ બરાબર મૂકી દો. હવે બધા જઈ શકે છે....બધા મીટીંગ રૂમની બહાર ચાલ્યા ગયા....મીરા ફાઈલ ગોઠવી રહી હતી.
ત્યાં અથર્વએ પૂછ્યું, તો આ કંપનીની કર્મશિયલ અને ઇન્ટિરિયર આર્કિટેક્ચરને આ પ્રેઝન્ટેશન વિશે કંઈ કહેવું છે?
પછી મીરાએ બધી ફાઈલ સાઈડમાં મૂકીને અથર્વની આંખમાં આંખ પરોવીને કહ્યું, મિસ્ટર રાઠોડ બૉસ તો તમે છો તો હું શું કહું તમને? એમ કહું કે તમે અમારી એક મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી દીધું, કે એમ કહું... મારી ભૂલની સજા તમે અમારી મહેનતને આપો છો? પહેલા પ્રેઝન્ટેશનમાં કોઈ ભૂલ નહોતી અમારી, અમે બધું પરફેક્ટ કર્યું હતું. તો પછી એમાં સુધારો કરવાની જરૂર શું હતી? ખેર છોડો તમે તો કંપનીના બૉસ છો અને અમે તો ખાલી એક એમ્પ્લોય છીએ.
અથર્વ બોલ્યો, તને એક વાર બોલવાનું શું કહીએ, તું તો આખે આખું લેક્ચર સંભળાવી દે. તારી જબાન કંઈક વધારે પડતી જ સ્પીડમાં ચાલે છે.
મીરા ધીરે રહીને બોલી અથર્વને સંભળાય નહીં તેમ, કમસેકમ તમારી કારની સ્પીડ કરતાં તો ઓછી ચાલે છે મારી જબાન...કોઈને જખમી તો નથી કરતી.
અથર્વએ તો પણ સાંભળી લીધું હતું મીરા બોલી તે...અથર્વએ કહ્યું, મારી કારની સ્પીડ એટલી વધારે હોત ને તો તું મારી સામે અત્યારે ઉભી પણ ન હોત સમજી અને જબાનની સ્પીડ કરતાં કારની સ્પીડ સારી કેમ કે એ ખાલી માણસને બહારથી જખમી કરે છે અને જબાન માણસને દિલથી જખમી કરે છે, તો ધ્યાન રાખજે નહીંતર પાછું તને મોંઘું પડી જશે.....છોડ તને સમજાવી એટલે દિવાલમાં માથું અફાડવા જેવું છે.
મીરાને ગુસ્સો તો બહુ આવ્યો, પણ હવે એ કંઈ ન બોલી.
અથર્વએ કહ્યું એવું નથી કે હું બૉસ છું એટલે મેં આમાં સુધારા વધારા કર્યા, પણ હું પોતે એક આર્કિટેક્ચર છું અને મને જ્યાં સુધારવાનું લાગ્યું ત્યાં મેં સુધારો કરાવ્યો. આજ સુધી મારા આર્કિટેક્ચર પર કોઈએ આંગળી નથી ઉઠાવી. અથર્વ એટલું કહીને ચાલ્યો ગયો.
હા હા વિશ્વના શ્રેષ્ટ આર્કિટેક્ચર, શ્રી શ્રી અથર્વ રાઠોડ. અથર્વના ગયા બાદ મીરા બોલી અને ગુસ્સામાં ફાઇલ્સ લઈને ચાલી ગઈ.
એમ ને એમ બધા એમ્પ્લોય કામ પતાવીને ઘરે જવા નીકળી ગયા. ત્યાંજ અથર્વએ પાછી મીરાને બોલાવી.
જી સર પાછો પ્રોજેક્ટ ચેન્જ કરવો છે તમારે, તો કંઈ વાંધો નહીં, આપણી પાસે આખી રાત છે પાછો સુધારો કરવા માટે. મીરાએ કટાક્ષમાં કહ્યું.
મેં તમને બોલવાનું નથી કીધું કંઈ, એ માટે બોલાવ્યા કે પહેલાની જેમ મિટિંગમાં લેટ પહોંચવાનો ઈરાદો હોય તો અત્યારે કહી દો, તો હું કોઈ બીજાને જ પ્રેઝન્ટેશન સોંપી દઉં. અથર્વએ કહ્યું.
જી નહી અહીંયાથી સહી સલામત ઘરે પહોંચી ગઇ, તો સવારે હું ટાઈમ પર જ આવીશ તમે ટેન્શન ન લ્યો સર. મીરાએ સર શબ્દ પર વજન દઈને કહ્યું
તો વાંધો નહીં,નહિતર મને પસંદ નથી મારી મિટિંગ કોઈની સાથે સ્ટાર્ટ હોય અને મારા એમ્પ્લોય ............વધુ આવતા અંકે