પડછાયો kumar maahika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો

આજે મધ દરિયે જહાજ ડૂબી જવાને ત્રણ મહિના થઈ ગયા.કોઈ ન્હોતું બચ્યું એ તોફાનમાં.એવોજ એક જહાજનો કપ્તાન કે ખારવો કે પછી એક સાચો હમસફર ખોઈ બેઠેલી સ્ત્રી આંખો લૂછતી લૂછતી ભૂતકાળ વાગોળવા લાગી ગઈ.

વાત એ જમાનાની છે જયારે રાજાઓના રજવાડાં હતાં અને આવન જાવન માટે ઘોડાંગાડી કે બળદ ગાડાં ચાલતાં. એ જમાનામાં અત્યારનું લખપત બંદર કહેવાતું અને માંડવી થી લઇને લખપત રણ સુધી દરિયો હતો . સોદાગરો દ્દુર દેશથી આવતાં અને વસ્તુઓની આયાત નિકાસ થતી. ખારવા નાવડિયું લઇને છ છ માસ સુધી મધદરિયે મંડાણ કરતાં. એવોજ એક ખારવો જેનું નામ મહેરામણ અને અહીં એનીજ પ્રેમ ગાથા વર્ણવી છે. વાત છે પ્રેમની અને પ્રેમમાં આપેલાં વચનની.
કોટેશ્વર મહાદેવથી લખપત બંદર સૂધી આવવાં માટે બગીઓ ચાલતી. વળી લખપત બંદર હતું સાથે સાથે ત્યાં હાટ ગુજરી ભરાતી જેથી નાનામાં નાની વસ્તુ ખરીદવા કે વેચવા લખપત બંદરે માનવ મેદની ઉભરાતી. મહેરામણ રહેતો કોટેશ્વર પણ બહાર મલક વહાણમાં જતો એટલે જુદી જુદી વસ્તુઓ વેચવા લાવતો પણ અવર જવર એને પણ રહેતી. આ અવરજવર કરતા કરતાં એક દિવસ આંખથી આંખ અને હૈયે હૈયું મળ્યું. મહેરામણની દિલની ધડકન અને ધબકતો ધબકારો એટલે સવા મુખીની દીકરી તેજલ . ભરાવદાર બાંધો રંગે ગોરી અને કચ્છી પહેરવેશ એને વધુ સુંદર બનાવી દેતો. બાપની જાહો જલાલી સમયનાં વહેણમાં ક્યાંય વહી ગયેલી અને માં જન્મ દેતાં જ પ્રભુ ચરણ પામેલી એટલે ઘરનો આખો ભાર તેજલ ઉપર હતો.
શેરડી છાકે ચઢાવી રસનો ગોળ બનાવતી અને લખપત જઈ ગોળ વેચી પોતાનું ગુજરાન ચલાવતી . રંગે રૂપાળી એટલે ભલ ભલા એને પરણવા રાજી હતાં પણ તેજલને મન ટહુકતો મોરલો એટલે મહેરામણ હતો. એક દિવસ એવો આવ્યો જ્યારે પોતાનાં બાપને પણ ઈશ્વરે બોલાવી લીધા અને તેજલ એકલી પડી ગઈ . પણ મહેરામણ તેજલને પરણીને લઈ ગયો .
હવે કોટેશ્વરથી લખપત જવા તેજલ એકલી ન્હોતી મહેરામણ એની સાથે એનો પડછાયો બનીને રહેતો. બન્ને વચ્ચે એટલો પ્રેમ જેની વાત નાં થાય. એક બીજાને જોયા વગર અને એક બીજા સાથે વાત કર્યા વગર જાણે એમનાં જીવનમાં કશું હતું જ નહી . મહેરામણ જ્યારે વહાણ લઇને દેશ પરદેશ જતો ત્યારે તેજલ નીરસ થઈ જતી. સમય વીતતો ગયો અને જહાજ ઉપર મહેરામણ હવે કપ્તાન તરીકેની ફરજ બજાવવા લાગ્યો. ફાટેલા તૂટેલા કપડાં માંથી કપ્તાન તરીકેની રજવાડી વર્દીમાં મહેરામણ શોભવા લાગ્યો. જહાજની સાથે સાથે જિંદગી પણ આગળ વધવા લાગી.

આ બાજુ તેજલે પણ ગોળ વેચવાનું ચાલુ રાખેલું. બન્ને પતી પત્નીને એમનો પ્રેમ એ આવન જાવન સાથે કરવામાં વધારે લાગતો. પણ કહેવાય છે ને કે પ્રેમની પણ પરીક્ષા થાય. એક વખતની વાત છે ગોળનો પાયો કરતી વખતે ગરમ ગરમ ગોળનો પાયો તેજલની આંખમાં પડ્યો અને અંતે તેજલે પોતાની બન્ને આંખો ગુમાવી દીધી. તેજલ ઉપર જાણે વીજળી પડી. એ અંદરથી હારી ગઈ. પણ મહેરામણ એને એમ હારવા દે ખરો? એ તેજલની ખૂબ કાળજી લેવા લાગ્યો એણે હિંમત આંપી અને આંખો વગર પણ જિંદગી સુંદર છે એ શીખવાડ્યું અને સાથે સાથે આવવું જવું કામકાજ કરવું બધું શીખવાડ્યું જેથી તેજલ પોતાને પાંગળું કે હારેલું નાં જોવે.
તેજલ મારે જહાજ લઈને જવું પડશે . પાછા આવતા વાર લાગશે પણ તું ચિંતા નાં કરતી હવે તું આપમેળે બધું કરી શકે છે . હા હવે હું આંખો વગર બધું કરી શકું છું કારણ કે તમ જેવો ભરથાર આપ્યો ઈશ્વરે. તમે ચિંતા કર્યાં વગર જાઓ હું હવે સ્વનિર્ભર છૂં કારણ કે તમે હારી જવું શીખવ્યું જ નથી. બંનેની આંખો ભીની થઈ ગઈ અને પોતાની વ્હાલશોયી પત્નીથી અલગ થવાનો વખત આવ્યો . મહેરામણનું જહાજ ડૂબી ગયું સાથે સાથે તેજલનો સંસાર પણ ડૂબી ગયો. તેજલ એ તેજલ.. અલી ઓ તેજલી ક્યાં ખોવાઈ ગઈ? અને તેજલ ભૂતકાળ માંથી બહાર આવી. સામે કોકિલા માસીનો અવાજ સંભળાયો.

આજે તેજલ સાથે ભલે મહેરામણ ન્હોતો પણ એણે આપેલી હિંમત અને જીવન જીવવાની શૈલી તેજલ પાસે હતી . હવે તેજલ કોટેશ્વર નહી પણ લખપત થી થોડે દૂર કાળાં ડુંગરે આવી ગયેલી રહેવા પણ ત્યાં આજ નિયમ હતો. રોજ ગોળ લઇને લખપત વેચવા જવાનું . એજ બગીઓ અને ગાડામાં. આ આવન જાવણમાં મહેરામણ બહું યાદ આવી જતો તેજલને અને આંખોના ખૂણા ભીના કરી જતો.

બહું મોટો મને કહેતો કે તેજલ હું ક્યારેય તને એકલી નહી મૂકું હું તારો પડછાયો બનીને રહીશ. હાહ છોડી ગયોને મને. મારો મહેરામણ. તેજલને આંખો નાં હોવા છતાં મહેરામણ આવવું જવું ક્યાંથી બેસવું ક્યાં ઉતરવું શીખવી ગયેલો. અને એક નાની ઉંમરનો જુવાનિયો નામ એનું જીવલો ગાડી વાળો એ રોજ તેજલને લઈ જતો ને મૂકી જતો. એ લબ્બર મૂછીયો તેજલ સાથે હસી મજાક કરતો અને મોટા બેન મોટા બેન કરી તેજલ ને બહું હેરાન પણ કરતો અને ચિડવતો જિવલો એ પંથકમાં નવો હતો એટલે તેજલ સિવાય બીજા કોઈ સાથે એની આત્મીયતા ન્હોતી.

એક દિવસ લખપત થી વળતી વખતે જીવલાએ પૂછ્યું. તે હે બેન એક વાત પુસુ? હા પૂછને.. આ તમને ખોટુ નાં લાગે તો કહું. હવે બોલને. આ તમારે ને બનેવીને કઈ બોલાચાલી થઈ છે? બનેવી? કોણ બનેવી? જીવલા તારા બનેવી ગુજરી ગયે ટાણું થયુ. ફરી આવી મજાક નાં કરતો . શું?? જીજાજી ગુજરી ગયા છે? માફ કરજો તેજલ બેન હો . મને ન્હોતી ખબર એટલે. મેં તો આજે જ સાંભળ્યું. સાલો.. તમને ઉતાર્યા અત્યારે એટલે એ નિકળી ગયો પણ કાલે ક્યાં જશે?
કોણ ક્યાં જશે? કોની વાત કરે છે? અરે બેન જ્યારથી તમને લાવવા અને લઈ જવાનું ચાલુ કર્યુ છે એક જુવાન ઘોડો લઇને આવે છે. તમે બેસો ત્યારથી તમે ઉતરો ત્યાં સુધી પાછળ પાછળ આવે છે ને જહાજના કપ્તાન જેવો ગણવેશ હોય છે. તેજલ મારી છે, એનું ધ્યાન રાખજે, હું એનો પડછાયો છૂં ને ખબર નહિ શું બોલતો હોય છે. મને એમ કે તમે લડ્યા હશો એટલે બનેવી પાછળ પાછળ આવે છે.

તેજલ કંઈ નાં બોલી. ભીની આંખે એ એટલું જ બોલી કે જીવલા એ તારા બનેવી જ છે. મારો પડછાયો…..