કેસરી ટોપી Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેસરી ટોપી

કેસરી ટોપી

धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने।

देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः॥

ધન ધરતી પર, પશુઓ ગોશાળામાં, પત્ની ઘરના દ્વાર પર, સ્નેહીઓ શ્મશાનમાં (અંતિમ યાત્રા સુધી) સાથ આપે છે. દેહ અગ્નિમાં બળે છે, પરલોકના માર્ગે માત્ર કર્મો જ જીવ સાથે જાય છે.

એક નાનકડા ગામમાં વિજયભાઈ નામનો એક સાચો ભક્ત રહેતો હતો. તે હંમેશા પ્રભુની ભક્તિમાં ડૂબેલો રહેતો. સવારે ઊઠીને પૂજા-પાઠ, ધ્યાન અને ભજન કરવું એ તેનો રોજનો નિયમ હતો. ત્યાર પછી તે પોતાની નાની દુકાને જઈને કામ કરતો.

બપોરના ભોજનના સમયે તે દુકાન બંધ કરી દેતો અને બાકીનો સમય સાધુ-સંતોને ભોજન કરાવવામાં, ગરીબોની સેવામાં, સત્સંગમાં અને દાન-પુણ્યમાં વિતાવતો. વેપારમાં જેટલું મળે તેટલામાં સંતોષ માનીને તે પ્રભુની પ્રીતિ માટે જીવન જીવતો હતો.

હકીકત માં સંતોષી નર સદા સુખી.

પણ તેના આવા વર્તનથી ગામના લોકોને આશ્ચર્ય થતું અને તેઓ તેને પાગલ કહેતા. લોકો કહેતા: "આ તો મહામૂર્ખ છે! કમાયેલા બધા પૈસા દાનમાં લૂંટાવી દે છે. દુકાન પણ થોડી જ વાર ખોલે છે. સવારનો કમાણીનો સમય પણ પૂજા-પાઠમાં વેડફી દે છે. આ તો સાચો પાગલ છે!"

એક વાર ગામના મોટા વેપારી શેઠ હરિપ્રસાદે તેને પોતાની પાસે બોલાવ્યો. તેમણે એક ચમકતી કેસરી ટોપી બનાવડાવી હતી. શેઠે તે ટોપી વિજયભાઈને આપતાં કહ્યું: "આ ટોપી મૂર્ખો માટે છે. તારા જેવો મહાન મૂર્ખ હું હજુ સુધી જોયો નથી, એટલે આ ટોપી તને પહેરવા માટે આપું છું. પછી જો તારા કરતાં પણ મોટો મૂર્ખ મળે તો તેને આપી દેજે."

વિજયભાઈએ શાંતિથી ટોપી લીધી અને ઘરે પાછા આવી ગયા.

दैववशादुत्पन्ने सति विभवे यस्य नास्ति भोगेच्छा।

नच परलोकसमीहा स भवति धनपालको मूर्खः॥

ભગવાનની કૃપાથી ધન મળે તો તેનો ભોગ લેવાની કે પરલોક માટે (દાન-પુણ્ય)ની ઇચ્છા ન હોય તો તે માત્ર ધનનો રક્ષક છે, મૂર્ખ છે.

એક દિવસ શેઠ હરિપ્રસાદ ખૂબ બીમાર પડ્યા. વિજયભાઈ તેમને મળવા ગયા અને તેમની તબિયતની ખબર પૂછી.

શેઠે કહ્યું: "ભાઈ, હવે તો જવાની તૈયારી કરું છું."

વિજયભાઈએ પૂછ્યું: "ક્યાં જવાની તૈયારી કરો છો? ત્યાં તમારી સાથે કોઈને આગળ મોકલ્યું છે કે નહીં? તમારી પત્ની, પુત્ર, ધન, ગાડી, બંગલો વગેરે સાથે જશે કે નહીં?"

શેઠે કહ્યું: "ભાઈ, ત્યાં કોણ સાથે આવે? કોઈ સાથે નહીં આવે. એકલા જ જવાનું છે. કુટુંબ, ધન-દૌલત, મહેલ-ગાડીઓ બધું અહીં જ છોડીને જવાનું છે. ફક્ત આત્મા અને પરમાત્મા સિવાય કોઈનો સાથ નહીં રહે."

આ સાંભળીને વિજયભાઈએ તેમને આપેલી કેસરી ટોપી પાછી આપતાં કહ્યું: "આ કેસરી ટોપી હવે તમે જ પહેરો."

શેઠે પૂછ્યું: "કેમ?"

વિજયભાઈએ કહ્યું: "મારા કરતાં તો તમે જ વધારે મૂર્ખ છો. જ્યારે તમને ખબર હતી કે આખી સંપત્તિ, મકાન, દુકાન, દુનિયાદારી કંઈ સાથે જવાની નથી, તોપણ તમે આખું જીવન તેના લોભમાં ગાળ્યું. જરૂરિયાત પૂરી થયા પછી પણ વધારે કમાણીના સ્વાર્થમાં લાગી રહ્યા, શારીરિક અને ભૌતિક ઇચ્છાઓ પૂરી કરવામાં વ્યસ્ત રહ્યા. સદ્કર્મ ન કર્યા, જરૂરિયાતમંદોની સેવા ન કરી, ઈશ્વરભક્તિ ન કરી, ભજન ન કર્યા, દાન ન આપ્યું, ધાર્મિક કાર્યો ન કર્યા, ધર્મનો પ્રચાર ન કર્યો. પરલોક માટે કંઈ તૈયારી ન કરી. હવે તમે જ કહો, સૌથી મોટો મૂર્ખ કોણ છે?"

આ વાત સાંભળીને શેઠને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમના મનમાં ભક્તિનો ઉદય થયો.

જીવનની દોડમાં ધન ઘણું મળ્યું, તો શું?
સેવા-સુમન ન અર્પ્યાં, તો શું?
અંતિમ યાત્રા એકલી જ છે મિત્ર,
ભક્તિ ન ભળી, તો બધું વ્યર્થ, તો શું?

દુનિયાની માયા અને ધનનો લોભ માણસને સાચી ખુશીથી દૂર રાખે છે. સાચી ભક્તિ અને દાનમાં જ જીવનનો સાચો આનંદ છે.

ધનનો લોભ છોડી દે, ભાઈ, ભક્તિનો માર્ગ અપનાવ રે.

મૃત્યુ આવશે એક દિવસે, ફક્ત પુણ્ય સાથે જશે રે.

परोपकारः पुण्याय पापाय परपीडनम्॥

અર્થ: બીજાનું ભલું કરવું એ પુણ્ય છે, બીજાને દુઃખ આપવું એ પાપ છે. (દાન અને સેવા પુણ્યનો માર્ગ છે.)

માણસ ધન કમાવવા માટે કેવા કેવા કામો કરે છે, પણ મૃત્યુ બાદ ધન નહિ પણ કર્મ જ સાથે આવે છે.

જીવનનો સાચો અર્થ ભક્તિ, દાન અને સેવામાં છે, નહીં કે ધનના સંગ્રહમાં