ધર્મસંકટ - 3 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધર્મસંકટ - 3

બીજા દિવસે બુધવારના સૂર્યોદય સાથે જ આશ્રમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ. તો બીજી તરફ, ભીલ પ્રજાના સરદાર સુમાલીને આ ત્રણ શિષ્યોના આશ્રમમાં આગમનની ખબર મળી ગઈ. 

પેલાં સંદેશ વાહક ભીલ દ્વારા તેના કાનમાં વાત પહોંચી કે- "ઋષિ મુરુગને ગઈકાલે પોતાના ત્રણ ખાસ શિષ્યોને કોઈ અનુષ્ઠાન માટે આશ્રમે બોલાવ્યા છે..!"

"એમ? તો તો નક્કી એ જ અનુષ્ઠાન શરૂ થવાનું છે, જે આપણી આજીવિકા પર તરાપ મારશે." -સુમાલીને તરત જ અનુષ્ઠાનની શરૂઆત થવાની ગંધ આવી ગઈ, કારણ ગુરુજી અનેકવાર તેની સમક્ષ આનો ઉલ્લેખ કરતાં, અને દર વખતે પોતે તેનો ઉગ્ર વિરોધ જ કરતો હતો.

તાત્કાલિક એ જ દિવસે તેણે પોતાની ભીલ પ્રજાને એક સ્થળે એકઠી કરી.

"સાંભળો, મારા ભીલ ભાઈઓ અને બહેનો..!" -સુમાલી ક્રોધિત સ્વરે બોલ્યો- "પેલા ઋષિ મુરુગન મક્કમ છે. એકાદ બે દિવસમાં તેઓ આપણા અસ્તિત્વ પર હુમલો કરવા જઈ રહ્યા છે..! તેમણે પોતાના ખાસ શિષ્યોને બોલાવ્યા છે અને હવે એ જ અનુષ્ઠાન શરૂ કરવાના છે, જે આપણા જંગલને સંકોચી નાખશે..!"

"પણ સરદાર, એવું શા માટે કરે છે એ ઋષિ? શું એ નથી જાણતા કે આ જંગલ જ આપણું જીવન છે?" -ત્રિકંડ નામનાં એક ભીલ યુવાને પૂછ્યું.

"જાણે છે..! બધું જાણે છે..! પણ તેમને આપણા કરતાં પોતાના શાસ્ત્રો વધુ વહાલા છે..! જો આ અનુષ્ઠાન સફળ થયું, તો આપણા જંગલ ઘટશે. વૃક્ષો નાના થઈ જશે..! વનનો ફેલાવો ઓછો થશે. અને પછી, લાકડાની આવક બંધ થઈ જશે..! પશુ પક્ષી જતાં રહેશે એટલે શિકાર પણ ઘટશે..! આપણા બાળકો ભૂખ્યા મરશે..!" -સુમાલીએ ભયસ્થાનો ગણાવ્યા.

"ના..! આવું નહીં થવા દઈએ..! આપણે તેમને રોકીશું..!" -હટ્ટાકસ નામનો બીજો ભીલ યુવાન બરાડ્યો.

ભીલ પ્રજાનો ગુસ્સો ફૂટી નીકળ્યો.

"હા! આપણે રોકીશું..!" -સુમાલી બોલ્યો- "કાલે સવારે, જ્યારે એ લોકો પોતાનું અનુષ્ઠાન શરૂ કરે, ત્યારે આપણે મોટી સંખ્યામાં આશ્રમ પર પહોંચી જઈશું. આપણે તેમનો યજ્ઞ અટકાવી દઈશું..! કોઈ પણ ભોગે..! શું તમે સૌ તૈયાર છો?" 

"હાહા, તૈયાર છીએ. રોકીશું..! ચોક્કસ રોકીશું..!" -સમગ્ર ભીલ ટોળીમાં આક્રોશની આગ ફાટી નીકળી.

આમ એ સભાને અંતે, અનુષ્ઠાન સમયે જ આશ્રમ પર મોટી સંખ્યામાં પહોંચીને યજ્ઞ અટકાવી દેવાનું તેમની વચ્ચે નક્કી થયું.

તો આ બધી બાબતોથી અજાણ એવો ગુરુજીનો આશ્રમ તો આખો દિવસ અનુષ્ઠાનની તૈયારીમાં જ રચ્યોપચ્યો રહ્યો. 

અને આમ, દિવસ પૂરો થયો..!

•••••

બૃહસ્પતિવારનું પ્રભાત થયું, એટલે શ્રેષ્ઠ મુહૂર્તમાં ગુરુ મુરુગને મંગલ કાર્યનો શુભારંભ કર્યો. આશ્રમનું વાતાવરણ મંત્રોચ્ચાર અને યજ્ઞ સામગ્રીની સુગંધથી ભરાઈ ગયું. રમણ અને વિપ્લવ યજ્ઞમાં ગુરુને મદદ કરતા હતા, જ્યારે રમા પણ તેમની સૂચનાઓ મુજબ નાના-મોટા કાર્યો કરતી હતી. યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત હતો. રમણ અને વિપ્લવ ગુરુદેવની સૂચના મુજબ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા હતા.

ત્યાર સુધીમાં તો ભીલ પ્રજાની એક ટોળીએ આશ્રમ પર આવવાની સઘળી તૈયારીઓ કરી લીધી અને એ રસ્તે આવવા પ્રયાણ કરી દીધું હતું. આમાં ત્રિકંડ અને હટ્ટાકસ સૌથી છેલ્લે જોડાયા.

કાર્ય મધ્યમાં પહોંચ્યું, કે અચાનક ઋષિને અનુષ્ઠાન સંબંધી જરૂરી એવું એક કાર્ય યાદ આવ્યું.

"અરે રમણ, વિપ્લવ..! મને યાદ આવ્યું. આ અનુષ્ઠાનની પૂર્ણ ફળપ્રાપ્તિ માટે એક દુર્લભ વનસ્પતિની જરૂર પડશે. તે અહીંથી દૂર વનમાં ઊંડે ઊંડે જ મળે છે. બહુ વિચિત્ર કહેવાય કે આ અતિ મહત્વની સામગ્રી લાવવાનું ભૂલાઈ ગયું." 

"તો ગઈકાલે જંગલમાં જવાની જે વાત આપ કરતાં હતાં, તે શું આનાં માટે જ હતી." -રમણે પૂછ્યું.

"હા, અને એ તાજી જ લાવવી જરૂરી હોવાથી આજે પ્રભાતે જવાનું વિચાર્યું હતું. પણ ગજબ રીતે એ વિસરાઈ જ ગયું." -ગુરુજી બોલ્યા

"વાંધો નહીં. હું હમણાં જ ઝડપથી જાઉં છું, ગુરુદેવ. શોધી લાવીશ." -વિપ્લવ બોલ્યો.

"મને પણ મોકલો, ગુરુદેવ. હું જંગલના રસ્તાઓથી વધુ પરિચિત છું. કહો તો અમે બેઉ જઈ આવીએ" -રમણ બોલ્યો.

"ના, શિષ્યો..!" -ગુરુ મુરુગન માથું ધુણાવતા બોલ્યા- "તમે બંને અહીં અનુષ્ઠાનની દેખરેખ રાખો. આ વનસ્પતિની ઓળખ ખૂબ જ વિશિષ્ટ છે, અને તેનું વિધાન પણ ખાસ છે. શાસ્ત્રમાં વિધાન છે કે આ વનસ્પતિ કોઈ સોહાગણ દ્વારા જ ચૂંટવામાં આવે, અને તેની ઓળખ પણ કોઈ સિદ્ધ જ્ઞાની જ કરી શકે."

"તો શું હું જઈ આવું, ગુરુદેવ?" -રમાએ ઉત્સુકતાથી પૂછ્યું.

"હા, પુત્રી. તારે જવું પડશે. પણ હું તારી સાથે આવીશ. કારણ, આ વનસ્પતિ ખૂબ જ દુર્લભ છે, અને તેની સાચી ઓળખ માત્ર હું જ કરી શકીશ. વળી, વન ઊંડું અને અજાણ્યું છે, તો હું તારી સાથે રહીને તારું રક્ષણ કરીશ."

"ભલે, પિતાશ્રી..! હું તો હમણાંથી જ તૈયાર છું. કહો ત્યારે જઈએ."

"વિપ્લવ, રમણ! તમે બંને ધ્યાન રાખજો. યજ્ઞનો અગ્નિ અમે આવીએ ત્યાં સુધી અખંડ પ્રજ્વલિત રહેવો જોઈએ. શેષ આહુતિઓ અમે આવીએ તે પછી."

"ચિંતા ન કરશો, ગુરુદેવ. અમે સંપૂર્ણ કાળજી રાખીશું."

"હા ગુરુજી આપ જઈ આવો."

"જય શ્રીહરિ..!" -કહી, શિષ્યોને આશ્રમ અને યજ્ઞ સોંપી, રમા અને ગુરુ મુરુગને એકબીજાનો હાથ પકડી એ દુર્લભ વનસ્પતિની શોધમાં ગાઢ વન તરફ પ્રયાણ કર્યું. આમ, અનુષ્ઠાનમાં વિલંબ પડ્યો.

•••••

સમય વીતતો ગયો. 

રમણ અને વિપ્લવ, બંને એકલા જ આશ્રમમાં રહી યજ્ઞની દેખરેખ રાખતાં, મંગલ સૂત્રો ઉચ્ચારી રહ્યા હતાં. 

બે ઘડી વીતી ગઈ, ને ત્યાં જ આશ્રમની શાંતિ એકાએક ભંગાઈ ગઈ. જંગલમાંથી હાકોટા-પડકારા કરતું પેલું ભીલ ટોળું આશ્રમ તરફ ધસી આવ્યું. તેમના હાથમાં લાકડીઓ અને ભાલા હતાં. 

આશ્રમમાં યજ્ઞ ચાલતો જોઈ સુમાલીની આશંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ.

ગુરુજીની તો આમન્યા એ સદાય રાખતો, પણ અત્યારે અહીં તેમને ન જોતા તેની હિંમત વધી ગઈ. 

"રોકો આ યજ્ઞ..! રોકો આ વિનાશ..! ક્યાં છે ઋષિ? ક્યાં છે ગુરુજી? કેમ જંગલના દુશ્મન થયા છો?" -ગર્જના કરતો એ બોલ્યો.

"શાંત થાઓ સરદાર સુમાલી..! અમે તમારા કલ્યાણ માટે જ આ અનુષ્ઠાન કરી રહ્યા છીએ." -શાંતિ રાખવાનો પ્રયાસ કરતો વિપ્લવ બોલ્યો.

"આ અનુષ્ઠાનથી તમારા માટે ખેતીની જમીન ઉપલબ્ધ થશે, તમારું જીવનધોરણ સુધરશે. કૃપા કરીને શાંતિથી વાત કરો." -રમણે સમજાવટથી વાત શાંત કરવાનો પ્રયાસ કર્યો.

"જૂઠ્ઠા..! તમે અમારા જંગલ છીનવી લેવા માંગો છો..! અમારી આજીવિકા છીનવવા માંગો છો..? અમે આ યજ્ઞ થવા નહીં દઈએ..! રોકી દો આ બધું, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેજો..!" -સુમાલી ક્રોધમાં આંખો લાલઘૂમ કરી બોલ્યો. ગુરુજીની અનુપસ્થિતિનો લાભ લઈ લેવાનો તેનો હેતુ હતો.

સરદારની ત્રાડ સાંભળી ભીલોનો જુસ્સો બમણો થયો.

"તોડી નાખો બધું..! કોઈ યજ્ઞ નહીં થાય..!" -કોઈ એક ભીલ બરાડ્યો.

આ સાંભળતા જ, બાકીના ભીલો આશ્રમમાં ધસી આવ્યા અને અનુષ્ઠાનની સામગ્રી અને આશ્રમની વસ્તુઓમાં તોડફોડ શરૂ કરી દીધી. તો કેટલાક યજ્ઞકુંડ તરફ ધસી આવ્યા. આ જોઈ વિપ્લવને પણ ક્રોધ ભરાઈ આવ્યો છતાં પણ જાતને સંભાળતા એ બોલ્યો- "થોભો..! આ અનાદર છે..! આ પવિત્ર સ્થાન છે..!"

રમણ પણ આક્રમક સ્વરે બોલ્યો- "તમે આશ્રમનું અપમાન કરી રહ્યા છો..! આના પરિણામ સારા નહીં આવે..!"

આમ, વાતચીત હવે બોલાચાલીમાં બદલાઈ ગઈ, એટલે સામે પક્ષેથી શારીરિક હુમલાઓ શરૂ થયા. ભીલોએ લાકડીઓ અને ભાલા ઉગામ્યા.

"રમણ, ગમે એમ કરીને આપણે આશ્રમનું રક્ષણ કરવું પડશે..!" -વિપ્લવ હવે રમણ તરફ ફરીને બોલ્યો.

"હું તૈયાર છું વિપ્લવ..! ભલેને મોત આવે..!" -મરણીયા થઈને રમણે જવાબ આપ્યો અને આમ વિપ્લવનો જુસ્સો વધાર્યો.

બંને યુવકો અને ભીલના ટોળા વચ્ચે ધીંગાણું શરૂ થયું. બંને શિષ્યો સશક્ત અને હિંમતવાન હતાં, ઉપરાંત બેઉમાં ગુરુજી પ્રત્યેની નિષ્ઠાનો ભંડાર ભર્યો હતો. એટલે ભરપૂર સામનો કરી બેઉ બાજી સંભાળતા રહ્યા. પરિણામે ભીલોનું ટોળું બે ભાગમાં વહેચાઈ ગયું. પાંચ સાત ભીલ તેમની સામે લડતા રહ્યા, તો બાકીના પાંચ સાત યજ્ઞમંડપને હાનિ પહોંચાડવામાં રહ્યા. સુમાલી તેમની સાથે હતો અને જુસ્સાભેર બધી સામગ્રી નષ્ટ કરાવી રહ્યો હતો.

રમણ અને વિપ્લવ માટે બે બાજુઓ એકસાથે સંભાળવી કઠિન પડવા લાગી. છતાં ય વીરતાપૂર્વક એ ભીલોનો સામનો કરી તેમને પછાડ્યા. આમાં જોકે તેઓનાં શરીર પર પણ ઘસરકા ને ઉઝરડા પડ્યા, પણ તેને ના ગણકારી હવે તેઓ બન્ને હવન મંડપમાં થઈ રહેલી તોડફોડ તરફ દોડ્યા. 

તેમને આવતા જોઈ, સુમાલીએ ત્રાડ પાડી- "તેમને રોકો..! આ યજ્ઞ થવા ન દઈએ. કોઈ પણ ભોગે..!"

આમ સૂચના આપી પોતે બમણી ઝડપથી તોડફોડમાં ગૂંથાઈ ગયો. 

પછડાટ પામેલી પાછળની ટોળીમાં ત્રિકંડ અને હટ્ટાકસ પણ હતાં. આ બંને દુષ્ટોએ હવે કપટભરી નજરે એકમેકની સામે જોયું. 

"આ યુવાનો રોકાતા નથી. કોઈ નક્કર પગલું ભરવું પડશે." -ત્રિકંડ બબડ્યો. તેની આંખોમાં ઘાતકી ઈરાદો હતો.

 "આપણે તેમને પાછળથી ઘેરી લઈએ." -હટ્ટાકસ બોલ્યો- "પણ યજ્ઞ તો પૂરો નષ્ટ થવો જ જોઈએ..!"

આમ કહી તેણે કેડે લટકાવેલ તલવાર કાઢી. આ જોઈ ત્રિકંડએ પણ પોતાની પાસેની તલવાર છોડી. 

બીજી જ ક્ષણે ખુલ્લી તલવારો ફરકાવતા એ બંને દુષ્ટો આ બેખબર યુવાનોની પાછળ આવી ઊભા. રમણ અને વિપ્લવ, પોતાના જીવની પરવા કર્યા વિના આશ્રમનું રક્ષણ કરી રહ્યા હતા. અને ત્યારે એક જ પલકારામાં, વિશ્વાસઘાતના ઘા ઝીંકાયા.

ખચાક..! ખચાક..!

એ બંને ઘા સીધા આ વીર યુવાનોની ડોક પર જ વિંઝાયા હતાં. દુષ્ટોનો ઇરાદો ઘાયલ કરવાનો ન્હોતો; ક્રૂર હત્યાનો એ મક્કમ નિર્ણય હતો.

આંખના મીંચકારામાં બન્ને વીર પુરુષો રમણ અને વિપ્લવના માથા ધડથી અલગ થઈ ગયા. ગુરુજીના બેઉ નિષ્ઠાવાન શિષ્યો તેમના અનુષ્ઠાનનું રક્ષણ કરતાં એકસાથે વીર ગતિને પામ્યા.

બાકીનું ટોળું તો બધું ખેદાનમેદાન કરવામાં જ મગ્ન હતું, ને કોઈની આંખો બીજું કંઈ જોવા માટે નવરી ન્હોતી. પેલાં બે દુષ્ટો, ત્રિકંડ અને હટ્ટાકસ તો સરદારની નજર ચૂકવી ચુપચાપ ત્યાંથી સરકી જ ગયા.

અનુષ્ઠાનની સામગ્રી બધી તોડી ફોડી, સઘળું કંઈ વેરવિખેર કરી, હાકોટા પડકારા કરતું એ ભીલ ટોળું, પળવારમાં તો ત્યાંથી રવાના થઈ ગયું. તેમની પાછળ, આશ્રમ આખો વેરણછેરણ અને સૂમસાન થઈને રહી ગયો..!

••••••••••