ભાગવત રહસ્ય - 291 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 291

ભાગવત રહસ્ય - ૨૯૧

 

શુકદેવજી વર્ણન કરે છે-અનેક વાર ગોપીઓ યશોદાજીને ઘેર આવી તેમને કહે છે કે-

મા,મારે ઘેર લાલાને મોકલોને. ગોપીઓ લાલાને પૂછે છે કે-લાલા મારે ઘેર આવીશ ?

કનૈયો પૂછે છે કે-હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ ? ગોપી કહે છે કે-માખણ.

કનૈયો પૂછે છે કે –કેટલું માખણ આપીશ ? ગોપી સામે પૂછે છે કે-લાલા, તને કેટલું માખણ જોઈએ ?ત્યારે લાલો બે હાથ પહોળા કરી ને કહે છે કે-આટલું,બધું.

ગોપી પૂછે છે –લાલા,આટલું માખણ શું તું ખાઈ શકીશ ?

 

ત્યારે કનૈયો કહે છે-કે-હું જે માગું છું તે મારા મિત્રો માટે,મારે કંઈ ખાવું નથી.મારે તો ખવડાવવું છે.

ઈશ્વર ખવડાવીને રાજી થાય છે.ખાવા કરતાં બીજાને ખવડાવવાનો હજાર ગણો આનંદ મળે છે.

મન જેનું માખણ જેવું કોમળ થયેલું હોય અને જેના જીવનમાં સાકર જેવી મીઠાશ-મધુરતા આવે –

તેના ઘેર કનૈયો આવે. કનૈયો ગોપી પાસે માખણ માગે છે.(માખણ જેવું મન માગે છે)

 

ગોપી વિચારે છે કે-માખણ આપીશ તો કનૈયો માખણ લઈને ચાલ્યો જશે.મારે લાલા,સાથે વાતો કરવી છે.

એટલે ગોપી લાલાને કહે છે કે- લાલા,તને માખણ જોઈએ છે તો તારે મારું કામ કરવું પડશે.

કનૈયો પૂછે છે કે-હું શું કામ કરું ? ગોપી કહે છે કે- જા, પેલો પાટલો લઇ આવ.

“માખણ મળશે એટલે બાળકોને ખવડાવીશ” એવી આશા હતી એટલે લાલો પાટલો ઊંચકીને લઇ આવે છે.

પણ પાટલો જરા વજનદાર હતો એટલે તે હાથમાંથી પડી ગયો, અને સાથે સાથે લાલાનું પીતાંબર પણ કેડેથી છૂટીને પડી ગયું. પાટલો લઈને લાલાજી આવે છે પછી ગોપી કહે છે કે-લાલા,તું થોડું નાચ,પછી હું માખણ આપું. ત્યારે કનૈયો માખણના લોભે ગોપી પાસે નાચે છે.

 

જગતને નચાવનાર નટખટ કનૈયો પ્રેમને વશ થઇ આજે ગોપી સામે (નિરાવરણ) થૈ થૈ નાચે છે.

ગોપીપ્રેમ કૃષ્ણને નચાવે છે ને કૃષ્ણપ્રેમ ગોપીને નચાવે છે.

જગતનું આકર્ષણ શ્રીકૃષ્ણ કરે છે –ત્યારે શ્રીકૃષ્ણનું આકર્ષણ ગોપીપ્રેમ કરે છે.

 

વેદાંત નો એક સિદ્ધાંત છે કે-બ્રહ્મજ્ઞાન-બ્રહ્મદર્શન-થયા પછી પણ થોડી અવિદ્યા (અજ્ઞાન)નો અંશ બાકી રહે છે. કારણ કે પ્રારબ્ધ ભોગવવાનું બાકી છે.બ્રહ્મજ્ઞાનથી ક્રિયમાણ અને સંચિત કર્મોનો નાશ થાય છે પણ પ્રારબ્ધ કર્મોનો નાશ થતો નથી.પ્રારબ્ધ ભોગવ્યા પછી તેનો નાશ થાય છે.જ્ઞાનીને બ્રહ્મ-સાક્ષાત્કાર થાય પછી પણ અવિદ્યા(અજ્ઞાન)નો થોડો અંશ રહી જાય છે,એટલેકે કંઈક થોડીક માયાના આવરણ સાથે સાક્ષાત્કાર થાય છે.

 

જયારે અહીં તો ગોપીઓ બડભાગી છે કે-તે નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે,દર્શન કરે છે.

“ઉઠ ગયા પડદા દુઈકા,દરર્મિયાસે દેખ લે,અબ તેરી તસ્વીર મૈ હું,તું મેરી તસ્વીર હૈ “

ગોપીઓ પાસે માયાનો પડદો નથી,પડદો (આવરણ-માયા) ઉઠી ગયો છે.અદ્વૈત સિદ્ધ થયું છે.

પ્રેમના બંધન થી જગતને નચાવનાર-જગતનો નાથ, આજે ગોપીઓ સામે નાચે છે.

 

રસખાન કહે છે-કે-

નારદ સે ,શુક,વ્યાસ રટે,પચિહારે તું પુની પાર ન પાવૈ,

તાહિ આહિરકી છોહારિયાં છછીયાં ભરી,છાછ પે નાચ નચાવે.

(શેષ, મહેશ, ગણેશ, દિનેશ (સૂર્ય) અને સુરેશ (ઇન્દ્ર) જેમના ગુણ નિરન્તર ગાય છે, જેને વેદ અનાદિ, અનન્ત, અખંડ, અછેદ્ય, અને અભેદ બતાવે છે, નારદ, શુકદેવ અને વ્યાસ જેવા મુનિ જેમનું નામ રટે છે અને પ્રયત્ન કરીને પણ તેમનો પાર નથી પામતા, તે જ (કૃષ્ણ)ને આહીરોંની કન્યાઓ વાટકો ભર માખણ (કે છાશ??) માટે નાચ નચાવે છે.)

 

ગોપીના પ્રેમમાં બંધાયેલા શ્રીકૃષ્ણ ગોપીઓના ઘરનાં કામ કરે છે,ગોપીઓના માથે બેડું ચડાવે,

પાટલો લઇ આવે, અને ગોપીઓને આનંદ આપવા નાચે.

વ્રજની આ લીલામાં માત્ર પ્રેમનો ભાવ જ છે.તેમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી.