તલાશ 3 - ભાગ 24 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ 3 - ભાગ 24

એક સ્પષ્ટતા : તલાશ 3 માં પાછલા કેટલાક પ્રકરણોથી.જગપ્રસિદ્ધ મંદિર એવા શ્રીનાથદ્વારા પર એક હિન્દૂ શાસકે કરેલા હુમલો અને એના લૂંટાયેલા ખજાના ની વાત આવે છે. 

આમ તો મારી આ નોવેલ તલાશ 3(ફોર ધેટ મેટર, તલાશ અને તલાશ 2 પણ) કાલ્પનિક વાર્તા છે. છતાં તલાશ સિરીઝના પાત્રો (જીતુભા, એના મામા સૂરેન્દ્ર સિંહ, સુમો ડ્રાઈવર ગિરધારી, વગેરે) ઘટના કે તેમાં વર્ણવેલા પ્રસંગો (તલાશ 1 માં ડુમાર ચોકડીથી જીતુભા બસ પકડે છે ત્યાંથી ભરૂચ હાઇવે પરના ઢાબા કે મથુરામાં સરલાબહેન પરનો હુમલો, વિગેરે) સંપૂર્ણ કાલ્પનિક નથી જ.

એ જ રીતે જગપ્રસિદ્ધ મંદિર એવા શ્રીનાથદ્વારા પર આજથી 223 વર્ષ પહેલાં યશવંત રાવ હોલ્કરે ધન સંપત્તિ મેળવવા હુમલો કરેલો એ હકીકત છે. જે એ સમયે ઈંદૌરનું શાસન પોતાનું કરવા પોતાના કાકા અને ભાઈઓ સાથે સંઘર્ષ કરતો હતો. મંદિર પર હુમલો થયો એ સમયના 10 લાખ રૂપિયા માંગ્યા નગરના વેપારીઓએ ભેગા મળીને 1 લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી બતાવી. ભગવાન શ્રીનાથજી અને શહેરના લોકોને મુશ્કેલીમાં જોઈને, મેવાડ મહારાણાએ ગિરધર મહારાજને શ્રી ઠાકુરજીએ ઉદયપુર પધરાવવાની વિનંતી કરી. અને તરત જ દેલવાડાના રાજા કલ્યાણસિંહ ઝાલા, કુંથવાના ઠાકુર વિજયસિંહ જી, ચુંદાવત સંગાવત અગરિયાના ઠાકુર જગતસિંહ જેટ માલોત, મોઈના જાગીદાર અજીતસિંહ ભાટી, શાહ એકલિંગ દાસ બોલ્યા અને જમાદાર નાથુસિંહ ને સૈન્ય સાથે નાવર તરફ મોકલ્યા. મેવાડની બહાદુર સેના નાથદ્વારા આવી અને ભીષણ યુદ્ધ કર્યું. લગભગ 10 મહિના ઉદયપુરમાં બિરાજ્યા પછી બાજુમાં આવેલા ઘસિયાર ગામમાં શ્રી નાથદ્વારા મંદિરની પ્રતિકૃતિ તૈયાર થઈ ગઈ એટલે શ્રીનાથજી અને અન્ય સ્વરૂપો ને ત્યાં પધરાવવામાં આવ્યા. લગભગ 5 વર્ષ પછી ઘસિયારનું વાતાવરણ અને પાણી અનુકૂળ ન હોવાથી અને શાંતિ સ્થપાઈ હોવાથી શ્રીનાથજી અને નવનીત પ્રિયાજીનું પુનઃ સ્થાપન શ્રી નાથદ્વારામાં થયું. આ સત્ય કથા છે. ઉપરાંત ઈસવીસન 1802 માં જાન્યુઆરી મહિનામાં નાથદ્વારા મંદિર પરના હુમલા પછી ઓક્ટોબર 1802 સુધી અહીં થી ત્યાં ભટક્યા પછી યશવંતરાવના દિવસો ફર્યા. અને દરેક જંગમાં જીત મળવા લાગી 1806 માં અંગ્રેજો સાથે શાંતિ કરાર થયા અને 1811માં માત્ર 34 વર્ષની ઉંમરે એનું અવસાન થયું. એના મૃત્યુ સમયે તેનું એક માત્ર સંતાન એના દીકરો (કે જેનું નામ મલ્હાર રાવ ત્રીજો હતું.) ની ઉંમર માત્ર 5 વર્ષની હતી ઇંદોરની ગાદી એને મળી. એના વતી એની માં અને યવંતરાવનીમાં એટલે કે મલ્હાર રાવ ત્રીજાની દાદી શાસન સાંભળતા હતા, પણ  કોઈ અકળ કારણોસર માત્ર 25 વર્ષની ભર યુવાન વયે. 2031 માં એનું મૃત્યુ થયું અને પછી જાણે એ રાજગાદી શાપિત હોય એમ બીજા 5-6 વર્ષમાં બીજા 3-4 ગાદી વારસો બદલાય ગયા.  

હવે આ સત્ય કથા કાલ્પનિક રંગ પૂરીને તલાશ 3 માં એક એવા શાપિત ખજાનાની વાત મંડાઈ છે કે તેના છાંટા 200 વર્ષ પછી અત્યારના વાર્તા નાયક જીતુભા એના પરિવારના સભ્યો અને અન્ય સુધી ઉડી રહ્યા છે.   

 

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 

"આવો મહાવીર રાવ આવો. ક્યારે ઇન્દોરમાં આવ્યા?"
"રાવ તમારો સંદેશો મળતા જ મારતે ઘોડે આવી પહોંચ્યો." 42-45ની આજુબાજુ પહોંચેલા મહાવીર રાવે એનાથી 30-32 વર્ષ નાના એવા બાદ રાજાને ઝૂકીને સલામ મારતાં કહ્યું. આ મુલાકાત રાવના અંગત દીવાનખાનામાં થઇ હતી. બાળ રાજા એક ખુરશી પર બેઠા હતા. એ ખુરશી પાછળ એક ચક (પડદો) ઢોળ્યો હતો. મહાવીર રાવ સમજી ગયો કે રાજ માતા અને દાદી સા, એ ચકની પાછળ બેઠા છે અને બધો વાર્તાલાપ સાંભળે છે.

"શુ ચાલે છે તમારી જાગીર માં? બધું કુશળ તો છે ને? કોઈ પીંઢારા લૂંટારા ની સમશ્યા તો નથી ને.? સિંધિયા ના લશ્કરની કઈ તકલીફ?" બાળ રાજા મલ્હાર રાવ ત્રીજો કોઈ વડીલની જેમ પૂછી રહ્યા હતા. મહાવીર રાવ ને સમજાયું કે રાજમાતા અને દાદીજી એ શીખવેલા પ્રશ્નો પુછાય રહ્યા છે. 

"જી પ્રભુકૃપાથી બધું હેમખેમ છે."

"અને તમારા બાળકો?  મહીપત તો લગભગ મારી હેડી નો જ છે. બીજી વાર આવો ત્યારે એને સાથે લાવજો. એ પણ દરબારની રીત ભાત શીખશે."  

"જરૂર લઇ આવીશ હુકમ" મહાવીર રાવે જવાબ આપ્યો. ત્યાં ચકની પાછળથી કંઈક ગણગણાટ થયો મહાવીર રાવને સમજાયું નહિ કે કોણ અને શું કહે છે. બેક મિનિટ પછી મલ્હારરાવે મહાવીર રાવને કહ્યું. "માં સાહેબ કહે છે કે બાપુ સા પાસે કોઈ બહુ જ મોટો ખજાનો હતો. તમે એના વિશે શું જાણો છો.?" આ સાંભળતા જ મહાવીર રાવને લાગ્યું કે આ દુનિયા ગોળ ગોળ ફરી રહી છે. સહેજ સ્વસ્થતા ધારણ કરીને એણે કહ્યું. "રાવ, એ ખજાનો નથી હતો. એ દેવ દ્રવ્ય હતું. અને રાવ જસવંત સિંહે, સલાહકારની ચડામણીથી એ હાસિલ કરવાની કોશિશ કરી હતી. પણ માત્ર થોડા જ દિવસોમાં કુદરત એવી રૂઠી કે એમને ઠેર ઠેર ભટકવું પડ્યું, પછી કોઈ મહાજ્ઞાની પંડિતની સલાહ અનુસાર એમને ભગવાનની ભર દરબારમાં માફી માંગી, અને ખજાનો પરત શ્રી નાથદ્વારા પહોંચાડવાનું નક્કી કર્યું. અને ચમત્કાર થયો રાવના સારા દિવસો શરૂ થયા. જ્યાં હાથ નાખે ત્યાં સફળતા અને વિજય મળવા માંડ્યું. અને એ ખજાનો પણ અનેક ઠેકાણે રાવના કહેવાથી ફેરવવા માંડ્યો (અહીં મહાવીર રાવ ખોટું બોલ્યો) 1806માં આપના જન્મ વખતે જ મારા લગ્ન થયા અને ઇંદોરની રાજગાદી પર આપના બાપુ સા, બિરાજમાન થયા. હું સંસારમાં પડ્યો હતો. એટલે લગભગ 3-4 વર્ષ મારુ ઇન્દોરમાં આવવાનું સાવ જ ઓછું થયું હતું. એટલે મને એ ખજાના વિશે ઝાઝી ખબર નથી."મહાવીર રાવે ભારે ઉચ્છશ્વાસ છોડતા વાક્ય પૂરું કર્યું.  અને કમરામાં લગભગ 3-4 મિનિટ મૌન છવાઈ ગયું. મહાવીર રાવ ને લાગ્યું કે વાત પતી ગઈ. એ ઉઠવાનું વિચારતો જ હતો ત્યાં. ચક ની પાછળ થી દાદી સા નો ભારે અવાજ સંભળાયો. 

"મહાવીર, તું મારા દીકરા જેવો જ છે, આપણું કુટુંબ એક જ છે. અને આડા દિવસો માં તે જસવંત રાવ સાથે ખભે ખભો મેળવીને સાથ આપ્યો છે. મેં મલ્હાર રાવને સૂચન કર્યું છે કે તારી પૂર્ણ જાગીર તને પછી સોંપી દેવામાં આવે, એણે હમણાં એમાંથી 2 ગામ તને સોંપવાની વાત માની લીધી છે. અને આ ખજાનાની કંઈક ઉપયોગી જાણકારી તું લઈને આવીશ એટલે તારી આખી જાગીર ઉપરાંત બીના 2-3 ગામ હું તને સરપાવ તરીકે અપાવી દઈશ. મને ખબર છે કે એ વખતે બહુ ધમાલ હતી. કોઈના માથા માથે માથું ન હતું. કોણ ક્યાં શું કરી રહ્યું છે એ વિષે બહુ જ ઓછી જાણકારી લોકો ને હતી, મને ખબર છે કે જસવંતરાવના 3-4 વફાદારો માં તું પણ હતો એટલે જો ખજાનાની તને ખબર ન હોય તો એ તપાસ કર, કે એ વખતે જે તારા જેવા બીજા કોણ કોણ જસવંત રાવની આજુબાજુ હતા. એમનો સંપર્ક કર"

"જી માં સાહેબ, હું પાકું તો નથી કહેતો કે ક્યારે એ કામ થશે. પણ હું મારા પુરા પ્રયત્ન કરીશ કે એ ખજાના ના ખબર ઇન્દોર નરેશ મલ્હારરાવ જી સમક્ષ હું જલ્દી થી પહોંચાડીશ."  

"સાબાશ, ઇન્દોરની ગાદી ને તમારા પાસેથી આ જ જવાબ ની અપેક્ષા હતી." કહી, બાળ રાજા મલ્હારરાવે જોરથી તાળી વગાડી અને સાઈડના દરવાજેથી એક નોકર હાથમાં એક થાળ લઇ અને આવ્યો. એ થાળમાં ઇન્દોર રાજની રાજવી પાઘ, સાલ અને એક તાંબાનું પતરું હતું. એમાં લખ્યું હતું કે 'આજથી ફલાણા ફલાણા ગામની મહેસુલી આવક સુવાંગ મહાવીર રાવને મળે.' બાળ રાજા એ મહાવીર રાવને સાલ ઓઢાડી અને પાઘ એના હાથમાં સોંપી અને કહ્યું. "આ તમારા જે 2 ગામ ઇન્દોર રાજ્ય એ જપ્ત કર્યા હતા એ આજથી પાછા તમને સોંપું છું અને જો મેં સોંપેલું કામ પૂરું કરશો તો તમારી બાકીની જાગીર ઉપરાંત બીજા 5 ગામનો સંપૂર્ણ ભોગવટો તમને આપીશ." મહાવીર રાવ માટે આ લલચામણી ઓફર હતી. પણ, એનો આત્મા આજે અચાનક ભગવાનના ખજાનાની વાત વરસો પછી પછી નીકળતા જાગી ઉઠ્યો હતો.

xxx 

"જીતુભા, એક કરોડ રૂપિયા નાની રકમ નથી. એટલે ના પાડવાનું તો વિચારતો જ નહિ, અને દગો કરવાનું વિચારીશ, તો તું તો ક્યારે મુંબઈ પહોંચીશ એ પહેલા જ મારો ઈશારો થતા જ મારા માણસો તારી પ્રેમિકા અને બહેનને ઉઠાવી લેશે. આમ તો અમારો રુલ છે કે દોસ્ત હોય કે દુશમન અમે એના ઘરના લોકો ડિસ્ટર્બ કરતા નથી. પણ શું છે કે અમારા કામ માં જુવાનિયાવજ વધારે પડતા છે. અને કામ માટે ઘણા દિવસો કે મહિનાઓ સુધી પોતાની પત્ની પ્રેમિકા ને પોતાના ઘરે રાખીને ફરવું પડતું હોય છે. હવે જુવાની ચટકા ભરતી હોય અને એમાંય, તારી બહેન જેવી કે પ્રેમિકા જેવી યુવાન સ્ત્રીને ઉપાડીને ક્યાંક ભૂગર્ભમાં સંતાયા હોય ત્યારે દિવસો સુધી અમારો ય એમની સાથે કોન્ટેક ન થતો હોય એવામાં ક્યારેક.. શું છે કે એમાં એનો વાંક નથી હોતો. તું જુવાન છે તને બધું સમજાવવાનું ન હોય." સાવ સામાન્ય અવાજમાં ધમકી આપતા શંકર રાવે કહ્યું. અને જીતુભા ગુસ્સાથી ખદબદી ઉઠ્યો એને મન થયું કે કારમાંજ શંકર રાવનું ગળું દબાવી દઉં. પણ હજી સુધી એણે માત્ર સોનલ મોહિનીની જાસૂસી કરવા સિવાય કઈ પગલું ભર્યું ન હતું. વળી જીતુભા વિક્રમે ઉભી કરેલી મુશ્કેલી માંથી માંડ બહાર આવી રહ્યો હતો એના મામા સલામત છે એ ખબર એને શંકર રાવે જ આપ્યા હતા. એણે વિચાર્યું કે હું આને ના કહી દઉં. અને પાછો મુંબઈ ભેગો થઇ જાઉં. પૃથ્વીને પણ એક વાર જલ્દી મળવું પડશે. મામાનો કોન્ટેક્ટ કરવો પડશે. એ શંકર રાવને ના કહેવા જ જતો હતો. ત્યાં, શંકર રાવનો મોબાઈલ રણકી ઉઠ્યો. એણે ફોનના આન્સરનું બટન દબાવ્યું અને પછી જીતુભા પર પ્રભાવ પાડવા ફોનનું સ્પીકરનું બટન દબાવ્યું અને જીતુભા ને સાંભળવા ઈશારો કર્યો. પછી કહ્યું. "હા બોલ લખન, શું ખબર છે, કામ પત્યું કે નહિ?"

"હા રાવ, તમે જીતુભાને લઇ ને નીકળ્યા પછી મંગલ ઘરે જવા ઉદયપુર બાજુ નીકળ્યો. મેં મારા માણસો ગોઠવી રાખ્યા હતા. ઉદયપુરથી 10 કિમી પહેલા એક ટ્રક ડ્રાઈવરે એનું કામ તમામ કરી નાખ્યું."

"શાબાશ, હવે એનો ફોન મને સાંજે, મારા ઘરે પહોંચતો કરી દે જે, કેમ કે કાલ થી તું 2-3 દિવસ હાજર નહિ રહી શકે. એનો ફોન બહુ અગત્યનો છે. એ બહુ કામનો માણસ હતો પણ એણે દગો કરવાનું વિચાર્યું. ખેર સાંજે મળીયે હું જીતુભા સાથેની મિટિંગ પુરી કરી લઉ" કહીને ફોન કટ કરતો હતો ત્યાં લખન સિંહની ચીસ સાંભળ, "રાવ, એક પ્રોબ્લેમ થયો છે."

"શું? બોલ, કોઈએ તમને લોકો ને જોઈ લીધા? ઓળખી લીધા?"

"ના હું એ બાબતે બહુ ચોક્કસ છું આગળ પાછળ 4 કિલોમીટર બધા રસ્તા બંધ કરાવી દીધા હતા. એટલે એ પ્રોબ્લેમ નથી પણ મંગળનો ફોન મળતો નથી."

"સા... ભે....xxx   "માં બહેનની ગાળો બોલતા એણે ફોનનું સ્પીકર બંધ કર્યું અને ફોન પોતાના કાન પર માંડ્યો અને ભાવવિહીન અવાજે ફોનમાં કહ્યું. “24 કલાક આપું છું. જો તું શોધી શકે તો ફોન શોધીને મારી પાસે આવી જજે. નહીતો સાંભળ્યું છે કે, તારી દીકરી કોલેજમાં જતી થઇ ગઈ છે. તારો બનેવીય મારી ઓફિસની સામે સ્ટેશનરીની દુકાન નાખીને બેઠો છે. હમણાં 2-3 વર્ષ પહેલા જ તારી બહેનના એની સાથે લગ્ન થયા છે. જુવાની ફાટફાટ થાય છે એ બેય ની. અને તારી ઓકાત તું જાણે છે.  એ બન્નેનો ઉપયોગ તારી નજર સામે જ હું, થાક દૂર કરવા કરીશ અને પછી જો એ જીવતી રહેશે તો મારા માણસો આનંદ પ્રમોદ કરશે." 24 કલાક તારી રાહ જોઇશ" કહી એણે ફોન કટ કર્યો અને પછી જીતુભાને કહ્યું. 

"જીતુભા, એક કામ કરો, લખનને ભૂલીજા, અને મારો ડાયરેક્ટ નંબર લખી લે.”

"તમે આપેલી માહિતી ચકાસીને હું 2 દિવસમાં તમને કહીશ કે હું આ કામ કેટલા દિવસમાં કરી આપીશ." કહી જીતુભા એ શંકર રાવે આપેલ ડાયરી અને પાંચ લાખ રૂપિયા પોતાના સોલ્ડર પાઉચમાં મુક્યાં. ફોનમાં સાંભળેલા વાર્તાલાપથી એ ગુસ્સાથી ધમધમી રહ્યો હતો. કોઈકની બહેન દીકરી ને એની નજર સામે જ બે ઈજ્જત કરવાની શંકર રાવની વાતથી એ બરાબરનો ગિન્નાયો હતો. એણે અનોપચંદ સાથે વાત કરવાનું વિચાર્યું હતું. સોનલ મોહિની કરતા એને હવે લખન સિંહની બહેન અને દીકરી ની ચિંતા હતી એ શંકર રાવ જેવા રાક્ષસ ના હાથમાંથી એ બન્ને ને છોડાવવા તત્પર થયો હતો.  

 

ક્રમશ:   

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.