સોલમેટસ - 7 Priyanka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોલમેટસ - 7

અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અને અદિતિના ઘરમાંથી વિદાય લઇ રહ્યા હતા. બાર દિવસ સુધી માણસોની સતત અવરજવરના લીધે થોડું ઘર ભર્યું લાગતું હતું પણ આજે અદિતિના મમ્મી-પપ્પા માટે આ ઘર જાણે ખાવા દોડતું હતું. એમની એકની એક લાડલી દીકરી એમની વચ્ચે નથી એને આજે તેર દિવસ થઇ ગયા છતાં પણ આ બધું જાણે અત્યાર સુધી દિવાસ્વપ્ન જેવું જ લાગતું હતું.

બધા મહેમાનોના ગયા પછી અદિતિના મમ્મી-પપ્પા અદિતિના રૂમમાં ગયા. આટલા દિવસોમાં પણ અદિતિના રૂમને એના મમ્મી-પપ્પાએ ખોલવા નહોતો દીધો કેમકે એમના માટે અદિતિનો રૂમ એટલે એમની અદિતિ સાથેની યાદો.

આ તેર દિવસમાં રડી રડીને થાકેલી આંખો હવે આંસુ ટપકાવી નહોતી શકતી. હ્રદયમાં બસ ખાલીપો અને જીંદગીમાં શૂન્યાવકાશ. બંને જણાએ અદિતિના બેડ પર બેસી અને રૂમને જોયા કર્યો. અદિતિને એસ્થેટિક વસ્તુઓનો ભારે શોખ હતો એટલે એના રૂમને પણ એણે એવી રીતે શણગારેલો હતો. એના મમ્મીની ના છતાં વ્હાયટ કલરનો બેડ, બાજુમાં એવી જ ડીઝાઇન અને કલરનું બેડસાઈડ ટેબલ અને તેની ઉપર ગોલ્ડન કલરનો નાઈટલેમ્પ. અદિતિને તૈયાર થવાનો ખાસ શોખ નહોતો એટલે વ્હાઈટ કલરના કપબોર્ડમાં જ એક ફૂલલેન્થ મિરર હતો. વાંચવાની શોખીન અદિતિએ એનું રીડીંગ ટેબલ ખુબ સરસ ડેકોરેટ કર્યું હતું. ટેબલ પર રાખેલી શેલ્વ્સ પર થોડી બુક્સ અને કિનારી પર ગોલ્ડન કુંડામાં રાખેલો સ્નેક પ્લાન્ટ રૂમની શોભા વધારતો હતો. પાણીની ખુબ ઓછી જરૂરિયાત વાળો સ્નેક પ્લાન્ટ પણ તેર દિવસના ઘરના વાતાવરણના કારણે મુરજાયેલો હતો.

અદિતિના પપ્પાનું ધ્યાન જતા એમણે ઉભા થઈને પાણી લાવી અને કુંડામાં રેડ્યું. આ જોઈને એની મમ્મીના આંખમાંથી પાણી આવી ગયા. એમને અદિતિના પપ્પાને કહ્યું, ‘હવે શું જરૂર છે આ છોડને જીવતો રાખવાની કે આપડા જીવનની. એકની એક છોકરી આપડે ગુમાવી જેના લીધે આપડે જીવતા હતા. આ જીવનનું હવે શું કરશું?’

અદિતિના પપ્પા આજે સ્વસ્થ હતા. એમને પ્રેમથી અદિતિના મમ્મીના માથે હાથ ફેરવ્યો અને કીધું, ‘જો આપડી અદિતિ ભલે આપડાથી દુર થઇ પણ આ યાદો તો આપડી સાથે જ છે ને? હજુ અદિતિને ન્યાય નથી મળ્યો અને એ હજુ આપડી આસપાસજ હશે અને આપણને જોતી હશે તો દુખી થશે. આ રૂમના ખૂણા ખૂણામાં એની યાદો છે અને જ્યાં સુધી એને ન્યાય નઈ મળે ત્યાં સુધી આપડે જીવવાનું છે.’ અદિતિના પપ્પાના ફેસ પર એક અજબનો ગુસ્સો અને દ્રઢતા હતી.

આ બાજુ આરવ પણ અદિતિની ડાયરીને ખોલવાની હિંમત નહોતો કરી શકતો. એ ડાયરી જુએ અને એને અદિતિની યાદ સતાવતી. અદિતિની ડાયરીને હમેશા એની પાસે રાખતો. જાણે એ જીવતી જાગતી અદીતીજ હોઈ એમ વ્હાલ કરતો.

અદિતિના ગયા પછી એણે કોલેજ જવાનું પણ મૂકી દીધું હતું અને જાય પણ કેમ? ત્યાં જવાનું એકમાત્ર રીઝન એની અદિતિ હવે આ દુનિયામાં નહોતી. ઘરના લોકોએ એને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ આરવ હજુ અદિતિની યાદમાંથી બહાર નહોતો આવી રહ્યો. તેણે જાણે પોતાની જાતને એના રૂમમાં પૂરી રાખી હતી. ઘરના લોકો પણ ટેન્શનમાં હતા કે ક્યાંક આરવ પણ અદિતિ જેવું કોઈ પગલું ના ઉઠાવી બેસે.

આટલા સમયમાં અદિતિના અને આરવ બંનેના ઘરમાં એમના સંબંધની જાણ થઇ ગઈ હતી એટલે આરવની ચિંતા અદિતિના મમ્મી-પપ્પાને પણ હતી. એટલે જ આજે એ આરવના ઘરે આરવને સમજાવવા આવ્યા હતા.

અદિતિના પપ્પા આરવના રૂમમાં આવે છે અને એના ખભા પર હાથ મુકે છે. અદિતિના પપ્પાને જોઈ આરવ શોકમાં આવી જાય છે. અદિતિના પપ્પા આરવની બાજુમાં બેસે છે, ‘આરવ, મને તારા અને અદિતીન સંબંધની જાણ થઇ ત્યારે અદિતિ આ દુનિયામાં આપણને મુકીને જતી રહી હતી એટલે હવે આ સંબંધને આપણે આગળ પણ નઈ લઇ જઈ શકીએ. પણ બેટા, હું તને મારો દીકરો જ ગણું છું અને એ રુએ હું તને સમજાવવા આવ્યો છું કે અમે પણ હવે પરિસ્થિતિ સ્વીકારવા માટે પ્રયત્નો કરીએ છીએ એમ તું પણ આ પરિસ્થિતિને સ્વીકાર. હજુ આગળ જિંદગી પડી છે, તારું ભણતર પણ બગડે છે. શું તને આવી રીતે જોઇને અદિતિ જ્યાં હશે ત્યાં ખુશ રહી શકશે? બેટા, તું ભણીશ,આગળ વધીશ તો તારા મમ્મી-પપ્પાને, અદિતિને અને હવે અમને પણ ખુશી થશે.’ આટલું બોલતાજ અદિતિના પપ્પા રડવા માંડ્યા.

એમને રડતા જોઇને આરવની આંખમાં પણ આંસુ આવી ગયા. અત્યાર સુધી સંઘરી રાખેલા આંસુ આજે દરિયાની જેમ બંનેની આંખો માંથી બહાર આવતા હતા. થોડા સ્વસ્થ થઈને આરવે અદિતિના પપ્પાના હાથ પર પોતાનો હાથ મુક્યો અને કહ્યું, ‘અંકલ, અદિતિને જયારે મેં અપનાવી ત્યારથી હવે એના મમ્મી-પપ્પા પણ મારા જ કહેવાય. એટલે એ નાતે હવે તમે બંને એકલા નથી, હું પણ તમારો જ દીકરો છું. મારી માટે હવે જેટલા મહત્વના મારા પેરેન્ટ્સ છે એટલા જ હવે તમે છો.’ આટલું સાંભળતાજ બારણે ઉભેલા અદિતિના મમ્મી અને આરવના મમ્મી-પપ્પાની આંખો ભીંજાઈ ગઈ.

આજે અદિતિના મમ્મી-પપ્પાના ગયા પછી આરવ થોડો સ્વસ્થ થયો હતો. ઘણા દિવસથી જીવની જેમ સાચવેલી અદિતિની ડાયરીનું પ્રથમ પેજ ખોલીને આરવ અદિતિના મરોડદાર અક્ષરો પર હાથ ફેરવી રહ્યો હતો.

અદિતિની આછા ગુલાબી કલરની ડાયરીના પ્રથમ પેઈજ પર લખેલું હતું “અદિતિ”. આરવનું ધ્યાન અદિતિની ડાયરી વચ્ચેથી ઉપસેલી હતી તેની તરફ ગયું. એ ઉપસેલી જગ્યા નું પેજ જોતા એ આશ્ચર્યચકિત થઇ ગયો. એક સુંદર ચાંદીની રીંગ હતી જેમાં ‘LOVE’ કોતરણી કરીને લખેલું હતું.

આરવે રીંગ હાથમાં લીધી અને વિચારમાં ડૂબ્યો કે આ રીંગ તો એણે અદિતિને નથી આપી તો આ રીંગ અદિતિને કોણે આપી?

***

આવી LOVE લખેલી રીંગ અદિતિને કોણે આપી હશે? આગળના ભાગમાં તમે જોયેલું કે સેક્ટર-૨૮ના ગાર્ડનમાં રુશી અને આરવ સાથે બેઠેલા ત્રીજા વ્યક્તિ પર એસપી ઝાલાને શંકા છે. જેનું આ પ્રકરણમાં કોઈ ઉલ્લેખ નથી કરાયો. કેમકે એ સિવાયના અદિતિ સાથે સંકળાયેલા લોકોની મન:સ્થિતિ જણાવવી પણ અગત્યની હતી.