વિશ્વનાં કુખ્યાત ધુતારા Anwar Diwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વનાં કુખ્યાત ધુતારા

પોતાના ફાયદા માટે બીજાને ગેરમાર્ગે દોરનારને આપણે ઠગ કહેતા હોઇએ છીએ જો કે ઇતિહાસમાં ઠગ એક એક સમુદાય માટે વપરાતો શબ્દ હતો જે તેમના શિકારને લલચાવીને તેમને લુંટી લેતા હતા હતા અને મોતને ઘાટ ઉતારતા હતા.અંગ્રેજીમાં છેતરપિંડી કરનારાઓ માટે કોનમેન શબ્દ વપરાય છે.આપણે ત્યાં ઠગ, ધુતારા જેવા શબ્દો વપરાય છે.આવા પ્રકારના લોકો દરેક જમાનામાં અસ્તિત્વ ધરાવતા હોય છે અને તેમની છેતરપિંડીની રીતો આશ્ચર્ય ચકિત કરનાર હોય છે.

ફ્રાંક એબેન્ગલ એ ધુતારો હતો જેણે દુનિયાના લગભગ ૨૬ દેશોમાં લોકોને નકલી ચેક આપીને અઢી મિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી.હોલિવુડની ફિલ્મ કેચ મી ઇફ યુ કેન તેના જીવન પર આધારિત હતી.તે નાનો હતો ત્યારથી જ છેતરપિંડીની શરૂઆત કરી હતી તેણે પોતાના પિતાના મોબિલ કાર્ડનો ઉપયોગ કરીને કારના પાર્ટસ ખરીદ્યા હતા અને તેને ત્યારબાદ સસ્તા ભાવે પેટ્રોલ સ્ટેશનને વેચી દીધા હતા.જો કે તેના પિતાને તેના આ જાકુબીના ધંધાઓ અંગે ખબર પડી ગઇ હતી તેની માતાએ જ તેને સુધારવા માટે જ્વેનાઇલ હોમમાં ચાર મહિના માટે મોક્લ્યો હતો.ત્યારબાદ તે ન્યુયોર્ક ગયો હતો અને ત્યાં તેની પાસે આવકનું માધ્યમ તેની છેતરપિંડીની કલા જ હતી.તેની સૌથી સરળ રીત એ હતી કે તે નકલી બેન્ક ડીપોઝીટ સ્લીપ પર પોતાનો એકાઉન્ટ નંબર છપાવતો હતો અને તેના પર જ્યારે કોઇ ક્લાયન્ટ બેન્ક ડિપોઝીટ કરે  ત્યારે તે રકમ તેના ખાતામાં જતી હતી જો કે બેન્કોને તેની આ ટ્રીકની ખબર પડી ત્યાં સુધી તો તે ચાલીસ હજાર ડોલર ઉઠાવીને રફુચક્કર થઇ ગયો હતો.તે બે વર્ષ લગી તો પોતાની જાતને પાયલોટ ગણાવીને વિશ્વમાં  મુસાફરી કરતો રહ્યો હતો.તેનું કારણ એ હતું કે ત્યારે એક કંપનીનો પાયલોટ બીજા શહેરમાં અન્ય કંપનીની ફ્લાઇટમાં જાય તો તેને મફતમાં મુસાફરી કરવાની તક વિમાની કંપનીઓ આપતી હતી.જ્યારે તેને લાગતું કે તે પકડાઇ જવાનો છે ત્યારે તેણે પોતાનો વ્યવસાય બદલીને તબીબ કરી નાંખ્યો હતો.તે મેડિકલ સુપરવાઇઝર તરીકે અગિયાર મહિના કામ કરતો રહ્યો હતો અને કોઇની પકડમાં આવ્યો ન હતો.તે ક્યારેક વકીલ અને ક્યારેક શિક્ષક બનીને લોકોને છેતરતો હતો.જો કે ફ્રાંસમાં તેની ચાલાકી કામ લાગી ન હતી અને તેને છ મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા.ત્યારબાદ તેને સ્વીડન પ્રત્યાર્પિત કરાયો હતો જ્યાં તેને છ મહિના વધુ જેલમાં વિતાવવાનાં હતા જો કે અહી તે ચકમો આપવામાં સફળ રહ્યો હતો જો કે અમેરિકા પહોચ્યા બાદ તેને બાર વર્ષની સજા કરાઇ હતી.જો કે પ્રીઝન બ્યુરોના એક અંડર કવર અધિકારી તરીકે પોતાની જાતને ઓળખાવીને તે જેલમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો.જો કે તે ફરી એકવાર ન્યુયોર્કમાં ઝડપાયો હતો અને તેને ફરી જેલની હવા ખાવી પડી હતી.જો કે પાંચ વર્ષ જેલમાં વિતાવ્યા બાદ સરકારે તેને છેતરપિંડીનાં મામલાઓમાં મદદ કરવાને બદલે તેને મુક્ત કરવાની ઓફર કરી હતી.તેણે ત્યાબાદ એબેગલ એન્ડ એસોસિએશન નામની ફાઇનાંસ્યિલ ફ્રોડ કન્સલ્ટસી કંપની ખોલી હતી અને તેમાંથી તેણે લાખો રૂપિયા કમાણી કરી હતી.

અમેરિકાની ગુનાખોરીનાં ઇતિહાસમાં ચાર્લ્સ પોન્ઝીનું નામ સૌથી મોટા ધુતારા તરીકે કુખ્યાત છે જે ઇટાલિયન ઇમિગ્રાન્ટ હતો.પોન્ઝીનું સાચુ નામ શું હતું તે તો કોઇ જાણતું નથી પણ તેની પોન્ઝી સ્કીમ માટે તે આજે પણ ઇન્ટરનેટની દુનિયામાં નામના ધરાવે છે.તેના જીવન વિશેની સાચી હકીકતો લગભગ કોઇને જાણમાં નથી તેના અંગે દંતકથાઓ વધારે જાણીતી છે.તે રોમ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો પણ તેણે ભણવાનું છોડીને બોસ્ટન અમેરિકાનો માર્ગ પકડ્યો હતો.તે જ્યારે અમેરિકા પહોંચ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર અઢી ડોલર હતાં.પરિણામે અમેરિકામાં તેના દાડા ખાસ્સા તકલીફદાયક રહ્યાં હતા.તેણે રેસ્ટોરન્ટમાં કામ કરવાનું શરૂ કર્યુ પણ ત્યાં ગ્રાહકોને છેતરવાના અને બિલોમાં હેરફેર કરવાના કારણે લાત મારીને કાઢી મુકાયો હતો.એક ઇટાલિયન ઇમિગ્રાન્ટે શરૂ કરેલી બેન્કમાં તેણે કામ કરવાનું ચાલુ કર્યુ હતું.આંકડામાં તેની બુદ્ધિમત્તાને કારણે તે બહુ થોડા સમયમાં જ જાણીતો બન્યો હતો.જો કે બેન્કનો માલિક લોકોના નાણાં લઇને ફરાર થઇ ગયો હતો અને તે કારણે તે ફરી બેકાર બન્યો હતો.જો કે તે પોતાની જાકુબીના ધંધાઓને કારણે ખાસ્સો સમય જેલમાં રહ્યો હતો જ્યાં તેના પર થોડા સમયમાં જ લખપતિ બનવાનું ભૂત સવાર થયું હતું.ત્યારે તેને પોસ્ટલ રિપ્લાય કુપનનો ધંધો કરવાનો વિચાર આવ્યો કારણકે તે કુપન સસ્તા  ભાવે મળતી હતી અને તેને અમેરિકામાં ભારે કિંમતે વેચી શકાતી હતી.

ત્યારબાદ તેણે પોતાની આસપાસ રહેલા લોકોને નેવું દિવસમાં નાણાં ડબલ કરવાની સ્કીમમાં નાણાં રોકવા માટે લલચાવ્યા હતા તે માટે તેણે પોતાની કંપની બનાવી હતી.તેની આ સ્કીમ લોકોમાં જોતજોતામાં લોકપ્રિય બની હતી અને પોન્ઝી લખલુંટ દોલતમાં રમવા લાગ્યો હતો.જો કે તે પોતે જ તેની રમતમાં ફસાઇ ગયો હતો અને તેના પર દેવાનો બોઝ વધી ગયો હતો.લોકોને પણ તેની સ્કીમ પ્રત્યે શંકાઓ ઉઠવા લાગી હતી અને અખબારોમાં તેની વિરૂદ્ધ લેખો છપાવા માંડ્યા હતા.લોકોએ પોતાના પૈસા પાછા માંગવા માંડ્યા હતા.સરકારી અધિકારીઓએ તેની ઓફિસ પર દરોડો પાડ્યો હતો અને તેને તાળુ લગાવી દીધુ હતું.તે સાવ કંગાળ થઇ ગયો હતો.તેના પર કેસ ચાલ્યો અને તે દોષી ઠર્યો હતો અને તેને જેલમાં મોકલાયો હતો.જો કે અહી પણ તેણે નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પકડાઇ ગયો હતો અને તેને ફરી જેલમાં ધકેલી દેવાયો હતો.તેને ઇટાલી મોકલી દેવાયો હતો જ્યાં બદહાલીમાં તેનું ૧૯૪૯માં મોત થયું હતું.

જોસેફ યલો કિડ વિલ તરીકે કુખ્યાત ધુતારો જ્યારે કાર્યરત હતો ત્યારે તેણે આઠ મિલિયન ડોલરની છેતરપિંડી કરી હોવાનો અંદાજો છે.તે જ્યારે કલેકટર તરીકે કામ કરતો હતો ત્યારે તેણે જોયું કે તેના સાથીદારો જેટલી રકમ ઉઘરાવતા હતા તેનો મોટો ભાગ પોતાની પાસે રાખતા હતા અને થોડી રકમ જ જમા કરાવતા હતા.વિલે પ્રોટેકશન રેકેટ ચાલુ કર્યુ હતું જેમાં તે તેને જે ખબર હતી તે જાહેર નહી કરવાના બદલામાં રકમ વસુલ કરતો હતો.તે લોકો પાસેથી અનેક પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરીને નાણાં પડાવતો હતો.તે દરરોજ પોતાનો વેશ બદલતો હતો એક દિવસ તે ડો.હેન્રી રયુલ બનતો જે જાણીતી તેલ કંપનીનો રિપ્રેન્ટેટિવ હોવાનું ગણાવી લોકોને ફયુલમાં નાણાં રોકવાની અને મબલખ નફો રળવાની લાલચ આપતો હતો અને લોકો તેના ઝાંસામાં આવીને રોકડ રૂપિયા આપતા હતા. બીજા દિવસે તે એલિસિયલ ડેવલપમેન્ટ કંપનીનો ડિરેક્ટર હોવાનું જણાવી લોકો પાસેથી નાણાં પડાવતો હતો.તેણે પોતાની આત્મકથામાં લોકોની લાલચ વૃત્તિને છેતરપિંડી માટે કારણરૂપ ગણાવી હતી.

વિક્ટર લસ્ટીંગ એ ગઠિયો છે જેણે પેરિસનો એફિલ ટાવર વેચવાનું કારનામુ કરી બતાવ્યું હતું.તે આમ તો બોહેમિયામાં જન્મ્યો હતો પણ પાછળથી તે પેરિસ ગયો હતો.પેરિસ અને ન્યુયોર્કની વચ્ચેની તેની સફર દરમિયાન તેને છેતરપિંડીનાં આઇડિયા આવ્યા હતા.તેણે સૌપ્રથમ લોકોને જે વાતે છેતર્યા તે એવી ડિવાઇસ હતી જે સો ડોલરની નોટ છાપતી હતી.

જો કે તેણે જણાવ્યું હતું કે તે છ કલાકમાં એકવાર એક નોટ છાપી શકે છે તેમ છતાં લોકોએ તેને એ ડિવાઇસ માટે ત્રીસ હજાર ડોલર કરતા વધારે રકમ આપી હતી.વાસ્તવમાં મશીનમાં માત્ર બે જ ખરી નોટ છુપાવેલી હતી ત્યારબાદ માત્ર કોરો કાગળ જ મશીનમાંથી બહાર આવતો હતો.જો કે લોકોને આ છેતરપિંડીનો ખ્યાલ આવ્યો ત્યાં લગી તો લસ્ટીંગ તેમના નાણાં લઇને છુમંતર થઇ ગયો હતો.૧૯૨૫નો સમયગાળો એ હતો જ્યારે ફ્રાંસ યુદ્ધની અસરમાંથી બહાર આવી રહ્યું હતું.ત્યારે પેરિસ માટે એફિલ ટાવરનો રખરખાવ બહુ મુશ્કેલ બન્યો હતો આ વાત અખબારમાં છપાઇ હતી જેના પર લસ્ટીંગનું ધ્યાન ગયું હતું.તેને ત્યારે જે આઇડિયા મગજમાં આવ્યો તે અદ્‌ભૂત હતો તેણે સરકારી જાહેરાતનાં નામે છ જેટલા મેટલ સ્ક્રેપ ડિલરોને હોટેલમાં સિક્રેટ મિટીંગ માટે બોલાવ્યા હતા.જ્યાં તેણે તેમને એ ખાતરી આપી હતી કે તે સરકારી અધિકારી છે અને તે એફિલ ટાવરના કાટમાળને વેચવાનો સોદો કરવા માટે અહી આવ્યો છે તેણે એ લોકોને એ પણ ખાતરી આપી હતી કે આ બેઠક લોકોથી છુપાવીને કરવામાં આવી છે કારણકે લોકોને તે અંગે જાણકારી ન થવી જોઇએ. તે પોતાની લિમોઝીનમાં તેમને એફિલની  મુલાકાતે પણ લઇ ગયો હતો.તેમાના એક ડિલર આન્દ્રે પોઇસનને તેની વાતનો ભરોસો પડ્યો હતો અને તેણે એફિલનાં કાટમાળનાં નાણાં તેને આપ્યા હતા જો કે થોડા સમયમાં જ તેને છેતરાયાનો અહેસાસ થઇ ગયો હતો પણ તે એટલો શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો હતો કે ફરિયાદ પણ કરી શકયો ન હતો.લસ્ટીંગ તો તે પૈસા લઇને પોબારા  ભણી ગયો હતો પણ તે એક મહિના પછી ફરી પાછો આવ્યો હતો અને તે જ ટ્રીક ફરી અજમાવી હતી જો કે ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી પણ લસ્ટીંગ ફરાર થઇ ગયો હતો.લસ્ટીંગ એટલો ખેપાની હતો કે તેણે અલ કપોનેને પણ તેના માટે પચાસ હજાર ડોલરનું રોકાણ કરવા મનાવી લીધો હતો.તેણે નાણાં લીધા પણ તે વોલ્ટમાં મુકયા હતા અને બે મહિના પછી તે કપોનેને પાછા આપ્યા હતા જો કે કપોનેને તેની જાકુબીનો ખ્યાલ આવી ગયો હતો પણ તેના વાક્ચાતુર્યથી તે પ્રભાવિત થયો હતો અને તેણે પાંચ હજાર ડોલર તેને ઇનામ તરીકે આપ્યા હતા.૧૯૩૪માં તે નકલી ચલણને મામલે ઝડપાયો હતો અને તેને વીસ વર્ષની સજા થઇ હતી તેને અલ્કાટ્રેઝ જેલમાં મોકલાયો હતો.૧૯૪૭માં મિસુરીની જેલમાં હતો ત્યારે તે ન્યુમોનિયાને કારણે મોતને ભેટ્યો હતો.

અમેરિકાના ઇતિહાસમાં જર્યોર્જ પાર્કરને સૌથી મોટા ધુતારા તરીકે કુખ્યાતી સાંપડેલી છે.તેણે તેના જીવનકાળ દરમિયાન ન્યુયોર્કનાં જાણીતા સ્થળો વેચવાના કારનામા કર્યા હતા.તેણે બ્રુકલિન બ્રિજ સૌથી વધારે વાર વેચ્યો હતો.બીજુ સૌથી જાણીતુ સ્થળ હતું મુળ મેડિસન સ્કવેર ગાર્ડન આ ઉપરાંત મેટ્રોપોલિટન મ્યુઝીયમ ઓફ આર્ટ, ગ્રાન્ટ ટોમ્બ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો પણ તેની યાદીમાં સમાવેશ થતો હતો.દરેક વસ્તુ વેચતી વખતે તેની રીત અલગ રહેતી હતી.દા.ત. ગ્રાન્ટનો મકબરો જ્યારે વેચવાની વાત આવતી ત્યારે તે પોતાની જાતને તેમનો પ્રપૌત્ર ગણાવતો હતો.તેણે પોતાના જાકુબીના ધંધાઓ ચલાવવા માટે ઓફિસો પણ ભાડે રાખી હતી.તે પોતાની પાસે એવા દસ્તાવેજો રાખતો કે લોકોને તેની વાતમાં વિશ્વાસ પડતો હતો કે તે સ્થળનો તે અસલ વારસદાર છે.તેને ત્રણ વખત પકડવામાં આવ્યો હતો જેમાં ત્રીજી વખત જ્યારે તે ઝડપાયો ત્યારે ૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં રોજ તેને સિંગસિંગ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવવા મોકલાયો હતો.તે તેના જીવનનાં છેલ્લા આઠ વર્ષ દરમિયાન જેલમાં હતો તે જેલમાં ગાર્ડને અને સાથીઓને તેના પરાક્રમ અંગે જણાવતો અને આનંદ માણતો હતો.તેની વાક્ચાતુર્યતા બેમિસાલ હતી તે સહેલાઇથી લોકોને બોટલમાં ઉતારી શકતો હતો.

જેફરસન રેન્ડોલ્ફ સ્મિથ નામ ધરાવનાર સોફી સ્મિથનો જન્મ ૧૮૮૯માં થયો હતો.તે સૌથી ચતુર ધુતારો અને ગેગસ્ટર હતો જેણે ૧૮૭૯ થી ૧૮૯૮ દરમિયાન ડેનવર, કોલારાડો, ક્રીડ, સ્કાગવે અને અલાસ્કામાં લોકોને છેતર્યા હતા.સૌથી જાણીતી ટ્રીક ધ પ્રાઇઝ પેકેઝ સોપ હતી.તે આ માટે શહેરની સૌથી ભીડવાળી જગા પસંદ કરતો જ્યાં તે પોતાની ગાડી પાર્ક કરતો અને લોકોને તેની પાસે આવવા માટે લલચાવતો હતો.તે પાટિયા પર કેટલાક સાબુ મુકતો હતો લોકો તેની પાસે આવતા ત્યારે તેની પાસે રહેલ પર્સમાંથી તે એક ડોલરથી માંડીને સો ડોલર સુધીની નોટ તે કાઢીને પેલા સાબુ પર વિંટાળતો હતો ત્યારબાદ તે પૈસાવાળા સાબુ અને સાદા સાબુ પર કાગળ વિટતો હતો અને તે તમામ સાબુને મિક્સ કરી દેતો અને તે સાબુ તે એક ડોલરની કિંમતમાં વેચતો હતો મોટાભાગે ખરીદનારા તેના માણસો રહેતા જે સાબુમાંથી મોટી રકમની નોટ નિકળ્યાની જાહેરાત કરીને લોકોને બતાવતા અને ત્યાંથી નિકળી જતા લોકોને તેમાં રસ પડતો અને લોકો વધારેને વધારે સંખ્યામાં તે સાબુ ખરીદતા.ત્યારબાદ તે જાહેરાત કરતો કે સો ડોલરની નોટ વાળા ઘણાં સાબુ વેચાયા વિના પડ્યા છે અને તે સાબુ માટે તે લિલામીની જાહેરાત કરતો જે મોટી રકમ બોલે તેને તે સાબુ મળતા જે માત્ર સાદા  સાબુ જ નિકળતા હતા તેમાં કોઇ નોટ નિકળતી ન હતી આ ટ્રીક તેણે અનેક શહેરોમાં અજમાવી હતી અને ઘણાં નાણાં રળ્યા હતા.તેની ગેંગ સોપ ગેંગ તરીકે કુખ્યાત થઇ હતી જો કે એક દિવસ જુગારમાં છેતરપિંડી કરવાના કારણે તેની જ ગેંગના એક સભ્યએ તેને ગોળી મારી દીધી હતી.

એડવર્ડો ડી વેલફર્નો જે પોતાની જાતને માર્કસ તરીકે ઓળખાવતો હતો તે આર્જેન્ટીનાનો ધુતારો હતો જે તેની મોનાલિસા ચોરવાના કારનામાં પાછળ માસ્ટરમાઇન્ડ હોવાને કારણે કુખ્યાત થયો હતો.તેણે લુવ્ર મ્યુઝીયમનાં કર્મચારી વિન્સેન્ઝો પેરુગ્ગિયાને પોતાની ચોરીમાં સામેલ થવા મનાવી લીધો હતો અને તે એક દિવસ મ્યુઝીયમમાંથી ચિત્ર લઇને નિકળી પણ ગયો હતો.જો કે આ લુંટ પહેલા વેલફર્નો એ ફ્રેન્ચ આર્ટ રિસ્ટોરર અને છેતરપિંડીમાં માસ્ટર એવા યેવ્સ ચોડ્રોનનો સંપર્ક સાધ્યો હતો અને તેની છ નકલ તૈયાર કરવા જણાવ્યું હતું.તે આ નકલો વિશ્વના અન્ય ભાગોમાં મોકલવા માંગતો હતો જે મોનાલિસા ખરીદવા તત્પર હતા.નકલ તૈયાર કરવાનું કારણ એ હતું કે તે જાણતો હતો કે એકવાર મોનાલિસા ચોરાયાની વાત બહાર પડશે તો તેને બહાર મોકલવાનું અઘરૂ પડી જશે.વાસ્તવમાં તે ઓરિજિનલ મોનાલિસા લઇને ફરાર થઇ જવાનો પ્લાન ધરાવતો હતો જો કે તે મોનાલિસા વેચવાનો પ્રયાસ કરતા ઝડપાયો હતો અને ચિત્ર ૧૯૧૩માં પાછુ મ્યુઝીયમમાં મોકલાયું હતું.

મગ હોગ એ ધુતારો હતો જેણે પોતે અનાથ હોવાનું જણાવીને પ્રિન્કટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.૧૯૮૬માં હોગે પાલો અલ્ટો હાઇસ્કુલમાં જે મિચેલ હન્ટસમેન તરીકે પ્રવેશ મેળવ્યો હતો અને પોતાની જાતને નેવાડાનો અનાથ હોવાનું જણાવ્યું હતું.જો કે તેની છેતરપિંડીનો ખુલાસો એક પત્રકારે કર્યો હતો.૧૯૮૮માં તેણે એલેક્સી ઇન્દરીસ સાન્ટાના તરીકે પ્રવેશ મેળવ્યો હતો આ વખતે તેણે ઉટાહનો અનાથ હોવાનું જણાવ્યું હતું.તેણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે બકરા ઘેટા ચારતો હતો અને ફિલોસોફરોનો અભ્યાસ પણ કરતો હતો.જો કે ૧૯૯૧માં જ્યારે પાલો આલ્ટો હાઇસ્કુલમાં તેની સાથે ભણનાર રેની પચેકોએ તેની અસલ ઓળખ જાહેર કરી હતી.તેને યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરીને ત્રીસ હજાર મેળવવાના આરોપમાં ત્રણ વર્ષ જેલમાં મોકલાયો હતો.૧૬ મે ૧૯૯૩માં તે ફરી અખબારોમાં ચમક્યો હતો આ વખતે તેણે હાર્વર્ડ સાથે છેતરપિંડી કરી હતી અહી તેણે ખોટી ઓળખ આપીને હાર્વર્ડનાં એક મ્યુઝીયમનાં ચોકીદાર તરીકે નોકરી મેળવી હતી.તે જ્યારે નોકરી કરતો હતો ત્યારે તેણે કિંમતી પત્થરોને સ્થાને નકલી રત્નો મુક્યા હતા અને અસલ રત્નો ઉડાવી લીધા હતા.જો કે સમરવિલે પોલીસે તેને ઝડપ્યો હતો અને તેની પાસેથી અમુલ્ય રત્નો પાછા મેળવ્યા હતા અને તેના પર કેસ ચલાવાયો હતો જો કે તેને પંદર હજારની છેતરપિંડીનાં મામલે સજા થઇ હતી તેના પર અન્ય કેટલાક આરોપ પડતા મુકાયા હતા.

રોબર્ટ હેન્ડી ફ્રીગાર્ડ એ બ્રિટીશ ધુતારો હતો જેણે ઘણાં લોકોને અલગ અલગ રીતે પોતાના શિકાર બનાવ્યા હતા.તે પોતાના શિકારને તે જ્યાં કામ કરતો ત્યાં જઇને અલગ અલગ રૂપે મળતો હતો.તે પોતાની જાતને એમઆઇ ફાઇવનો અંડર કવર એજન્ટ હોવાની ઓળખ  આપતો હતો તે કહેતો કે તે આઇઆરએની વિરૂદ્ધ કામ કરે છે.તે લોકોને તેમનાથી બચાવવાની ખાતરી આપતો હતો અને તેના બદલામાં તેમની પાસેથી નાણાં પડાવતો હતો.તેણે પાંચ મહિલાઓને લગ્નની લાલચ આપીને ફસાવી હતી.લોકો તેની ફરિયાદ પોલીસને કરતા ન હતા કારણકે તેણે લોકોને ઠસાવ્યું હતું કે તે પોલીસ પણ ડબલ એજન્ટ છે.તે મોટાભાગે નવપરણિત મહિલાને પોતાનો શિકાર બનાવતો હતો તેના નગ્ન ફોટોગ્રાફ પાડીને ત્યારબાદ તેને તે બ્લેકમેલ કરતો હતો.૨૦૦૨માં સ્કોટલેન્ડ યાર્ડ અને એફબીઆઇએ સ્ટીંગ ઓપરેશન કર્યુ હતુ જેમાં એક  અમેરિકન સાયકોલોજીસ્ટના પેરેન્ટનો ટેલિફોનમાં બગ્સ લગાવ્યો હતો જેણે હેન્ડીને જણાવ્યું હતું કે તેની પાસે ૧૦હજાર પાઉન્ડ છે પણ તે તેના જ હાથમાં સોંપશે.હેન્ડી તેને મળવા હીથ્રો એરપોર્ટ આવ્યો હતો અને પોલીસે તેને ઝડપ્યો હતો.જો કે તેણે પોતાના પર લગાવેલા તમામ આરોપોનો ઇન્કાર કરીને તેની વિરૂદ્ધ ષડયંત્ર થયાની વાતનું રટણ ચલાવ્યું હતુ.ં૨૩ જુન ૨૦૦૫માં આઠ મહિનાનાં મુકદ્દમા બાદ કોર્ટે તેને અપહરણનાં બે કેસમાં, દસ ચોરી અને આઠ ઠગીનાં કેસમાં દોષી જાહેર કર્યો હતો.તેને આજીવન કારાવાસની સજા કરાઇ હતી જો કે પોલીસને ખાતરી ન હતી કે તેઓ તમામ પીડિતો સુધી પહોંચ્યા હતા જો કે તેણે પોતાના સામે અપાયેલા ચુકાદા વિરૂદ્ધ અપિલ કરી હતી અને અપહરણનાં કેસમાં તે જીત્યો હતો.તે ૨૦૦૯માં જેલમાંથી છુટ્યો હતો જો કે ત્યારબાદ પણ તેણે પોતાના જાકુબીના ધંધા બંધ કર્યા નથી.તે હાલમાં જ બેલ્જિયામાં ઝડપાયો હતો જ્યાં તેને ફ્રાંસ પ્રત્યાર્પિત કરવાની કામગિરી ચાલી રહી છે.

બર્નાડ કોર્નફિલ્ડ અમેરિકન બિઝનેશમેન તરીકે જાણીતો છે જે અમેરિકન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપે છે.તે તુર્કીમાં જન્મ્યો હતો.તે જ્યારે અમેરિકા આવ્યો ત્યારે પહેલા તેણે સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનો આરંભ કર્યો હતો ત્યારબાદ તે મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રમાં ગયો હતો.તે નાનો હતો ત્યારથી જ તે બોલવામાં બહુ ચાલાક હતો તે ગમે તે વસ્તુ સહેલાઇથી લોકોને વેચી શકતો હતો.જ્યારે તેના એક મિત્રના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમણે ત્રણ હજાર ડોલરની ઇન્સ્યોરન્સ મનીનો ઉપયોગ વજન કાંટો ખરીદવા માટે કર્યો હતો અને આ મશીન તેમણે કોની આઇલેન્ડનાં મેળામાં વેચી પણ બતાવ્યું હતું.૧૯૬૦માં તેણે ઇન્વેસ્ટર્સ ઓવરસીઝ સર્વિસ નામની મ્યુચ્યુઅલ ફંડ વેચતી કંપનીની સ્થાપના કરી હતી.જેને કેનેડા તરફથી ફંડ મળતું હોવાનું અને તેની ઓફિસ જિનેવામાં હોવાનું તેણે જાહેર કર્યુ હતું.આમ તો તેની ઓફિસ જિનેવામાં હતી પણ તેનું કામ કરવાનું સ્થળ ફર્ની વોલ્ટેરમાં હતુ જે ફ્રાંસમાં હતુ જ્યાંથી નજીકની જિનેવા સરહદે ડ્રાઇવ કરીને જઇ શકાતું હતું આમ કરવાનું કારણ એ હતું કે તેનાથી સ્વીસ વર્કિંગ પરમિશન સહેલાઇથી મળતું હતું.દસ વર્ષમાં આ કંપનીએ અઢી બિલિયન ડોલરની રકમ મેળવી હતી.કંપનીની આવક ૧૦૦ મિલિયનથી વધારે હોવાનો અંદાજ છે.૧૯૬૯માં જો કે કંપનીનાં ત્રણસો જેટલા કર્મચારીઓએ તેમના માટે ઉઘરાવેલા નાણાનો મોટાભાગનો હિસ્સો કોર્નફિલ્ડે ગુપચાવ્યો હોવાની ફરિયાદ કરી હતી.સ્વીસ ઓથોરિટીએ પણ ૧૯૭૩માં તેના પર છેતરપિંડીનાં આરોપ લગાવ્યા હતા.જ્યારે કોર્નફિલ્ડ જિનેવા પહોંચ્યો ત્યારે તેની ધરપકડ કરાઇ હતી અને તેને જેલમાં મોકલાયો હતો જ્યાં તેણે અગિયાર મહિના વિતાવ્યા હતા.ત્યારબાદ તેનો છ લાખ ડોલરની જામીન પર છોડવામાં આવ્યો હતો.ત્યારબાદ તે બિવર્લી હિલ્સ પાછો ફર્યો હતો જો કે હવે તેનું જીવન એટલું વૈભવી રહ્યું ન હતું જેટલું પહેલા હતું.તેને અનેક પ્રકારની સમસ્યાઓ પણ પેદા થઇ હતી અને તે ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૫માં ઇંગ્લેન્ડમાં મોતને ભેટ્યો હતો.