ભાગવત રહસ્ય - 183 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાગવત રહસ્ય - 183

ભાગવત રહસ્ય-૧૮૩

ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે.અને અંત –મમ-શબ્દથી કર્યો છે.

આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે.

મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો૮

 એક માત્ર ધર્મ જ છે.

અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો.

 

મનુષ્યમાં સમજ નથી કે મારુ શું છે? એટલે જ જગતમાં “મારા-મારી” થાય છે.

દ્રવ્ય સિવાય બીજું સુખ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી.

આત્માનંદ જેવી કોઈ વસ્તુ છે કે નહિ તે મનુષ્ય જાણતો નથી.

 

આપણા હાથે જે સત્કર્મ થાય તે જ આપણું. આ જીવ કશાનો માલિક નથી,માલિક પ્રભુ છે.

જીવ તો માત્ર મુનીમ છે.આ શરીર પર પણ જીવની સત્તા નથી.તો બીજા પદાર્થો પર સત્તા કયાંથી હોય ?

યમરાજનો હુકમ થાય એટલે આ શરીર છોડવું પડે છે.દુનિયાના કાયદા ત્યાં કામમાં આવતા નથી.

યમરાજ ને કહેશો-કે આ ઘર મારું છે-હું ઘણા સમયથી આમાં રહું છું-તો તે ચાલશે નહિ.

જીવ જયારે- મારું મારું –કહે ત્યારે ભગવાન મારે છે. તારું તારું –કહે છે તેને ભગવાન તારે છે.

 

વામનજી કહે છે-મારું એક પગલું હજુ બાકી છે-બલિ- બંધનમાં આવ્યો છે- તેને બાંધો.

પણ પતિની ભૂલ પત્ની વિન્ધ્યાવલીએ આવી સુધારી છે.તે કહે છે-કે તેમને બાંધશો નહિ.

મારા પતિના બોલવામાં ભૂલ થઇ છે. આ જીવ માલિક નથી પણ મુનીમ છે.

નાથ,તમને કોઈ દાન આપી શકે નહિ. મારા પતિ અભિમાનથી બોલ્યા છે-કે –મેં દાન આપ્યું છે.

નાથ,આપ સર્વના માલિક છે. મારા પતિના બોલવામાં ભૂલ થઇ છે,તે માટે વંદન કરી હું ક્ષમા માગું છું.

 

વિન્ધ્યાવલી હવે પતિ બલિરાજાને કહે છે-ગભરાશો નહિ,ઠાકોરજીને પ્રણામ કરો.તેમનું આપેલું જ તેમને આપવાનું છે.આ શરીર હજી બાકી છે.ભગવાનને કહો-કે એક ચરણ બાકી છે-તે મારા મસ્તક પર પધરાવો.

 

મસ્તક બુદ્ધિપ્રધાન છે. બુદ્ધિમાં કામ રહેલો છે.જીવ અને ઈશ્વરના મિલનમાં વિઘ્ન કરનાર કામ છે.

ભગવાનના ચરણ માથા પર આવે તો-બુદ્ધિગત કામ- નો નાશ થાય છે. અને બુદ્ધિ સુધરે છે.

ગોપીઓ પણ ગોપીગીતમાં એ જ ભાવના કરે છે. અમારા મસ્તક પર આપનો કરકમળ પધરાવો.

 

બલિરાજા બોલ્યા છે-કે-મારા મસ્તક પર આપનું ત્રીજું ચરણ પધરાવો.મારી ભૂલ થઇ છે,મેં કહ્યું કે

દાન આપનાર મોટો-દાન લેનારો હલકો. મને બોલતાં આવડ્યું નહિ. ક્ષમા કરો.મારું કાંઇ નથી.

તમારું જ તમને અર્પણ કરું છું. આપ તો ખરેખર અસુરોના પરોક્ષ ગુરુ છો. કેમકે –

અનેક રીતે મદાંધ થયેલાં અમોને મોટાઈ થી (અહમથી) પાડી-અમારી આંખો આપે ખોલી છે.

 

એવામાં બલિરાજાના પિતામહ (દાદા) ત્યાં આવી પહોંચ્યા. પ્રહલાદજી ભગવાનને કહે છે-કે-

મારા પૌત્ર આ બલિને આપે ઇન્દ્ર્પદ આપેલું અને તે પાછું લઇ લીધું,(સ્વર્ગનું રાજ્ય પાછું લઇ લીધું)

અને તેને લક્ષ્મીજીથી ભ્રષ્ટ કર્યો –તે તો આપે એના પર મોટો અનુગ્રહ કર્યો છે.એમ હું માનુ છું.

કારણકે આપે (બ્રહ્માજીને) કહ્યું હતું કે-“હું જેના પર કૃપા કરું છું,તેનું ધન હું હરી લઉં છું.

કેમ કે ધન ને લીધે પુરુષ મદવાળો-અભિમાની બને છે.અને મારું અને લોકો નું અપમાન કરવા લાગે છે.”

 

દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.

શરીર અર્પણ કરવાનું એટલે અહંકાર-હું પણું-અભિમાન અર્પણ કરવાનું.

દાન આપનારો દીન ના બને તો તે દાન સફળ થતું નથી.

 

જયારે બલિરાજામાં દૈન્ય આવ્યું, ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું છે. પરમાત્મા (વામનજી) કહે છે-કે-

તેં મને સર્વસ્વ નું દાન આપ્યું એટલે હું તારો ઋણી થયો છું.

દૈન્ય આવ્યું એટલે પરમાત્મા ઋણી થયા છે.અને રાજાને કહે છે-

“રાજા સ્વર્ગનું રાજ્ય તો મેં ઇન્દ્રને આપ્યું છે,પણ પાતાળલોકનું રાજ્ય હું તને આપું છું.

તારું સર્વસ્વનું દાન લીધું છે-હું તો તને-બીજું કઈ આપી શકતો નથી-પણ –તારા દ્વારે હું પહેરો ભરીશ.“

 

બલિરાજા ને આનંદ થયો છે.પાતાળ-લોકનું રાજ્ય સારું છે- અહીં ભગવાનનું સતત સાનિધ્ય છે.

બલિરાજાના આ ચરિત્રમાં થોડું રહસ્ય છે.