આસપાસની વાતો ખાસ - 13 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસપાસની વાતો ખાસ - 13

12. વહેમવાળી જગ્યા

અમે અહીં ખૂબ સારા  ગણાતા વિસ્તારમાં  આ સુંદર મકાન લીધું. જોતાં  જ નજર ચોંટી જાય એવું. મકાનમાલિક વિદેશ જતો રહેલો. કોઈ કહે એની પત્ની અહીં  આવીને થોડા વખતમાં ખૂબ માંદી પડી ગયેલી. એને પોતાને પણ કોઈ નાના મોટા કોર્ટ કેઇસ ને એવી કારણ વગરની હેરાનગતિઓ થયેલી એટલે અહીંથી ચાલ્યો ગયેલો. 

અમને  તો આ મકાન ખૂબ ગમ્યું. અને જે થયું તે, આખરે તો એ વિદેશ ગયેલો એટલે સમાજની નજરમાં કાંઈક સારું થયેલું. પણ આજુબાજુના લોકોએ  અમને કહ્યું કે મકાન ભલે સારું દેખાય, આ જમીન વહેમવાળી છે.  

અમે તો હવે લઈ જ લીધેલું અને ખાસ એવામાં માનતાં ન હતાં. છતાં, ભવિષ્યમાં કોઈ વિઘ્ન ન આવે એટલે અમે  ત્યાં પૂજા કરાવી.  ગોર કહે એક જગ્યાએ ખાડો કરી તાંબાનો ટુકડો દાટો, સારું રહેશે. અમે એક પોચી જગ્યાએ ખાડો કર્યો.  ખાડામાં હાથ નાખી માટી કાઢતાં કંઇક કડક, કશું વિચિત્ર હાથમાં આવ્યું. અમે એની ઉપરની માટી  દૂર કરી તો પંખી માળો બાંધે એવાં સડેલાં તણખલાંઓ અને વાળ જેવા રેસાઓ વચ્ચે કશુંક હતું. એ બધું દૂર કરતાં કેરીમાં ગોટલો  હોય તેમ અમને એ ચીજની અંદરથી એક પીળું પડેલું હાડકું મળ્યું.  સરખું એવું લાંબુ હતું પણ માણસનું હોય એવું તો ન લાગ્યું.

એ જગ્યા એમ જ રહેવા દઈ બીજી જગ્યાએ ખોદ્યું તો તેની અંદરથી તો ખોપરીનો ટુકડો મળ્યો! 

હવે સરખી તપાસ કરવા અમે મકાનની કમ્પાઉન્ડ વોલ નીચે પણ ખોદયું. કેટલીયે સળીઓ, સડેલી ડાળીઓ ને એવું નીકળ્યું. ક્યાંક પક્ષીનાં પીંછાં  જેવું તો ક્યાંક દાંતનાં તૂટેલાં જડબાંને મળતું. એકાદ લાલ પીળાં કપડાંનું ચીંથરું પણ મળ્યું. 

અમને હવે સાચે જ ડર લાગ્યો કે શું આ જગ્યા ખરેખર વહેમવાળી  છે? 

હોય તો પણ હવે શું કરવું? વેચનારાનો પાવર ઓફ એટર્ની ધારક તો પૈસા લઈ ફોરેન ઉપડી ગયેલો. એ સિવાય પણ આ ભાવમાં આવું મકાન ક્યાં? 

લોકોએ કહ્યું કે  અહીં તો રાતે કૂતરાં પણ રોજ મોટેમોટેથી  રડતાં હતાં. 

કોઈને પૂછ્યું કે શું અહીં ક્યારેય સ્મશાન જેવું હતું? આ તો એમ વસ્તીની વચ્ચે હતું, અહીં એવું કશું ન હતું.

ઠીક. અમે વિચાર્યું કે આ બંધ જગ્યા હોઈ એ  કૂતરાં અહીં આશરો લેતાં હશે.  એ જ જ્યાં  ત્યાંથી  અહીં હાડકાં લાવ્યાં હશે.. સળીઓ હોય તો પક્ષીના માળા  પણ આજુબાજુમાં હોય જ. તો અહીં વૃક્ષો પણ હશે.  તો અહીં લીલોતરી અને બગીચા જેવો છાંયો પણ હશે.

તો તો આપણે નંદનવન લીધું.

અમે  બધું જ સમથળ કરાવ્યું. આસપાસથી બધું  સારું એવું સાફ કરાવ્યું. ગંદકી, રોડાં કાઢી નવી માટીમાં સારા રોપાઓનાં બી નાખ્યાં.

બીજી જગ્યાએ ભલે હાડકાં મળેલાં, અમે સાફસૂફી કરતાં છેક મકાનની ભીંત નીચે ખોદાવ્યું. ખોદતાં ખોદતાં એના પાયા નીચેથી એક શુકનની ચાંદીની મુદ્રાઓથી ભરેલો કળશ પણ મળ્યો.  તો તો હવે આ જગ્યા શુકનવંતી હતી, વહેમવાળી નહીં. મકાનમાલિક એના સંજોગોને કારણે વિદેશ જતો રહેતાં મકાન વર્ષો સુધી બંધ પડી રહેલ. એટલે આ અવાવરૂ બની ગયેલી જગ્યામાં કૂતરાં રહેતાં અને  આજુબાજુના લોકોને કચરો ફેંકી જવા હાથવગી જગ્યા હોઈ અહીં કચરાનો અડ્ડો  પણ બની ગયેલો. અમે સાફ કરાવતાં કમ્પાઉન્ડ અને આસપાસનું બધું એકદમ સરસ દેખાવા લાગ્યું.

અમે એ જગ્યામાં સારા રોપાઓ વાવ્યા, સારાં બી નાખ્યાં.  કચરો અને હાડકાંની કરચોને કારણે જગ્યા ઊલટી વધુ ફળદ્રુપ બની ગયેલી.  થોડા જ વખતમાં એક ચોમાસું જતાં અમે વાવેલા રોપાઓ મોટા થયા, બીજમાંથી ઊગેલાં શાકભાજી મળવા લાગ્યાં, નવાં ઘટાદાર વૃક્ષો અને મઘમઘતાં ફૂલોથી જગ્યા સાચે જ નંદનવન બની ગઈ.  હવે વહેમ વાળી જગ્યા કહી દૂર રહેવા કહેતા એ જ લોકો કહે છે જગ્યા તમને ફળી.

***