આસપાસની વાતો ખાસ - 7 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આસપાસની વાતો ખાસ - 7

મોટા ઘરની વહુ

ગોર મહારાજ હીંચકાને ઠેસી મારતાં બોલ્યા, “અરે યજમાન, એવું સરસ માગું લાવ્યો છું.. આવું  મોટું ઘર.. મોટું ફળિયું, બહાર  મોટો બગીચો, એમાં ફૂલ છોડની હાર..”

યજમાનની પત્નીથી પ્રસન્નતા ભર્યું સીસ.. થઈ ગયું. ‘વાહ, બગીચો, એ પણ ઘરમાં?’ તેમનાથી બોલાઈ ગયું.

તક ઝડપી ગોર એમની તરફ ફર્યા અને કહે 

“અરે  બગીચો તો ખરો, એમાં  વાડ પણ, બહેન, તમે  હાથે મૂકો એ મેંદીની.  ઉપરાંત, જુઓ બહેન, આપણા ગામમાં છે એમ દીકરીએ પાણી ભરવા કુવે જવું નહીં પડે.  ઘરમાં જ એઈ ને પાણીનો મોટો દદુડો પાડતો  નળ પણ છે હોં!”

યજમાન કહે “સારું, સારું. પણ ઘર કેવું?”

યજમાન ઘર એટલે કુટુંબ કેવું એ જાણવા માગતા હતા. પણ ગોર તો તકિયાને ટેકો આપતાં કહે- 

“શું વાત કહું એ મોટાં ઘરની, યજમાન! અરે, ઘરમાં કેટલા તો ઓરડા છે. મારી બેન ઝાંઝર ઝમકાવતી આખાં ઘરમાં  ફર્યા જ કરશે." 

વરપક્ષે મોકલેલ ગોર કન્યાના બાપ પાસે વરનાં ઘરનાં  ફુલાવી ફુલાવીને વખાણ કરતા હતા.

"એ બરાબર પણ છોકરો શું કરે છે?" કન્યાના બાપે ચા નો કપ ધરતાં  ગોર સમક્ષ પોતાની વ્યાજબી  ચિંતા રજૂ કરી.

"અરે  શું કહું?  થનારા જમાઈની તો  શું વાત કરું યજમાન! એમની તો એકદમ વટદાર જોબ છે. ઇસ્ત્રીટાઈટ વસ્ત્રોમાં  શોભતા કુમાર જે બાઈક ઉડાડે છે..  જે બાઈક ઉડાડે છે..  જાણે કોઈ પરીકથાનો રાજકુમાર  ઉડતા ઘોડા પર સવાર થઈ જતો હોય! 

હું કાઈં છુપાવતો નથી યજમાન.  એક વાત ખરી. એમને ટુરીંગ સારું રહે છે.  બે પૈસા  મળતા હોય તો ભલે રહે પણ રવિવારે તો બે માણસ ફરી શકે ને! એઈ ને બાઈક પર મારી બેન એમની પાછળ.."

અંદરથી નાજુક કંકણ ખણખણવાનો રણકાર સંભળાયો. કન્યાએ હળવેથી પડદો ખેસવી ડોકું બહાર કાઢ્યું.

“તને એવાં મોટાં ઘરમાં રહેવું, એની પાછળ બાઈક પર બેસીને ફરવું ગમે ને, બેટા?” ગોરે પડદામાંથી ડોકાતાં નાજુક મુખ તરફ જોતાં  પૂછ્યું અને આંખ ઉલાળી.

કન્યા શરમાઈ ગઈ.

ગોરે   ઘરના ફોટા  બતાવ્યા.  સરસ મોટું ત્રણ માળનું પહોળું મકાન, બહાર પથરાયેલા  વેલાઓ, લીલા ઘાસમાં બાઇકને ટેકે  કેડે હાથ મૂકી એક યુવક ઉભેલો. સરસ મજાનાં ગોગલ્સ, ટાઇટ જીન્સ, પગમાં બ્લેક શૂઝ, લાલ મઝાનો ઇસ્ત્રિબંધ ટીશર્ટ ચડાવેલો.

કન્યાનું કુટુંબ તો હરખાઈ ગયું.

"તો યજમાન, કરો કંકુના. હું માગું લાવું એ યજમાન ખૂબ ખાનદાન,  ખાધેપીધે પહોંચતા જ હોય." કહેતાં મોં મીઠું કરી  દક્ષિણા લઈ ગોર  ઊભા થઈ આશિષ આપી જવા લાગ્યા. 

યજમાન અને તેમનાં પત્ની  સંતોષ ભર્યાં મુખે તેમનો આભાર માનતાં બહાર સુધી મૂકવા ગયાં. કન્યા ભાવિ શ્વસુર ગૃહનાં શમણાં આંખમાં આંજતી ઝાંઝર ઝણકાવતી  અંદર જતી રહી.

લગ્ન લેવાયાં.  વર કન્યાને લઈ  આવતી ભાડાની કેબ એ મકાનની બહાર  ઊભી. કોડભરી કન્યા તો  વિશાળ ભવનમાં મહાલવાનાં,  પિયુને આલિંગી બાઈક પાછળ બેસવાનાં શમણાં જોતી  પિયુની પાછળ પાછળ  અંદર આવી.

સાસુએ  નીચે  લાંબી પરસાળમાં હારબંધ અનેક બારણાંઓ પૈકી એક બારણું ખોલી કંકુપગલાં કરાવ્યાં. 

"વહુ,  આવો બેટા. આ મોટી  ચાલ છે. એમાં આ આપણી રૂમ. જુઓ તો ખરાં, કેટલા ઓરડાઓ લાઇનબંધ છે? એમાં આ આપણી રૂમ કેવી મોખરાની જગ્યાએ છે! 

હા, દીકરા, બહાર ઊગી નીકળેલાં આ  ઘાસમાં સાચવીને ચાલવું. કાઈં વાગી કરી કે કરડી ન જાય. 

અને આ કોમન નળ  આપણે પાણી ભરવા.  લાઇન તો હશે પણ  તું ટેવાઈ જઈશ. 

અત્યાર સુધી હું લાઈનમાં બીજી જુવાનડીઓ સાથે ઉભતી જ ને! એઈ ગામ ગપાટા મારતીઓ બધી. 

ને  જો બેટા, આ તારો ભરથાર  ડીલીવરી બોય છે. સવારે નવથી રાતે નવ સુધી નોકરી છે. પછી તમે બેય જ્યાં ફરવું હોય ત્યાં  ફરવા છૂટાં. આવીને આ આપણી ઓરડીમાં વચ્ચે બાંધ્યો છે એ પડદા પાછળ મઝો કરો. તમારાયે દિવસો છે બેટા!" કહેતાં સાસુએ ઓવારણાં લીધાં.

અંદર તરફ એક પડદો ખસ્યો. ખાટલા પર રાહ જોતો ભરથાર હળવેથી પોતાની પરણેતર ને ‘રંગ મહેલ‘ માં દોરી જવા સ્મિત કરતો આગળ વધ્યો.

***