4. ડોકટર તો ઉપર ગયા!
હું મારા જૂના ડોકટરને કોઈક નવાં દર્દ માટે બતાવવા ઘણે વખતે ગઈ.
એ ડૉક્ટરનું દવાખાનું એ શોપિંગ સેન્ટરમાં નીચે જ્યાં હતું ત્યાં ન જોયું. ડોકટરનું બોર્ડ પણ ન હતું! જો કે રસ્તા પર એમના નામ નીચે આ તરફનો એરો બતાવતું બોર્ડ હતું એટલે હશે કદાચ આટલામાં જ.
હું બાજુના મેડિકલ સ્ટોરમાં પૂછવા ગઈ. એ ડોકટર દવા લખી આપતા તે આ કેમિસ્ટ પાસે થી જ લેતી. એને ખ્યાલ હોવો જોઈએ.
"અહીં બાજુમાં દવાખાનાનું બોર્ડ કેમ નથી? સાહેબ ક્યાં છે?" મેં સ્ટોરમાં પૂછ્યું.
સ્ટોરનો માલિક કોઈ કામમાં તો નહોતો, બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તેનું મોં ફૂલેલું હતું. મેં 'હેલો' કહી કાઉન્ટર પર હાથ ઠોકતાં ફરીથી પૂછ્યું .
હવે તેણે મોબાઈલમાંથી નજર ઉઠાવી મારી તરફ જોયું. મેં પૂછ્યું કે તમારી નજીક આ ફ્લોર પર ક્લિનિકનું બોર્ડ નથી તો ડોકટર સાહેબ ક્યાં છે?
તેણે ઉપર આકાશ તરફ આંગળી ઊંચી કરતો હાથ ઊંચો કર્યો.
મને ધ્રાસકો પડ્યો. ડોકટર પણ વયસ્ક હતા. હું સમજી કે ડોકટર સ્વર્ગવાસી તો નથી થઈ ગયા ને!
"કેમ ઓચિંતું શું થઈ ગયું?" મારાથી પૂછાઈ ગયું.
દુકાનદારે બે હાથ જોડ્યા.
"હે રામ!" મારાથી નિઃસાસો નાખતાં બોલાઈ ગયું. બહુ સારા ડોકટર હતા. મને દુઃખ થયું.
"અરેરે.. ભારે કરી. ચાલો, ઠીક. મને તો ખબર જ નહીં ! ધક્કો પડ્યો." કહી હું પાછી ફરવા ગઈ .
દુકાનદારે પ્રશ્નાર્થમાં હથેળી હલાવી. એનો અર્થ સમજી કે કેમ આવેલાં?
મેં કહ્યું કે હું ડોકટર સાહેબને બતાવવા આવેલી.
"સાહેબને ઓચિંતું શું થઈ ગયું?" મારાથી પુછાઇ ગયું.
દુકાનદારે માખી ઉડાડતો હોય કે જવાનું કે 'ગયા' કહેતો હોય એમ આગળ પાછળ હથેળી હલાવી અને પછી આંગળીઓ થોડી અંદર તરફ વાળી હથેળી પાછળ લઈ આગળ કરી. હાથ નીચે કરી જોશભેર ઊંચો કર્યો.
એની એ મુદ્રાથી હું સમજી કે સાહેબ સર્પદંશથી મૃત્યુ પામ્યા એમ કહે છે.
"અરેરે.. ગજબ થઈ ગયો. ખૂબ સારા ડોકટર હતા. હવે મારે નવા ડોકટર ગોતવા પડશે. સાહેબ છેલ્લે આવી ત્યારે તો કેવા સાજા નરવા હતા! " કહેતી હું પગથિયાં ઉતરી ગઈ.
હજી એ કોમ્પ્લેક્સની બહાર નીકળું ત્યાં તો સાહેબ જ સામેથી આવતા દેખાયા. તેમણે કોમ્પલેક્ષની બહાર કાર પાર્ક કરી અને ચાલતા પગથિયાં તરફ આવવા લાગ્યા. તેમનું ધ્યાન મારી તરફ પડ્યું.
એક ક્ષણ તો હું હેબતાઈ જ ગઈ. તેમણે પરિચિતતા ભર્યું હળવું સ્મિત કર્યું. મેં હૃદયમાં એક થડકાર સાથે સામે સ્મિત કર્યું.
મને જોઈ ડોકટર કહે "તમે? ઘણા વખતે આવ્યાં. સારું, આવો. હવે ક્લિનિક ઉપરને માળ શિફ્ટ કર્યું છે."
તેમણે લીફ્ટની સ્વીચ દબાવી અને લીફ્ટ નીચે આવે એની રાહ જોતા અમારી નજીક જ ઊભા.
આ તો જીવતા છે. તો પછી આ દુકાનદાર મારા જવાબમાં હાથના શું ચાળા કરતો હતો?
હું ગુસ્સે થઈ ગઈ. એ કેમિસ્ટના મોં માં મગ ભરેલા? સાવ આવું?
ફરીથી મેં તેનું ધ્યાન ખેંચ્યું. હવે તે મારી તરફ પીઠ ફેરવી કશુંક ગોઠવતો હતો. મેં સ્ટોરવાળાને કહ્યું કે ડોકટર તો હમણાં આવ્યા. તેં આમ ઈશારો કેમ કર્યો? ઉપર હાથ કર્યો, આગળ પાછળ સાપ જેવી એક્શન કરી.. આ બધું શું છે?
આખરે એણે મોંમાં ભરેલું પાન બાજુની ડોલમાં થુક્યું અને કહે "તમે બીજું સમજો એમાં હું શું કરું? જુઓ, મેં પહેલા ઇશારાથી આંગળી ઉપર કરી એમ કહ્યું કે નવું ક્લિનિક ઉપર છે. પછી તમે પૂછ્યું કે ઓચિંતું શું થઈ ગયું તો મેં નકારમાં ડોક હલાવી, એમ કહેવા કે કાઈં નથી થયું.“
“પણ એ પછી તમે હાથ જોડ્યા અને હથેળી પાછળ આગળ કરી ઉડવાની સાઈન કરી શું સમજાવ્યું? કોઈ પણ એમ સમજે કે સાહેબ નથી એટલે તમે એમની પાછળ હાથ જોડ્યા. બાકી હતું તો હાથને નાગની ફેણ ની જેમ વાળી આગળ પાછળ કર્યા. એ તો એમ જ અર્થ થાય ને..”
હું બોલું ત્યાં વચ્ચેથી તેણે મને કાપી ‘વેઇટ‘ નો ઈશારો કરી ફરીથી પાનના અવશેષો મોં માંથી થુંક્યા.
હવે એ કહે “આગળ હાથ જોડયા એટલે કે સાહેબ યાત્રાએ ગયેલા. બીજી સાઈન સાપ ની નહીં, પ્લેન ની હતી. તેઓ યાત્રાએ હજી પરમદિવસે જ ગયેલા અને પ્લેનમાં ગયેલા એમ મને કહેલું. પછી મેં હાથ ના માં આગળ પાછળ હલાવ્યો, એમ કહેવા કે ક્યારે આવશે એ મને ખબર નથી!
મારું હમણાં જ બનાવરાવેલું પાન થુંકાવી દીધું!" એણે અણગમા સાથે કહ્યું.
હું ઘા ખાઈ ગઈ. મૌન થઈ જોયું તો ડોકટર હજી ત્યાં લિફ્ટ પાસે જ ઊભા હતા.
સારું થયું, ડોકટરનું ધ્યાન અમારી તરફ નહોતું અને એમણે મારી વાત સાંભળી ન હતી!
***