-: વર્કિંગ વુમન :-
ગગનમાં ઉડતાં મને બહુ વાર લાગે છે,
મારી પાંખોનો મને બહુ ભાર લાગે છે.
વનિતા દવે નાં ઘરે સવાર સવારમાં બધાને કામની ઉતાવળ હોય. અને કરનાર માત્ર એક વનિતા.
"વનિતા, મારું ટિફીન લાવ, જલ્દી મારા મોજાં આપને ,મમ્મી મારો કંપાસ ક્યાં? મારી ચા લાવજે ને" જયારે પિયરમાં બધું હાથવગું, પિયરની સવાર ખરેખર સવાર જેવી લાગતી. અને અહીંની સવાર મજૂરની ઠંડી ચા જેવી નીરસ.
પતિ મનિષ, પુત્ર જેનીલ, ગૌરીશંકર જેઠ, કુમુદ જેઠાણી. પાંચનો પરિવાર, ગૌરીશંકર કર્મકાંડી.
કુમુદને એક બેંકમાં નોકરી હતી. જેથી પરિવારમાં થોડો વટ રહેતો.
મનિષ કંપનીમાં નોકરી કરતો. પગાર ઓછો એટલે વનિતાને થોડું દબાઈને રહેવું પડે. સમાજમાં ઈજ્જત તો કુમુદની થતી.
વનિતાને વિધાતા એ સુખની જગ્યા એ મહેનત લખી આપી એટલે પરણ્યાં પછી પણ મહેનત જ કરતી હતી. તેના અરમાનો કપૂરની જેમ ઉડી ગયાં .હવે બસ ઘરની, સભ્યોની તમામ જવાબદારી માત્ર વનિતાના માથે..
એક દિવસની વાત છે. તેને સવાર સવારમાં કમરનો દુખાવો થઇ ગયો. પથારીમાંથી ઉભું થવું અસહ્ય હતું. છતાં તે ઉભી થઇ.. ત્યાં તો રોજની આદત મુજબ ઘરનાં તમામ સભ્યો બુમરાણ મચાવી દીધી. 'વનિતા, મારી ચા, મારું ટિફિન, મમ્મી મારાં મોજાં, મારું પર્સ ક્યાં?
આ સાંભળીને તેનાથી ડૂસકું નંખાઈ ગયું.
મારો પતિ પણ મારું દર્દ ના સમજે. છેવટે તો મર્દ જ છે ને .. મારી પીડાની કોઈને પડી નથી જ. હું એક નોકર છું બધા માટે.. એટલામાં બધા મેમ્બર એની પથારીની આસપાસ લેણદારની જેમ ઉભા થઇ ગયાં. વનિતા ...મારું પર્સ લાવ ને .. પીડાનાં ભાવને છુપાવી પતિને બોલી "ત્યાં તિજોરીમાંથી લઇ લો..મને આજે સહેજ કમરમાં દુખે છે.. થોડો આરામ કરવા દો."
કુમુદ ગુસ્સાથી બોલી "એટલે ? મારું ટિફિન નહીં થાય એમ જ ને? "
"હા મોટીબેન આજનો દિવસ ચલાવી લો ..અને મોટાભાઈ ની ચા આજે તમે બનાવી દો ને .."
" હું અને ચા બનાવું ?" એક દિવસ ચા ના પીવે તો શું થાય? હું મોર્ડન યુગની વર્કિગ વુમન છું. ઘરની નોકરાણી નથી. તને નહિ સમજાય.." ઓફિસમાં કામ કરનારની એક અલગ છાપ હોય છે ..તને શું સમજ પડે?"
અસહ્ય પીડા,અને જેઠાણીની આ ટકોરને કારણે વનિતાનો ગુસ્સાનો બાટલો ફાટ્યો.
"મોટીબેન, તમે ખાલી કહેવાનાં વર્કિંગ વુમન છો. વર્કિંગ વુમન એટલે કામ કરનાર સ્ત્રી. માત્ર બેંકમાં બેસી રહેવું એને કામ ના કહેવાય. હું સવારથી સાંજ ગધેડાંની જેમ ઘરનાં વૈતરાં કરું, કચરા -પોતું ,વાસણને કપડાં - આ બધું માત્ર એક દિવસ તમે કરી જુવો. અને હા તમારું ટિફિન તો રોજ હું બનાવું છું? કામ જાતે ના કરો તો કંઈ નહિ પણ કામની કદર કરતાં તો શીખો. અને મોટીબેન! હું આ ઘરની વહુ છું.નોકરાણી નથી, તમે એક સ્ત્રી થઇને સ્ત્રીની વાત ના સમજો તો તમારા સ્ત્રી હોવા પર શરમ આવે છે. અને કદાચ એટલે જ ભગવાને તમારી કૂખ ખાલી રાખી છે. તમને કોઈના પ્રત્યે દયા, સહાનુભૂતિ તો નથી જ. પણ ભગવાન વને લાગ્યું હશે, આની પાસે મમતા પણ નથીહ એટલે તમે માંના સુખથી વંચિત છો."
" બસ ..વનિતા .." એનો પતિ ગુસ્સાથી બરાડ્યો.." એ તારી મોટા જેઠાણી છે. માં સમાન કહેવાય.
"મનિષ, મારા ઘરના એક પણ સભ્યને મારા માટે લાગણી નથી .હું ઇન્સાન છું .મારે પણ દિલ છે. અરમાનો છે. બહારની દુનિયા જોવી છે ..ઉડવું છે, મુક્ત પંખીની જેમ" છે આટલું કહેતા કહેતા તે રીતસરની રડી પડી.. " મોટીબેન! જો વધારે બોલી ગઈ હોય તો મને માફ કરજો."
માસુમ જેનીલ ચુપચાપ ઉભો હતો.
વનિતા, મારી ભૂલ થઇ કે, મેં અભિમાનમાં તને અવગણી. અને કદાચ માતૃત્વથી હું વંચિત છું. એટલે જ સ્વભાવ આવો થઇ ગયો. પણ તારી વાતો એ મારી આંખો ખોલી નાખી." કુમુદબેન મમતાભર્યું બોલ્યાં.
‘"વનિતા! આજથી સૌ ના કામ સૌ જાતે કરશે, અને શાકભાજી ,દૂધ અને અન્ય ચીજવસ્તુની જવાબદારી મારી, ઘરકામ માટે એક કામવાળી મારા ખર્ચે . અને તું જ સાચી વર્કિંગ વુમન છે..પણ પહેલા તું મારા ઘરની વહુ છે.." કહીને વ્હાલથી માથે હાથ ફેરવ્યો.. જેઠાણીનું આ રૂપ જોઈને તેની આંખમાંથી હરખ ના આંસુ નીકળી ગયા.. દુખાવો તો જાણે દૂર થઇ ગયો..
આજે દવાનું કામ બે મીઠા શબ્દો એ કર્યું ..
" મોટીબેન મારો દીકરો એ તમારો જ દીકરો છે..એને બે માંનો પ્રેમ મળે તો કેવું .."
આખા ઘરમાં ખુશી અને આંસુનો અનેરો સંગમ જોવા મળ્યો.
*જયેશ ગાંધી* -૦9.12.24