સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – ૨૦ – મરુભૂમિના મહારાજ અજિત સિંધણ
બે પળ માંડ વીતી હશે કે રાજકરણ અને મંત્રીઓ જ્યાં બેઠા હતા તેમની પાછળથી છડી પોકારવામાં આવી.
‘સર્વે સભાસદો અને દરબારીઓને જાણ થાય, આજીવન અજય, જમીન, મરુ અને સમુદ્રના સ્વામી, દયાળુ, દાનવીર, પ્રજાવત્સલ, ભગવાન ચંદ્રનાથ અને માતા આશાતંતુની કૃપા જેમના પર સદાય વરસતી રહે છે તેવા મરુભૂમિના મહારાજ અજિત સિંધણ સમગ્ર રાજપરિવાર સાથે દરબારમાં પધારી રહ્યા છે!’
છડીદારનો અવાજ પૂરો થયો ન થયો ત્યાં ઢોલ, નગારા, ત્રાંસા અને દુંદુભી વાગ્યા. એમનો અવાજ શાંત થયો ન થયો કે મોટેથી શંખ વાગ્યો અને એક વિશાળ દ્વાર ખુલતાની સાથે જ તેમાંથી મહારાજ અજિત સિંધણ અને તેમનો પરિવાર ધીરેધીરે રાજસી ચાલ ચાલતો દરબારમાં પ્રવેશ્યો. તેમની આસપાસ અંગરક્ષકો ચાલી રહ્યા હતા.
આ તમામ પેલા પાંચ પગથીયા ચડીને મંચ પર સ્થિત પેલા નાના-મોટા સિંહાસનો પર બેસી ગયા. મહારાજ સિંધણ વચ્ચેના ભવ્ય સિંહાસન પર બિરાજ્યા. તેમની બંને બાજુ તરત મુકેલા બે નાના આસનો પર બે મહિલાઓ બેઠી. મહારાજની ડાબી પડખે એમનાથી થોડી નાની ઉંમરની દેખાતી સ્ત્રી બેઠી જેની સુંદરતા પોતે મહારાણી હોય તેમ દેખાડી રહ્યું હતું. મહારાજની જમણી પડખે એક વૃદ્ધ પરંતુ અલગ જ પ્રકારનો ઠસ્સો ધરાવતી મહિલા હતી જે મહારાજની માતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
મહારાણીની બાજુના બંને આસનો પર બે યુવાનો બેઠા જે તેમના કુમારો હશે અને વૃદ્ધ પણ ઠસ્સાદાર મહિલાની બાજુમાં એક મધ્યમ ઉંમરનો વ્યક્તિ બેઠો અને તેની બાજુમાં એક યુવાન અને અતિશય સુંદર કન્યા બેઠી.
આ લોકોના બેસવા સાથે જ દરબાર આખો, ‘ભગવાન ચંદ્રનાથનો જય હો, માતા આશાતંતુની જય, અજેય રાષ્ટ્ર મરુભૂમિનો જય, મહારાજ અજિત સિંધણનો જય!’થી ગૂંજી ઊઠ્યો. રાજપરિવારના પોતપોતાના આસનો પર બેઠા પછી દરબાર આખો પણ બેસી ગયો.
મહારાજ અજિત સિંધણનો દરબાર પહેલેથી જ ભવ્ય લાગી રહ્યો હતો, પરંતુ હવે તો આ રાજપરિવારની હાજરીથી તેની ભવ્યતાની જાણેકે ચરમસીમા આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. રાજકરણ અને તેના મિત્રો વિચાર જ કરી રહ્યા હતા કે આ બધા કોણ હોવા જોઈએ ત્યાંજ અષાઢી પોતાની જગ્યાએથી ચાલ્યો અને મહારાજના સિંહાસનના મંચ નજીક ઉભો રહ્યો અને મહારાજને પ્રણામ કરીને બોલ્યો:
‘અજેય મહારાજ અજિત સિંધણનો જય હો. આપની આજ્ઞા હોય તો આજના દરબારની કાર્યવાહી શરુ કરવામાં આવે.’
રાજા અજિત સિંધણે પોતાનો જમણો હાથ ઉપર કરીને દરબારનું કાર્ય શરુ કરવાની અષાઢીને આજ્ઞા આપી.
‘મહારાજ, આપના આદેશથી ગુજર પ્રદેશના સ્વતંત્રતા સેનાની તરીકે ખ્યાતિ પામનાર શ્રીમાન રાજકરણ સિંહજી તેમના બે મિત્રો આદરણીય શ્રીમાન ધૂળીચંદજી અને આદરણીય શ્રીમાન મહાદેવ રાયજી અત્રે આ દરબારમાં પધાર્યા છે. જો આપની આજ્ઞા હોય તો તેમની સાથે આપની ઓળખ કરાવું.’
દરબારમાં આવેલા નવા મહેમાનો કોણ છે એની જાણ થતાં જ આખો દરબાર, મંત્રીઓ સાથે, રાજકરણ અને તેમના મિત્રોને કાંઈક આશ્ચર્યથી અને જેમના સુધી એમની ખ્યાતિ પહોંચી ગઈ હતી એ કાંઈક સન્માન સાથે તેમની તરફ જોવા લાગ્યા.
મહારાજ અજિત સિંધણે ફરીથી પોતાનો જમણો હાથ ઉંચો કરીને અષાઢીને આજ્ઞા આપી.
‘મહારાજ મંત્રીશ્વરોની પંક્તિમાં આપના સિંહાસનની સહુથી નજીક જેઓ બેઠા છે તે ગુજર પ્રદેશની સ્વતંત્રતાની મહેચ્છાના નાયક એવા શ્રીમાન રાજકરણ સિંહ પોતે છે. તેમની તરત બાજુમાં શ્રીમાન ધૂળીચંદજી અને શ્રીમાન મહાદેવ રાયજી છે.’
અષાઢી દ્વારા પોતાના નામ બોલવામાં આવતા જ ત્રણેય પોતપોતાના આસન પરથી ઊભા થઇ ગયા અને રાજાને બંને હાથ જોડીને પ્રણામ કર્યા. રાજાને વળતું સ્મિત કરીને અને માથું હકારમાં હલાવીને તેમને સકારાત્મક પ્રત્યુત્તર આપ્યો. ત્યાં અષાઢી આગળ વધ્યો.
‘આદરણીય મહેમાનો, હું આપનો પરિચય અમારા પ્રજાવત્સલ રાજપરિવાર સાથે કરાવી દઉં. ઉચ્ચ સિંહાસન પર બેઠા છે, તે અમારા સ્વામી અને સમગ્ર મરુભૂમિ તેમજ મરુભૂમિને સ્પર્શ કરતા સમુદ્ર પર પર જેમનું અડગ રાજ છે તેવા દયાળુ અને દાનવીર, સાહસી અને વીર એવા મહારાજ અજિત સિંધણ સાંઈ છે. તેમની ડાબી પડખે મહારાણીબા ચંદારાનીજી છે. મહારાણીબાની તુરંત બાજુમાં એમનાં બે પ્રતાપી પુત્રો રાજકુમાર જય અને રાજકુમાર વિજય છે.’
ત્રણેય મિત્રોએ આ તમામના જેમ જેમ નામ બોલાતા ગયા તેમ તેમ તેમને પ્રણામ કર્યા. તો સામે પક્ષે પણ મહારાજ સિવાય તમામે તેમને પણ વળતા પ્રણામ કર્યા.
‘મહારાજની જમણી પડખે અમારા વડીલ અને માર્ગદર્શક એવા રાજમાતા પન્નાદેવી છે. તેમની તુરંત બાદ બેઠા છે મહારાજના નાના ભાઈ એવા લખણ સિંહ સિંધણ જેઓ મરુભૂમિના પ્રતાપી સેનાપતિ પણ છે. સેનાપતિજીની બાજુમાં મહારાજ અને મહારાણીબાના પુત્રી સાવિત્રીદેવી છે.’
ત્રણેયે ફરીથી આ તમામને પ્રણામ કર્યા અને તેમને પણ વળતા પ્રણામ મળ્યા.
ઓળખ આપીને અષાઢી ફરીથી પોતાની મૂળ જગ્યાએ જઈને ઊભો રહી ગયો. રાજા અજિતે રાજકરણ અને મિત્રોને તેમના આસન ગ્રહણ કરવાનો સંકેત આપ્યો. બે પળ વીતી ગઈ અને સમગ્ર દરબાર હવે મહારાજ અને મહેમાન વચ્ચે શું સંવાદ થશે તેના વિષે આતુરતાથી વાટ જોવા લાગ્યો અને દરબારીઓ એક પછી એક બંને તરફ જોવા લાગ્યા.
છેવટે મહારાજ અજિત સિંધણે શાંતિના આ સમુદ્રમાં પથરો ફેંક્યો.
‘મરુભૂમિના મહેમાન તરીકે આપનું સ્વાગત છે, રાજકરણજી. આમતો મરુભૂમિ પેઢીઓથી અન્ય રાજ્યોના સંદર્ભમાં પોતાનું માથું ન મારવાના પક્ષમાં છે. ભગવાન ચંદ્રનાથ અને માતા આશાતંતુની કૃપાથી અમને કુદરતી સીમાઓ પણ એવી મળી છે કે અમે છેલ્લા એક હજાર વર્ષથી અજેય રહ્યા છીએ.
પરંતુ, અજેય રહેવાની કાયમી ખાતરી હોવા છતાં અને બહારના રાજ્યોની ખટપટમાં માથું ન મારવાનો નીતિવિષયક નિર્ણય હોવા છતાં એવું જરાય નથી કે અમે અમારા પડોશી રાજ્યોમાં ઘટતી ઘટનાઓથી પોતાની જાતને દૂર રાખતા હોઈએ છીએ. આશાવનનું ગુપ્તચર તંત્ર સમગ્ર આર્યવર્ષમાં પ્રસિદ્ધ છે, પરંતુ અમારા મરુભૂમિના ચરો પણ અત્યંત કુશળ છે અમારા ગુપ્તચર તંત્રને તેઓ સદાય ચેતતું રાખે છે. અને અમારા ગુપ્તચાર તંત્રના મુખિયાને દરરોજ સાંજે અમારી આસપાસના રાજ્યોમાંથી એક-એક ઊંટડીઓ પર ગુપ્તમાં ગુપ્ત માહિતીઓ મળતી જ રહેતી હોય છે.
વર્ષો અગાઉ જ અમારા ચરો તરફથી અમને સમાચાર મળ્યા હતા કે આશાવન હવે મહારાજ કૃષ્ણદેવરાયના સમય જેવું ન્યાયી અને સહ્રદયી રહ્યું નથી. અત્યારના રાજા અને મહાઅમાત્ય તેમજ સેનાપતિના આશાવન અને ગુજર પ્રદેશના નાગરિકો પર થતા અત્યાચારોના સમાચારોએ અમારું હ્રદય પણ દુઃખી કર્યું છે. પરંતુ, અમારી નીતિ પ્રમાણે અમે તેમને કોઈ સીધી મદદ નથી કરી શકતા. તમને પણ અમે કોઈ સીધી મદદ કરીશું એવી અપેક્ષા તમે જરાય ન રાખતા.’
રાજાએ બે પળ શ્વાસ લીધો, પરંતુ તેમના છેલ્લા વાક્યે રાજકરણ અને તેના સાથીઓના મનમાં અપાર નિરાશા ભરી દીધી. તેઓ તો પોતાને મળેલા માનપાનથી એવું માનવા લાગ્યા હતા કે મહારાજ અજિત સિંધણ હવે તેમને પોતાની સ્વતંત્રતાની લડાઈમાં આગળ આવીને મદદ કરશે અને તેમનો આગળનો માર્ગ હવે સરળ થઇ જશે, પરંતુ આ તો સીધી ના જ આવી ગઈ!
મહારાજે વિરામ લીધા પછી ફરીથી આગળ બોલવાનું શરુ કર્યું.
‘પરંતુ, એનો અર્થ એ પણ નથી કે અમે તમને સાવ ખાલી હાથે ગુજર પ્રદેશ પરત જવા દઈશું. એમ કરવાથી તો અમારી પ્રસિદ્ધ અમારી મહેમાનગતિને લાંછન લાગે જેને અમે ક્યારેય સ્વીકારી ન શકીએ. અમે તમને સીધી મદદ ન કરી શકીએ એવી અમારી નીતિ છે. પરંતુ અમે તમને આડકતરી મદદ પણ ન કરી શકીએ એવી અમારી કોઈ જ નીતિ પહેલાં પણ ન હતી અને અત્યારે પણ નથી. આથી તમારી લડાઈમાં મદદ માટે અમે અમારું સૈન્ય તો નહીં મોકલીએ પરંતુ તમને બીજી આડકતરી મદદો જરૂર કરી શકીશું.’
આ સાંભળીને ગુજર દેશની સ્વતંત્રતાની મહેચ્છા ધરાવતા ત્રણેય મિત્રોનો શ્વાસ નીચે બેઠો. હવે રાજા તેમને કેવી રીતે આડકતરી મદદ આપશે તેના વિષે શું કહેશે તેની તેઓ આતુરતાથી રાહ જોવા લાગ્યા.
‘તમારા ગુજર પ્રદેશ છોડવાની સાથે જ અમારા ચરોએ અમને અહીં સૂચના પહોંચાડી દીધી હતી કે તમે અહીં અમારા મરુભૂમિમાં શરણ લેવાનું અને સંતાવાનું નક્કી કર્યું છે. તમારા જેવા સાહસિકો વિષે અમારા અને અમારા પ્રજાજનોમાં અતિશય સન્માન કાયમી રહે જ છે અને આથી જ અમે આપને અમારા અતિથી બનાવવા માટે તમારા ભુજડો પહોંચ્યા પહેલા જ તૈયાર હતા. આથી તમને અમે તમારી જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી સમગ્ર મરુભૂમિમાં હરવા-ફરવાની અને જો તમારી ઈચ્છા હોય તો કોઈપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવાની અત્રેથી લેખિતમાં છૂટ આપીએ છીએ. તમને મન થાય ત્યાં સુધી આપ તમામ અહીં મરુભૂમિમાં જ રહો. અહીં તમારા રહેવાની તેમજ ભોજનની તમારા અહીંના રહેવાસ સુધી કાયમી વ્યવસ્થા અહીં દરબારગઢમાં આજે સંધ્યાકાળ પહેલા જ થઇ જશે.
તમારી અને તમારા અન્ય પચીસ ચૂંટેલા સૈનિકોની વીરતા, બહાદુરી અને હિંમત વિષે અમારા મનમાં કોઈજ શંકા નથી. પરંતુ આપ તમામ બિનલડાયક પૃષ્ઠભૂમિમાંથી આવો છો, અને આપે જે કોઇપણ પ્રશિક્ષણ લીધું છે તે જાતમેળે લીધેલું હોય તેની શક્યતા વધુ છે. આ પ્રકારનું પ્રશિક્ષણ કદાચ કેસરિયાં યુદ્ધમાં વધુ કામ આવી શકે છે કોઈ સ્વતંત્રતાની લડતમાં નહીં. આથી અમારા સેનાપતિજી અને મારા લઘુબંધુ લખણ સિંહ સિંધણ સાંઈ તમને અને તમારા તમામ પચીસ સૈનિકોને સૈન્ય પ્રશિક્ષણ આપશે. અમારા મહાઅમાત્ય કેસરીરામ પંજવાણી તમને કૂટનીતિનું જ્ઞાન આપશે. આપનામાંથી કોઈ એક સાથીદારને અમારા ગુપ્તચર તંત્રના મુખી ધનપાલજી લખવાણી ગુપ્તચર તંત્ર કેવી રીતે ચલાવવું તેના વિષે પ્રશિક્ષિત કરશે.’
મહારાજ અજિત સિંધણ જે એવા દેશના રાજા હતા જે છેલ્લા એક હજાર વર્ષથી અજિત હતો અને જેમની ‘કોઈને નડવું નહીં’ની રાષ્ટ્રનીતિ સમગ્ર આર્યવર્ષમાં ખ્યાતિપ્રાપ્ત હતી તે સામે ચાલીને પોતાના માગ્યા વગર આટલી મોટી મદદ કરી રહ્યા છે તે સાંભળીને, જોઇને, અનુભવીને રાજકરણ છક્ક જ થઇ ગયો.
મહારાજ અજિત હવે તેના બોલવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રાજકરણને હજી સુધી કળ વળી ન હતી.