સંઘર્ષ - પ્રકરણ 20 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - પ્રકરણ 20

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

 

પ્રકરણ – ૧૯ – મહારાજ અજિત સિંધણનો દરબાર

 

રાજકરણ ઊંડા વિચારમાં હતો ત્યાંજ તેના ખભા ઉપર સંગ્રામબાપુએ હાથ મુક્યો.

‘કે વિચાર કર રહો સો? ભુજડોમેં અંદર કેમ જાવેગો એમ?’ 

‘હા, કાકા. તમે તો વેપારી છો. મારે સંતાવા જવાનું છે. દુર્ગપતિ કેવી રીતે માનશે?’

‘મેં દુર્ગપતિ સાથ થાર બાત કર લી હૈ, તું ફિકર કર કો ની.  ભુજડો તે ભુજડો થા રાજાને સચ પસંદ હોવે. તું જ્યાં સુધી સત્ય બોલેગો તને તકલીફ કો ની. જો તું જૂઠ બોલ્યો તો બે ઘડીમાં કાયમ ખાતે દેસનિકાલ. અબ ચલ મ્હારે સાથ.’

રાજકરણને લાગ્યું કે સંગ્રામ બાપુનું રૂપ લઈને ભગવાન ચંદ્રનાથ જાતે આવ્યા હતા. એ એની એક પછી એક બધી તકલીફ આમ ચપટી વગાડીને દૂર કરી રહ્યા છે. તેણે ધૂળીચંદ, મહાદેવ અને તેના અન્ય સાથીઓને પોતાની પાછળ ચાલવાનો સંકેત કર્યો. 

દુર્ગના મુખ્ય દ્વારે પહોંચતા જ સંગ્રામબાપુએ ફરીથી દુર્ગપતિ સાથે ફરીથી મસલત કરી અને રાજકરણ અને તેના સત્યાવીસ સાથીઓ તરફ ઈશારો કર્યો. દુર્ગપતિએ પણ સામે કોઈ જવાબ આપ્યો હોય એવું લાગ્યું, પણ પછી તેણે આવકારનો હાથ હલાવીને બધાને નગરની અંદર પ્રવેશ કરવાનો સંકેત કર્યો. રાજકરણ અને તેના સાથીઓ એક હરોળમાં ચાલવા લાગ્યા. સહુથી પહેલા પચાસ ઊંટો અને ઊંટડીઓને પ્રવેશ મળ્યો. ત્યારબાદ સંગ્રામબાપુ સહુથી આગળ અને રાજકરણ સહુથી છેલ્લે એમ બધા દ્વાર તરફ ચાલ્યા. તમામને ભુજડો નગરમાં પ્રવેશ મળી ગયો. છેલ્લે જ્યારે રાજકરણ દુર્ગપતિ પાસે પહોંચ્યો ત્યારે દુર્ગપતિએ તેને પોતાના હાથ જોડીને રોક્યો.

‘અન્યાય અને દાસત્વ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર શ્રી રાજકરણસિંહનું ભુજડાનો આ દુર્ગપતિ સ્વાગત કરે છે. તમારા ઉતારાની વ્યવસ્થા થઇ ગઈ છે. સંગ્રામબાપુ અહીંના જાણીતા છે તેઓ આપને એ સ્થળ સુધી દોરી જશે. આપ થોડો સમય આરામ કરો, થોડું જલપાન કરી લો, ત્યારબાદ મહારાજ આપને એમના દરરોજના દરબારમાં મળશે. મહારાજનો સેવક આપને લેવા આવશે.’

રાજકરણ તો આ પ્રકારના સ્વાગતથી અવાચક જ થઇ ગયો. એને ખબર ન હતી કે થોડા દિવસમાં એના નામની ખ્યાતિ છેક ભુજડા સુધી પહોંચી જશે. અન્યાય અને દાસત્વ વિરુદ્ધ લડાઈ લડનારને જો રાજા અજિત સિંધણ અને તેનું રાજ્ય આટલું સન્માન આપતા હોય તો એમનાં રાજ્યમાં તો આ બંને કુરિવાજો હોવા જ ન જોઈએ. રાજકરણ આમ વિચારી રહ્યો.

‘પધારો ભા!’ દુર્ગપતિએ રાજકરણનું ધ્યાન ભંગ કરતા કહ્યું. 

‘ધન્યવાદ દુર્ગપતિજી!’ રાજકરણે સામા હાથ જોડ્યા અને એ પોતાના બાકીના સંઘ સાથે જોડાઈ ગયો. 

સંગ્રામબાપુ આ નગરના જાણીતા હતા એટલે એ રાજકરણ અને તેના સાથીઓને તરત જ દુર્ગપતિએ તેમના ઉતારાની જ્યાં વ્યવસ્થા કરી હતી ત્યાં તેમને દોરી ગયા. 

આ એક વિશાળ હવેલી જેવું લાગી રહ્યું હતું. એમ કહો ને કે નાનકડા રાજમહેલ જેવું. આરામની તમામ વ્યવસ્થા અહીં હતી. રાજકરણનું જૂથ અઠ્યાવીસનું હતું. આ અઠ્યાવીસ લોકો માટે ચાર અલગ અલગ ઓરડા અને એ પણ ભવ્ય ઓરડાની વ્યવસ્થા ભુજડા રાજ્ય તરફથી કરી દેવામાં આવી હતી. 

રાજકરણ માટે અલગ ઓરડો અને ધૂળીચંદ તેમજ મહાદેવ રાય એક ઓરડામાં રહ્યા જ્યારે બાકીના બે ઓરડામાં બાકીના સૈનિકોને ઉતારો આપવામાં આવ્યો.

તમામ ઓરડાની વ્યવસ્થા થઇ ગઈ એટલે સંગ્રામબાપુ રાજકરણ પાસે આવ્યા.

‘કરણભા, હવે મ્હારે થાર રજા જોઈએ.’

‘કેમ? તમે નથી રોકાતા?’ રાજકરણને આશ્ચર્ય થયું.

‘ના ભા ના. મેં રાજનો મે’માન કો ની. મ્હારા જેવા વેપારી માટે અલગ-અલગ ઉતારા ભુજડામેં ઘણા હે.’ 

‘ઠીક છે કાકા. જેવી તમારી મરજી. પણ પછી પરત જવાના પ્રવાસનું શું કરીશું?’

‘મેં દુર્ગપતિ સંગ થાર પરત જવાની વાત કરી હૈ. એ રાજમહેલમાં વાત કર લેગો. રાજમહેલ જ થાર પરત જવાની વ્યવસ્થા કરેગો. મ્હારા કાજ તો દો દિન મેં પૂરા હો જાવેગો. મેં રાજથાણા પરત જતો રહેગો. તું આહી આરામ સે રે. થને મહારાજ સિંધણનો આસરો સે. થારે કો જેટલા દિવસ રહેવાનું મન હોવે ઉતના દિવસ રે. હવે જો મારો કાન્હોજી મને જીવાડસે તો થને આશાવનના રાજા તરીકે થાર રાજમહેલમાં મલેગો. ચાલો ત્યારે જય કન્હાજી!’ 

સંગ્રામબાપુએ રાજકરણને હાથ જોડ્યા. રાજકરણ એમને પગે લાગ્યો તો સંગ્રામબાપુએ તેને ખભેથી પકડીને ઊભો કર્યો અને તેને તેઓ ભેટી પડ્યા. બંનેએ ભીની આંખે એકબીજાની વિદાય લીધી. હવે બંને બે દિવસ બાદ મળવાના હતા, પરંતુ ત્યારબાદ ક્યારે મળશે તેનો કોઈ નક્કી સમય ન હતો.

***

થોડો સમય આરામ કરીને અને જલપાન કરીને હજી રાજકરણ અને સાથીઓ વાતચીત કરી રહ્યા હતા ત્યાં જ ઉતારાનો રખેવાળ આવ્યો.

‘અતિથીજી, આપને મળવા મહારાજનો માણસ આવ્યો છે.’

રાજકરણ ચોંક્યો. મહારાજ અજિત સિંધણે પોતાનો માણસ મોકલ્યો, અને એ પણ એના જેવા એક સામાન્ય માણસને બોલાવવા?

‘શું કરું અતિથીજી?’ રાજકરણને ગડમથલમાં રોકાયેલો જોઇને રખેવાળ મૂંઝાયો.

‘હું...હું... આવું છું એમને મળવા, ચાલો!’ રાજકરણ ઉતાવળે પોતાની બેઠક પરથી ઉભો થયો અને ચાલવા લાગ્યો. રખેવાળ એની સાથે દોરવાયો. 

બંને રખેવાળની કચેરીમાં આવીને ઊભા. અહીં રાજાના મહેલનો કોઈ સેવક હોય એવો લાગતો વ્યક્તિ ઉભો હતો. તેની ઉંચાઈ સામાન્ય હતી. એના વસ્ત્રો સફેદ હતા અને તેની કમર ઉપર લાલ પટ્ટો બાંધેલો હતો. આવા બે લાલ પટ્ટાની તેણે પોતાના શરીરના આગળના ભાગમાં ચોકડી મારી હતી જે એના બંને ખભા ઉપરથી પસાર થઈને પાછળ જતી હતી અને પેલા કમરપટ્ટામાં ભેરવી દેવાઈ હતી. કદાચ રાજમહેલના સેવકોનો આ પહેરવેશ હતો. 

રાજકરણના કચેરીમાં આવતાં જ પેલા વ્યક્તિએ તેને અત્યંત નમ્રતાપૂર્વક નમન કર્યા. રાજકરણે પણ સામા હાથ જોડ્યા. 

‘ભુજડાના સન્માનીય અતિથીનું મહારાજ અજિત સિંધણ સાંઈ તરફથી હું તેમના મહાલયનો પરમ સેવક અષાઢી સ્વાગત કરું છું. મહારાજ આપને એમના દરબારમાં મળવા માગે છે. જો આપ તૈયાર હોવ તો આપણે અત્યારે જ મહેલ તરફ નીકળવાનું છે.’ 

‘જી, અષાઢીજી! હું તૈયાર છું. મહારાજના આદેશની જ રાહ જોઈ રહ્યો હતો.’

‘આપની સાથે વધુમાં વધુ બીજા બે લોકો આવી શકે છે એવો મહારાજનો આદેશ છે.’ 

‘જી, મારી સાથે મારા બે વિશ્વાસુ સાથીદારો આવી રહ્યા છે.’

‘તો મારા માટે શું આજ્ઞા છે?’

‘બસ, આપ અહીં બે પળ રોકાઓ હું મારા સાથીદારોને બોલાવી લાવું.’

‘ક્ષમા અતિથીજી. એ કામ આપનું નથી એ કામ મારું છે. આપ મને એમનાં નામ આપો હું તેમને તેમના ઓરડાઓમાંથી બોલાવી લાવું. રખેવાળજી મારી સાથે આવશે.’

રાજકરણથી આટલું બધું સન્માન પળે પળે એને આશ્ચર્ય આપી રહ્યું હતું. તેણે સેવકને ધૂળીચંદ અને મહાદેવના નામ આપ્યા. સેવકે રાજકરણને કચેરીની બહાર રાહ જોવાની વિનંતી કરી અને પોતે અને રખેવાળ ધૂળીચંદ અને મહાદેવને બોલાવવા ગયા.

બે પળમાં જ ધૂળીચંદ અને મહાદેવ રાય સેવક સાથે કચેરીની બહાર આવી ગયા. એમનાં ચહેરાઓ ઉપર પણ આટલા બધા માનસન્માન બદલ આશ્ચર્ય ડોકાઈ રહ્યું હતું. રાજકરણે સંકેતથી ધીરજ ધરવાનું કહ્યું.

અતિથીગૃહની બહાર નીકળ્યા તો એમણે એક વિશાળ રથ જોયો જેને એક સારથી દોરી રહ્યો હતો. અષાઢીએ ત્રણેયને સન્માનપૂર્વક રથ ઉપર ચડાવ્યા અને સારથીને મહાલય તરફ લઇ જવાનો અને જ્યાં રાજદરબાર ભરાય છે તેના દ્વાર ઉપર ઉભા રહેવાનો આદેશ કર્યો. પોતે એક સંપૂર્ણ અશ્વેત અને પાણીદાર અશ્વ ઉપર સવાર થયો. 

મહારાજ અજિત સિંધણનો આટલો મોટો રથ અને તેના ઉપર સવાર ત્રણ અતિથીઓ જોઇને ભુજડો નગરના નિવાસીઓને પણ આશ્ચર્ય થયું. એમને લાગ્યું કે રાજાના બહુ મોટા અતિથીઓ આવ્યા લાગે છે. એટલે રથ જ્યાંથી પણ પસાર થયો નગરવાસીઓ ઉભા રહી જઈને અતિથીઓને પ્રણામ કરી રહ્યા હતા. રાજકરણ માટે હજી પણ આ બધું સ્વપ્ન જેવું હતું. 

થોડા જ સમય બાદ આ રથ અને અષાઢીનો ઘોડો રાજમહેલના પ્રાંગણમાં આવીને ઉભા રહી ગયા. રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવ રાય રથ પરથી નીચે ઉતર્યા. અષાઢી કુદકો મારીને ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. એ આ ત્રણેયને પૂરા સન્માન સાથે દરબાર ગઢમાં લઇ ગયો.

આમ તો દૂરથી જ ભુજડાનો રાજમહેલ વિશાળ, સુંદર અને ભવ્ય લાગી રહ્યો હતો. જ્યાં મહારાજા અજિત સિંધણ દરરોજ પોતાનો દરબાર ભરતાં એ દરબાર ગઢ આ મહેલનો જ ભાગ હતો પરંતુ એ જાતે જ ખૂબ વિશાળ હતો. દરબાર જ્યાં ભરાતો એ વિશાળ ખંડની બહાર બે દરવાનો ચોકી કરતા હતા અને તેમની આગળ સો જેટલા સૈનિકો સામસામી કતાર બનાવીને ઉભા રહેતા જેથી આવનારો વ્યક્તિ જો જરા જેટલી પણ અજુગતી હિલચાલ કરે તો એને દરબારમાં ઘૂસતાં પહેલાં જ પકડી લેવાય. આ ઉપરાંત દરબારના દરેક થાંભલે રક્ષકો ભાલો લઈને ટટ્ટાર ઉભા હતા. 

સૈનિકોની કતાર વચ્ચેથી થઈને અને દરવાનોના પ્રણામ સ્વીકારીને રાજકરણ અને તેના મિત્રો અષાઢી સાથે દરબારમાં આવ્યા. અહીંની ઝાકઝમાળ જોઈને ત્રણેય મિત્રોની આંખો ચમકી ગઈ. તેમના પગ નીચે લાલ જાજમ હતી. ચારેય તરફની દીવાલો ઉપર સોનું મઢ્યું હોય એવું એની ચમક ઉપરથી લાગી રહ્યું હતું.  ખંડમાં ઘૂસતાં જ ઉપર એક નાનું ઝુમ્મર અને તેના પછી એક વિશાળ ઝુમ્મર અને પછી ફરીથી એક નાનું ઝુમ્મર લટકી રહ્યું હતું. 

આ ઝુમ્મરથી નીચે સહેજ દૂર પાંચ પગથીયાં ઉપર મહારાજ અજિત સિંધણનું ભવ્ય સિંહાસન હતું. તેમની આસપાસ ત્રણ નાના આસનો હતા. પગથીયાં નીચે બંને તરફ દસ નાના સિંહાસનો હતા જેના ઉપર મહારાજના દરબારીઓ, મંત્રીઓ અને સલાહકારો બેઠા હતા. આ બધાની એકદમ સામે વિશાળ જગ્યામાં નીચે આસનો પાથરવામાં આવ્યા હતા જેના ઉપર પોતાની રોજીંદી ફરિયાદ લઈને આવતી પ્રજાના બેસવાની વ્યવસ્થા હતી. 

અષાઢીએ મંત્રીઓના આસનોની બાજુમાં ખાલી ત્રણ આસનો પર રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવ રાયને બેસાડ્યા. આસન પર બેસતાની સાથે જ ત્રણેયની નજર પગથીયાં ઉપરના ખાલી સિંહાસન ઉપર પડી. આ સિંહાસન ઉપરાંત બાકીના ત્રણ સિંહાસન ખાલી હતા.

‘મહારાજ ગમે ત્યારે પધારશે!’ રાજકરણની નજર પારખી જઈને તેના આસનની બરાબર બાજુમાં ઉભેલા અષાઢીએ તેના કાનમાં ધીરેકથી કહ્યું. 

રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવરાય આતુરતાથી મહારાજ અજિત સિંધણના આવવાની વાટ જોઈ રહ્યા.