નિતુ - પ્રકરણ 65 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 65





નિતુ : ૬૫(નવીન)


નિતુને કોઈ ફરક નહોતો પડતો, એ રોજની જેમ આવતી અને પોતાનું કામ કરી ચાલી જતી. નવીનનાં વિચાર જાણી તેને પોતાના પક્ષે લીધાં બાદ તેના માટે બધું જ સામાન્ય રીતે ચાલતુ હતું. વિદ્યાએ હમણાંથી તેની સાથે વધારે વાતચીત નથી કરી એ તેની નિશ્ચિન્તામાં વધારો કરી રહ્યું હતું.

રોજે કરુણા સાથે ગાર્ડનમાં થતી મુલાકાત તેને મન મોકળું કરવાની તક અને આનંદની અનુભૂતિ પીરસી રહી હતી. તેને કોઈ આઝાદીનો આસ્વાદ લાગ્યો હોય એમ નિશ્ચિન્ત થઈ ગઈ. થોડાં દિવસો માટે તો એ મન મૂકીને જીવવા લાગી હતી. જેમ ઉપરવાળાએ નક્કી કર્યું હશે કે આટલી ચિન્તા પછી પૂર્ણવિરામ મૂકી દેવાનું, અલબત્ત એ પૂર્ણવિરામ હતું કે એક નાનકડું અલ્પવિરામ? નવીન પોતાની ગૂંચવણમાં હતો. અનિચ્છા છતાં એ સતત તેના તરફ ખેંચાઈ રહ્યો હતો. આનાકાનીનાં વિચારોથી ઘેરાયેલો એ સમજવા માંગતો હતો કે તેના મનમાં જે લાગણીઓ છે એ સાચે એક ભ્રમ છે કે પછી તેના પ્રત્યે...

જે દિવસથી નિતુએ પોતાની સાથે બેસીને લંચ કરવાની પરવાનગી આપી તે દિવસથી તેને હેમનાં ભાણ ઉગ્યા. રોજે એક જ કેબિનમાં સાથે બેસીને કામ કરવાની સાથોસાથ હવે લંચ પણ રોજે સાથે થવા લાગ્યું હતું. જેમ જેમ નીતિકાએ તેનાં પરથી ધ્યાન હટાવ્યું તેમ તે તેની વધારેને વધારે નજીક થતો ગયો.

પોતાની મનોદશાને સમજવી ખુબ અઘરી હતી. રાત્રે પોતાને ઘેર બેઠા બેઠા પણ તે સાથે બેસીને કામ કરતી નીતિકાને જ અનુભવી રહ્યો હતો. અચાનક તેને યાદ આવ્યું કે નીતિકાએ તેને ક્યારેય પણ ફોન અથવા મેસેજ કરવાનું કહ્યું હતું. વધારે કશોય વિચાર કર્યા વિના તેણે સીધો જ નીતિકાનો નંબર શોધ્યો અને મેસેજ સેન્ડ કરી દીધો.

"Hi ma'am"

મોંમાં અંગૂઠાનો નખ ચાવતો તે રાહે હતો કે ક્યારે નીતિકા આ મેસેજ જોશે? જોકે એક ચિન્તા પણ હતી, કે મેસેજ જોયા પછી તેનો રિપ્લાય આવશે કે કેમ? અને મારું આ રીતે મેસેજ કરવું તેને ગમશે ખરું? જો નહિ ગમે તો? કદાચ તેણે માત્ર મારું માન રાખવા ખાતર હા કહી હોય અને મારી સાથે વાત કરવાની ઈચ્છા ના હોય? હજુ સુધી મારો મેસેજ નથી જોયો, કોઈ કામમાં હશે? હું એને ડિસ્ટર્બ તો નહિ કરતો હોઉંને?

મેસેજ જોવામાં માત્ર થોડી વાર લાગી, પણ વર્ષોથી રાહ જોતો હોય એમ નવીનનાં મનમાં અનેક સવાલો ઘર કરી ગયા. ફોનની સ્ક્રીન બંધના થાય એ માટે તે સતત તેને સ્પર્શી રહ્યો હતો. હમણાં જોશે; હમણાં જોશે; બસ એક જ રટણ. એનું આમ કરવાનું કારણ એને પોતાને પણ નહોતું સમજાતું.

અંતે તેણે મન બનાવ્યું કે, "હવે કદાચ તે નહિ જુએ. મોડી રાત થઈ ગઈ છે. તેનું મન નહિ હોય!" પોતાને સમજાવતો તે ઉભા થવાની તૈય્યારી કરતો હતો. એવામાં મેસેજ ટોન વાગી. તેણે તુરંત આશાવાદી થઈ ફોન જોયો અને ચહેરા પર મુસ્કાન આવી ગઈ. નિતુએ જવાબ આપ્યો હતો.

"Hi Navin "

વ્યથા દૂર કરવા તેણે લખ્યું, "હું તમને ડિસ્ટર્બ તો નથી કરતો ને!"

તેણે રિપ્લાયમાં કહ્યું, "ના. હું બસ હમણાં જ ફ્રી થઈ. મેં તમારો મેસેજ ન્હોતો જોયો, એટલે લેટ આન્સર આપ્યો."

બસ પછી શું? નવીનનો રસ્તો સાફ હતો. હવે તો ઓફિસમાં સાથે કામ કરવાનું, લંચ કરવાનું અને ઘરે આવી વાતો કરવાની. નવીનની લાઈફમાં અચાનક આ વળાંક આવ્યા અને આગળ પાછળના વિચાર વગર તે માત્ર નીતિકાની આગળ પાછળ ફરવા લાગ્યો હતો.

ડેસ્ક પર કામ કરતા તેની નજર સતત નિતુ તરફ મંડાયેલી રહેતી. તેની સાથે વાત કરવાનું એકેય બહાનું તે છોડતો નહોતો. લપાતા- છુપાતા તે તેના તરફ નજર તો નાંખતો જ.

અચાનક નિતુની નજર તેના પર પડી અને તેના તરફ મીટ માંડીને બેઠેલો નવીન ગભરાય ગયો. સ્વસ્થ થતાં તે ફિક્કું હાસ્ય વેરતો જાણે પોતાની ચોરીને છુપવાવવા લાગ્યો. નીતિકાને તેની આ સ્થિતિ ના સમજાઈ અને નેણ ઊંચા કરી ઈશારાથી, 'શું થયું?' એમ પૂછ્યું.

તે હોઠ ફફડાવતો કે શબ્દો તેની બહાર પણ ના નીકળે એટલા ધીમા રવે ઈશારાથી નકારમાં માથું ધુણાવી 'કંઈ નહિ.' કહી વળ્યો. પરંતુ નિતુ માટે આ અસમંજસ હતું. ઝીણી નજરે ક્ષણિક વાર માટે તે તેને તાકી રહી. નવીને ફરી જોવાનો પ્રયત્ન કર્યો, સહેજ ચહેરો ઘુમાવતા તેની આંખો પોતાના તરફ જ છે એ ખ્યાલ આવતાં તેણે પોતાના પ્રયત્નને અટકાવી દીધો.

આટલું બધું થઈ રહ્યું હોય અને કોઈને ખબર ના પડે એવું બને ખરું? કેન્ટીનમાં બેઠેલા ભાર્ગવ અને અશોકભાઈનો ડોળો તેના પર હતો. સાથે બેઠેલી કરુણા તે અંગે કોઈ ખાસ રસ ના દાખવતી, કારણ કે તે નવીનને લઈને નિતુના વિચારો અંગે સ્પષ્ટ હતી. એ પોતાનું જમવાનું પતાવતી અને જતી રહેતી. પણ જ્યાં સુધી નવીન અને નિતુ ના જાય ત્યાં સુધી ભાર્ગવ અને અશોક ખસે નહિ અને તેઓનુ અનુમાન લગાવ્યા કરે.

કેટલાંય સમયથી ચાલી રહેલા આ નાટકને વિદ્યા મૌન- મૂક જોઈ રહી હતી. ઓફિસની હવામાં કેવા બદલાવો આવી રહ્યા છે તેનાંથી જાણકાર વિદ્યા યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી જયારે તે નીતિકા સાથે નવીન અંગે વાત કરે.

પોતાના લેપટોપમાં કેમેરા ચકાસતી બેઠેલી વિદ્યાએ કંઈક કરવા અંગે નિર્ણય લીધો. "કેન્ટીનમાં ચાલી રહેલાં આ તમાશાનો અંત હવે આણવો જ રહ્યો." એમ મનમાં બોલી તેણે ફોન ઊંચક્યો અને એક પિયૂનને અંદર બોલાવ્યો.

"જી મેડમ!" તેણે અંદર આવી કહ્યું.

તેને આદેશ આપતાં વિદ્યા કડક શબ્દોમાં બોલી, "એનાઉન્સમેન્ટ માટે બધાને જાણ કર. હું એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાની છું. બધાને કહેજે કે લંચ પછી ઓફિસમાં હાજર રહે. કશેય આડા અવળા ડાફોળીયા મારવા ના જાય."

પિયુને થોડી જ વારમાં આ ન્યુઝ આખી ઓફિસમાં ફરતા કરી દીધાં. લંચનો સમય પત્યો એટલે સમગ્ર સ્ટાફ ઓફિસમાં હાજર થઈ ગયો. બધાની ગોસિપનો એક જ વિષય હતો, "આ મેડમ શું એનાઉન્સમેન્ટ કરવાનાં છે?"

બધા આડા અવળા વિચારે ચડ્યા. જેના મનમાં જે આવ્યું એની એકબીજી સાથે ચર્ચા કરવા લાગ્યા. "અત્યારે શું કહેવાનું છે મેડમને?" અનુરાધાએ પૂછ્યું.

જવાબ આપતા ભાર્ગવે કહ્યું, "મને લાગે છે તારાથી કંટાળી ગયા હશે! એટલે તને રસ્ટિકેટ કરવાની એનાઉન્સ હશે!"

જુઠ્ઠી સ્માઈલ આપતાં ગાલ ફુલાવી તે બોલી, "હાહ... વેરી ફની હાં...!" અને મોઢું મરડ્યુ.

તેની વાત પર બધા હસતા હતા કે વિદ્યા કેબિનમાંથી બહાર આવી. આવતાની સાથે તેણે નિતુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીતિકા પણ એકીટશે તેને જોઈ રહી હતી. બંનેની ભેગી થતી આંખોને આખી ઓફિસ જોઈ રહી હતી. 

એક ઊંડો શ્વાસ લીધો અને બાકીના લોકો સામે જોઈ તેણે મોટા અવાજે શરૂઆત કરતાં કહ્યું, "ઓકે... તો મને લાગે છે કે બધા આવી ગયા છે."