વનવાસ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વનવાસ

વનવાસ
- રાકેશ ઠક્કર
 

         નિર્દેશક અનિલ શર્માની નાના પાટેકર સાથેની ફિલ્મ ‘વનવાસ’ જુએ એવો વર્ગ મર્યાદિત છે. નિર્દેશકે પોતાની અત્યારની ઈમેજથી અલગ ફિલ્મ આપી છે. અનિલે શરૂઆત આવી જ ભાવુક ‘શ્રધ્ધાંજલિ’ થી કરી હતી અને ‘અપને’ જેવી પારિવારિક ગતસ આપી ચૂક્યા છે. અલબત્ત એ ‘ગદર’ માટે વધુ જાણીતા રહ્યા છે. ‘વનવાસ’ ની ટેગલાઈન ‘અપને હી દેતે હૈં અપનોં કો વનવાસ’ રાખી હતી. એટલે જે લોકો ઇમોશન માટે સિનેમા જોતાં આવ્યા છે એમણે જોવી જોઈએ પણ રીવ્યુ કે રેટિંગ જોઈને ફિલ્મ જુએ છે એમના માટે નથી.


         ‘બાગબાન’ ની જેમ જ સાચી જિંદગીને નિર્દેશકે પડદા પર રજૂ કરી છે. ‘વનવાસ’ પોણા ત્રણ કલાકની છે અને ઘણી જગ્યાએ વધારે ખેંચાતી લાગે છે. પરંતુ દર્શક એની સાથે જોડાતો હોવાથી ફિલ્મમાં કોઈ ટ્વીસ્ટ કે સસ્પેન્સ ન હોવા છતાં બહુ લાંબી લાગતી નથી. ફિલ્મ એકદમ સરળ છે અને મગજનો ઉપયોગ કરવાની જરૂર પડતી ન હોવાથી દરેક પેઢીના દર્શક એને જોઈ શકે છે. સ્ટાર્સ માટે નહીં એની વાર્તા માટે જોવા જેવી છે. મેળામાં બાળક ખોવાઈ જાય છે એ સામાન્ય વાત રહી છે પણ પિતા ખોવાઈ જાય છે એવો નવો વિચાર નિર્દેશક લાવ્યા છે.

 

          ફિલ્મની વાર્તા દીપક નામના એક નિવૃત્ત ઓફિસરની છે. જે ત્રણ પુત્રો-પુત્રવધૂઓ સાથે રહે છે. એમને ભૂલી જવાની બીમારી હોવાથી ઘરમાં ઝઘડા થાય છે. સંતાનો એમનાથી છૂટકારો મેળવવા જન્મદિવસે બનારસ લઈ જાય છે. અને એક ઘાટ પર છોડીને જતાં રહે છે. બીમારીને લીધે એમને લાગે છે કે સંતાનો ખોવાઈ ગયા છે એટલે શોધમાં ભટકે છે. ત્યારે ચોર વીરૂ સાથે મુલાકાત થાય છે. અને એ દીપકને એના ઘરે પહોંચાડવાનું બીડું ઉઠાવે છે.

 

        ભલે અમિતાભની ‘બાગબાન’ ની યાદ અપાવે છે પણ નાના પાટેકરે પોતાના અભિનયથી એને યાદગાર બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ફિલ્મ જોવાનું સૌથી ખાસ કારણ નાના જ છે. ઘણી ખામીઓને નાનાએ પોતાના આભિનય જ નહીં હાજરીથી ઢાંકી દીધી છે. નાના લીજેન્ડ કેમ છે એનો ખ્યાલ આપી જાય છે. તે શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડના હકદાર ગણાયા છે.

 

         અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષને ‘ગદર 2’ પછી ‘વનવાસ’ માં અભિનય માટે શાબાશી મળી છે. એણે પાત્રને એવું ભજવ્યું છે કે એનાથી કોઈ નફરત કરી શકશે નહીં. નિર્દેશક અનિલ શર્મા નાના સાથે ‘વનવાસ’ ને ‘ગદર 2’ ની જેમ મોટી હિટ બનાવી શક્યા નથી પણ એ સાબિત કરી દીધું છે કે એમનો પુત્ર ઉત્કર્ષ એક સારો અભિનેતા છે! સિમરત કૌર, રાજપાલ યાદવ, અશ્વિની વગેરે કલાકારોને બહુ તક મળી નથી પણ પોતાનું કામ સારી રીતે કરી જાય છે.


         માત્ર કમર્શિયલ ફિલ્મ જ જોનારાને એમાં કેટલીક ખામીઓ દેખાશે. એમાં પિતાને પાછા ઘરે લાવવાનો મુદ્દો બાજુ પર રાખીને ઉત્કર્ષની લવસ્ટોરી વધારે પડતી ચાલતી રહે છે. એક તો લંબાઈ વધારે છે અને સ્લો મોશનમાં પણ દ્રશ્યો ચાલે છે. તેથી TV સિરિયલ જેવી લાગી શકે છે. કેટલાક દ્રશ્યોમાં મેલોડ્રામા સાથે કોમેડી રાખીને મનોરંજન આપવાનો પ્રયાસ થયો છે. ફિલ્મનો ટોન ઘણી વખત વધુ પડતું જ્ઞાન આપવાનો લાગે છે. ફિલ્મને 5 માંથી 3 સ્ટાર મળ્યા છે. ફિલ્મની શરૂઆત અને અંત શ્રેષ્ઠ હોવા વિષે કોઈને શંકા નથી. ફિલ્મનો અંત ભાવુક દર્શકોની આંખમાં આંસુ લાવી દે એવો છે.
 

         મિથુનના સંગીતમાં ગીતો અર્થપૂર્ણ બન્યા છે. યાદોં કે ઝરોખોં સે, બંધન, ગીલી માચિસ, છબીલી કે નૈના વગેરે સરસ બન્યા છે. ઇન્ટરવલ પછીનો ભાગ થોડો ટૂંકો કરવાની જરૂર હતી. અડધા કલાક પછી જો વાર્તા મૂળ મુદ્દા પરથી ભટકી ગઈ ના હોત તો એને માઉથ પબ્લિસિટીનો લાભ મળી શક્યો હોત. પરંતુ ફિલ્મનો વિષય, કલાકારોનો અભિનય, ઇમોશન વગેરેને કારણે એક વખત દિલથી જોવા જેવી જરૂર છે. અનિલ શર્મા જ નહીં અન્ય નિર્દેશકો કમાણી માટે એક્શન ફિલ્મો આપતા જ રહેવાના છે ત્યારે સામાજિક મુદ્દાની ફિલ્મ બનાવવા માટે એમનો આભાર માનવો જોઈએ. આ ફિલ્મ નહીં પણ જીંદગીનો આયનો છે. બોક્સ ઓફિસ પર ભલે સફળ રહી નથી પણ સમાજને સારો સંદેશ આપી જતી હોવાથી ભવિષ્યમાં ફિલ્મની કિંમત વધશે.