નારદ પુરાણ - ભાગ 58 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 58

સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો નારાયણાય’ અષ્ટાક્ષર મંત્રનો જપ કરીને જળ પીએ છે, તે સર્વ પાપોથી મુક્ત, જ્ઞાનવાન તથા નીરોગી થાય છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે ઉપવાસપૂર્વક બ્રાહ્મીઘૃતનો સ્પર્શ કરીને ઉક્ત મંત્રનો આઠ હજાર જપ કર્યા પછી ગ્રહણ છૂટ્યા બાદ શ્રેષ્ઠ સાધકે તે ઘી પી જવું. આમ કરવાથી તે મેધા (ધારણશક્તિ), કવિત્વશક્તિ અને વાકસિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આ નારાયણમંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે. હે નારદ, આ સર્વ સિદ્ધિઓનું ઘર છે, તેથી મેં તમને આનો ઉપદેશ કર્યો છે. ‘નારાયણાય’ પદના અંતમાં ‘વિદ્મહે’ પદનું ઉચ્ચારણ કરવું. પછી ચતુર્થી વિભક્તિના એકવચન અંતવાળા ‘વાસુદેવ’ પદનું ઉચ્ચારણ કરવું; તે પછી ‘ધીમહિ’ આ પદ બોલવું. અંતમાં ‘તન્નો વિષ્ણુ: પ્રચોદયાત્’ આ અક્ષરોનું ઉચ્ચારણ કરવું. આ ‘ૐ નમો નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ: પ્રચોદયાત્’ વિષ્ણુ ગાયત્રી સર્વ પાપોનો નાશ કરનારી છે.

        તાર (ૐ), હૃદય (નમ:) ભગવત્ શબ્દનું ચતુર્થી વિભક્તિમાં એકવચનાંત રૂપ (ભગવતે) તથા ‘વાસુદેવાય’ આ દ્વાદશાક્ષર (ૐ નમો ભગવતે વાસુદેવાય) મહામંત્ર કહેવામાં આવ્યો છે. આ ભોગ અને મોક્ષ આપનારો છે. આ મંત્રના પ્રજાપતિ ઋષિ, ગાયત્રી છંદ, વાસુદેવ દેવતા, ૐ બીજ અને નમ: શક્તિ છે. આ મંત્રના એક, બે, ચાર અને પાંચ અક્ષરો તથા સંપૂર્ણ મંત્ર દ્વારા પંચાંગન્યાસ કરવો જોઈએ.

        અહીં પણ પૂર્વોક્તરૂપથી જ ધ્યાન કરવું જોઈએ. આ મંત્રના બાર લાખ જપનું વિધાન છે. ઘીથી લસલસતા તલથી જપના દશાંશનું હવન કરવું જોઈએ. પૂર્વોક્ત પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને મંત્રના સાધકે તે મૂર્તિમાં દેવેશ્વર વાસુદેવનું આવાહન અને પૂજન કરવું. પહેલાં અંગોનું પૂજન કરીને વાસુદેવ આદિ વ્યૂહોની પૂજા કરવી જોઈ. ત્યારબાદ શાંતિ આદિ શક્તિઓનું પૂજન કરવું ઉચિત છે. આસુદેવ આદિનું પૂર્વ વગેરે દિશાઓમાં અને શાંતિ આદિ શક્તિઓનું અગ્નિ આદિ કોણમાં પૂજન કરવું જોઈએ. તૃતીય આવરણમાં કેશવ આદિ બાર મૂર્તિઓની પૂજા કહેવામાં આવી છે. ચતુર્થ અને પંચમ આવરણમાં ઈન્દ્રાદિ દિક્પાલો અને તેમનાં આયુધોની પૂજા કરવી. એમની પૂજાનું સ્થાન ભૂપુર છે. આ પ્રમાણે પાંચ આવરણો સહિત અવિનાશી ભગવાન વિષ્ણુની પૂજા કરીને મનુષ્ય સકળ મનોરથોની સિદ્ધિને પામી અંતે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. પુરુષોત્તમ સંજ્ઞાવાળા વિષ્ણુના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. ત્રૈલોક્યમોહન-આ પહેલો છે. બીજો શ્રીકર, ત્રીજો હૃષીકેશ અને ચોથો કૃષ્ણ છે.

‘ૐ હ્રીં પુરુષોત્તમાય નમ:’ આ મંત્રના બ્રહ્મા ઋષિ છે, ગાયત્રી છંદ છે, પુરુષોત્તમ દેવતા છે, હ્રીં બીજ છે, નમ: શક્તિ છે, સકળ કાર્યોની સિદ્ધિમાં આનો વિનિયોગ થાય છે. ૐ હાં હૃદયાય નમ:, હ્રીં શિરસે સ્વાહા, હ્રૂં શિખાયૈ વષટ્, ह्रैं કવચાય હુમ્, ह्रौं નેત્રત્રયાય વૌષટ્, હ્ર: અસ્ત્રાય ફટ્ આ પ્રમાણે અંગન્યાસ કરવા; પછી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું.

समुद्यदादित्यनिभं शङ्खचक्रगदाम्बुजै:।

लसत्करं पीतवस्त्रं स्मरेच्छ्रि पुरुषोत्तमम्।।   

‘ઊગતા ભાનુના જેવી કાંતિવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત હાથવાળા; પીતાંબરને ધારણ કરનારા શ્રીપુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરવું.’

એક સુંદર મંડપ બનાવવો. એના ઉપર ચંદરવો બાંધવો. મધ્યમાં પીઠસ્થાનની રચના કરવી અને તેમાં શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરી વિધિ =પૂર્વક તેમની વિકસિત કમળોથી પૂજા કરવી. મંત્રના નવ લાખ જપ કરવા. દશાંશ હોમ કરવો. આ પ્રમાણે ભગવાન પુરુષોત્તમની આરાધના કરવાથી સુખ, સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમ જ પુત્ર, પૌત્ર, યશ, કાંતિ, ભોગ અને મુક્તિ મળે છે. તે પછી ‘ૐ હ્રીં શ્રીકરાય નમ:’ આ મંત્રથી શ્રીકરની પૂજા કરવી. આ મંત્રના વ્યાસ ઋષિ છે, પંક્તિ છંદ છે, શ્રીકર દેવતા છે; સર્વ ઇષ્ટ કામોની પ્રાપ્તિમાં આનો વિનિયોગ થાય છે. પછી મૂળ મંત્રથી મસ્તક, નેત્ર, કંઠ, હૃદય, નાભિ, ઊરુ, જંઘા અને પગમાં ન્યાસ કરવો. ત્યાર બાદ પુરુષસૂક્તના મંત્રોથી અંગન્યાસ કરવો.

‘બ્રાહ્મણોસ્ય મુખમાસીત’ થી મુખમાં ન્યાસ કરવો; ‘બાહૂ રાજન્ય:’ થી બંને બાહુઓમાં; ‘ઊરુ તદસ્ય યદ્વૈશ્ય’ થી સાથળમાં; ‘પદભ્યામ શૂદ્રો અજાયત’ થી પગમાં ન્યાસ કરવો. આ પ્રમાણે ન્યાસવિધિ કર્યા પછી ભગવાન શ્રીકરનું ધ્યાન કરવું. ગરુડના ઉપર આરૂઢ થયેલા રક્તકમળના આસન ઉપર વિરાજમાન ભગવાન શ્રીકરને વંદન કરું છું. આ પ્રમાણે ધ્યાન કર્યા પછી ભગવાનનું પૂજન કરવું. મૂળમંત્રનો આઠ લાખવાર જપ કરવો. પછી લાલકમળ, બીલી તથા પીપળો, ઉમરો, જાંબુ અને વડ-આ વૃક્ષોના સમિધથી; ખીર અને ઘૃત વડે મંત્રસાધકે દશાંશ હોમ કરવો.

તે પછી ‘ૐ હ્રીં નમો ભગવતે વરાહાય’ આ મંત્રથી વરાહ ભગવાનનું પૂજન કરવું. આ મંત્રના ભાર્ગવ ઋષિ છે. અનુષ્ટુપ છંદ છે, વરાહ દેવતા છે. સર્વ કામનાઓની સિદ્ધિમાં આનો વિનિયોગ થાય છે. તે પછી પંચ અંગોમાં આ પ્રમાણે ન્યાસ કરવો. એકદંષ્ટ્રાય નમ: હૃદયે, વ્યોમોલ્કાય નમ: શિરસિ, તેજોઙધિપતયે નમ: શિખાયામ્. વિશ્વરૂપાય નમ: કવચે, મહાદંષ્ટ્રાય નમ: અસ્ત્રે-આ પ્રમાણે પાંચ અંગ ન્યાસ કરવા, પછી અનેક સૂર્યોની કાંતિ સમાન કાંતિવાળા, સુવર્ણ સદૃશ જાનુવાળા, નાભિના અધોભાગમાં શ્વેત પ્રભાવાળા, ગદા, શંખ, ચક્ર અને અસિ (તલવાર) ને હાથમાં ધારણ કરનારા, દાંતના અગ્રભાગ પર ધરણીને ધારણ કરવાથી શોભતા વરાહ ભગવાનની ધ્યાન કરવું.

આ પ્રમાણે ધ્યાન કરી ‘ૐ હ્રીં નમો ભગવતે વરાહાય’ આ મંત્રનો એક લાખવાર કપ કરવો અને મધમાં બોળેલાં કમળોથી દશાંશ હોમ કરવો. પછી મૂળ મંત્રથી પીઠસ્થાન પર મૂર્તિમાં ભગવાન વરાહની ભાવના કરી તેમનું પૂજન કરવું. આથી ધનધાન્ય, પૃથ્વી અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

સિંહ સંક્રાંતિ હોય ત્યારે શુક્લપક્ષમાં અષ્ટમી તિથિએ પંચ ગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણ) માં એક ધોયેલો નાનો પથરો નાખવો. પછી પથ્થરનો સ્પર્શ કરી મૂળમંત્ર દશ હજાર વાર જપવો. ત્યારબાદ મંત્રના સાધકે તે પથ્થરને પોતાના ખેતરની જમીનમાં ઉત્તરાભિમુખ થઇ દાટી દેવો. આથી ભૂત, પ્રેત, સર્પ, ચોર વગેરેનો ઉપદ્રવ દૂર થાય છે. પછી શુક્રવારના દિવસે, તે દાટેલા પથરા પાસેની માટી લાવી તેને ‘ૐ હ્રીં નમો ભગવતે વરાહાય’ આ મંત્રથી અભિમંત્રિત કરીને તેના ત્રણ ભાગ કરવા. એક ભાગથી ચૂલો લીંપવો; બીજાથી ચરુ રાંધવાના પાત્રને માંજવું અને ત્રીજા ભાગથી એ પાત્રને બધી બાજુથી લીંપી તેમાં ધોઈને સ્વચ્છ કરેલા ચોખા ગાયના દૂધમાં નાખીને મૂળમંત્રનો જપ કરતાં રહીને પકવવા. ચોખા ચડી ગયા પછી તેને ચૂલા પરથી ઉતારી લઇ તેમાં ઘી નાખી પ્રદીપ્ત અને ધૂપદીપથી પૂજિત અગ્નિમાં એકસો આઠ આહુતિ આપવી. આ પ્રમાણે સાત શુક્રવાર સુધી હોમ કરવો. આથી જમીન સંબંધી શત્રુ અને ચોર વગેરેનો ઉપદ્રવ નાશ પામે છે. એવી જ રીતે જે જમીનમાં પથ્થર દાટ્યો હોય ત્યાંથી મંગળવારના દિવસે સૂર્યોદય વખતે માટી લાવીને ઉપર બતાવેલી રીત પ્રમાણે હવિ તૈયાર કરીને કહેલી સંખ્યાના ક્રમથી સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાં હવ્યની આહુતિઓ આપી હોમ કરવો.

આ પ્રમાણે સાત મંગળવારે હોમક્રિયા કરવી. ગાયના દૂધથી બનાવેલ દૂધપાકની એક લાખ આહુતિ આપીને હોમ કરવાથી અભીષ્ટ ભૂમિનું અધિપત્ય મળે છે-મેળવવા ધારેલી જમીન પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. તે પછી દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયેલા વિભુનું ચિંતન કરવું. તેમણે હાથમાં શંખ, પાશ, ધનુષ, મુસલ, ગદા, અંકુશને ધારણ કરેલાં છે, એવા વિભુ જગન્નાથનું ધ્યાન કરીને ‘ૐ હ્રીં જગન્નાથાય નમ:’ આ મંત્રનો ચાર લાખ વાર જપ કરવો. પછી અર્ધચંદ્રાકાર કુંડમાં કમળનાં પુષ્પો અથવા ચમેલીનાં પુષ્પોથી દશાંશ હોમ કરવો. યજ્ઞભૂમિ, યજ્ઞનાં સાધનો, ભગવાન જગન્નાથ તથા પોતાની ઉપર અને પૂજાની સામગ્રી ઉપર-‘ત્રૈલોક્યમોહનાય વિદ્મહે સ્મરાય ધીમહિ તન્નો વિષ્ણુ: પ્રચોદયાત્’ આ ગાયત્રી મંત્ર ભણીને જળ છાંટવું. આ ગાયત્રીને સર્વ વસ્તુઓને અત્યંત શુદ્ધ કરનાર કહેલ છે. પૂર્વોક્ત પીઠ પર શ્રીવત્સ વિષ્ણુની મૂર્તિની કલ્પના કરીને આસન આપવું. તેમની બાજુમાં ‘પક્ષીરાજાય નમ:’ આ મંત્ર બોલી ગરુડનું પણ આવાહન કરવું. પછી તેમનું આવાહન કરતી વખતે ‘શ્રી વત્સાય નમ:, શ્રી વત્સમ આવાહયામિ, કૌસ્તુભાય નમ:, કૌસ્તુભં આવાહયામિ, વનમાલાયૈ નમ:, વનમાલાં આવાહયામિ- ‘ આ પ્રમાણે બોલીને ‘શ્રી વત્સમ સ્તનયો: પૂજયામિ, કૌસ્તુભં વક્ષસિ પૂજયામિ, વનમાલાં ગલે પૂજયામિ’-થી પૂજન કરવું. કમળની કર્ણિકાઓમાં અંગદેવતાઓનું પૂજન કરવું. લક્ષ્મ્યૈ નમ:, સરસ્વત્યૈ નમ:, ઘૃત્યૈ નમ:, પ્રીત્યૈ નમ:, કાન્ત્યૈ નમ:, શાન્ત્યૈ નમ:, તુષ્ટયૈ નમ:, પુષ્ટયૈ નમ:-આ પ્રમાણે બોલીને ગંધ-પુષ્પાદિ ચડાવવાં. પૂર્વોક્ત પીઠ પર અષ્ટદળ કમળ આલેખેલું હોય તેના અગ્રભાગમાં પાંચજન્ય શંખ, શારંગ ધનુષ, સુદર્શન ચક્ર, તલવાર, કૌમોદકી ગદા, અંકુશ, મુસલ અને પાશનું પૂજન કરવું.

તે સમયે અનુક્રમે આ પ્રમાણે મંત્રો બોલવા-‘મહાજલચરાય હું ફટ્ સ્વાહા, ૐ પાંચજન્યશંખાય નમ:, શારંગાય હું ફટ્ સ્વાહા, ૐ શારંગાય નમ:; સુદર્શન મહાચક્રરાજ! સર્વ દૃષ્ટ ભયં વિનાશાય વિનાશાય, છિન્ધિ છિન્ધિ, વિદારય વિદારય, પરમંત્રાન ગ્રસ ગ્રસ, ભક્ષય ભક્ષય, ભૂતાનિ ત્રાસય ત્રાસય હું ફટ્ સ્વાહા, ૐ સુદર્શનાય નમ:; મહાખડગ તીક્ષ્ણપદાત શિવિ શિવિ હું ફટ્ સ્વાહા ૐ ખડગાય નમ:, મહાકૌમોદકીમહાબલે ! સર્વ અસુરાન્તકે ! પ્રસીદ પ્રસીદ હું ફટ્ સ્વાહા ૐ કૌમોદોક્યૈ નમ:, મહાઅંકુશ ! કુટ્ટ કુટ્ટ હું ફટ્ સ્વાહા ૐ અંકુશાય નમ:; સંવર્તક મહામુસલ ! યોધય યોધય હું ફટ્ સ્વાહા ૐ મુસલાય નમ:; મહાપાશ ! બંધ બંધ આકર્ષય આકર્ષાય હું ફટ્ સ્વાહા ૐ પાશાય નમ:-આ પ્રમાણે મંત્રો બોલીને આ સર્વ આયુધોનું ગંધપુષ્પાદિથી પૂજન કરવું. આ સર્વ મંત્રોની આગળ પ્રણવ યોજવો.

ત્યારબાદ ઇન્દ્ર આદિ દિક્પાલો તથા તેમનાં વજ્ર આદિ આયુધોનું પૂજન કરવું, આથી સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એક માસ સુધી કરેણનાં પુષ્પોથી પૂજા કરવામાં આવે અથવા તો એક હજાર આઠ કમળથી હોમ કરવામાં આવે તો કેવલ એક માસ્જમાં જ સર્વ શ્રેષ્ઠ રાજાઓ સાધકને વશ થાય છે. જે માણસને ઉદ્દેશીને વિષ્ણુ ગાયત્રી મંત્રનો દશ હજાર વાર જપ કરવામાં આવે તો તે માણસ આ મંત્રના પ્રભાવથી સાધકનો તત્કાળ દાસ થઇ જાય છે.

આ મંત્રની સાધના કરનાર સાધક વિષ્ણુતુલ્ય થઈને સર્વ કામનાઓની સિદ્ધિને પામે છે, એ વિષે કંઈ સંશય નથી.”

ક્રમશ: