સાહિત્યનો છેદ મોટાભાગે કલ્પનાઓના નામે ઉડાવવામાં આવતો હોય છે પણ વિશ્વ સાહિત્યમાં એવી ઘણી રચનાઓ રચાઇ છે જેણે ભવિષ્યને ભાખવાનું કામ કર્યુ છે તેમાં ફળદ્રુપ કલ્પનાની સાથોસાથ એવી વાસ્તવિકતાઓ રજુ કરવાનો પ્રયાસ કરાયો હતો જેને તે વખતે કપોળકલ્પના જ માનવામાં આવતું હતું. જ્યારે લિયોનાર્દોએ પોતાના સ્કેચમાં ઉડતા મશીનનું આલેખન કર્યુ ત્યારે તેના વિશે વધારે વિચારાયું ન હતું પણ એ જ સ્કેચ અને વર્ણનોનાં આધારે હેલિકોપ્ટર જેવા યંત્રની રચના કરાઇ હતી.જ્યારે જુલે વર્ને ચંદ્ર પર પૃથ્વીથી જઇ શકાય તેવી કલ્પના રજુ કરી ત્યારે તેની મોટાભાગે તો ઠેકડી જ ઉડાડવામાં આવી હતી અને તેનો ઉપલો માળ ખાલી હોવાની પણ કેટલાકે તો ટિપ્પણી કરી હતી પણ આજે જુલે વર્નની નવલકથાઓએ સાકાર સ્વરૂપ ધારણ કર્યુ છે.
‘ડે ઓફ ધ જકાલ’.
૧૯૭૩માં ફ્રેડરિક ફોર્સરીથે લખેલું આ પુસ્તક વર્ષો સુધી સુપારી લઈને ખૂન કરતા કોન્ટ્રાકટ કિલર્સ માટે ટેકસ્ટબુક સમાન હતું. આ વાર્તામાં જકાલ નામનો ભાડૂતી હત્યારો ફ્રાન્સની પ્રમુખ ચાર્લ્સ દ ગોલની હત્યાની સુપારી લે છે. આંતરરાષ્ટ્રીય સ્તરનો એ ખૂની દિમાગનો ખૂબ ઠંડો અને પાક્કો પ્રોફેશનલ છે. પણ વિચારોમાં ખૂબ તેજ છે. સામાન્ય રીતે એવી છાપ હોય છે કે આવા હત્યારાઓ રાડિયા ચીડિયા ધમાલિયા હોય છે. પણ જકાલ આસપાસની વ્યક્તિઓ માટે એકદમ નોર્મલ ઈન્સાન છે. એ હત્યા માટે ટેલિસ્કોપિક ગનનું ફોકસિંગ કરતો હોય છે, ત્યારે એ જે બિલ્ડિંગમાં છે તેના આંગણામાં એક બોલ આવે છે. એ લેવા માટે એક બાળક દરવાજો ખખડાવે છે. ટ્રિગર પર આંગળી મૂકાઈ ગઈ હોવા છતાં મગજ પર કાબૂ ગુમાવ્યા વિના જકાલ દરવાજો ખોલી, બોલ આપી નવેસરથી નિશાન લે છે! જકાલ આખું હથિયાર લઈ જવાને બદલે તેને ટુકડામાં વહેંચીને છેલ્લે ‘એસેમ્બલ’ કરે છે, એ આઈડિયા વાસ્તવમાં સુપરહિટ થયેલો! જકાલ બુલેટ કરતા પ્લાનિંગમાં વઘુ વિશ્વાસ રાખે છે. ભેજાબાજ આઘુનિક ઉગ્રવાદીઓ એમ જ કરે છે!
આ જ કથાના લેખક ફ્રેડરિક ફોર્સરિથે ‘નિગોશિએટર’ નામની થ્રીલર લખેલી. જેમાં હારતોરા કરવાના બહાને એક લેડી ‘હ્યુમન બોમ્બ’ હત્યા કરે છે, તેવી સીકવન્સ હતી. એમાંથી પ્રેરણા લઈને એ જ સીકવન્સમાં એલ.ટી.ટી.ઈ.એ રાજીવ ગાંધીની હત્યા કરેલી!
ભારતમાં સામાન્ય રીતે ફુટપાથો પર વેંચાતી પણ વાસ્તવમાં થ્રીલર રસિયાઓ માટે ઘણી ઉચ્ચસ્તરીય, એવી આ વિદેશી પેપરબેક નોવેલ્સ ખરેખર અવનવા વિચારો અને તરકીબોના અક્ષયપાત્ર જેવી હોય છે. આ ફિકશન (કાલ્પનિક કથા) કે કોમિક્સ કે તેમના આધારે બનતી ફિલ્મોનું ૯૦ ટકા માર્કેટ અમેરિકામાં છે. માટે તેનું પ્રોડકશન સેન્ટર પણ અમેરિકા જ હોય છે! ઈરવિંગ વોલેસ, ઈયાન ફ્લેમિંગ, એલીસ્ટર મેકલીન, કોલિન ફોર્બસ, રોબર્ટ લુડલુમ, સિડની શેલ્ડન, જેક હિગીન્સ ઈત્યાદિ સ્ટાર લેખકોની વાર્તાઓ કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવી હોય છે. વર્ષોથી અમેરિકન લેખકોને અમેરિકાની શાન ગણાતી ઈમારતો કે પ્રેસિડેન્ટના નિવાસ વ્હાઈટ હાઉસમાં તબાહીનું તાંડવ થાય, એવા ભાંગફોડિયા પ્લોટનું ઓબ્સેશન રહ્યું છે. અંતે ૧૧મી સપ્ટેમ્બરે ત્રાસવાદીઓએ તેમનો ‘વાસના મોક્ષ’ કર્યો!
ઈનફેકટ, ‘બ્લેક ટયુસ્ડે’ વાળી હવે જૂની અને જાણીતી થયેલી ઘટનાની પણ પોઈન્ટ ટુ પોઈન્ટ આગાહી અમેરિકન ફિકશનમાં જ છે! કદાચ ત્રાસવાદીઓએ તેમાંથી પ્રેરણા લીધી હોય! ૧૯૯૪ની સાલમાં માત્ર ૧ મહીનાના અંતરે રિલિઝ થયેલા બે બેસ્ટ સેલર પુસ્તકોના પ્લોટ સામે નોસ્ટ્રાડેમસ જેવાની ભવિષ્યવાણી ફિક્કી લાગે! કારણ કે, ભવિષ્યવેત્તાઓની આગાહી તો ગૂઢ ભાષામાં એકાદ-બે લીટીની હોય છે. પણ આ કહાનીઓમાં તો દરેક ઘટનાનું તબક્કાવાર અને સચોટ આયોજન છે!
પોતાની ટેકનો-થ્રીલર નોવેલ્સ માટે બેસ્ટસેલર નામ બનેલા ટોમ કલાન્સીની થોડા વર્ષ અગાઉ માર્કેટમાં આવેલી વાર્તા ‘ડેટ ઓફ ઓનર’માં અમેરિકાએ ઝીંકેલા અણુબોંબને લીધે જેનું આખુ કુટુંબ તબાહ થઈ ગયેલું, એવો એક જાપાનીઝ ઉદ્યોગપતિ આ દુર્ઘટના માટે અમેરિકન લશ્કર અને રાજકારણીઓને જવાબદાર ગણે છે. પછી એ વેર વાળવા ચાલાક માણસો ભાડે રાખી ષડયંત્રોનો સિલસિલો શરૂ કરે છે. ક્લાઈમેકસમાં અમેરિકાનું ‘કેપિટલ હિલ’ નામે ઓળખાતું સંસદગૃહ એ તેની સાથે બોઈંગ ૭૪૭ વિમાન ૩૦૦ નોટની ઝડપે અથડાવીને ભોંયભેગુ કરે છે! એના કાટમાળમાંથી અમેરિકાના પ્રમુખ, સેનાઘ્યક્ષ અને મોટા ભાગના સાંસદોની લાશો મળે છે.
આવી જ બીજી કથા એ વખતે જ પ્રગટ થયેલ લેખક ડેલ બ્રાઉનની વાર્તા ‘સ્ટોર્મિંગ હેવન’માં છે. એમાં પરદેશી ત્રાસવાદીઓ મોટા પાયે કોમર્શિયલ પ્લેન્સની મદદથી અમેરિકન એરપોર્ટસ અને જાહેર સ્થળોએ વિનાશ વેરી દે છે. એમનું અંતિમ ટાર્ગેટ અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસી હોય છે. જે હુમલો નિષ્ફળ જાય છે.ભારતપ્રેમી એવા સત્યઘટનાઓના વિશ્વવિખ્યાત લેખક ડો.મિનિકલેપિયરના દરેક પુસ્તકની માફક, મિત્ર લેરી કોલિન્સ સાથે મળીને લખેલી નવલકથા ‘ધ ફિકથ હોર્સમેન’ ૧૯૮૦માં ભારે ચકચારી બની હતી! એ વખતે લિબિયાના સરમુખત્યાર, મુઅમ્મર ગદ્દાફી (સદ્દામ કે લાદેનની જેમ) અમેરિકાની દુશ્મન નંબર વન હતા. ન્યૂયોર્કના બારામાં ગમે તે સમયે રોજની ૫ થી ૭ હજાર બોટસ હોય છે. એ બધીના માલસામાનનું ચેકિંગ કરવું પ્રેકટિકલ રીતે અસંભવ છે. આ સંજોગોમાં એક સ્ટીમરમાં હાઈડ્રોજન બોમ્બ ગોઠવીને ગદ્દાફી આખા ન્યૂયોર્કને ઉડાડી મૂકવાની ધમકી આપે છે. અમેરિકા ઈઝરાયેલનો સાથ છોડી ઈસ્લામિક સાર્વભોમત્વ સ્વીકારે એવી માંગણી મૂકે છે. આ કથા પરથી થ્રીલર ફિલ્મ બનાવવાના પ્રયાસો પણ થયેલા. એ લખવા માટે લેખકો એક આરબ અને જાપાનીઝ ઉગ્રવહીને જેલમાં મળેલા, ઈઝરાયેલ ગયેલા અને લીબિયા જવાના પ્રયાસો પણ કરેલા! આ બધી વાતો ડોમિનિક લેપિયરે એમના સંસ્મરણોના પુસ્તક ‘વન થાઉઝન્ડ સન્સ’માં લખી છે. આ જ લેખક બેલડીએ ઈઝરાયેલ- પેલેસ્ટાઈન વિવાદ પર બહાર પાડેલ પુસ્તક ‘ઓ યેરૂશાલેમ’ પણ બેહદ રોમાંચક છે.છેલ્લા ૨૦ વર્ષથી ‘ફિફથ હોર્સમેન’ પર ફિલ્મ બનવાની વાતો ચાલે છે. પણ ફિલ્મ બની નથી. પરંતુ હાલ ઈંગ્લેન્ડમાં રહેતા એન્ડી મેકનેબનું નસીબ જોર કરે છે. ભુતપુર્વ સૈનિક એવા મેકનેબે પહેલું પુસ્તક ‘બ્રેવો ટુ ઝીરો’ નામે લખેલું. જેમાં ગલ્ફ વોરની સત્યઘટનાત્મક વાતો હતી. ૧૯૯૯માં મેકનેબે ‘ક્રાઈસિસ ફોર’ નામની કિતાબ લખી, આ કહાનીમાં સાઉદી અરેબિયાનો હૂબહૂ ઓસામા (ઉસ્માન) બિન- લાદેન જેવો ખેપાની વ્હાઈ હાઉસને ઉડાડી તેમાં રહેતા અમેરિકન પ્રમુખને ખત્મ કરવાનું ષડયંત્ર ઘડે છે, તેવો પ્લોટ છે! આ માટે એ ત્રાસવાદી (લાદેન) સારાહ ગ્રીનવૂડ નામની એક રૂપાળી અને લુચ્ચી યુવતીને વ્હાઈટ હાઉસમાં ધૂસાડીને કામે લગાડે છે. વાર્તનો હીરો બ્રિટિશ સૈનિક નિક સ્ટોન છે, જેને આ કાવતરાંની ગંધ આવતા એ તેને ખુલ્લું પાડીને નિષ્ફળ બનાવવાના પેંતરા આરંભે છે. ગલ્ફ વોરમાં ગેરિલા યુઘ્ધની નિષ્ણાત સાબિત થયેલ બ્રિટીશ ‘એસ. એ. એસ’ (સ્પેશ્યલ એર સર્વિસ)ના દાવપેંચ પણ તેમાં પેશ કરાયા છે. ૧૧ સપ્ટેમ્બરની ઘટના પછી હોલિવૂડની વિખ્યાત મીરામેકસ ફિલ્મ્સે ‘ક્રાઈસિસ ફોર ના રાઈટસ ખરીદીને તેના પરથી ફિલ્મ શરૂ કરી છે!તો ડેટ ઓફ ઓનર’ના લેખક ટોમ કલાન્સીની નવી નવલકથા ‘નેટ ફોર્સ : નાઈટ મૂવ્ઝ’ થોડા મહીના પહેલા જ બાજરમાં આવીને ભારતમાં પણ ૨૦૦૧ની બેસ્ટ સેલર બની હતી. આ કથામાં વાત ઈ.સ. ૨૦૧૧ હતો. એ સમયે જગતનો મોટા ભાગનો વ્યવહાર ઈન્ટરનેટ પર ચાલતો હોય છે. બેન્ક, શિક્ષણ, શેરબજાર, સરકારી વહીવટ, ટ્રાન્સપોર્ટેશન, સંદેશાવ્યવહાર, ખરીદ-વેંચાણ, મનોરંજન, બઘું જ! માટે કોઈ આતંકવાદીએ દુનિયાને હચમચાવી નાખવી હોય, તો જગતના ચેતાતંત્ર (સેન્ટ્રલ નર્વ્ઝ સીસ્ટમ) બની ગયેલા ઈન્ટરનેટ ઉપર આક્રમણ કે હેકિંગ કરી તેને ખોરવી નાખવું પડે. એનાથી તો કોઈ ઈમારત ઉડાડવા કરતા પણ ઘણી વઘુ તારાજી અને અંધાઘૂંધી ફેલાય. આવા ખતરાઓ સામે ઝઝૂમતી ‘નેટફોર્સ’ નામની એક સિક્રેટ એજન્ટ ટીમની કલ્પના લેખકે કરી હતી. જેના ગુપ્ત ચુનંદા સભ્યો વર્ચ્યુઅલ રિઆલીટીના એકસપર્ટ છે. આ ફોર્સને કેન્દ્રમાં રાખીને અગાઉ પણ બે નવલકથાઓ ટોમ કલાન્સી લખી ચૂકયા છે. પણ છેલ્લી વાર્તામાં પાકિસ્તાનના અણુકાર્યક્રમ (ન્યુકલીઅર વેપન પ્રોગ્રામ) માટે ટોપ સિક્રેટ સામગ્રી લઈ જતી ટ્રેનનો નાશ કરી એ સામગ્રી ગુમ કરી દેવામાં આવે છે. કોઈ જગતના (લેખકની કલ્પના મુજબ) એ વખતે સર્વાધિક શકિતશાળી ‘કવોન્ટમ કોમ્પ્યુટરને જ કબજે કરી લે છે. સ્વયંબુઘ્ધિ ધરાવવાની શકયતા ધરાવતા આ સુપર કોમ્પ્યુટરની મદદથી વિશ્વમાં અરાજકતાનું સામ્રાજય ફેલાય તેમ છે. જેની સામે ‘નેટ ફોર્સ’ ઝઝૂમે છે.
આ સેમ્પલ્સ તો થોડી પસંદીદા કહાનીઓના હતા. પણ અમેરિકામાં લેખકો કેવળ કિતાબો કે ફિલ્મો માટે જ લખે છે, તેવું નથી.
દુનિયામાં કોમિકસ અને કાર્ટૂન સિરિયલ્સના સૌથી વઘુ ચાહકો પણ અમેરિકામાં છે. એને માટે પણ કહાનીો લખવી પડે છે. ભારત જેવા દેશ પાસે પુરાણ કથાના જેટલા દેવતાઓ હોય, એટલા કાલ્પનિક સુપરહીરોઝ અમેરિકાના કોમિકસ ઉદ્યોગે પેદા કર્યા છે. એમાં અવકાશમાં વસતા ‘હી-મેન’થી લઈ અતીન્દ્રિય તાકાત ધરાવતા ‘ગાર્થ’ સુધીના એટલા બધા પાત્રો છે કે દરેકના નામ લખીે તો પણ પાનું ભરાઈ જાય! ‘સુપરમેન’, ‘સ્પાઈડરમેન’, ‘બેટમેન’, ‘સુપરસોનિકમેન’, ‘ફલેશ’, ‘ડાર્કવિંગ ડક’, ‘રોબિન’, ‘વન્ડર ગર્લ’, ‘સ્ટોર્મ,’ ‘એલકસાન્ડ્રા’ ‘એકસમેન’ ‘બેટગર્લ’, ‘સુપરવુમન’, ‘બફી’, ‘રોકેટિયર’ ‘રોબોકોપ’, ‘માસ્કમેન’, ‘સ્પ્વાન’, ‘સ્ટીલો’ ‘શેડો’ એટસસેટરા અધધધ સુપરહીરોઝ અને સુપરહીરોઈન્સને અમેરિકનો લાડમાં ‘જે.એલ.એ.’ ઉર્ફે ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા’ (અમેરિકાના ન્યાયદાતા!) કહે છે!
આવા કોમિકસ- સિરિયલ્સની મોટાભાગની વાર્તાઓમાં કોઇ ચિત્ર-વિચિત્ર આકારનો પૃથ્વી પરનો કે પૃથ્વી બહારનો ખલનાયક અમેરિકન શહેરો કે દુનિયાને તહસનહસ કરવાના ઇરાદાથી ત્રાટકે છે. સુપરનેચરલ પાવર્સ ધરાવતાં આવા ખલનાયકો વારંવાર અમેરિકન શહેરો, ગગનચુંબી ઇમારતો, પુલો, સબ-વે, રેલવે ટનલ, સ્મારકો ઇત્યાદિને નવી નવી રીતે ફનાફાતિયા કરવા મેદાને પડતાં રહે છે. ભારતીય ટેલિવિઝન પર આવતી ડિઝનીની ‘અલાદ્દીન’ કે ‘હરકયુલીસ’ જેવા પ્રાચીન પાત્રોની શ્રેણીઓની વાર્તાઓ પણ બહુધા આવા જ ભાંગફોડના પ્લોટ ખૂબ વિરાટ સ્કેલ પર અમેરિકન સ્ટાઇલમાં રજૂ કરે છે.
‘બેટમેન’ને તો એ જયાં રહે છે, એ કાલ્પનિક ‘ગોથામ સિટી’ના મેયર જ શહેરની મુસીબતો વખતે હંમેશા બોલાવે છે. જોકર, ટુ ફેસ, રિડલર, પેંગ્વીન, ડો.ફ્રીઝ, પોઇઝન આઇવી, કેટવુમન જેવા શહેરના દુશ્મનોથી બેટમેન શહેરનું રક્ષણ કરે છે. ‘બેટમેન’નો સંસારમાં સૌથી મોટો દુશ્મન લીલી આંખો અને સાડા છ ફૂટ ઉંચાઇવાળો આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી ‘રાસ અલ ગુલ’ છે! જેના નામનો અર્થ ‘શેતાનનું મસ્તક’ થતો હોય છે. આ અરબી મુસ્લીમ ત્રાસવાદીની મહત્વાકાંક્ષા પૃથ્વી પર ફેલાયેલા તેના ઝેરી રાસાયણીક જૈવિક અને અને આણ્વિક શસ્ત્રોથી કત્લેઆમ મચાવવાની છે. જેનાથી એ વર્તમાન માનવવસતિનું નિકંદન કાઢીને, અલ્લાહના સ્વર્ગ જેવી નવી દુનિયા વસાવી શકે! એની પાસે અપ્રતીમ દોલત અને અનોખી શકિતઓ છે પણ એની યોજનાઓને ‘બેટમેન’ ચોપટ કરી નાંખે છે. એની ગુપ્ત ઇચ્છા પોતાની એકની એક દીકરી ‘તાલીયા’ બેટમેનને પરણાવીને બેટમેન દ્વારા ‘પવિત્ર’ (શેતાની?) સામ્રાજયનો નવો વંશ ચાલુ કરવાની છે!
તો સુપર મેનના પ્રકાશક ડીસી કોમિકસે તેનું પ્રકાશિત સુપરમેનનુંં કોમિકસ પાછું ખેંચી લેવું પડ્યું કારણ કે એમાં અમેરિકન શહેરોમાં વિઘ્વંસનો જ પ્લોટ હતો! અલબત્ત, અમેરિકાની ‘બિગ મેન્ટાલિટી’ની આઇડેન્ટીટી જેવા સર્વાધિક લોકપ્રિય સુપરમેનની વાર્તાઓ નિયમિત વાંચવાવાળાઓની લાગણીઓ આવા પ્લોટથી દુભાય તેમ નથી. આવું તો આવી કોમિકસમાં વાર તહેવારે બનતું હોય છે! એકવાર સુપરમેનના કોમિકસમાં જ એવી વાર્તા આવેલી કે એક જેટ વિમાન કાબુ બહાર જઇને શહેરના ડોકયાર્ડમાં નાંગરેલા વિશાળ ઓઇલ ટેન્કર સાથે અથડાઇને સર્વનાશ કરે છે! પછી સુપરમેન ‘ટાઇમ ટ્રાવેલ’ કરી ભૂતકાળમાં જઇને એ ઘટના બનતી રોકે છે. એક ઓર કહાણીમાં સુપરમેનનું નગર ‘મેટ્રોપોલીસ’ (જેની કલ્પના ન્યુયોર્કના આધારે કરવામાં આવી છે) ખેદાન- મેદાન થઇ જાય છે. સુપરમેનનો જાની દુશ્મન એવો ઇર્ષાળુ અબજપતિ લેકસ લ્યુથર તેના માટે જવાબદાર હોય છે. પછી સુપરમેન પોતાની આગવી શકિતઓથી તૂટેલી ઇમારતો ફરી બનાવે છે અને શહેરનું નવસર્જન કરી દે છે!‘એકસ-મેન’ની એક વાર્તામાં કલાઇમેકસમાં અંતરિક્ષના અન્ય સજીવો ‘જીન્સ’ ધરાવતો હિંસક ખલનાયક ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના જ ભુક્કા બોલાવી દે છે, એવી વાર્તા હતી. ‘એન.વાય.પી.ડી. બ્લુ’, ‘રેવન’ કે ‘બેવોચ’ જેવી ટી.વી. સિરિયલ્સમાં પણ ત્રાસવાદી હુમલાની થીમવાળી વાર્તાઓ આવી ગઇ છે. ફેન્ટમ કે મેન્ડ્રેક જેવા કોમિકસમાં પણ એ દેખા દે છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ પછી તો આ ટ્રેન્ડ બમણાં જોરથી ત્રાટકયો હતો!એમ તો ફ્રેન્ચ લેખક જુલે વર્નની અનેક નવલકથાઓમાં વિભિન્ન આવિષ્કારોની સાથે શહેરોને તારાજ કરતાં ત્રાસવાદ અને ઘાતક રાસાયણિક હથિયારોની પરફેકટ આગાહી હતી. એચ.જી. વેલ્સની ‘વોર ઓફ ધ વર્લ્ડસ’ કે ગુજરાતના રમણલાલ વ. દેસાઇની ‘પ્રલય’ જેવી ઘણી કૃતિઓમાં વિશ્વયુદ્ધ કે ઇસ્લામિક ત્રાસવાદ દ્વારા વિશ્વવિનાશની વાર્તાઓ છે.
ફરક એટલો જ છે કે વાર્તામાં હંમેશા વિલનની બાજી ઉંધી વાળવા હીરો મોજુદ હોય છે પણ વર્તમાન વાસ્તવિકતામાં વિલનો તો દેખાય છે, પણ હીરોગીરી નક્કી થતી નથી! જુઓ ને, રિઅલ લાઇફમાં અમેરિકાને ચારે દિશામાં ભયથી ઘુ્રજાવવાની ધમકી આપીને લાદેને વાર્તાને વાસ્તવિકતા કરી નાખી હતી.