નિતુ - પ્રકરણ 61 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 61


નિતુ : ૬૧(આડંબર) 


"નિતુએ અત્યારે આ રીતે મળવાનું કેમ નક્કી કર્યું હશે?" આ પ્રશ્ન સતત કરુણાના મનમાં ચાલી રહ્યો હતો. રિક્ષાથી ઘરે જઈ રહેલી કરુણાની નજર રોડના ફુટપાથની ઉપર બનેલા લેક ગાર્ડનની દીવાલને લગોલગ એવા સિમેન્ટના બાંકડા પર બેઠેલી નિતુ પર પડી. તેણે રિક્ષામાંથી જ તેને સાદ કર્યો અને તેનું ધ્યાન ખેંચ્યું. રીક્ષા થોભાવી તે નીચે ઉતરી અને નિતુ ઉભી થઈને તેની તરફ ચાલી. 

"શું વાત છે? તે અચાનક આ રીતે મળવાનું કેમ નક્કી કર્યું?" 

"અંદર ચાલ આપણે શાંતિથી વાત કરીએ." કહી તે તેને લઈને ગાર્ડનમાં પ્રવેશી. સૂર્યાસ્ત થઈ ચુક્યો હતો પરંતુ સમીસાંજનું ઓજસ હતું. એકબીજાના પાછળના ભાગને ટેકવી રાખ્યા હોય એમ વિરોધી દિશામાં બે બાંકડાઓ હતા. તેણે ત્યાં જવાનું પસંદ કર્યું. પાછળની બાજુના બાંકડા પર મોઢા પર સ્કાર્પ બાંધી મોઢું સંતાડેલી એક સ્ત્રી આવી અને તેઓની પહેલા બેસી ગઈ. કોણ છે એ જોવું મુશ્કેલ હતું. પરંતુ કોઈ જાતની પ્રવાહ કર્યા વિના તેની પાછળના ખાલી બાંકડા પર બંનેએ સ્થાન લીધું. 

"શું થયું નીતિકા? આ રીતે અચાનક આમ મળવાનું કારણ શું છે? તે જ્યારથી મને કહ્યું ત્યારથી મારા મનમાં આ એક જ સવાલ રમી રહ્યો છે. કોઈ ટેંશન તો નથીને?" 

"શું થઈ રહ્યું છે એ જ મને સમજાતું નથી કરુણા. મને એ જ ખબર નથી પડતી કે હું શું કરી રહી છું!" 

"ઓફિસમાં કંઈ થયું આજે?" 

સ્વસ્થ થતાં તે બોલી, "હા." 

ચિંતા વ્યક્ત કરતા તેણે પૂછ્યું, "શું થયું ઓફિસમાં?" 

"એ જ મને નથી ખબર." 

"એક મિનિટ નીતિકા, આ તું શું ગોળ ગોળ વાતો કરી રહી છે?" 

"તને ખબર છે આજે શર્મા મળવા માટે આવ્યા ત્યારે મને એકજાતનો ડર લાગતો હતો. મને તો એ જ નહોતું સમજાતું કે જો એ પ્રોજેક્ટ કેન્સલ કરશે તો હું શું કરીશ. એ સમયે મારા પગ અચાનક વિદ્યા તરફ ઉપડી ગયા. મને મારા પર વિશ્વાસ નહોતો પણ એટલો વિશ્વાસ હતો કે ગમે તે થાય, પણ મેડમ મને કશું નહિ થવા દે. તે મારા દરેક પ્રોબ્લેમને માત આપી દેશે." 

"નીતિકા! તું એમ તો કહેવા નથી માંગતીને કે તને પણ ક્યાંકને ક્યાંક વિદ્યા સાથે..." બોલતાં કરુણાની જીભ ખચકાઈ. 

નિતુ બોલી, "અરે ના કરુણા, એવું કશું નથી. એના મનમાં જે હોય તે... પણ મને એના વિશે આવો કોઈ વિચાર નથી." ભાવુક થઈને તે આગળ બોલી, " એકબાજુ મને વિદ્યાની કરતૂતોનો વિરોધ તો છે એ ખરું પણ બીજી બાજુ મનમાં ક્યાંક ને ક્યાંક એ વિશ્વાસ બેસતો જાય છે, કે જ્યાં સુધી વિદ્યા મેડમ છે ત્યાં સુધી તે મને ગમે તેવી મુસીબતમાંથી ઉગારી લેશે." 

"નીતિકા મને લાગે છે કે તું કન્ફ્યુજ છે." 

"હું નથી જાણતી કે હું કન્ફ્યુજ છું કે નહિ." 

એકાદ ક્ષણની ચુપ્પી બાદ કરુણા તેને સમજાવતા બોલી, "સી નિતુ, તું એકવાર શાંત મનથી વિચાર કરજે. મને લાગે છે કે શર્માની વાતનો ડર તારા પર હાવી થઈ ગયો છે. સાથે એટલું પણ સમજજે કે સાપને ગમે તેટલું દૂધ પાઈએ કે પ્રેમ આપીયે, અંતે તો તે વિષદંશ જ દેશે." 

"આઈ નૉ કરુણા. મારે એની આ દરેક વાતથી દૂર રહેવું છે પણ હું નથી રહી શકતી. તું મારી કિસ્મત કહે કે બીજું જે સમજ તે, પણ હું વગર ઇચ્છાએ તેની વાત માની લઉં છું." 

"નિતુ, બી યોર સેલ્ફ ઓકે. આ બધું તારા વિચારોમાં ચડેલું એક વમળ છે. તારી જાતને થોડો સમય આપ તને બધું સમજાય જશે અને તું શાંત પણ થઈ જઈશ." 

"કરુણા મને સતત એ ભ્રમ થયા કરે છે કે આપણે વિદ્યાની કોઈ એવી કડી છે જેને છોડી રહ્યા છીએ. તેની બાબતમાં કંઈ જે આપણે જાણવું જોઈએ." 

"આપણે પ્રયત્ન કરીએ છીએને! કશું છૂપું નહિ રહે. દરેક સત્ય એક દિવસ બહાર આવશે." 

"હમ... હવે મારે પણ મક્કમ બનવાની જરૂર છે." 

"શેનાથી?" આશ્વર્યથી કરુણાએ પૂછ્યું. 

"નવીન." 

"નવીન?" 

"હા." 

"વળી પાછું શું થયું?" 

"કરુણા, અત્યાર સુધી મને શક હતો પણ આજે હું વિશ્વાસ સાથે કહી શકું કે નવીન પહેલા દિવસથી જ મારા માટે લાગણી ધરાવે છે." 

"ઓહ ગોડ... નીતિકા! આને કહેવાય એક સાંધો ત્યાં તેર તૂટે. હજુ આપણે એક પ્રકરણ નથી વટાવ્યું ત્યાં નવીનનું નવું આવ્યું." 

"આજે જે રીતે એણે મારી સાથે વાત કરી એનાથી મને બધું જ સમજાઈ ગયું. એણે કોઈ મિસ્ટેક નહોતી કરી. પણ મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો." 

"ડોન્ટ માઈન્ડ નિતુ પણ એક... વાત કરું."

"હમ."

" તું આટલી સુંદર છે અને તારા જેવી છોકરીના પ્રેમમાં કોઈ કેમ ના ફસાય?! મારું માન તો નવીન એટલો ખરાબ છોકરો પણ નથી." 

એની વાત પર હળવું હસતા નિતુ બોલી, "હું નવીન સામે જોઈ પણ ના શકું કરુણા."

"કેમ?"

"મયંક હજુ મને ભૂલ્યો નથી. "સ્વસ્થ થતાં તેણે ઉમેર્યું, "એક મેરિડ સ્ત્રી થઈને હું કોઈ બીજાનો વિચાર પણ ના કરી શકું."

સત્યની જાણ થતાં કરુણા થોડો આઘાત પામી. પળવાર માટે તો તે જાણે એક પથ્થરની ઝડ મૂર્તિ જ બની ગઈ. "તું ...મે... મેરિડ છે...?"

"અને ડિવોર્સી પણ. બે વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. માંડ એકાદ વર્ષ અમારું લગ્ન જીવન ચાલ્યું પણ ... ઓફિસમાં આ અંગે કોઈને જાણ નથી અને તું કોઈને ના જણાવતી, પ્લીઝ." 

શ્વાસ છોડતા તે બોલી, "ઓલરાઈટ... પણ હવે નવીનનું?" 

"હું મારી જગ્યાએ તટસ્થ રહીશ. એના માટે મારા મનમાં કશું નથી. એને જે કરવું હોય એ કરે. હું એને રોકીશ નહિ." 

"ઠીક છે. તારી વાત મને યોગ્ય લાગી. તારા ડિવોર્સ થઈ ગયા છે તો સલાહ તો હું તને આપીશ કે નવીન સારો માણસ છે. બાકી..." નિતુએ એની વાતને અવગણવા થોડું ત્રાંસી નજરે જોયું તો કરુણાએ વાત બદલી, "... ઠીક છે ભૈ, હવે નહિ કહું બસ. પણ તું તારી મેરીજ લાઈફ વિશે તો મને જણાવી શકે છેને?"

"બહુ લેટ થઈ રહ્યું છે. વધારે સમય બેસીશું તો ઘરે બધાને ચિન્તા થશે. આપણે કાલે વાત કરીયે. પણ પ્રોમિસ કર કે તું કોઈને કહેશે નહિ. "

"વિશ્વાસ નથી મારા પર ! પ્રોમિસ, હું કોઈને નહિ કહું કે તું મેરિડ છે. બસ." બંનેએ એકબીજી સામે સ્માઈલ કરી અને ઉભી થઈ ગાર્ડનની બહાર જવાના રસ્તે આગળ વધી. આજ કાલ નિતુ માટે કરુણાએ સૌથી વિશ્વાસ પાત્ર હતી. કદાચ એટલે જ તેને પોતાના જીવનની આટલી માહિતીની આપ- લે કરવી તેને યોગ્ય લાગી. તે ગાર્ડનના ગેટ સુધી પહોંચી કે પાછળ મોં ઢાંકીને બેઠેલી વિદ્યા ઉભી થઈ.

પોતાના ચહેરા પરથી સ્કાર્પ હટાવ્યો અને ગાર્ડનના ગેટ બહાર બન્ને સખીને વાતો કરતી જતા જોઈ રહી. મનોમન રોષ ભરીને તે બોલી, "હું પણ જોઉં છું કે નવીન તારી નજીક કઈ રીતે આવે છે. જો વાત વધારે વણસી તો આ

કરુણાનું પણ કંઈક કરવું પડશે. નિતુ... હું મારા સિવાય કોઈ બીજા પાસે તને જવા નહિ દઉં."