નિતુ - પ્રકરણ 59 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 59

નિતુ : ૫૯ (આડંબર)


નિતુએ ઓફિસમાં આવી આગળની કમાન સંભાળી. નવીનને ગઈ કાલે જે કામ સોંપવમાં આવ્યું હતું એ અંગે ચર્ચા આદરી. જોકે તેની વાતોને બીજી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરતાં નવીન પર તેને શંકા ઉપજી.

સવાલ કરતા નિતુએ તેને પૂછ્યું, "નવીન! ગઈ કાલે તને જે હવરલી બેઝ પર રિપોર્ટ કાઢવાનું કામ કહેલું એ તે કરી નાખ્યું છેને?"

શું ઉત્તર વાળવો એવા અવઢવમાં ઉભેલા નવીને ગોળ ગોળ વાત કરતાં કહ્યું, "અ... હા, કામ તો થયું... સમજોને કે... થઈ ગયું જ છે... પણ... એમાં એવું છેને કે એ કામ થોડું ઓછા રિપોર્ટ પર થયું છે."

તેની વાત સમજવાનો પ્રયત્ન કરતા નિતુ બોલી, "થયું છે... ઓછા રિપોર્ટ પર થયું છે... શું કહેવા માંગે છે તું? કંઈક સમજાય એમ બોલ."

"મેં... એ..."

તેના જવાબની રાહ જોતાં ઉભેલી નિતુએ તેને પૂછ્યું, "તે કોઈ ગડબડ તો નથી કરીને?"

"ના, રિપોર્ટ તો મેં બનાવી રાખ્યા છે."

તેનો જવાબ સાંભળી નિતુને શાંતિની અનુભૂતિ થઈ અને તે પોતાના ટેબલને ટેકવી નિરાંત અનુભવવા લાગી. એટલામાં નવીન બોલ્યો, "પણ..."

તેના મનમાં ફરી ભીતિ પ્રસરી અને શરીર કડક કરી તેની સામે આવી ચિંતાસહ તે પૂછવા લાગી, "પણ... શું?"

"એ રિપોર્ટ મેં હ... હવરલી નથી બનાવ્યા." ધીમા અવાજે ડરતા ડરતા તે બોલ્યો.

તેણે પૂછ્યું, "હવરલી નથી બનાવ્યા! તો કઈ રીતે બનાવ્યા છે?"

"ટ્રા... ટ્રા...અ."

"ટ્રા... વોટ?"

"ટ્રાય હવર ના બેઝ પર બનાવ્યા છે."

"શું કામ? મેં તને કાલે કહેલુંને કે હવરલી રિપોર્ટ તૈય્યાર કરજે. ઓહ ગોડ..." એક હાથ કપાળે અને બીજો હાથ કમર પર રાખી ચિંતામાં આમ તેમ ચક્કર લગાવતા તેણે પૂછ્યું, "મિસ્ટર નવીન તમે પ્લીઝ મને કહેશો કે તમે શું મેથી મારી છે?"

"મને લાગ્યું કે એડ એકદમ સક્સેસ જશે અને શર્મા નવી એડ માટે રેડી થઈ જશે. તો એ વખતે એને આપણે ફટાફટ નવી એડ આપી શકીએ એટલે નવું પ્લાનિંગ કરતો હતો." 

તે ફરી એ જ સ્થિતિમાં ચિંતા સાથે ટહેલતા બોલી, " આવું ડાપણ કરવાનું કોણે કહ્યું હતું? હમણાં થોડીવારમાં મેડમ આવશે, હું શું જવાબ આપીશ એને? એ તો છોડ, રિપોર્ટ વિના પહેલો જ એનાલિસિસ ખરાબ જશે."

"મેડમ... ટ્રાય હવરના રિપોર્ટ છેને... એનાથી પણ એનાલિસિસ થઈ જશે."

"મેડમનો સમય થઈ ગયો છે. કોઈ પણ સમયે આવશે અને સીધા જ કાલના રિપોર્ટ વિશે ચર્ચા કરશે."

"મેડમ મેં બધી ટીવી ચેનલના આવેલા આંકડા સ્ટોર કર્યા છે. એના આધારે થઈ જશે."

"એ રફ નંબરોના આધારે એનાલિસિસ નહિ થાય. એટલીસ્ટ એતો તમને જાણ છેને?" થોડાં કડક અવાજમાં તેણે કહ્યું.

"હા...અ... સોરી મેમ."

એટલામાં એક પિયુન દરવાજે આવી બોલ્યો, "નીતિકા મેમ, તમને બંનેને મેડમે તેની કેબિનમાં બોલાવ્યા છે."

"મેડમ આવી ગયા?!" આશ્વર્ય સાથે તેણે પૂછ્યું.

"જી! ઘણીવાર લાગી." કહી પિયુન જતો રહ્યો.

"સોરી, નીતિકા જી. જરૂર પડે તમે સંભાળી લેજો. પ્લીઝ!" રિકવેસ્ટ કરતાં તે બોલ્યો.

લાચાર નિતુએ કહ્યું, "ચાલ હવે... મેડમ પાસે તો જઈને કંઈક કહેવું પડશેને."

આગળ શું કરવું એના વિચાર કરતી નિતુ બહાર ગઈ અને નવીન તેની પાછળ. તેણે વિદ્યાની કેબિનનો દરવાજો ખોલ્યો કે વિદ્યા તેને સામે મળી.

"મેડમ?"

"હા, મારે એક કામ હતું એટલે મેં વિચાર્યું કે તમને મારી કેબિનમાં બોલાવવા એના કરતા હું જ તમારી બંને પાસે આવીને વાત કરું. બાય દી વે, તમે હવે મળી જ ગયા છો તો જણાવી દો કે શું પ્રોગ્રેસ છે? શર્માનો કોલ આવી ગયો છે. કેવો રહ્યો શર્માની એડ નો પહેલો દિવસ?" તે પોતાની ખુરશી પર પરત ફરતા બોલી.

નિતુ બોલી, "આપણે જે રીતે કોન્ટ્રાક્ટ કરેલો બધું એ રીતે જ ચાલે છે."

"ગુડ અને રિપોર્ટ નું શું થયું?"

" નવીને રિપોર્ટ તો બનાવ્યા છે, પણ... ટ્રાય હવરના બેઝ પર બનાવ્યા છે." નીતિકાએ એક જ ક્ષણમાં સત્ય કહી દીધું.

"શું?!" તે ઝટકાભેર ઉભી થઈ અને કહ્યું, "નવીન! તને ખબર છેને આ એડ કેટલી ઈમ્પોર્ટન્ટ છે અને શર્માની ટર્મ તો યાદ છેને?"

"જી!" નીચે જોઈ નવીને કહ્યું.

"અને જાણવા છતાં આ પ્રકારની મિસ્ટેક કરી તે! શર્મા આપણી એડની કેટલી ઈમ્પૅક્ટ પડે છે એ તપાસવા એનાલિસિસના ડેટા માંગશે તો શું કહીશ હું એને? એમ, કે અમારાથી પ્રોપર એનાલિસિસ નથી થયું."

નીતિકાએ કહ્યું, "ટ્રાય હવરનાં રિપોર્ટ છે. એક જ દિવસની મિસ્ટેક છે. આગળનું કામ અમે સંભાળી લઈશું."

"નીતિકા તને તો ખબર છે કે કોઈ પણ ચેનલવાળા માત્ર પાંચ દિવસમાં એકવાર ડેટા આપે છે. હવે પાંચ દિવસ સુધી કશું નહિ થાય." તે થોડી ગુસ્સે થઈને બંને સાથે વાત કરતી હતી કે તેના ફોનમાં કોલ આવ્યો. ડિસ્પ્લે તેઓની સામે કરતા તે બોલી, "શર્માનો બીજીવાર કોલ આવ્યો, શું જવાબ આપું હું એને? શર્માને તો પાંચ દિવસ સુધી રાહ જોવાનું ના કહી શકું."

ભૂલનો સ્વિકાર કરતા નવીન બોલ્યો, "સોરી વિદ્યા મેં'મ, મને નહોતી ખબર કે ચેનલવાળા પાંચ દિવસમાં એકવાર ડેટા શેયર કરે છે."

"મિસ્ટર નવીન, તને જે કામ કરવાનું કહેવામાં આવે છે એ પણ તારાથી નથી થતું."

તેનો બચાવ કરતાં નિતુએ કહ્યું, "એ નવો છેને. એને જાણ નહોતી. હું શર્મા સાથે વાત કરી લઈશ."

ગુસ્સામાં વિદ્યા બોલી, "અને શું જવાબ આપીશ તું શર્માને? એમ કે મારા આસીસ્ટન્ટથી મિસ્ટેક થઈ છે."

"શર્માને મારા પર છોડી દ્યો. હું એના સેલ્સ ઇન્ક્રીઝને આધાર બનાવી આગળ ચાલવા સમજાવી દઈશ. આમેય આપણે એની એડ લોન્ચ કરી દીધી છે. ઈમ્પૅક્ટ તો શર્માજીને પણ દેખાઈ જ જશે."

શાંત થતાં વિદ્યા બોલી, "ફાઈન. આઈડિયા સારો છે.  તું તારી રીતે વાત કરીને શર્માને મનાવ."

"જી."

નિતુ અને નવીન બંને કેન્ટીનમાં બેઠા હતા અને વિચાર કરી રહ્યા હતા કે શર્માને શું જવાબ આપશે? કઈ રીતે સમજાવશે? નવીન પોતાના ચોસલા જણાવી રહ્યો હતો. "આપણે એને એમ કહીએ કે રિપોર્ટ આવતા વાર લાગશે. ખુબ મોટા પ્રમાણમાં એડ આપી છે."

નિતુએ કોઈ જાતની પ્રતિક્રિયા ના કરતા તેણે ફરી કહ્યું, "નહિ ચાલે!... તો... આપણે એને કહીશું કે સાંજ થઈ જશે. એટલે..." બોલતા તેણે તેના ચહેરા તરફ જોયું અને સમજી ગયો કે એનો ઉપાય નકામો છે.

નિતુ બોલી, "નવીન તું આટલી મિસ્ટેક કરે છે અને સિનિયરનો ઓર્ડર નથી માનતો. તો તને પ્રમોશન કઈ રીતે મળ્યું?"

તેણે પોતાના શબ્દોને વિરામ આપી દીધો અને કંઈક બીજું વિચારવા લાગ્યો. અચાનક નિતુએ ફોન કાઢ્યો અને શર્માનો નમ્બર લગાવી દીધો.

"હેલ્લો મિસ નીતિકા. મને તમારા કોલની જ રાહ હતી."

"જી સર. સોરી મેં તમને થોડો લેટ કોલ કર્યો."

"ઇટ્સ ઓકે. પણ મને એનાલિસિસની જલ્દી છે. જેથી હું જાણી શકું કે આગળ તમારી લોકો સાથે મારે કામ કરવું કે ન કરવું."

"હા... શ્યોર સર. બટ સર, હું તમારી કંપનીના સેલ્સ રિપોર્ટ જોઈ શકું?"

"શા માટે?"

"એક્ચ્યુલી સર, એક એડ એજન્સી તરીકે અમે અમારું કામ કરી દીધું છે. છતાં અમારો રૂલ્સ છે કે કોઈ પણ ક્લાયન્ટને તકલીફ ના પડવી જોઈએ. આપે જે ટર્મ રાખી એના પાછળનું કારણ હું સમજી શકું છું. એટલા માટે માત્ર આપના કહેવાથી અમે આ એક્સ્ટ્રા કામ કરી રહ્યા છીએ, જે અમારી રિસ્પોન્સિબિલિટી નથી. એડ એજન્સીનું કામ માત્ર એડ બનાવી લોન્ચ કરવા સુધીનું માર્યાદિત હોય છે. આપની ટર્મ માટે થઈને અમે આ કરીયે છીએ. જેથી એડની માર્કેટ પર કેટલી અસર થઈ છે? અને એનાથી તમારી કમ્પનીમાં સેલ્સ કેટલાં પરસેન્ટ ઇન્ક્રીઝ થયું છે? એ એનાલિસિસ માટે મહત્વનું છે. માટે જો આપને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપ સેલ્સ ડેટા અમને મોકલી શકો છો."

નિતુની વાત સાંભળી શર્મા પણ એક ક્ષણ માટે થંભી ગયા. તેને તેની વાત યોગ્ય લાગી અને બોલ્યા, "તમારી વાત તો સાચી છે મિસ નીતિકા. મને ડેટા શેર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. એમ પણ સેલ્સ ડેટા ક્યારેય કોન્ફીડેન્શીયલ નથી હોતા. પરંતુ હું એક કામ કરું છું. મારા સેલ્સ ડિપાર્ટમેન્ટને આ કામ સોંપી દઉં છું. તમારે વધારે ચિન્તા કરવાની જરૂર નથી. આગળ શું કરવું એ હું મારા સેલ્સ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને જણાવી દઈશ."

"ઓકે. જેવી તમારી ઈચ્છા. હોપ ટુ હિયર ફ્રોમ યુ સુન."

"જી."

વાત સાંભળી રહેલો નવીન ફોન કટ થતાં અચાનક ખુશ થઈને કહેવા લાગ્યો, "ઓહ માય ગોડ નીતિકા મેડમ. તમે તો આખી વાત જ પલ્ટાવી દીધી. એક જ સેકેન્ડમાં આખું કામ શર્માએ સામે ચાલીને સ્વીકારી લીધું. મતલબ હવે આપણે એનાલિસિસ કરવાની પણ જરૂર નહિ પડે. અમેજીંગ મેડમ."

"શર્મા આવું કહેશે એની આશા મને પણ નહોતી."

"ના પણ ખરેખર તમે અદભુત રીતે વાત કરી છે."

નવીન તેનાં વખાણ કરી રહ્યો હતો કે જસ્સી કોફીના બે કપ લઈને આવી. એક કપ તેણે નવીન સામે મુક્યો અને બીજો નિતુ સામે મૂકતા તેણે ગળું સાફ કર્યું. જસ્સી કંઈક કહેવા માંગે છે એ તે સમજી અને પ્રશ્ન કરતી આંખે તેણે જસ્સી સામે જોયું. 

"શું થયું જસ્સી?" આશ્વર્ય સાથે તેણે પૂછ્યું. 

જસ્સી બોલી, "સામે બેસીને પીવાય રહેલ કોફી સામેની બાજુ છે." અને તે જતી રહી. 

તેના ગયાના તુરંતબાદ નવીન બોલ્યો, "આ જસ્સી પણ કમાલ છે, નહિ? ક્યારેક ક્યારેક શું બોલે છે એ જ નથી સમજાતું." કહી તે હસવા લાગ્યો. પણ જસ્સીની વાત સાંભળી તેનામાં એક ગમ્ભીરતા આવી ગઈ. જસ્સીનો ઈશારો કઈ તરફ હતો તે નિતુ સમજી ગઈ અને તુરંત ફોન લઈને કરુણાને મેસેજ કર્યો, "નવીન વિદ્યા મેડમનો જ માણસ છે. આપણી સામે આડંબર રચી રહ્યો છે."