સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – 15 – સેનાપતિ ગંડુરાવ
ધોળિયો જ્યારે ગંડુરાવના મહેલે પહોંચ્યો ત્યારે એ હીંચકા પર બેઠોબેઠો સફરજન ખાઈ રહ્યો હતો. સફરજન ખાવાની એની રીત અજબ હતી. એ એક મોટા ચાકુથી મેજ પર પડેલા સફરજનને વચ્ચેથી કાપતો, અને કાપતી વખતે હાથમાં રહેલા ચાકુને છેક, પોતાના માથાથી ઉપર લઇ જતો અને પછી જોરથી હાથ નીચે લાવતો અને સફરજન બરાબર વચ્ચેથી કપાય અને ચાકુ લાકડાના મેજ પર જોરથી અથડાય એટલે મોટો અવાજ આવતો. જ્યારે સફરજનના બંને ભાગ બે તરફ નીચે દૂર જઈને પડે ત્યારે તેનો સેવક દોડીને બંને ભાગને લઇ આવતો અને ગંડુરાવને આપતો.
પછી, ગંડુરાવ સ્મિત કરતો અને બંને ભાગને પોતાનું મોટું મોઢું ફાડીને ખાવા લાગતો. ધોળિયો પહેલા તો આ દ્રશ્ય જોઇને જ થોડો વિચલિત થઇ ગયો, પરંતુ એક પછી એક એમ સફરજન એ જ રીતે કપાતા ગયા એટલે એ પરિસ્થિતિને સ્વીકારવા લાગ્યો. ગંડુરાવે ધોળિયાને આવેલો જોયો એને હાથનો ઈશારો કરીને રોકાઈ જવાનું કહ્યું.
ધોળિયાના પેટમાં પતંગીયા દોડતા હતા કારણકે શ્રીરામૈય્યાએ એને સ્પષ્ટ હુકમ આપ્યો હતો કે ગંડુરાવને તુરંત પોતાના પ્રાસાદે આવી જવાનું કહેવું અને અહીં ગંડુરાવ સફરજન સાથે રમત કરવામાં વ્યસ્ત હતો. પરંતુ રાજા વિષદેવ, મહાઅમાત્ય શ્રીરામૈય્યા પછી રાધેટક સામ્રાજ્યના ત્રીજા સહુથી શક્તિશાળી પદ પર બિરાજતા ગંડુરાવને પોતાના માલિકનો આ સ્પષ્ટ હુકમ સંભળાવવાની હિંમત ધોળિયો કોઈ કાળે કરી શકે તેમ ન હતો.
એક તો ગંડુરાવનું શક્તિશાળી પદ અને બીજો એનો દેખાવ આ બંને ધોળિયાને સેનાપતિના હુકમ વગર કશું પણ બોલવાથી રોકતો હતો.
ગંડુરાવ એક વિશાળ કદનો આદમી હતો. તાડના ઝાડ જેવી એની ઉંચાઈ હૃષ્ટપુષ્ટ શરીર અને કોલસાની ખાણમાંથી સીધો આણ્યો હોય એવો એની ચામડીનો રંગ. દિવસ-રાત સતત સોમરસનું પાન કરવાની આદત અને ગુસ્સો તો માથા પર સતત રહેવાને કારણે એની આંખો કાયમ રક્તરંજિત હોય એવી લાલચોળ રહેતી. ગંડુરાવ એના ભયંકર ગુસ્સા માટે પણ જાણીતો હતો. એનું ન માનનારને એ કાં તો યમરાજને સોંપી દેતો કે પછી એને એવી પીડાદાયક સજા આપતો કે પેલો વ્યક્તિ સામેથી યમરાજ એને લઇ જાય એવી પ્રાર્થના સજા શરુ થવાની પહેલી પળ-બેપળમાં જ શરુ કરી દેતો. આથી અત્યારે ચૂપ જ રહેવું એવો નિર્ણય ધોળિયો કરી ચૂક્યો હતો.
કેટલીક પળો વીતી અને ગંડુરાવ એની સફરજન સાથેની રમતમાંથી પરવાર્યો એટલે ધોળિયાને નજીક બોલાવ્યો અને હાથ વડે સંકેત કરીને સંદેશ આપવાનું કહ્યું.
‘પ્રભુ! મારા પ્રભુએ આપને તત્કાળ બોલાવ્યા છે.’ ધોળિયાએ પોતાના હાથ જોડીને ગંડુરાવને કહ્યું.
‘એવું તે શું છે કે પ્રભુએ મને આમ તુરંત બોલાવ્યો?’ ગંડુરાવ સફરજન ચાવતા બોલ્યો.
‘પ્રભુ, મને એની તો ખબર નથી, બસ મને આ એક પંક્તિનો સંદેશ આપીને તમને જણાવવા કહ્યું છે.’
‘ઠીક છે, તું જા.’
‘પ્રભુ, ક્ષમા પણ મારા પ્રભુએ મને આપ એમના પ્રાસાદ તરફ નીકળો ત્યારબાદ જ અહીંથી રવાના થવાનો હુકમ આપ્યો છે.’
આ સાંભળીને ગંડુરાવ થોડો વ્યાકુળ થઇ ગયો. એને આરામથી નીકળવું હતું પરંતુ એ મહાઅમાત્યનો આદેશ ટાળી શકે તેમ ન હતો. એ ઝડપથી હિંચકા ઉપરથી ઉભો થઇ ગયો અને બાજુમાં પડેલી પોતાની તલવાર ઉપાડીને કમરમાં લટકાવી અને ઝડપી પગલે પોતાના મહેલની બહાર નીકળ્યો અને રથ પર સવાર થઇ ગયો.
‘મહાઅમાત્યના પ્રાસાદે...’ ગંડુરાવે સારથિને કહ્યું અને રથ ત્યાંથી નીકળી પડ્યો.
***
ગંડુરાવ શ્રીરામૈય્યાના પ્રાસાદે પહોંચ્યો. રથમાંથી પોતાનું વિશાળ શરીર નીચે ઉતાર્યું અને ઉતાવળા પગલે અંદર પહોંચ્યો જ્યાં શ્રીરામૈય્યા જમીન પર પાથરવામાં આવેલા તેના વિશાળ આસન પર બેસીને વિચાર કરી રહ્યો હતો.
‘આપે મને બોલાવ્યો, મહાઅમાત્યજી?’ ગંડુરાવ એની સામે ઉભો અને હાથ જોડ્યા.
‘હા, સેનાપતિજી, આવો બેસો.’ શ્રીરામૈય્યાએ ગંડુરાવને પોતાની પાસે બેસવાનો સંકેત કર્યો.
‘બોલો, મહાઅમાત્યજી, શું હતું?’ ગંડુરાવે બેસતાં જ પૂછ્યું.
‘સમાચાર સારા નથી સેનાપતિજી. રાજ વિરુદ્ધ બળવાના પાક્કા સંકેત મળી રહ્યા છે.’
‘શું? આવી હિંમત કોણે કરી?’ ગંડુરાવ ચોંક્યો.
‘પલ્લડી ગામનો છે કોઈક!’
‘પલ્લડી? એનો નાયક તો મારો ખાસ માણસ છે. હમણાં એને કહીને અહીંયા પકડી લાવું.’ ગંડુરાવનો પ્રખ્યાત ગુસ્સો એના ચહેરા ઉપર દેખા દઈ રહ્યો હતો.
‘તમારો ખાસ માણસ ત્યાં હોય તેમ છતાં એના નાક નીચે એ વ્યક્તિ પંદરેક હજાર માણસ ભેગું કરી લે એ કેવું?’
‘પંદર હજાર માણસ? એવો તે કેવો હિરલો છે જે આપણને ખબર ન પડે એમ પંદર હજાર માણસ ભેગું કરી લે?’
‘છે, એક છે. અને આપણે અત્યારે વાત કરીએ છીએ ત્યારે પંદર હજાર માણસની વાત પાંચ દિવસ જૂની થઇ ગઈ છે. ઉત્તર થી દક્ષિણ સુધી અને મરુદેશઅને સુરાષ્ટ્રની સીમાઓ સુધી સમગ્ર ગુજર પ્રદેશમાં એ માણસ ફરી ચૂક્યો છે અને દિવસે દિવસે વધુને વધુ માણસ ભેગું કરી રહ્યો છે. મારા ગુપ્તચરોની સૂચના પ્રમાણે કુલ પચીસ હજારનું સેન ભેગું કરવું એ એની મનસા છે.’
‘આ તો બહુ કરી! વાત આટલી હદે પહોંચી ગઈ... પલ્લડી અને એની આસપાસના ગામોમાં તો હું લગભગ બધાને ઓળખું છું, આ કોણ છે જે આપણી સામે પડવાની હિંમત કરી રહ્યો છે?’
‘છે કોઈ રાજકરણ.’
‘કોણ? રાજકરણ? મને જરા ફરીથી એનું નામ કહો તો?’
‘હા, રાજકરણ જ એનું નામ છે.’
આટલું સાંભળીને ગંડુરાવ ખડખડાટ હસી પડ્યો અને શ્રીરામૈય્યા એની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો.
‘અરે! પ્રભુ... આપ કોની વાતમાં આવી ગયા...’ પોતાનું હાસ્ય માંડમાંડ રોકતા ગંડુરાવ બોલી પડ્યો.
‘કેમ? તમે તેને ઓળખો છો?’ શ્રીરામૈય્યા ગંડુરાવનો આત્મવિશ્વાસ જોઇને ચોંકી ઉઠ્યો.
‘હમણાં એક નામ આપીશ તો તમેય એને ઓળખી કાઢશો.’ ગંડુરાવનું આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત હજી પણ એના ચહેરા ઉપર ટકી રહ્યું હતું.
‘કયું નામ, હવે તમે ઝડપથી ફોડ પાડો તો આગળ વધવાની સૂજ પડે.’ શ્રીરામૈય્યા હવે અકળાયો.
‘પ્રભુ, ચિત્રા જેને મેં રાખી છે. અરે! સારું યાદ દેવડાવ્યું, ગઈકાલે સાંજથી જે તમારા શયનખંડમાં છે એ...’ ગંડુરાવ આગળ બોલે ત્યાંજ...
‘હા, તો એનું શું છે? એનું અને આ રાજકરણ વચ્ચે શો સંબંધ છે?’
‘ચિત્રા એ રાજકરણની પત્ની છે.’ ગંડુરાવ મૂછમાં લુચ્ચું હસ્યો.
‘હેં?’ શ્રીરામૈય્યાને લગભગ આઘાત લાગી ગયો.
‘જી પ્રભુ. પેલું કહે છે જે કે પેટનો બળ્યો ગામ બાળે, આ એના જેવું છે. પત્નીસુખ મેં છીનવી લીધું એટલે શરીરની અગ્નિને બીજે બાળવા માટે દેશ બાળવા નીકળ્યો છે.’
‘આ તો ખરું થયું. મને લાગે છે સેનાપતિજી તમારી વાત સાચી છે. પત્ની સાથે નથી શરીરસુખ મળતું નહીં હોય એટલે ગાંડો થયો લાગે છે અને તમને ગુનેગાર ગણીને આખા રાજ સામે પડ્યો છે.’
‘હા, પ્રભુ બસ એ જ. વળી એ છે પણ કેવી સુંદર, તમે તો ઘણી વખત ભોગવી ચૂક્યા છો એટલે હું પણ બીજું શું કહું?’
‘એ તો બરાબર. મને એક વાત ન સમજાઈ સેનાપતિજી...’
‘શી વાત પ્રભુ?’
‘રાજકરણ તો સમજ્યા કે પત્ની જતી રહી એટલે બદલો લેવા નીકળ્યો છે પણ આ બીજા પંદર હજાર લોકો એની સાથે શેના જોડાઈ ગયા છે?’
‘પ્રભુ, આપના ચરો આ સમાચાર પણ જોડે લાવ્યા જ હશે ને?’
‘હા, એ તો લાવ્યા જ છે. પેલો લોકોને કહે છે કે આપણે બહારના છીએ. આપણું મૂળ રાધેટક સામ્રાજ્ય દક્ષિણ આર્યવર્ષમાં અને દાદા મહારાજે આક્રમણ કરીને એને જીતી લીધું છે એટલે આપણું આશાવન આપણા લોકો દ્વારા શાસિત હોવું જોઈએ.’
‘અચ્છા, એટલે પોતાના લાભ માટે એ છોકરો ખોટી દેશભક્તિ ઉભી કરી રહ્યો છે. એને તો આમ ચોળીને ફેંકી દઈશું, આપ ચિંતા ન કરો.’
‘બને તેટલું ઝડપથી આ કાર્ય પૂર્ણ કરો સેનાપતિજી. ઉગતા રોગ અને ઉગતા દુશ્મન સાથે એક સરખી રીતે કામ લેવું જોઈએ, આ જ રાજધર્મ છે.’
‘જી પ્રભુ, આવતીકાલ સાંજ સુધીમાં એ રાજકરણ તમારી સમક્ષ હશે.’
‘એનાથી પણ વહેલું થતું હોય તો વહેલું પતાવો. પેલો પલ્લડીનો નાયક તમારો માણસ છે તો એનો ઉપયોગ કરો. આજે જ દૂત મોકલો અને એને કહો કે એના ઘરનો કબજો લઇ લે. અને જો એના ઘરમાં એ હોય તો એને તરતજ પકડીને અહીં, આશાવનના કારાગૃહમાં તત્કાળ નાખી દે, બાકીનો નિર્ણય મહારાજ આવતીકાલે સભામાં કરશે.’
‘જી, પ્રભુ!’
આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે શ્રીરામૈય્યાના શયનખંડના પડદા પાછળ એક આકૃતિ સતત દેખાઈ રહી હતી, પરંતુ શ્રીરામૈય્યા કે ગંડુરાવ બંનેમાંથી કોઈની નજર ત્યાં ન પડી.
‘ચાલો, આપને સેનાપતિજીના મહેલમાં લઇ જવાનો સમય થઇ ગયો.’
અચાનક એ આકૃતિ પાસે એક સેવક આવ્યો અને એણે તેને પડદાની બહાર ઉભા રહીને જ કહ્યું.