સિંહાસન સિરીઝ
સિદ્ધાર્થ છાયા
Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.
સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય
સંઘર્ષ
પ્રકરણ – 14 – વિષદેવરાય હલ્લી
રાજકરણે સ્વતંત્રતાનો જે મંત્ર સહુથી પહેલીવાર ફત્તેસિંહનો ગઢ ગામના લોકોમાં ફૂંક્યો હતો, તે જ મંત્ર તે તેની કલ્પનાના ગુજરદેશના વિવિધ ગામોમાં ફરીફરીને ત્યાંની જનતાને આપવા લાગ્યો. એની આશાથી અનેકગણી સફળતા એને મળવા લાગી. જેમ જેમ રાજકરણ વધુને વધુ ગામોમાં ફરતો હતો અને પોતાની વાત રજૂ કરતો હતો તેમતેમ તેની વાણીની ધાર વધુ તેજ થવા લાગી હતી. આથી, જે તકલીફ તેને શરૂઆતમાં ફત્તેસિંહનો ગઢના લોકોને સમજાવવામાં પડી હતી, તે ધીમેધીમે ઓછી થતી ગઈ અને છેવટે તો તેના અમુક વાક્યો બોલ્યા પછી જ લોકો તેની સાથે જોડાવા લાગ્યા.
જે-જે ગામ રાજકરણ સાથે જોડાતા ગયા ત્યાં ત્યાં તે પ્રશિક્ષણ અને શસ્ત્રોની વ્યસ્થા ધૂળીચંદની મદદ અને અન્ય લોકોના સાથથી કરતો ગયો. આમ કરતા કરતા તેની પાસે દસ-પંદર હજાર લોકોનું સૈન્ય ભેગું થઇ ગયું.
રાજકરણની યોજના આમ સરળતાથી ચાલતી રહે રાજા વિષદેવરાય હલ્લી સુધી ન પહોંચે એવું બને ખરું? જૂના આશાવનના વનવાસીઓના વારસો હજી પણ તેમની ગુપ્તચરની કળામાં માહેર હતા. ફત્તેસિંહનો ગઢ ગામની બેઠક તો ગુપ્તચરોના કાને ન આવી પરંતુ ત્યારબાદ આ પ્રકારની બેઠકોની સંખ્યા વધતી ચાલી અને તે પણ સમગ્ર ગુજરદેશમાં એટલે ગુપ્તચરોના કાન પણ સરવા થઇ ગયા. ગુજરદેશની છેક દક્ષિણમાં આવેલા નવ્યસારિકાથી બીજલ નામનો ગુપ્તચર મારતા ઘોડે આશાવન આવ્યો અને સીધો જ મહાઅમાત્ય શ્રીરામૈય્યાના મહેલે પહોંચ્યો.
‘વાત તારી ગંભીર છે બીજલ.’ શ્રીરામૈય્યા પોતાની કાબરચીતરી દાઢીમાં હાથ ફેરવતા બોલ્યો.
‘જી પરભુ, એટલે જ દોડતો દોડતો તમાર લગી આઈ ગ્યો.’ બીજલે જવાબ આપ્યો.
‘આનો અર્થ તો એટલો જ કે જો નવ્યસારિકા સુધી એ વ્યક્તિ પહોંચી ગયો છે તો એના પહેલા અને પછીના પ્રદેશોમાં પણ એ જરૂર ગયો હશે.’
‘જી પરભુ, મને આવી જ બેઠકોના હમાચાર બીઝેથી પણ મલ્યા સ.’
‘ઠીક છે, તું પાછો નવ્યસારિકા જા અને હવે તું આશાવન આવી જ ગયો છે તો સાથે તારા બે ત્રણ સાથીઓને પણ લેતો જા. આનાથી કોઈ નવા સમાચાર મળે કે તરત એમને મોકલજે તું ન દોડતો, તારી ત્યાં દક્ષિણમાં જરૂર છે.’
‘જી પરભુ.’ બીજલ શ્રીરામૈય્યાને પ્રણામ કરીને જતો રહ્યો.
હજી બીજલે શ્રીરામૈય્યાના વિશાળ ઓરડામાંથી પગ બહાર પણ નહીં મૂક્યો હોય કે ઉત્તર અને મધ્યના ગુપ્તચરો પણ એક પછી એક દોડતા-દોડતા પ્રવેશ્યા અને એમણે પણ આ જ પ્રકારની વાત કરી. શ્રીરામૈય્યાએ તમામને સાથે એક-બે સાથીઓને લઇ જવાની અને તેઓ પોતે પરિસ્થિતિ પર નજર રાખે એવી સૂચના આપીને રવાના કરી દીધા.
ગુપ્તચરોના ગયા બાદ શ્રીરામૈય્યાએ પોતાના મહાઅમાત્યની પાઘડી પહેરી અને રાજમહેલ તરફ ઝડપી પગલે રવાના થયો.
***
‘પ્રભુ, મહારાજ વિહારમાં છે!’ રાજા વિષદેવના ઓરડાની બહાર ઉભેલા મુખ્ય દ્વારપાલે શ્રીરામૈય્યાને બંને હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું.
‘કેટલો સમય થયો?’ શ્રીરામૈય્યાના સ્વરમાં ઉતાવળ હતી.
‘હજી ઘડી-બે ઘડી જ થઇ છે. તમે કદાચ હજી મહેલના આંગણામાં હશો ત્યારે જ.’
‘ઓહ! તો તો વાર લાગશે. કેટલી છે?’
‘ત્રણ!’
‘હમમમ... ઘણી વાર લાગી જશે. ઠીક છે, હું મંત્રીકક્ષમાં રાહ જોવું છું. જેવો મહારાજનો વિહાર સંપૂર્ણ થાય એટલે મને તેડું મોકલજે.’
‘જી, પ્રભુ!’
‘કોને તેડું મોકલવાનું છે શ્રી?’ અચાનક જ રાજાના ઓરડાનો વિશાળ દરવાજો ખુલ્યો અને થોડેક દૂરથી વિષદેવનો અવાજ સંભળાયો.
‘પ્રભુ, આપ તો વિહાર શરુ કરી રહ્યા હતા ને?’ શ્રીરામૈય્યાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘તું અંદર આવ તને બધું કહું.’
શ્રીરામૈય્યા વિષદેવની પાછળ પાછળ એના વિશાળ શયનખંડમાં પ્રવેશ્યો.
‘જો સુમારી કેવી કેવીને લાવ્યો છે? છે એકેયમાં દમ? એકનું મોઢું બગડેલું, બીજીનું શરીર અને આ ત્રીજીનું તો કશું જ ઠીક નથી. આમાં વિહાર કરવાનું મન થાય?’
વિષદેવે શ્રીરામૈય્યાનું મંતવ્ય પૂછ્યું પરંતુ એના મનમાં રાજકરણની વાત ઘૂમી રહી હતી એટલે એ ચૂપ રહ્યો. વિષદેવે આ જોયું.
‘આ બધીને મારી આંખો સામેથી દૂર કરો. આખા દિવસની મજા બગાડી નાખી.’ વિષદેવે ગુસ્સામાં એના દ્વારપાલોને કહ્યું.
ત્રણેય સ્ત્રીઓ રાજાને નમન કરીને ત્યાંથી નીચા મોઢે બહાર નીકળી ગઈ.
વિષદેવ તેની ભવ્ય બેઠક ઉપર બેઠો. બાજુની મેજ પર પડેલા સોમરસના પ્યાલાને ભર્યો અને તેને મોઢે લગાવીને તેને પીવાનું શરુ કર્યું.
‘તું મૂંગો છે એટલે લાગે છે કોઈ ગંભીર વાત છે.’ વિષદેવ શ્રીરામૈય્યા તરફ જોઇને બોલ્યો.
‘જી, મહારાજ. દેશ પર સંકટ આવે એવી શક્યતા છે.’ શ્રીરામૈય્યા ચિંતાતુર અવાજે બોલ્યો.
‘ફક્ત શક્યતા છે અને તું દોડીને મારી પાસે આવી ગયો? આવી નાનીનાની વાતો તારે તારી રીતે પતાવી દેવાની હોય, મને કહેવાની શી જરૂર?’
‘મહારાજ, વાત નાની હોત તો દોડીને ન આવ્યો હોત અને આપને તકલીફ પણ ન આપી હોત.’
‘તો પછી શક્યતા નહીં વિશ્વાસુ સમાચાર છે એમ કહેવાય.’
‘ક્ષમા મહારાજ.’
‘બોલ શું હતું? માંડીને વાત કર.’
‘મહારાજ, પલ્લડી ગામનો કોઈ રાજકરણ છે, એ આખા દેશમાં સ્વતંત્રતાની હવા ફેલાવી રહ્યો છે.’
આટલું સાંભળતાં જ વિષદેવ ખડખડાટ હસવા લાગ્યો. એનું હાસ્ય આખા શયનખંડમાં ફેલાઈ ગયું. શ્રીરામૈય્યા આશ્ચર્યચકિત થઈને આ જોઈ રહ્યો.
‘સ્વતંત્રતા? કોનાથી? આપણાથી? આપણાને આપણા લોકોને આપણાથી સ્વતંત્રતા જોઈએ છીએ? આવી ગર્દભને શરદી થાય એવી વાત લઈને તું આવ્યો છે શ્રી? તું? તે તો મારો આખો નશો ઉતારી દીધો.’ વિષદેવ હજી પણ હસી રહ્યો હતો.
‘મહારાજ, એ જ વાત છે. તમે અને હું એવું માનીએ છીએ કે આપણે અને ગુજરપ્રદેશના લોકો એક જ છીએ પણ આ રાજકરણ નામના વ્યક્તિએ આ જ મુદ્દાને નોખી રીતે દેશના લોકો સામે રજૂ કર્યો છે અને સાંભળ્યું છે કે એની સાથે હજારો લોકો કાં તો જોડાઈ ગયા છે અને કાં તો જોડાવાની તૈયારી કરી રહ્યા છે.’
‘અલગ રીતે એટલે?’
‘પ્રભુ, એણે તમારા દાદા મહારાજના સમય કરતાં પણ સદીઓ પૂર્વેના ગુજરદેશની કલ્પના લોકો સમક્ષ મૂકી છે. એનું કહેવું છે કે દાદા મહારાજ બહારના આક્રમણકારી હતા અને એમના આવવાથી એ સદીઓ પહેલાનો ગુજર દેશ ગુલામ થઇ ગયો છે અને આથી હવે તેને સ્વતંત્ર કરવો જોઈએ.’
શ્રીરામૈય્યાની વાત સાંભળીને વિષદેવ વિચાર કરવા લાગ્યો. શ્રીરામૈય્યા એને વિચાર કરતો જોઇને સમજી ગયો કે પરિસ્થિતિની ગંભીરતા એ હવે સમજ્યો છે.
‘શ્રી, જો એ રાજકરણ કે રામકરણ જે હોય તે, એ એકલો આવું વિચારતો હોય કે આપણી પ્રજા ગુલામ છે તો એ તો મૂર્ખ છે જ પણ એને સાથ આપનારા વધુ મૂર્ખ કહેવાય.’
‘મહારાજ, મને જે સમાચાર આપણા ચરોએ આપ્યા છે એનાથી એવું લાગે છે કે હવે આ ચર્ચા કરવામાં ઘણું મોડું થઇ ગયું છે.’
‘એટલે?’
‘એટલે એમ કે એણે નહીં નહીં તોય ગુજરપ્રદેશમાંથી પંદરેક હજાર લોકોને ભેગા કરી લીધા છે અને આ બધાને લઈને એ આપણા વિરુદ્ધ સ્વતંત્રતા સંગ્રામ આરંભવાનો છે.’
વિષદેવ ફરીથી હસી પડ્યો, તેનું આ વખતનું અટ્ટહાસ્ય તેના અગાઉના અટ્ટહાસ્ય કરતા પણ વધુ જોરવાળું અને ખતરનાક સંભળાઈ રહ્યું હતું. શ્રીરામૈય્યા આ જોઇને આઘાતમાં આવી ગયો.
‘તું ખરેખર ગાંડો થઇ ગયો છે શ્રી. પહેલા પેલી સ્વતંત્રતાવાળી વાત તે માની લીધી અને હવે આ પંદરેક હજાર માણસોની વાતથી તું ગભરાઈ ગયો? અરે! ગાંડા... આપણું સૈન્ય લાખોમાં છે અને તું હજારોના ટોળાથી ડરી ગયો?’
‘પ્રભુ, નદીમાં પૂર આવેને એ પહેલાં એ ઝરણું જ હોય છે.’
‘તારે... જે કરવું હોય તે કર... મારે સુમારીને બોલાવવાનો છે અને ફરીથી વિહાર ગોઠવવાનો છે. આજે તો એ સુમારીને છોડીશ નહીં. એવી ધમકાવીશ કે હવેથી આવી બેડોળ કન્યાઓને મોકલવાનું ભૂલી જશે. અરે! કોઈ છે? આ સોમરસ પૂરો થઇ ગયો છે. બધા મરી ગયા કે શું?’
વિષદેવ પોતાની વાતની ગંભીરતા સમજી નથી રહ્યો તે શ્રીરામૈય્યાને ખ્યાલ આવી ગયો. તેણે બંને હાથ જોડીને ત્યાંથી જવાની આજ્ઞા માગી. વિષદેવે એને હાથ હલાવીને બહાર જતા રહેવાનો સંકેત કર્યો.
શ્રીરામૈય્યા રાજમહેલની બહાર આવ્યો. પોતાની બગીમાં બેઠો અને તરત વિચાર કરવા લાગ્યો.
‘મહારાજ તો પરિસ્થિતિની ગંભીરતા સમજવા તૈયાર નથી. એમને તો એમના સોમરસ અને વિહારમાં જ રસ છે. પણ આવું તો ક્યાંથી ચાલશે? આમ આ નાનકડી સ્થિતિની અવગણના કરીશું તો ગુજરપ્રદેશ આખો હાથમાંથી જતો રહેશે. આશાવન જ જો હલ્લી સામ્રાજ્યની રાજધાની નહીં રહે તો જગત આખામાં થૂ થૂ થઇ જશે.
‘રાણીબાને મળું? ના, ના, રાણીબા તો મહારાજની અવગણનાના શિકાર છે. આટલી સુંદર પત્ની હોવા છતાં જે વ્યક્તિ દરરોજ નવી નવી કન્યાઓ સાથે વિહાર કરતો હોય, એને...’
આખા રસ્તે શ્રીરામૈય્યાની ગડમથલ ચાલતી રહી, પરંતુ જેવો એ પોતાના મહેલના દાદરા ચડ્યો કે તેને એક વિચાર આવી ગયો.
‘હા, આ બરાબર છે, આમ જ કરું. રાજા ભલે ઊંઘે પણ મારે તો રાજ બચાવવાનુંને? એ જવાબદારી મારી જ છે. હા, એમ જ કરું.’ શ્રીરામૈય્યા મનમાં વિચારી રહ્યો.
‘ધોળિયા, અત્યારે જ સેનાપતિ ગંડુરાવના પ્રાસાદે જા અને તેના મુખ્ય અંગરક્ષકને સમાચાર આપી આવ કે તત્કાળ મને અહીં આવીને મળે. અને હા, એને કે’જે કે એક પળની પણ વાર ન કરે. સમાચાર મળે કે તુરંત અહીં આવી જાય. અને હા, તું આપણા હીરાને જ લઇ જજે.’ શ્રીરામૈય્યાએ પોતાના સેવક ધોળિયાને હુકમ આપ્યો.
ધોળિયો તરત હીરા નામના દૂધમલ ઘોડા ઉપર સવાર થયો અને ગંડુરાવના મહેલ તરફ તેને દોડાવવા લાગ્યો.