આળસને કહો અલવિદા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આળસને કહો અલવિદા

પુસ્તક: આળસને કહો અલવિદા

લેખક: બ્રાયન ટ્રેસી

પરિચય: રાકેશ ઠક્કર

        બ્રાયન ટ્રેસીએ ‘આળસને કહો અલવિદા’ પુસ્તક માટે લખ્યું છે કે,‘સફળતાનો એક જ માર્ગ છે – સક્રિય બનો, કામે લાગી જાવ, ઍક્શન લો. તમારા પર્ફૉર્મન્સમાં અને કામોમાં આ સિદ્ધાંતો દેખીતો ફરક લાવે તેવા છે. આ સિદ્ધાંતોને તમે જેટલી ઝડપથી આત્મસાત કરીને તેનો જીવન અને કારકિર્દીમાં અમલ કરશો એટલો ઝડપી ફાયદો તમને થશે – એ વાતની ગેરેન્ટી આપું છું! આળસને અલવિદા કરીને તમે પણ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં લાગી જશો, તો તમારાં આનંદ, ખુશી અને ઉત્સાહની કોઈ સીમા નહીં હોય અને સફળતા તમારા કદમો ચૂમતી હશે!’

 

        આળસ વિષે ક્યાંક વાંચ્યું છે કે એ એક એવો કીડો છે જે પ્રગતિની બધી જ ઇમારતોને ખોખલી બનાવી દે છે. માનવીનો એ સૌથી મોટો દુશ્મન છે. એ આપણાંને કોઈપણ કામ કરતાં રોકે છે અને આપણાં સપનાઓ પૂરા થવામાં અવરોધરૂપ બને છે. આળસને છોડવા માટે માનસિકતા બદલવાની જરૂર છે. પુસ્તકમાં લેખક સમજાવે છે કે,‘કેટલાક લોકો બીજા કરતાં વધારે સફળ થાય છે, કેમ કે તેઓ અન્યથી અલગ રીતે કામ કરે છે – આ એકદમ સમજી શકાય તેવી વાત છે. તે લોકો અસરકારક રીતે કામ કરે છે. સફળ, ખુશખુશાલ, સમૃદ્ધ લોકો તેમના ટાઈમનો સદુપયોગ કરે છે. ઍવરેજ માણસ કરતાં તેઓ ઓછા ટાઈમમાં વધારે સારું કામ કરે છે.’

       

        લેખકે માર્ક ટ્વેઈની એક વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે,‘સવારે ઊઠીને પહેલું કામ જે અણગમતું હોય એ કરવાનો ફાયદો એ, કે આખો દિવસ પછી તમને નિરાંત રહેશે કે બાકીના ટાઈમમાં હવે આનાથી વધારે અણગમતું કશું કરવાનું રહેતું નથી.’ તમારા માટે ‘સૌથી અણગમતું’ કામ જ સૌથી અગત્યનું હોવું જોઈએ. એવું કામ કરવાનું તમે ટાળ્યા ન કરશો અને હંમેશાં આવતી કાલ પર તેને મુલતવી પણ રાખ્યા કરશો નહીં. એ જ કામ તમારા વર્તમાન માટે, તમારી આ ક્ષણ માટે, અબ ઘડી... જીવનમાં સૌથી પૉઝિટિવ અસર કરનારું સાબિત થઈ શકે છે.’

 

        સ્વામી વિવેકાનંદની એ વાત યાદ રાખવાની કે કર્મ જીવન છે અને આળસ મૃત્યુ સમાન છે. આળસને દરિદ્રતાનું બીજું નામ પણ કહે છે. કેમકે એ કારણે જ વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે. મહેનત વગર સફળતા મળવાની નથી. લ્યુક ડે લખી ગયા છે કે આળસ એ મનની નિદ્રા છે. જ્યારે ફ્રેંકોઇસ ડે કહે છે કે આળસ શરીર કરતાં મનમાં વધારે હોય છે. વોલ્ટેયરે સરસ કહ્યું છે કે આળસ બહુ મીઠી લાગે છે પણ એના પરિણામ કડવા હોય છે. લોર્ડ ચેસ્ટર ફિલ્ડ તો કહે છે કે આળસને હું એક પ્રકારની આત્મહત્યા તરીકે નિહાળું છું. રોબોર્ટ પોલોક કહે છે કે જ્યાં આળસ શરૂ થાય છે ત્યાં આનંદ અટકી જાય છે. આળસ અને વિલંબનો શિકાર થતાં બચવાનું છે.  

       

        હા, એ ભૂલવું ના જોઈએ કે આરામ એ આળસ નથી. ભારે મહેનત પછી આરામ જરૂરી છે. ઓવિડ કહે છે કે જે ખેતર આરામ કરે છે એ સારો પાક આપે છે. આરામથી કાર્યક્ષમતા વધે છે અને કામની ગુણવત્તા પણ સારી રહે છે.  

 

        લેખકે લખ્યું છે કે વધુ પગાર અને વારંવાર પ્રમોશન મેળવતી વ્યક્તિઓ વિશે સંશોધનો થયાં છે. તેમાં આવી વ્યક્તિઓનાં કેટલાંક લક્ષણો સ્પષ્ટ થયાં છે; જેમ કે તેમની સક્રિયતા, ઍક્શન ઑરિએન્ટેડ સ્વભાવ, કામ તરત હાથ પર લઈ લેવાની આદત અને ખોટી આળસમાં જરાય ટાઈમ ન બગાડવો વગેરે. એ લોકો જ સફળ થાય છે જે પોતાનાં સૌથી અગત્યનાં અને અઘરાં કામમાં તરત જ લાગી જાય છે. તેની પાછળ તન, મન, ધન લગાવી દે છે અને તેને ક્યારેય અધૂરાં છોડતાં નથી.

 

        ‘આળસને કહો અલવિદા’ પુસ્તક એ શીખવે છે કે આળસ છોડી દેવાથી ધારી સફળતા મેળવી શકાય છે. બ્રાયન ટ્રેસીના આ પુસ્તકની ગુજરાતીમાં રજૂઆત : દિલીપ ગોહિલે કરી છે. જેને આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા.લિ. દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે.