ઉર્મિલા - ભાગ 1 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉર્મિલા - ભાગ 1

ખેડાપુર ગામ સુંદરતા અને શાંતીનું જીવંત ચિત્ર હતું. ચારેય તરફ પ્રસરાયેલી હરિયાળી અને મધ્યમાં આવેલા પોળમાં ઊભેલું ઉર્મિલાનું ઘર લાલ માટીથી બનાવેલું અને પ્રાચીન આકર્ષણ ધરાવતું હતું. ઘરના દરવાજા પર હાથથી કોતરેલા શિલાલેખો, ચોખાવાળી બારીઓ અને ખૂણાખૂણેથી જોવા મળતો કુદરતી પ્રકાશ ગામની પરંપરા અને શોખલાવાનું દર્શન કરતો હતો. ઘરના પાસેથી વહેતું નાનું તળાવ અને તેની બહાર વધેલા પતળા વૃક્ષો મનને શાંતિ આપતા હતા.

ગામ ત્યાના નદીઓ, ઘાટો અને મહાભારતના કાળમાં બનેલા મંદિરો માટે પ્રખ્યાત હતું. તે મંદિરોની પવિત્ર ધૂપ અને માળાઓ ગામના વાતાવરણમાં એક રહસ્યમય અને ધર્મભાવનાનો ઉમેરો કરતી હતી. ગામની વસ્તી ખેતકામમાં વ્યસ્ત રહેતી અને એ જ તેમના જીવનનું આધારસ્તંભ હતું. આવા શુદ્ધ વાતાવરણમાં ઉર્મિલાનો જન્મ અને ઉછેર થયો હતો.

ઉર્મિલા તેના માતા-પિતાની એકમાત્ર દીકરી હતી. પિતા એક મીઠા સ્વભાવના ખેડૂત હતા, જેમણે પોતાના જીવનનો મોટો ભાગ ખેતરોને સમર્પિત કર્યો હતો, અને માતા સંસારની જવાબદારીઓને સ્મિતથી નિભાવતી શક્તિશાળી મહિલા હતી. જો કે પરિવાર મહેનતથી જીવન જીવતો હતો, તેવા છતાં તેમણે ઉર્મિલાના ભણતર માટે ક્યારેય ઘટાડો કર્યો ન હતો. “મારી દીકરીના સપનાઓ તેને ગામની સીમાઓથી આગળ લઈ જશે,” પિતાનું આ વિશ્વાસ કદાચ ઉર્મિલાની દૃઢતાનું મૂળ હતું.

ઉર્મિલા ભણવામાં અત્યંત તેજસ્વી હતી. એના શિક્ષકો તેના બુદ્ધિચાતુર્ય અને ઉન્મુક્ત વિચારધારા માટે વખાણ કરતા. પરંતુ જે દિવસથી તે સમજતી થઈ ત્યારથી જ પોતાના જીવનમાં કંઈક અસ્વભાવિક લાગણી અનુભવી રહી હતી, અને આ અસ્વભાવિક લાગણીઓનું એકમાત્ર કારણ હતું તેને રાત્રે ઊંઘમાં આવતા વિચિત્ર સપના......

પ્રથમ વખત જ્યારે તેણે સપનામાં મહેલ જોયો, ત્યારે તેને એ માત્ર એક કલ્પના લાગ્યો. તે મહેલ આકર્ષક હતો – ઊંચા મણિકોથી શણગારેલા દરવાજા, શિલ્પોથી ભરપૂર દિવાલો, અને મહેલના પ્રવેશદ્વારના આગળ એક સ્ત્રી ઊભેલી હતી. આ સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ નહોતો, પરંતુ તેના શરીરના ગૌરવ અને કપડાના શણગાર સાથે એ કોઈ પ્રાચીન રાણી જેવી દેખાતી હતી.

આવો સપનો થોડા દિવસો બાદ ફરી આવ્યો. દર વખતે તે સ્ત્રી ઉર્મિલાને ધ્યાનથી જોતી, જાણે કે તેના માટે કોઈ સંદેશો રાખતી હોય. “ઉર્મિલાદેવી... તું ફરી આવી છે, તારી ફરજ અધૂરી છે!” આ શબ્દો સદા તેના સપનામાં ગુંજતા અને તેને આકુળ- વ્યાકુળ કરી મુકતા હતા.


એક રાતે, આ સપનું હદથી વધુ જીવંત અને ભયાનક બની ગયું. આ વખતે તે મહેલમાં પ્રવેશતી હતી. મહેલની દિવાલો પર ચમકતા શિલાલેખો અને અજાણી ભાષામાં લખાયેલા શબ્દો, જેને તે વાંચી ન શકી. તે ત્યાં પહોચી અને એ સ્ત્રીને થોડું નજીકથી જોયી. એ સ્ત્રીના આંખોમાં એક ભયંકર તો પણ શાંત ચમક હતી, જે ઉર્મિલાના હૃદયમાં ચમકી ઊઠી.

“ઉર્મિલાદેવી...” એ અવાજ વધુ ઊંડો અને તીવ્ર લાગ્યો. “તારા ભૂતકાળના બાંધછોડ માટે આ સમય છે!”

હિંમત કરીને ઉર્મિલાએ પૂછ્યું, “તમે કોણ છો? અને હું અહીં શા માટે છું, તમે શા માટે મને આમ હેરાન કરી રહ્યા છો?"

તે સ્ત્રી માત્ર મોહક હાસ્ય સાથે નીકળી ગઈ.

સપનાના આ અવાજથી ઉર્મિલાની ઊંઘ તૂટી ગઈ. તે બિચારી પસીના પોટે તડફડતી જાગી. તે એક ક્ષણ માટે આશ્ચર્યમાં મઢાઈ ગઈ. “આ સપનાનું શું અર્થ હોઈ શકે છે, શા માટે મને સપનામાં વારંવાર તે જ સ્ત્રી દેખાય છે?” તે વિચારતી રહી.

તેણે પોતાને શાંત કરવા માગ્યું, પરંતુ માળા પાસેના નાનકડા દીવાના તૂટી ગયેલા કાચના ટુકડાઓએ તેને વધુ ભયભીત કર્યું. આજે તો તે જગ્યા પણ કંઈક અજાણી લાગતી હતી.

આઘી જિંદગીમાં તેનો પ્રવેશ ક્યાં જઈ રહ્યો હતો, તે માટે ઊર્મિલા કાંઈ સમજી શકતી નહોતી. તેનો અંતર આત્મા આ સપનામાં એક સંકેત શોધવા મથી રહ્યો હતો, પરંતુ ઉર્મિલા અંધકારમાં ભટકતી રહી...