સવાલ
નીતાબેન ઊંડા શ્વાસ લઈને પોતાની જાતને શાંત કરે છે. તેમના પલંગની બાજુમાં મુકેલા તેમના અને રાકેશભાઈનાં ફોટોને હાથમાં લઈને નિહાળી રહે છે.
"તમે મને કેટલા સવાલો પૂછીને એક ગુનેગારનાં કઠેરામાં ઉભી કરી દીધી. તમે પુરષ એટલે તમને પૂરો હક છે. એક સ્ત્રીની વાત જાણ્યા વગર તેને ગુનેગાર બનાવી દેવાની. શું તમે કોઈ દિવસ એ વિચાર્યું છે કે એક પુરુષ વગરનું ઘર એક સ્ત્રી કેવી રીતે આ મોંઘવારીમાં ચલાવતી હશે? એક વિધવા સ્ત્રી કે જેના પર સમાજનાં જાતજાતના બંધનોથી તેની પગની બેડીઓ બંધાઈ હોય તે સ્ત્રી તેનાં જીવનના દરેક ડગલેને પગલે કેટલી મુસીબતોનો સામનો કરતી હોય છે? તેનાં પુરૂષનાં ગયાં પછી કેટલા મર્દોની નજર તે સ્ત્રી પર પડતી હોય છે? તેનાં પુરૂષનાં ગયાં પછી તેની જિંદગીમાં એકલતા ઘર કરી જતી હોય છે?" નીતાબેન ફોટામાં તેમના પતિને વળતા સવાલો પૂછી રહ્યાં છે. તેમની આંખો પણ ભીંજાઈ રહી છે.
"તમે પુરૂષની જાત એટલે તમને તમારું બલિદાન દેખાય પણ એક સ્ત્રી એક ઘર માટે, એક પરિવાર માટે કેટલું બલિદાન આપે છે. તે દેખાય છે? તમે તો મને અને માનવીને છોડીને જતા રહ્યા. પછી અમારા પર શું વીત્યું છે? માનવીને કેવી રીતે મોટી કરી છે. તેની મને જ ખબર છે." નીતાબેનની આંખમાંથી ટપકેલું આંશુ ફોટા પર પડે છે.
"રાત દિવસ એક કરી. સવારથી સાંજ બસ રસોડામાં ટીફીન કરી કરીને માનવીને મોટી કરી છે. ના કોઈનો સાથ કે ના સહકાર બસ લોકો તરફથી ખરાબ વાતો સાંભળવા મળે કે નીતાબેન રસોઈ નહીં પણ વેશ્યા...." નીતાબેન રડવા લાગે છે. તેમનું દુઃખ તેમની આંખોમાં છલકાઈ રહ્યું છે.
"આટલા વર્ષોમાં મારા શરીરનાં તો છોડો કોઈએ મારી રસોઈનાં પણ વખાણ નથી કર્યા.દરેકે પોતાના મનની વાતો મારા આગળ ઠાલવી છે, પણ કોઈએ મારા મનની વાત સાંભળવાની કોશિશ કરી છે કે મારે જીવનમાં શું ચાલી રહ્યું છે? મારે શું કરવું છે? મારા પર ક્યાં કપડાં સારા લાગે છે? કયો રંગ ચોંટી પડે છે? ક્યારેય કોઈનાં મોઢેથી મેં મારા વખાણ નથી સાંભળ્યા. બસ ફરિયાદો અને ફરિયાદો સાંભળી છે." નીતાબેન આંખનાં ખૂણા લૂછીને સ્વસ્થ થવાની કોશિશ કરે છે.
"તમે શું કહ્યું હતું કે તને કેવિન પ્રત્યેય પ્રેમ કેવી રીતે થયો? તો પહેલો તેનો જવાબ છે હા. મને કેવિન પ્રત્યેય પ્રેમ થયો છે. કેમ કે તે પ્રેમ કરવાને લાયક છે. મારી આખી જિંદગીમાં મારા મનની વાત કોઈ ના જાણી શક્યું તે કેવિન થોડાક જ દિવસોમાં જાણી લીધી. મારા કપાળમાં કઈ બિંદી સારી લાગશે,કઈ સારી નહીં લાગે. તેની દરેક કાળજી તે રાખે છે. મારા પર કઈ સાડી ભરાવદાર લાગશે તે કેવિન સારી રીતે જાણે છે. હું આટલા વર્ષોથી અંદરો અંદર ઘૂંનટાટી હતી, પણ તેને મારી અંદરની મૂંઝવણ તેને એક પલમાં ગાયબ કરી દીધી. તેને સમાજનાં રીતરિવાજોને પાછળ રાખી મારા શોખને દુનિયા સામે લાવી મારી અંદર એક આત્મવિશ્વાસનો વધારો કર્યો. તેને મારી રસોઈનાં ટેસ્ટને પારખી સારો ખોટો પ્રતિભાવ આપીને મને રસોઈનાં કામમાં રસ લેતા કરી. જે પહેલા હું ખાલી રૂપિયા કમાવવા કરતી હતી. તે હવે આનંદ માટે કરવા લાગી. તેનાં આવ્યા પછી મને એવું મહેસુસ થયું કે આ દુનિયામાં કોઈક છે કે જે મને અને મારી લાગણીઓને સમજી રહ્યું છે. જે મને વધુ જીવન જીવવા એક બળ પૂરું પાડી રહ્યું છે. એક નહીં તેનાં વિશે અસંખ્ય વાતો છે. જેનાથી હું તેનાં પ્રેમમાં પડી છું. એટલે જ એને જોવું છું ત્યારે મારી જાત પર કાબુ નથી રાખી શકતી." નીતાબેન પોતાની જાતને જવાબો આપીને પોતાની જાતને સાચી સાબિત કરવામાં લાગ્યા છે.
"હા હું માનું છું કે તે મારાથી ઘણો નાનો છે. માનવી તેને પ્રેમ કરે છે. અમારા સંબંધો દુનિયા અને સમાજ નહીં સ્વીકારે. મને પસ્તાવો પણ થઈ રહયો છે. સાથે એક વાતનું દુઃખ પણ થઈ રહ્યું છે કે મારા મનની વાત સમજાનારુ તેનાં સિવાય બીજું કોઈ આ દુનિયામાં હશે કે નહીં? શું કરું? કંઈ સમજાતું નથી. માનવીને હસતી જોવું છું કેવિન સાથે તો મને મારી જાત પર ગુસ્સો આવી જાય છે. કે હું એક મા થઈને દીકરી સાથે રમત રમી રહું છું." નીતાબેન મૂંઝવણમાં છે.
નીતાબેન પોતાના આંશુ લૂછીને મક્કમપણે એક નિર્ણય લે છે.
"મારી પહેલી અને છેલ્લી ભૂલ સમજી. હું કેવિન સાથે પૂર્ણવિરામ મૂકી દઈશ. માનવીને સાચેસાચું જણાવી પોતાની ભૂલનો પશ્ચ્યાતાપ કરી દઈશ. પછી ભલે માનવી મને માફ કરે કે ના કરે. હું મારી દીકરી સાથે ગંદી રમતના રમી શકું." નીતાબેન ફોટાને તેની જગ્યાએ મૂકીને પોતાના નિર્ણંય પર પહોંચે છે.
ક્રમશ :