પ્રેમ થાય કે કરાય? ભાગ - 6 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 6

સરપ્રાઈઝ

"મનુ તું મને આ ક્યા લઈને આવી?" મમ્મી એક સામાજિક સંસ્થાનાં ગેટ પર ઉભી રહી. સંસ્થાનાં પ્રાંગણમાં કરેલી અદભુત રોશની અને સજાવટ જોઈને પૂછવા લાગે છે.

"અરે તને કેટલીવાર કહ્યું મારું નામ માનવી છે. આમ જાહેરમાં મને મનુ કહીને ના બોલાવીશ. બીજું એ કે અંદર શું છે તે તો સરપ્રાઈઝ છે. તો ચુપચાપ ચાલ અંદર."માનવી તેની મમ્મી સાથે તે સંસ્થામાં પ્રવેશ કરે છે.

આ સંસ્થા મહિલાઓ માટે અને શહેરની વિધવા સ્ત્રીઓ માટે કામ કરે છે. આજે વિધવા મહિલાઓ માટે આ સંસ્થામાં રસોઈની રંગત, ગાયન, ભરતગુંથણ, મહેંદી અને કોઈને લખવાનો એવા કોઈ અલગ અલગ શોખ ધરાવતી મહિલાઓને પ્રોત્સાહિત કરી. તેમના જીવનમાં આગળ આવવા માટે એક મંચ પૂરું પાડે છે.

ત્યાં નીતાબેન જેવી ઘણી વિધવા સ્ત્રીઓ પોતાનો શોખ ઉજાગર કરવા અહીં પધારી છે.

"બેટા અહીંયા તું મને કેમ...." નીતાબેનને વચ્ચેથી અટકાવતા હરખપદુડી માનવી તેની મમ્મીનો હાથ પકડીને રસોઈની રંગતનાં રજીસ્ટ્રેશન વિભાગ તરફ લઈ જાય છે.

"કેમ ને બેમ છોડ ને મને એમ કહે કે તને સરપ્રાઈઝ કેવી લાગી?"

"સરપ્રાઈઝ તો ગમી પણ આ બધું તે કેવી રીતે અને ક્યારે..." નીતાબેનને અધવચ્ચેથી અટકાવી માનવી સ્પર્ધાનાં ફોર્મમાં સહી કરવા પેન તેમના હાથમાંથી ધરી દે છે.

માનવીનાં ફોનમાં કોઈનો કોલ આવતા તે થોડીવાર ત્યાંથી દૂર જઈને ફોન પર વાત કરવા લાગે છે. નીતાબેન સ્પર્ધા ચાલુ થાય ત્યાં સુધી ત્યાં કંઈ કંઈ સ્પર્ધાઓનું આયોજન થયેલું છે. તે નિહાળવા લાગે છે. ત્યાં તેમની નજર કાવ્ય લેખન પર જાય છે. કાવ્ય લેખન સ્પર્ધાનું બોર્ડ જોતા જ તેમના શરીરમાં એક ચમકારો પ્રસરી જાય છે. તે ખબર નહિ પણ સીધા જ કાવ્ય લેખનમાં ભાગ લેવા માટેનું ફોર્મ ભરી દે છે. તેમના નસીબજોગે કે રસોઈની રંગત અને કાવ્ય લેખનની સ્પર્ધામાં 1 કલાકનો ગેપ હતો. આથી નીતાબેન આરામથી બન્ને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

માનવી તેની મમ્મી પાસે આવે છે.

"શું થયું મમ્મી?"

"કંઈ નહિ બેટા. વિચાર કરું છું કે રસોઈની રંગતમાં કંઈ વાનગી બનાવું."

"હં.. હં... મારાં ફેવરેટ ડ્રાયફ્રુટ પૌવા."

"ડ્રાયફ્રુટ પૌવા! ઠીક છે."

સ્પર્ધા ચાલુ થાય છે. રસોઈની રંગતમાં ભાગ લીધેલી બહેનો ભાગ લેવા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીને પોતાના હાથનો જાદુ બતાવવા લાગી જાય છે. માનવી તેનાં ફોનમાં આ બધી યાદોને સંગ્રહિત કરી રહી છે. થોડીવારમાં રસોઈની સ્પર્ધા પુરી કરીને નીતાબેન કાવ્યલેખનનાં વિભાગ તરફ ભાગ લેવા આગળ વધે છે પણ તેમના પગ અટકી જાય છે. તે અસમંજસમાં છે. કાવ્યલેખન તેમને તેમના ભૂતકાળમાં દોરી જાય છે. તેમના પગ જમીન સાથે જાણે ચોંટી જાય છે.

"મમ્મી શું વિચાર કરે છે?"

"હં.. કંઈ નહિ બેટા."

"નીતાબેન રાકેશભાઈ પંડ્યા કાવ્યલેખનમાં ભાગ લેવા જલ્દીથી જ્યાં હોય ત્યાંથી આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે." માઈકમાં મમ્મીનાં નામનું એનાઉન્સ સાંભળીને માનવી વિચારમાં પડી જાય છે કે મેં તો મમ્મીનું નામ ફક્ત રસોઈની રંગતમાં ભર્યું હતું. તો પછી આ કાવ્યલેખનમાં??? માનવી તેની મમ્મીને કંઈ સવાલ પૂછવા જાય ત્યાં તો નીતાબેન પવનવેગે કાવ્યલેખનમાં ભાગ લેવા પહોંચી જાય છે. માનવી તેની મમ્મીની પહેલીવાર આવી હરકત જોઈને અચંબીત થઈ જાય છે. કાવ્યલેખન પૂરું થયાં બાદ...

"મમ્મી તે કાવ્યલેખનમાં ભાગ લીધો હતો! તને કાવ્ય લખતા આવડે છે?" નીતાબેન કંઈ જવાબ આપી શકતા નથી એટલે ગોળગોળ જવાબ આપી વાતને ભટકાવી દે છે.

"આ તો ખાલી એમનેમ ટ્રાય કર્યો. બાકી આ બધું... છોડ આ બધું. ભૂખ લાગી છે ચાલ કંઈક જમી લઈએ." નીતાબેન માનવીનો હાથ પકડી જમવા લઈ જાય છે.

થોડીવાર પછી...

"રસોઈ સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર... ડ્રાયફ્રુટ પૌવા એટલે નીતાબેન પંડ્યાનો આવે છે." સ્ટેજ પરથી એનાઉન્સ થતા જ માનવી ખુશ થઈ જાય છે. નીતાબેનને ઇનામમાં 5 હાજર રૂપિયા અને ટ્રોફી મળે છે. જે મેળવીને માનવી અને નીતાબેન ખુબ ખુશ છે.

"મમ્મી મને વિશ્વાસ હતો જ કે ફર્સ્ટ પ્રાઇઝ તો મારી મમ્મીને જ મળશે." માનવી ટ્રોફી હાથમાંથી લઈને ખુશી અનુભવી રહી છે.

"મમ્મી ચાલ નવ વાગવા આવ્યા. મોડું થશે." માનવી ઘડિયાળમાં નજર કરીને બોલે છે.

"એક મિનિટ કાવ્યલેખનનું રિઝલ્ટ તો જાહેર થવા દે"

"અરે મમ્મી તું ક્યા કોઈ મોટી લેખિકા છે કે તને રસોઈની જેમ તેમાં પણ ફર્સ્ટ પ્રાઇઝ મળશે?" માનવી હસવા લાગે છે.

"કાવ્યલેખનમાં ફર્સ્ટ પ્રાઇઝ... નીતાબેન પંડ્યાને મળે છે. સ્પર્ધાનાં નિયમ મુજબ તેમની  વિજેતા કવિતા કાલના ન્યૂઝપેપરમાં પણ છપાશે. વિજેતા ટ્રોફી અને રોકડ રકમ લેવા સ્ટેજ પર આવે." માનવી આ એનાઉન્સ સાંભળીને તેની આંખો પહોળી થઈ જાય છે.

"ફર્સ્ટ પ્રાઇઝ જીતનારે કવિતા કેવી લખી છે અમને પણ તો સંભળાવો." ત્યાં હાજર પ્રેક્ષાકોમાંથી એક અવાજ આવે છે.

નીતાબેન સ્ટેજ પરથી પોતાની લખેલી કવિતા રજુ કરે છે.
" આ ભાગ્ય છે કેવું.
જન્મે છે આપણી સાથે, મરે છે આપણી સાથે
મને વિધવા બનાવી શું પાપ નહિ ચડે તેની માથે
આ ભાગ્ય છે કેવું
આખુ જીવન ધાર્યું કરે છે તેની જાતે
મને સફેદ રંગ પહેરાવી શું પુણ્ય મળશે એને હાથે
આ ભાગ્ય છે કેવું.
ગમે છે તે મળતું નથી મળે છે તે રહેતું નથી
મારાં સિવાય શું તને બીજું ઘર મળતું નથી.
આ ભાગ્ય છે કેવું."

તાળીઓથી સમગ્ર માહોલ ગુંજી ઉઠી છે.

*                     *                      *                    *

"મમ્મી તું કવિતા પણ લખે છે."

"ના બેટા આ તો એક એકલવાયા જીવનની એકલતા શબ્દો દ્વારા બહાર આવે છે." નીતાબેન તેમના પતિ રાકેશભાઈનાં ફોટા સામે નજર કરી ભીંજાયેલી આંખે બોલે છે.

"તારી એ કવિતા કાલનાં પેપરમાં છપાશે. મમ્મી... એ પણ ફોટા સાથે." 

માનવી અને નીતાબેનને ક્યાં ખબર છે કે આ 'ભાગ્ય' નામની કવિતા તેમના જીવનમાં કેવા ભાગ્ય લઈને આવનારા સમયમાં દરવાજા ખટખટાવશે.જેનો અંદાજો કવિતા લખનાર નીતાબેનને પણ નહિ હોય.

                                                            ક્રમશ :

આ એક વાર્તા પર તમારા પ્રતિભાવો આપતાં રહો અને સિક્કાઓ આપીને પ્રોત્સાહન પૂરું પડતા રહો. 🙏🙏🙏