નાટક
ઘરનો ડોરબેલનો અવાજ સાંભળતા જ નીતાબેન અને કેવિનનાં હોઠ અલગ પડે છે. નીતાબેન પોતાના વાળ અને સાડી સરખી કરીને દરવાજો ખોલવા જાય છે.
"માનવી લાગે છે." નીતાબેન મનોમન બબડીને દરવાજો ખોલે છે.
માનવી મોંઢા પરથી દુપ્પટો હટાવી ઘરમાં દાખલ થાય ત્યાં સોફા પર કેવિનને જોઈને ખુશ થઈ જાય છે.
"કેવિન તું આમ અચાનક!"
"તને સરપ્રાઈઝ આપવા આવ્યો છું." નીતાબેનનાં ચહેરા પર એક ફીકી સ્માઈલ આવી જાય છે.
"સાચે જ." માનવી કેવિનની પાસે જઈને બેસીને જાય છે.
"તો પછી મને એ કહે કે સરપ્રાઈઝમાં શું છે?" માનવી તેની મમ્મી સામે આંખ મીંચકારીને કેવિનને પૂછે છે.
કેવિન પેન્ટનાં ખીસામાંથી બીજું એક બોક્સ કાઢી માનવીનાં હાથમાં આપે છે. માનવી તે બોક્સ લઈને ખુશ થઈ જાય છે.
તે બોક્સ પરનું કવર દૂર કરવા લાગે છે. તેમાંથી હાથે પહેરવાનું પાંચધાતુનું બ્રેસલેટ જોઈને તે પોતાને હાથે પહેરવા લાગે છે.
"કેવું છે?"
"મસ્ત...નાઇસ..જોરદાર..." માનવી બ્રેસલેટને બારીક નજરે જોઈ રહી છે. તેનાં પર ઝીણા અક્ષરે માનવી લખેલુ છે. માનવીનાં ચહેરા પર ચાર ચાંદ આવી ગયાં હોય તેટલી ખુશી દેખાઈ આવે છે. તે કેવિનને ભેટી પડે છે.
"Thank you so much" માનવી આભાર વ્યક્ત કરે છે.
નીતાબેન માનવીનાં ચહેરા પર ખુશી જોઈ તેમની આંખો ભરાઈ આવે છે. તે તરત રસોડામાં પ્રવેશે છે.
"તમે બંને વાતો કરો. હું ગરમાગરમ નાસ્તો બનાવીને લાવું."
કેવિન અને માનવી વાતે વળગે છે. નીતાબેન રસોડામાં આવીને રડવા લાગે છે. પોતાની જાતને ધિક્કારવા લાગે છે. કે તેમને કેવિન સાથે શું કર્યું? તે એક મા થઈને પોતાની દીકરી સાથે રમત રમી રહ્યાં છે. તેમને પોતાની જાત પર પસ્તાવો થઈ રહ્યો છે.તેઓ પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો છે. માનવીને કેવિન સાથે ખુશ જોઈને તેમને પોતાની જાતને મનોમન ગાળો દઈ રહ્યાં છે. તે મન મક્કમ કરી માનવીને કંઈ ખબર ના પડે તેમ નાસ્તો તૈયાર કરીને ડ્રોઈંગ રૂમમાં લઈ જાય છે.
ત્રણે સાથે નાસ્તો કરીને હસી મજાક કરી રહ્યાં છે, પણ નીતાબેનનાં ચહેરા પર એક ઉદાસી સાફ દેખાઈ રહી છે.નીતાબેનની નજર ઘડિયાળ પર જતા તે કેવિનને જમવાનું પૂછે છે.
"તમારે જમવાનું હોય તો હું તમારા ભાગની રસોઈ બનાવું."
"ના આજે નહીં.આપણો પ્રોગ્રામ કાલ માટે ફિક્સ થયો છે. એટલે હું કાલે આવીશ.હું અત્યારે જાવુ છું. આજે ફિલ્મ જોવાનું પ્લાનિંગ છે ઓફિસ ફ્રેન્ડ સાથે."
"ઠીક છે." નીતાબેન રસોડામાં રસોઈની તૈયારી કરવા લાગી જાય છે. કેવિન પોતાના રૂમ પર જવા નીકળે છે. માનવી હાથમાં પહેરેલા બ્રેસલેટને જોતી જોતી પોતાના રૂમમાં જતી રહે છે.
***
રાત્રે :
માનવી પોતાના રૂમમાં મોબાઈલમાં ચેટ કરવામાં વ્યસ્ત છે. ત્યારે બીજી બાજુ નીતાબેન પોતાના રૂમનો દરવાજો બંધ કરીને પલંગ પર સુઈ જાય છે. ત્યાં જ તેમના સપનામાં તેમના પતિ રાકેશભાઈ આવીને તેમની સાથે વાત કરી રહ્યાં છે.
"તું કેવી સ્વાર્થી મા છે. કેવિનને કિસ કરતા પહેલા, તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા પહેલા તને તારી દીકરી માનવીનો બિલકુલ ખ્યાલ ના આવ્યો? જે દિવસે તેને ખબર પડશે કે તેની સગી મા તેનાં જ બોયફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવી રહી છે ત્યારે તેનાં પર શું વીતશે? તને તારી અને કેવિનની ઉંમરનો ફર્ક પણ ના દેખાયો? કેવિનની ઉંમર તો નાની છે. એને શું ખબર પડે કે સમાજ કોને કહેવાય? જિંદગી કોને કહેવાય? એ તો ભૂલ કરી બેસે પણ તું... તું તો કેવિનની માની ઉંમરની છે. તને જરા પણ ભાન ના રહ્યું? શું કેવિન તેનાં મા - બાપને તારી વાત કરશે કે હું એક વિધવા સ્ત્રીનાં પ્રેમમાં છું. તો શું તેનાં મા - બાપ હસતા મોઢે તને સ્વીકાર કરશે? તારી દીકરી ભલે તને ગુસ્સામાં સારુ ખોટું બોલતી હોય પણ હમેશા તેનાં મનમાં તારા પ્રત્યેય એક ઈજ્જત રહેલી છે. આ બધું જાણ્યા પછી શું માનવી તને એક મા તરીકે સ્વીકાર કરશે? દુનિયા તને નીતાબેન જેટલું માન સન્માન હાલમાં મળી રહ્યું છે તેટલું આપશે? " નીતાબેન સપનામાં તેમના પતિની સંભળાઈ રહેલી વાતો તેમને આકુળ વ્યાકુળ કરી રહી છે.
"બસ... બસ... મારે કંઈ નથી સાંભરવું." નીતાબેન એક ચીસ પાડીને ઉંઘમાંથી બેઠા થઈ જાય છે. તેમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું છે. તેમના ધબકારા અને શ્વાસની ગતિ વધી ગઈ છે.
તેમને હજી પણ કંઈ સમજાતું નથી. કે આ શું થઈ રહ્યું છે.
ક્રમશ :