નિતુ - પ્રકરણ 52 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 52



નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)


નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ જાણવા માટે તેણે કરુણાનો ફોન લીધો. એક પછી એક તમામ મેસેન્જર એપ્લિકેશન તેણે ચકાસી. પણ તેને કોઈ વસ્તુ હાથ ના લાગી. તેને એ વિશ્વાસ આવ્યો કે બંને વચ્ચે વધારે વાત નથી થઈ.

તેણે કરુણાનો ફોન તેને પરત કર્યો.

"મેં તમને કહેલું ને, કે અમારી વચ્ચે વાત નથી થઈ."

રોષમાં તે બોલી, "જો થઈ ના હોય તો જ સારી વાત છે અને યાદ રહે... હવે પછી થવી પણ ના જોઈએ."

"જી!" ડરતાં નીચે જોઈ જઈને તે બોલી.

"મારી અને નિતુની વાતમાં વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. કોઈ પ્રકારની હોંશિયારી કરવાનો પ્રયત્ન ના કરતી. સમજી? હું અને નીતિકા અલગ થઈએ એવું કોઈ કામ ના કરતી." એક ધમકી આપી તે ત્યાંથી નિતુ તરફ ચાલી. કરુણાએ તેનાં જતા શાંતિની અનુભૂતિ કરી. એક ઊંડો શ્વાસ લઈને તેણે ફોન ફરી હાથમાં લીધો અને નિતુને મેસેજ કર્યો.

"બધા મેસેજ ડીલીટ કર. મેડમને શક છે અને તારી પાસે આવે છે."

નિતુ પોતાના કામમાં વ્યસ્ત હતી પરંતુ તેને કામ કરતાં કરુણાના મિશનમાં વધારે રસ હતો. મેસેજ આવ્યો કે તુરંત તેણે ફોન ઉઠાવ્યો અને વાંચતાની સાથે તેણે જેટલી ઝડપે મેસેજ ડીલીટ કરી શકતી હતી એટલી ઝડપે ડીલીટ કરી દીધા. બંનેએ કોઈ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરવાને બદલે ફોનનાં સાદા એસ.એમ.એસ. નો ઉપયોગ કરીને વાત કરેલી. જેથી જ્યારે આવું કશું થાય ત્યારે મેસેજ ડીલીટ કરી શકાય. વળી અન્ય મેસેન્જરમાં મેસેજ કરતાંની સાથે નામ ઉપર આવવાનો અને મેસેજ ડીલીટ કર્યા પછી પણ મેસેજ ડીલીટ થયાનો રેકોર્ડ રહે છે. બંનેએ યુક્તિ પૂર્વક વાપરેલી આ આગવી ચતુરાઈ કામ લાગી અને કરુણા બચી નીકળી.

અચાનક દરવાજો ખોલતી વિદ્યા નિતુની કેબિનમાં પ્રવેશી. પણ ત્યાં સુધીમાં તેણે દરેક મેસેજ ડીલીટ કરી અને ફોન સાઈડમાં રાખી દીધો હતો. તેને જોતાં જ નવીન અને વિદ્યા ઉભા થઈ ગયા.

"શું ચાલી રહ્યું છે?"

નવીને જવાબ આપતા કહ્યું, "બસ પ્રિપરેશન ખતમ થવામાં છે. બહુ જલ્દી પ્રોડક્શન શરુ થઈ જશે."

"ઓહ, નાઈસ. બહુ સ્પીડી કામ કરી રહ્યા છો તમે લોકો. નવીન..."

"જી મેમ!" આદર સાથે બંને હાથની પાછળની બાજુ આંકડી લગાવી તે બોલ્યો.

"મારો ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે અને મારે એક ફોન કરવો છે, તું મને તારો ફોન આપીશ... " તે તેની વાત કરે તે પહેલા નવીને તેનો ફોન આગળ ધરી દીધો. ત્રાંસી આંખ તેના તરફ કરી નિતુનું નામ લેતાં પોતાનું વાક્ય પૂરું કર્યું, "નીતિકા."

"શ્યોર મેમ." નીતિકાએ નીડરતાથી પોતાનો ફોન આપી દીધો. વિદ્યા થોડી દૂર જઈને તેના મેસેજ ચકાસવા લાગી. પરંતુ અહીં પણ તેને નિષ્ફ્ળતા જ હાથ લાગી. તેને મન નિતુ વાતથી અજાણ છે, જો કે તેને ખબર હતી કે તેના ફોન માંગવા પાછળનું કારણ શું હતું. 

"તેને ફોન ના લાગ્યો." બહાનું બતાવી વિદ્યા પાછળ ફરી અને નવીન સામે જોઈને બોલી, "તમે બહાર એક ચક્કર લગાવીને આવો. અમારે વાત કરવી છે."

આનાકાનીમાં ફસાયો હોય એમ બંને સામે વારા ફરતી આંખો ફેરવતો, જાણે પરાણે જઈ રહ્યો હોય એમ તે બહાર ગયો. 

"શું થયું?" નિતુએ પૂછ્યું. 

"એ તો મારે તને પૂછવાની જરૂર છે નીતિકા. સવારે કૃતિએ મને ફોન કરેલો, એણે કહ્યું કે તું કોઈ ટેંશનમાં છે."

"ના કોઈ ટેંશન નથી." 

લુચ્ચુ હસતા તે બોલી, "કમોન નીતિકા, આ રીતે મારાથી છુપાવીશ તુ?" 

"ના." 

"તો પછી બોલ, એણે કહ્યું કે કાલે રાત્રે એ તમારા ઘેર આવેલા અને તારામાં એને કંઈક ફેર લાગ્યો. શું થાય છે તને?"

"આ શર્માના પ્રોજેક્ટની ચિંતા છેને, એટલે એને એવું લાગ્યું હશે. બીજું કશું નથી."

"એમાં ચિંતા કરવાની શી જરૂર છે? મેં તને કહ્યું ને, તું મારી રિસ્પોન્સિબિલિટી છે. હું સંભાળી લઈશ. છતાં આટલું ટેંશન?"

"આવી જાય છે. શર્માની ટર્મ્સ જ કંઈક એવી છે."

"ટેંશન છોડ અને કામ પર ફોક્સ કર. કાલે અચાનક કરુણા મિટિંગ રૂમમાં આવી ગયેલી એ તને ખ્યાલ જ છે. સોરી મને તમારા બંને પર શક હતો. સી... હું તારા પર વિશ્વાસ કરું છું નિતુ, સો પ્લીઝ, તું મારો વિશ્વાસ નહિ તોડતી." તેના બંને હાથ તેના ગાલે રાખી તે વ્હાલથી બોલી, "વધારે વર્કલોડ લેવાની જરૂર નથી. તું ટેંશન લઈશ તો હું શું કરીશ? એટલે ટેંશન ફ્રી થઈ જા. ઓકે?"

"હમ..."

"ટેક કેર યૌર્સ. નહિ તો હવેથી તારા સમાચાર મારે કૃતિને પૂછવા પડશે." તે હસી અને નિતુએ તેને વળતું સ્મિત આપ્યું. એક ક્ષણ માટે તેની આંખોમાં આવેલા વ્હાલના દરિયાને નીતિકા સમજી નહોતી શકતી. કોઈ કાળા તિલસ્મી ચેહરા પાછળ હદય તો હોય જ ના શકે. તો પછી આ તે કેવી તેની નજર કે સામેની વ્યક્તિને એટલો પ્રેમ બતાવે?

એમાં ઉપરાણું પૂરતા વિદ્યા ફરી બોલી, "માત્ર તું કહે છે એટલે શર્માનો પ્રોજેક્ટ પત્યા સુધી હું તને ફોર્સ નહિ કરું. તું શાંતિથી કામ પતાવ, આપણે પછી વાત કરીશું." તે ત્રાંસી નજરે તેના ફોન સામે જોતી રહી, તેના ફોનમાં કોઈ હલચલ નહોતી અને તે ત્યાંથી ચાલી ગઈ. તે બહાર આવી કે નવીન ત્યાં જ ઉભેલો. દરવાજો ખોલ્યો કે તેનું મોં કેબીન તરફ હતુ.

"મેં તને બહાર જવાનું કહ્યું હતુ. તુ અહીં કેમ ઉભો છે?"

"એ તો બસ એમ જ, થયું તમારી વાતો પતે એટલે હું મારું કામ શરુ કરી દઉં."

"સો સ્માર્ટ નવીન. અમારી વાતો સાંભળી રહ્યો હતો?"

"ના ના મેડમ, હું તમારી વાતો શું કામ સાંભળું! થયું કે બહાર જઈને આવીશ તો લેટ થઈ જશે અને અહીંયા ઉભો રહીશ તો તમારી વાત પતે એટલે તરત હું મારું કામ આદરી દઈશ."

"એટલી બધી જલ્દી કામની? આશ્વર્ય છેને મિસ્ટર નવીન કોટડીયા!"

"એવું નથી મેમ. એ તો..."

"બસ. વધારે ચોખવટ કરવાની જરૂર નથી. એક વાત ક્હે, નીતિકા અને કરુણા આજે મળ્યા હતા?"

"ના મેડમ. નીતિકા મેડમ સવારથી આવ્યા ત્યારના મારી નજર સામે જ છે. તે બંને મળ્યા જ નથી."

"ઓકે. સાંજે જતાં પહેલા મને મળીને જજે."

"ઠીક છે મેમ... મેમ હું...?" 

"હા, તું જઈ શકે છે." વિચારમગ્ન વિદ્યા પોતાની કેબિનમાં પરત ફરી. એક બાજુ કરુણા અને નીતિકાએ ભેગા મળીને નિકુંજ સુધી પહોંચવાની અને વિદ્યાના કાળા ચેહરાને બહાર લાવવાની રમત માંડી, તો બીજી બાજુ વિદ્યા એ જાણતી હતી કે નવીનને પ્રમોશનની ભુખ છે. તે પોતાના ઉપરી સ્ટાફનો ફેવરિટ થતો થતો જ અહીં આવ્યો છે. વિદ્યાને બંને મળી નથી એ વાતની જુઠ્ઠી ખાતરી નિતુ અને કરુણાએ કરાવી દીધી. પણ કરુણા પરથી શંકા દૂર કરી વિદ્યા શાંત નહોતી થઈ. 

રમતના એક પટ પર નિતુ અને કરુણા ઉભેલા હતા અને બીજા પટ પર વિદ્યા એકલી જે રમતની શાતીર ખેલાડી હતી. તેઓ પર નજર રાખવા તેને નવીનનો ઉપયોગ કરવાની યુક્તિ આવી. એક એવો અજાણ ખેલાડી જેણે વિદ્યા સાથે પોતાની લાલચમાં અજાણતા આગેકૂચ કરી દીધી. જે અંગે ના નિતુ જાણે છે કે ના કરુણા. ઉપરાંત નિતુની ચિંતાને પારખનાર કૃતિ પણ અજાણતા પોતાની બહેન વિરુદ્ધ લડી રહી હતી. અજાણ કૃતિ અને નવીનને વિદ્યા નિતુની જ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવાના શરુ કર્યા. નીતિકાએ એક ડગલું આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો, તો બીજી બાજુ તેની ચિંતામાં કૃતિએ રાતની બનેલી તેને કહીને તેને ફસાવી દીધી હતી.