7.
આજે શરૂથી જ આતુર અને સંપૂર્ણ મૌન સભાને ઉદ્દેશી સિંદબાદે આગળ કહ્યું.
“આમ પાંચ પાંચ વખત મોતને તાળી દઈ હું આવ્યો. એ સફરોમાં જોખમ પણ લીધું અને મહેનત પણ કરી, અજાણ્યા લોકો સાથે કેમ કામ પાર પાડવું એ પણ શીખ્યો અને અમલમાં મૂક્યું એટલે ધન પણ સારું એવું કમાયો અને મુસીબતો પણ ભોગવી.
આખરે અહીં જ વેપાર ચાલુ રાખ્યો પણ ફરીથી થોડા સમયમાં દરિયો ખેડી વેપાર કરવાની ઈચ્છા થઈ અને આ વખતે પણ મારું વહાણ લઈ, બીજા વેપારીઓને સાથે લઈ નીકળી પડ્યો.
અને ઈરાક થઈ આ વખતે ઉત્તરે ગ્રીસ અને યુરોપ તરફ જવા વિચાર્યું. સારો એવો રસ્તો કાપ્યો પણ ખરો.
આખરે એક વખત અમારો કપ્તાન રસ્તો ભૂલ્યો. એણે પોતાની સાથેના નકશાઓ બરાબર તપાસ્યા પણ ક્યાં કારણે અમે બીજે રસ્તે ચડી ગયેલા એ ખ્યાલ ન આવ્યો. અમારો હાલનો રસ્તો નકશાઓમાં જોઈ કપ્તાને માથું ફૂટ્યું. અમે એવી સમુદ્રી ધારા પર હતા કે તે વેગથી અમને એક ખાસ ટાપુ સાથે અથડાવવાની હતી. એણે વહાણના બધા સઢ નીચે ઉતારી લીધા જેથી ગતિ મંદ પડે પણ એનાથી બહુ ફેર પડ્યો નહીં.
વહાણ એક ખડકાળ જમીન સાથે જોરથી ટકરાયું અને ટુકડે ટુકડા થઈ ગયું.
અમે સઢ ઉતારી રાખ્યા એનો એટલો ફાયદો થયો કે અમે પોતે બચ્યા. નહીં તો અત્યંત વેગથી ટકરાવાને કારણે વહાણ સાથે અમે સહુ ફંગોળાઈ, જમીન પર જોરથી પડી માથાં ફૂટી મરી જ ગયા હોત.
ખેર, અમે વહાણ પર હતો એ બધો સામાન પણ લઈ લીધો.
એ ટાપુ પર કાંઠા નજીક ખૂબ ઊંચા પહાડો હતા એટલે પવન પણ રોકાઈ રહેતો હતો એટલે વહાણ પાછળ જઈ શકે એ વાતમાં માલ ન હતો. અમે સહુ ભગવાન ભરોસે હતા.
એ કિનારા નજીક ઠેરઠેર કેટલાંયે માનવ કંકાલો, ખોપરીઓ, હાડકાં પડેલાં એટલે અમારી જેમ ઘણા ખલાસીઓ અહીં ટકરાઈને અથવા ભૂખ કે રોગથી મર્યા હશે.
છતાં એ જગ્યાએ લાલ નામનાં કિંમતી મણી અને બિલ્લોર નામનાં રત્નોની ખાણ હતી.
અમે હતું એટલું ખાવાનું અમારા બધા વચ્ચે સરખે ભાગે વહેંચી દીધું અને બને એટલું ઓછું ખાઈ દિવસો ગણવા લાગ્યા.
ત્યાં પર્વતો પછી આમ તો સતત રણ જેવી જમીન હતી. અનેક નદીઓ એ રણમાં થઈ વહેતી હતી પણ ક્યાં જતી હતી એ ખબર પડતી ન હતી. એમ લાગ્યું કે એ પહાડો પાછળ થઈ ખૂબ અંધારી જગ્યાએ થઈ જાય છે.
ત્યાં ખૂબ ગરમી પડતી હતી અને કોઈ ખાઈ શકાય એવી વનસ્પતિનો સદંતર અભાવ હતો. અમારા સાથીઓ એક પછી એક મરવા લાગ્યા. જે મરે એનો બચેલો ખોરાક બાકીના સરખે ભાગે લઈ લે.
આમ કરવા છતાં મારા સિવાયના બધા જ મૃત્યુ પામ્યા.
મેં એકલા ફરતાં જોયું કે એ રણમાં પણ અનેક નદીઓ વહેતી હતી અને એ અમે આવ્યા એ દરિયાને મળતી ન હતી પણ બીજી તરફ જતી હતી. આટલી બધી નદીઓ છે તો ક્યાંક ને ક્યાંક ભેગી થતી જ હશે, પછી કોઈ દરિયાને મળતી જ હશે.
મેં વહાણના બચેલા ટુકડાઓમાંથી મારી એક હોડી બનાવી. મારા કિંમતી સામાન ઉપરાંત બીજા જે મૃત્યુ પામેલા એમના સામાનની ગઠરીઓ બનાવી અને હોડીની બેય બાજુ એક સરખી ગોઠવીને મૂકી જેથી ભાર એક સરખો રહે.
સામાનમાં ત્યાં થતાં લાલ નામના કિંમતી મણી, ત્યાં તણાઈ આવી વ્હેલ જે ઊલટી કરતી તેમાંથી મળતું અતિ કિંમતી અંબર પણ સારું એવું ભેગું કર્યું અને એક થોડો સરખો જળરાશિ ધરાવતી નદીમાં હોડી મૂકી જવા દીધી.
એ બીજી નદીને મળી, એ બે ત્રીજીને , એમ પ્રવાહ પહોળો થતો આખરે એક અંધારી ગુફામાં જતો રહ્યો. હું એ હોડી પર ઘોર અંધારામાં તરતો રહ્યો. એ માર્ગ ખૂબ લાંબો અને સાવ અંધારો હોઈ મને કાઈં દેખાતું ન હતું. હાથથી નજીક રાખેલો ખોરાક ખાઈ હું એકદમ ગાઢ ઊંઘમાં સરી પડ્યો.
લાંબા સમય પાછી હું જાગ્યો ત્યારે કોઈ શહેરના તટ પર હતો અને મારી આસપાસ કાળા લોકો ઉભેલા. એમણે મને હું કોણ છું એ પૂછવા પ્રયત્ન કર્યો, મેં એમને. અમે કોઈ એકબીજાની ભાષા સમજી શકતા ન હતા. મેં ઈશારા અને અરેબિકમાં કહ્યું કે મારું નામ સિંદબાદ જહાજી છે અને હું બગદાદથી આવું છું. એ લોકોમાં કોઈ અરેબિક સમજતો હતો. મેં એને અને એના દ્વારા બધાને હું કેવી રીતે ત્યાં આવ્યો એ કહ્યું.
એ લોકો ત્યાં આવતી નદીમાંથી પાણી મેળવી ખેતી કરતા હતા. એમને મળતો પાણીનો પુરવઠો બંધ થઈ ગયો એટલે તપાસ કરવા આવેલા. મારી હોડી બરાબર એ રીતે નદીનાં મુખમાં ફસાઈ ગયેલી કે તેમને મળતો પ્રવાહ બંધ થઈ ગયેલો.
એમણે હોડી ઊંચી કરી ત્રાંસી કરી અને પ્રવાહ ચાલુ થઈ ગયો.
હું બગદાદનો મોટો વેપારી છું એ જાણી તેઓ મને ત્યાંના રાજા પાસે લઈ ગયા.
રાજા સાચે સોનાનાં મોટાં સિંહાસન પર બેઠેલા. આ સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા દેશ હતો. ખૂબ સમૃદ્ધ.
મેં હિન્દુઓની પ્રથા મુજબ રાજાને પ્રણામ કર્યા અને સિંહાસનને દંડવત પ્રણામ કરી પછી ચૂમ્યું.
મેં હું જે મણી, અંબર, પરવાળા વગેરે લાવેલો એ રાજાને અર્પી દીધાં. રાજાએ બધું જ મને પાછું આપી દીધું.
મને ત્યાં રહેવાની અને વેપાર કરવાની વ્યવસ્થા કરી આપી.
ત્યાં વિષુવવૃત્તીય જગ્યા હોઈ બારે માસ દિવસ રાત સરખાં હોય છે. આખા દેશની લંબાઈ ચાલીસ કોસ અને પહોળાઈ પણ એટલી જ છે. છતાં દેશ ખૂબ સમૃદ્ધ છે અને લોકો પણ વેપારપ્રિય છે.
ત્યાં કોરંડ નામનો ખૂબ કઠણ પથ્થર થાય છે તેનાથી હીરા પણ કાપી શકાય છે અને ખડક જેવી વસ્તુઓ પણ. મેં એ સારાં પ્રમાણમાં ખરીદ્યો.
એ સાથે એક દિવસ એમણે કોઈ પ્રાણીની સોનેરી ખાલ પર રીંગણી રંગના અક્ષરે લખેલ સંદેશો બગદાદ અને મારા ઈરાક દેશના બાદશાહ પર લખી આપ્યો કે એ દેશ સાથે તેઓ વ્યાપાર અને રાજદ્વારી સંધિ કરવા ઈચ્છે છે. બે માંથી એકેય દેશ બીજાનું બૂરું કરશે નહીં અને થતું હોય તો એ અટકાવવામાં સહકાર આપશે.
મારી સાથે સંપૂર્ણ ક્રિસ્ટલનો મોટી જડેલો પ્યાલો, અજગરની ખાલમાંથી બનેલ પથારી જેના પર સુનાર ક્યારેય બીમાર પડે નહીં, મૂલ્યવાન રત્નો, ચંદનનાં એક લાખ લાકડાં, પિસ્તા કરતાં પણ કિંમતી કપૂરના દાણા અને એવું ખૂબ કિંમતી ધન આપ્યું.
સાથે એક અત્યંત સ્વરૂપવાન દાસી પણ અમારા રાજાની સેવા માટે આપી. મારે માટે પણ એક આપી.
એ બધું લઈ મારે દેશ આપી, સંધિ કરાર સાથે અમારા દેશની ચીજો લઈ હું સાવચેતી પૂર્વક પરત સિંહલ દ્વીપ ગયો અને ફરીથી ત્યાંની ચીજો અહીં લઈ આવ્યો જે અહીં જોવા જ મળતી ન હતી. એમાંથી ખૂબ કમાયો અને પૈસો ફરતો કર્યો.”
આમ કહી સહુને સાતમી અને આખરી સફરની વાત કહેવા આમંત્રણ આપી સિંદબાદે વિદાય કર્યા.
ક્રમશ: