6.
ફરીથી સહુ મિત્રો અને હિંદબાદ, સિંદબાદને ઘેર ભેગા થયા. સહુની આગતા સ્વાગતા બાદ સિંદબાદે પોતાની પાંચમી સફરની વાત શરૂ કરી.
“ફરીથી એક સવા વર્ષ હું બગદાદમાં બેઠો રહ્યો પણ પગે કીડી ચડવા લાગી. મને લાગ્યું કે ભલે જોખમો ઉઠાવવાં પડે, દરિયો ખેડ્યા સિવાય મને ચેન પડે એમ નથી.
આ વખતે મેં મારું પોતાનું વહાણ રાખ્યું અને મારો બધો માલ ભરી દીધો. બાકીનું વહાણ ભરવા માટે બીજા વેપારીઓને લીધા. તેમના અને મારા માલ અને માણસો સાથે અમે અનુકૂળ દિવસે દરિયામાં ઝુકાવ્યું.
આ વખતે તો મોસમ ખૂબ સરસ હતી. દરિયો પણ શાંત હતો. અમે અનેક બંદરો પર અમારો માલ વેચતા, બીજો ખરીદતા ચાલ્યા.
એક પ્રમાણમાં સહુના જાણીતા ટાપુ પર લંગર નાખ્યું અને આરામ કરવા, દરિયાની સતત હાલક ડોલક મુસાફરીથી ક્યારેક ઊલટીઓ થવા જેવું થાય એનાથી થોડી રાહત મેળવવા અમે આરામ કરવા જગ્યા ગોતી.
અહીં પણ દૂર રૂહ પંખીનું વિશાળ ઈંડું દેખાયું. મને અનુભવ હતો એટલે મેં સાથીઓને તેનાથી દૂર રહીને જોવા કહ્યું.
ઓચિંતો ઈંડાંમાંથી વિશાળ ફડાકો થયો અને પક્ષીની ચાંચ બહાર આવી. એ ચાંચ પણ આપણા તરાપા જેવડી, આખા બે માણસ જેટલી લાંબી. થોડા ગંદા રસ ના છાંટા ઊડ્યા અને તાજુ જન્મેલું પણ ખૂબ વિશાળ બચ્ચું બહાર આવી અમારી સામે કુતૂહલથી જોવા લાગ્યું.
અમુક સાથીઓ નિર્દય હતા. એ બધા કહે આ બચ્ચાંને જ મારી નાખી શેકીને ખાઈ જઈએ તો રોજ થોડોથોડો કરી આપણા બધાનો ત્રણ ચાર દિવસનો ખોરાક થઈ જાય. મેં ચોખ્ખી ના પાડી કે એક તો આ સાવ નવજાત બચ્ચાંને મારી, શેકીને ખાઈ જવું ખૂબ મોટું પાપ છે. ઉપરાંત રૂહ પક્ષી પણ ભયંકર અને વેર લેનારું છે એટલે ગમે તે ફળફૂલ કે ઊડતાં પંખીઓ પાડીને ખાઈએ, આને રહેવા દઈએ. છતાં કેટલાક લોકો માન્યા નહીં અને બચ્ચું મારી જ નાખ્યું.
હજી કોઈ જળાશયનું મીઠું પાણી પી આડા પડીએ ત્યાં આકાશમાં ફફડાટ થયો. એ બચ્ચાંની મા કે બાપ આવી પહોંચ્યું. બચ્ચાં નાં પીંછાં, હાડકાં વેરાએલાં જોઈ તે ગુસ્સે થઈ ચિચિયારીઓ પાડવા લાગ્યું. મેં કહ્યું કે સમય ગુમાવ્યા વગર વહાણ પકડી ભાગો.
અમે ભાગીએ ત્યાં તો પેલું રૂહ પક્ષી બીજાં પક્ષીઓનું ઝુંડ લઈને આવી પહોંચ્યું. વહાણ ઉપર જાણે રાત પડી હોય એવું અંધારું છવાઈ ગયું. એ પક્ષીઓએ પોતાના પંજામાં રાખેલા વિશાળ પથ્થરો અમારાં વહાણ નજીક ફેંક્યા. એ પથ્થરોને કારણે ઊછળતી છોળોને કારણે અમારું વહાણ આમ તેમ ફંગોળાવા લાગ્યું અને એક મોટો પથરો વહાણ પર પડતાં તૂટીને ડૂબી ગયું.
બીજા ખલાસીઓ કદાચ ડૂબી ગયા. હું આ વખતે પણ વહાણના જ એક ભાગ પર સુઈ તરતોતરતો બે ચાર દિવસે બીજા અજાણ્યા ટાપુ પર પહોંચ્યો.
એ ટાપુ સાવ નિર્જન લાગ્યો. પણ ત્યાં રસાળ ફળોનો પાર નહોતો. પાણી માટે પણ ઝરણાં અને ધોધ હતા. મેં ધરાઈને ફળો ખાધાં, થાક ઉતારવા પૂરતો આરામ કર્યો અને એ ટાપુ જોવા નીકળ્યો.
ત્યાં એક ખડક પર ખૂબ કરચલી વાળાં મોં અને કૃશ શરીર વાળો એક ડોસો બેઠેલો. તે મને બોલાવવા લાગ્યો. આગલી સફરના અનુભવને લીધે હું તેની તરફ ગયો નહીં અને ઝડપથી આગળ ચાલવા લાગ્યો. એ વૃદ્ધે બે હાથ લાંબા કરી આક્રંદ જેવા અવાજો કર્યા. મને લાગ્યું કે તે કોઈ ભૂલો પડેલો ખલાસી છે જેણે અહીં આવી ઘણાં વર્ષો એકલતામાં કાઢયાં છે. હું તેને તે કોણ છે એ પૂછી મદદ કરવાના ઇરાદે તેની નજીક ગયો તો ઓચિંતા તેણે ઝાપટ મારી મને બંદી બનાવી મૂક્યો. આ વખતે કોઈ રસ્સી જેવું ગાળિયો કરી મારી ફરતે કસ્સીને બાંધ્યું અને હું એનો બળદ કે ઘોડો હોઉં એમ મારી પર સવાર થઈ ગયો. એ મને કોઈ ફળાઉ જગ્યાએ ખેંચી જઈ પોતાને માટે ખોરાક લેવરાવતો અને વધેલો મને આપતો. ઊંઘતી વખતે પણ તે કસ્સીને બાંધેલ દોરડું છોડતો નહીં. ઉપરથી પોતાનો ભાર મારી ઉપર રાખતો.
એક દિવસ મેં ખાલી થયેલાં સૂકાં કદદુઓ જોયાં. તરત મને આનાથી છૂટવાનો વિચાર આવ્યો.
મેં થાય એટલી મીઠી અને પાકી દ્રાક્ષ તોડી એનો રસ આ કદ્દ્દુઓમાં ભરવા માંડ્યો, એને ફણગાવી દારૂ જેવું નશાકારક પીણું બનાવવા માંડ્યો અને રોજ ખાઈ પી ને પડતા એ ડોસાને પાવા માંડ્યો. હું બે ચાર ચાંગળાં જેટલો જ રસ લેતો. મારો બધો થાક ઉતરી જતો અને હું આનંદમાં આવી જતો. એમાંય મને ખ્યાલ હતો એવી ભાંગ જેવી વનસ્પતિ ઉમેરી તેને એ રસ બે ત્રણ કદ્દ્દુઓ ભરી પાયો. એને નશો ચડતાં જ એની મારી ઉપરની પક્કડ ઢીલી થઈ અને એ સાથે મેં ઉભા થઈ જોરથી કોઈ કડક વસ્તુનો એના માથાં પર પ્રહાર કરી એને મારી જ નાખ્યો. મર્યા પછી પણ એની મારી પર પક્કડ છૂટી ન હતી જે મેં મહા મહેનતે છોડી અને હું દરિયા સામે એક ઊંચા ખડક પર ચડી ગયો. ત્યાં મેં ઘાસ સળગાવી આગ પ્રગટાવી અને નજીકમાં જતાં વહાણનું ધ્યાન ખેંચ્યું.
વહાણ પર હું સવાર થયો એ સાથે મેં મારી આપવીતી કહી. એ લોકોએ આવા ટાપુ પર અત્યંત કરચલીઓ વાળા, ઘરડા દેખાતા પણ ખૂબ તાકાતવાન અને ક્રૂર માણસો રહે છે એ સાંભળેલું. હું એનાથી છૂટીને આવી શક્યો એની સહુને નવાઈ લાગી.
હવે એમની સાથે મેં ફળદ્રુપ દેશોમાં જઈ ચંદન, અબનુસ વગેરેનાં કિંમતી લાકડાં, કાલી મિર્ચ વગેરે તેજાનાઓ ખરીદ્યા.
અમે બસરા પરત ફરતા હતા ત્યાં, લગભગ જાવા, સુમાત્રા નજીક કોઈ ટાપુ પર આવ્યા. અહીં પુષ્કળ નારિયેળો થતાં હતાં પણ એક તો નારિયેળી પોતે ખૂબ ઊંચું વૃક્ષ, એમાં પણ અહીં તો કલ્પના બહાર ઊંચાં વૃક્ષો હતાં. એ લોકો અહીં આવી ચુકેલા એટલે એ કરે એ મને કરવા કહ્યું.
તે ટાપુ પર ઉરાંગઉટાંગ વાનરો ખૂબ હતા. આ લોકો તેને છૂટાં ખાલી નારિયેળ મારે, પથરાના ઘા કરે. ગુસ્સે થઈ વાનરો પહેલાં સામા થાય, પછી ઝડપથી એ ઊંચી નારિયેળીઓ પર ચડી નારિયેળો ફેંકે જે આ લોકો વીણીને ભેગાં કરી લે. ભૂલેચૂકે એકાદ ઉરાંગઉટાંગની ઝપટમાં આવી ગયા તો તેઓ નખથી આપણને ફાડી ખાય. છતાં અમે પૂરતાં નારિયેળ ભેગાં કર્યાં.
આમ તેજાના, કિંમતી લાકડાં અને પુષ્કળ નારિયેળ, જેને સૂકવી બીજી પેદાશો વેંચી.
છેલ્લે કદાચ સિંહલ દ્વીપ નો જ કોઈ ભાગ આવ્યો. ત્યાં પૈસા લઈ દરિયામાં ગોતાખોરો ડૂબકી મારી મોતી લઈ આવતા. મેં રોકી શકાય એટલું ધન રોકી મોતી મેળવ્યાં.
આ બધું લઈ બગદાદ આવી હું પુષ્કળ ધન કમાયો અને આ હવેલી વગેરે લઈ ફરી એક વાર શાંતિથી જીવવા લાગ્યો.”
સહુ મિત્રો આ હેરત ભરી સફરની વાતો સાંભળી, હવે છઠ્ઠી સફરની વાત સાંભળવા નિશ્ચિત દિવસે ભેગા થવાનું નક્કી કરી છૂટા પડ્યા. આ વખતે પણ હિંદબાદને ખાલી વાત સાંભળવા આવ્યો તે બદલ સારો એવો પુરસ્કાર સિંદબાદે આપ્યો.
ક્રમશ: