સિંદબાદની સાત સફરો - 4 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિંદબાદની સાત સફરો - 4

4.“થોડો વખત, આશરે એકાદ વર્ષ બેઠા રહ્યા પછી  ફરથી મને દરિયાઈ વેપાર માટે સાહસ ખેડવાની ઈચ્છા થઈ. હવે સારો એવો જોખમો સામે લડી લેવાનો અનુભવ પણ હતો.”સિંદબાદે  ત્રીજે દિવસે પોતાની વાત શરૂ કરી. હિંદબાદ અને સિંદબાદના મિત્રો તેને સાંભળી રહ્યા.“એક અનુકૂળ દિવસે ‘અલ્લા બેલી’ કહેતાં  અમે જહાજનું લંગર ખોલ્યું અને વહેતા થયા સમુદ્રમાં. અમે અનેક બંદરો પર જઈ વેપાર કર્યો. આખરે એક દિવસે ઓચિંતું દરિયામાં તોફાન થયું. જોરદાર પવન, વીજળીના આભ આંજી નાખતા ચમકારો અને નજર પહોંચે ત્યાં સુધી ઊંચાં મોજાંઓ વચ્ચે ફસાઈને રસ્તેથી ભટકી તણાતું તણાતું અમારું જહાજ એક અજાણ્યા દ્વીપ તરફ પહોંચી ગયું. અમે સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા જવાના હતા. બને કે આ અંદામાનનો કોઈ  અજાણ્યો ટાપુ હોય કે ઈન્ડોનેશિયા તરફની જગ્યા.ટાપુ પર ઊતરતાં જ વાંદરા જેવડી ઊંચાઈના ઠીંગણા, આખા શરીરે લાલ વાળ વાળા માનવો અમને ઘેરી વળ્યા. તેઓ ચિચિયારીની  જેમ કશુંક અમને કહેતા હતા. અમે તેમને હાનિ નહીં કરીએ  તેમ સમજાવવા પ્રયત્ન કર્યો પણ તેઓ સમજ્યા નહીં. તેમણે તીરો નો મારો ચલાવ્યો. અમે ભાગીને કોઈક રીતે ફરીથી જહાજ પર ચડી ગયા.પણ હજી લંગર છોડીએ ત્યાં તેઓ ઝડપથી તરતા આવી પહોંચ્યા અને વાંદરાઓની જેમ ચપળતાથી અમારાં જહાજ પર ચડી ગયા. એમણે લંગરનાં દોરડાં કાપી નાખ્યાં. અમને એ જ દોરડાં  બાંધી બંદી બનાવી ફરીથી ટાપુ પર લઈ ગયા.તેઓએ અમને એક ઊંચાં  અવાવરૂ મકાનના મોટા ઓરડામાં પૂરી દીધા.થોડા સમય પછી એક મોટો માણસ આવ્યો. તે તાડ જેવો ઊંચો હતો.  એનું મોં ઘોડા જેવું હતું.  તેના દાંત ખૂબ તીક્ષ્ણ અને લાંબા હતા. કદાચ માનવ ભક્ષ્ય ખાઈખાઈને વિચિત્ર પીળા થઈ ગયેલા. તેને કપાળમાં એક આંખ હતી જે ગુસ્સાથી હોય તેમ લાલઘૂમ તગતગતી હતી. તેનો નીચલો હોઠ એટલો મોટો હતો કે લબડીને છાતી સુધી પહોંચે. એણે વજનદાર હાથ ઉઠાવ્યો. એના નખ પણ ખૂબ લાંબા, આડા અવળા ને અત્યંત અણીદાર હતા.તેણે અમારામાંથી એક એક ને ઉઠાવવો શરૂ કર્યો. પહેલાં મને જ ઉઠાવ્યો. હું દિવસોથી ખાસ ખાતો ન હતો એટલે પાતળો હતો. મને મૂકી તેણે કેપ્ટનને જ ઉઠાવ્યો અને દબાવ્યો. એનું માંસલ અને પુષ્ટ શરીર જોઈ પોતાના ખોરાક માટે એને પસંદ કર્યો અને જોતજોતામાં એક ઊંચી જ્વાળાઓ વાળા અગ્નિ પાસે લઈ ગયો. એક મોટો તપાવેલો સળિયો કેપ્ટનનાં શરીર સોતો ઘુંસાડી તેણે કેપ્ટનને એ અગ્નિ પર શેક્યો અને ખાઈ ગયો. નજીકના સ્ત્રોત માંથી એણે ખૂબ પાણી પીધું અને અમને એ ઓરડામાં પૂરી મોટાં, દૂર સુધી સંભળાય એવાં નસકોરાં બોલાવતો સૂઈ ગયો.સવારે એ ઓરડાનો દરવાજો ખોલી ચાલ્યો ગયો. અમે આમ તેમ ભટક્યા પણ ભાગી જવાનો કોઈ માર્ગ દેખાયો નહીં ફરીથી બીજે દિવસે એણે બીજો માંસલ મનુષ્ય પકડ્યો અને એને સળિયા પર પરોવી શેકીને ખાઈ ગયો.આનાથી છુટકારો કેમ મેળવવો?મેં સાથીઓને સૂચવ્યું કે આપણે દરિયા પાસે પડેલ લાકડાંઓ જોડી  તરાપા બનાવીએ અને તક મળે ભાગી છૂટીએ. ત્યાં તો આસપાસ લાંબાં હાડકાં પણ દેખાયાં જે પોલાં અને મજબૂત હોઈ પાણી પર તારી શકે. એની અને લાકડાંઓની મદદથી અમે તરાપા બનાવ્યા અને કાંઠે જ રાખી મુક્યા.આસપાસથી થોડાં ફળ અને પાન ખાઇ ભૂખ શમાવી ત્યાં સાંજ પડી. ફરીથી એ રાક્ષસ અમને ગોતતો આવી પહોંચ્યો. એણે અમારા એક સાથીને પસંદ કર્યો અને અગ્નિ તરફ લઈ જાય ત્યાં હું એ અગ્નિ તરફ દોડ્યો, મારા હાથ દાઝે નહીં એટલે એક પાનમાં રાખી એ ધગધગતો સળિયો ઉપાડી રાક્ષસની આંખમાં જ ભોંકી દીધો.બળેલાં માંસની ગંધ  વાતાવરણમાં પ્રસરી રહી. રાક્ષસ અમને પકડવા આમ થી તેમ દોડવા લાગ્યો અને એ ઓરડાની દીવાલ સાથે ભટકાવા લાગ્યો. અમે જીવ લઈને ભાગ્યા અને તરત તરાપાઓ છોડી હલેસાં મારતા ભાગ્યા.પણ ત્યાં તો બીજા બે રાક્ષસો એ હવે અંધ બનેલા રાક્ષસને પકડીને દોડતા આવ્યા. તેમણે આજુબાજુથી મોટા પથ્થરો અમારા તરાપાઓ પર ફેંકવા માંડ્યા. એમાં હું અને બે સાથીઓ હતા એ સિવાયના તરાપાઓ ડૂબી ગયા. અમે પથરાઓની પહોંચની બહાર નીકળી ચૂકેલા.અલ્લાહનો આભાર માનતા અમે બે ચાર દિવસ તર્યે રાખ્યું.અમને સમુદ્રમાં પણ નિરાંત ન મળી. તેજ હવા અને મોજાંઓ તણખલાંની જેમ અમારા તરાપાને ફંગોળવા લાગ્યાં.આમતેમ તણાતો અમારો તરાપો એક ટાપુ પર ઘસડાઈ આવ્યો. તે શાંત ટાપુ હતો. અમે ત્યાં ઉતરીને ફળો ખાધાં, પાણી પી ને આરામ કરવા પડ્યા ત્યાં અમે એક તાડનાં ઝાડ જેટલો લાંબો સાપ જોયો. એ ત્વરાથી તાડનાં ઝાડની ટોચે પણ પહોંચી જતો હતો.ઓહ, એ તો મોટો અજગર હતો! એની લંબાઈ નારિયેળીનાં ઝાડ જેટલી હતી. એણે મારા સાથીનો પગ પકડ્યો, એને ભીંસી એનાં પાંસળાંનો ચૂરો કરી નાખ્યો અને એને ગળી ગયો.હું અત્યંત ભયભીત થઈ એ જોઈ રહ્યો. હવે મારો વારો એમ મને લાગ્યું.હું થાય એટલી ઝડપે એક નારિયેળી પર ચડવા લાગ્યો. સાથી  બીજાં એક ઝાડની સહુથી ઊંચી ડાળીએ પહોંચી ગયો પણ ત્યાં પાછળથી આવી એ સાપે તેને ખેંચી લીધો એને કોળિયો બનાવી નાખ્યો. હું નારિયેળની ટોચ પર બેઠો બચી ગયો.સવાર પડતાં જ સાપ ચાલ્યો ગયો એ સાથે મેં ઉતરીને આજુબાજુથી કાંટા અને અણીદાર કાંકરા જેવા પથરાઈ નારિયેળી પાસે મુક્યા.  સાંજ પડતાં હું ફરીથી નારિયેળી પર ચડી ગયો. સાપ રાત પડતાં આવ્યો. ઝાડ નીચે બેઠો રહ્યો પણ કાંટાઓ વીંધીને ઉપર ન ચડી શક્યો.મોં સુઝણું થયું ત્યાં દૂર એક વહાણ આવતું દેખાયું. મેં ઉપર રહ્યે મોટેથી બૂમો પાડી અને મારી પાઘડી કાઢી ફરકાવી. વહાણ નજીક આવ્યું અને મને તેમાં લઈ લીધો.તેઓ આ ટાપુ વિશે જાણતા હતા. તેમને નવાઈ લાગી કે હું આ નરભક્ષી રાક્ષસો અને વિશાળકાય સર્પોથી કઈ રીતે બચ્યો. મેં મારી બધી આપવીતી તેમને જણાવી.જહાજ  સિલ્હટ નામના દ્વીપ પર પહોંચ્યું. ત્યાં કિંમતી ચંદનનાં વૃક્ષો થાય છે. મેં પણ થાય એટલું ચંદન કાષ્ઠ ખરીદી લીધું.કપ્તાને મને મારું વતન પૂછ્યું. મેં બગદાદ કહેતાં જ તેણે કહ્યું કે અમારા જહાજ પર  બગદાદના સિંદબાદ નામના વેપારીનો માલ પડ્યો છે.  એ એક ટાપુ પર રહી ગયો.મેં કહ્યું હું જ સિંદબાદ છું. તે કોઈ માની શક્યા નહીં. હું આ સમય દરમ્યાન ખૂબ બદલાઈ ગયેલો. વાળ વધી ગયેલા,  કૃશ અને કાળો પણ પડી ગયેલો.કોઈ ખલાસી આંખ પર થી મને ઓળખી ગયો.કપ્તાને કહ્યું કે તમારો માલ અમે બંદરો પર વેંચ્યો  છે અને એનો આ નફો. મેં અર્ધો નફો તેમને આપી દીધો.આખરે તેમણે મારો માલ સાચવેલો અને મને જહાજ પર ચડાવેલો.સિલ્હટ દ્વીપ થી અમે બીજે દૂર દૂર ગયા ત્યાં મેં પચાસ હાથ જેવડા કાચબાઓ, દૂધ આપતી માછલીઓ, ઊંટ જેવા રંગની માછલીઓ જોઈ. એ વિશાળ કાચબાઓ ની ઢાલનાં ચામડાંમાંથી  લશ્કર ની ઢાલ અને એવી વસ્તુઓ બને છે.એ બધી અઢળક સંપત્તિનો સ્વામી બની હું બગદાદ ક્ષેમકુશળ આવી પહોંચ્યો.”આમ કહી સિંદબાદે પોતાની ત્રીજી સફરની વાત પૂરી કરી. હિંદબાદને ફરીથી ખેરાત આપી, મિત્રો અને તેને સારું ખાવા પીવા આપી કાલે ફરીથી આવવા આમંત્રણ આપ્યું.

ક્રમશ: