મુલાકાત
માનવી મોલમાં તેની સહેલીઓ સાથે શોપિંગ કરી રહી છે. તે શોપિંગ મોલમાં ફરતા ફરતા તેની નજર મોલમાં રહેલી ગિફ્ટ આર્ટિકલની દુકાન પર જાય છે. તેનાં મગજમાં કેવિનને રિટર્ન ગિફ્ટ આપવાનો વિચાર આવે છે. તે તેની ખાસ સહેલી અંકિતાને સાથે લઈને તે ગિફ્ટ આર્ટિકલની દુકાન પર જાય છે.
"તારે વળી કોની માટે ગિફ્ટ લેવી છે?" અંકિતા માનવીને સહજભાવે પૂછે છે.
"જેના પણ માટે લેવી છે. મારે લેવી છે તારે તો નહિ ને. ચુપચાપ ચાલને." માનવી અંકિતાનો હાથ પકડીને જબરજસ્તી ગીફ્ટની દુકાનમાં લઈ જાય છે.
બન્ને જણ ગિફ્ટની દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલી અલગ અલગ પ્રકારની ગિફ્ટ જોવા લાગે છે.
"કઈ ગિફ્ટ લઉં?" માનવી હજાર પ્રકારની ગિફ્ટ જોઈને મૂંઝવણમાં મુકાતા તે અંકિતાને પૂછે છે.
"પણ એ પહેલા મને એ તો કહે કે ગિફ્ટ કોના માટે? અને ક્યાં કારણથી લેવાની છે." અંકિતા માનવીને પૂછે છે.
માનવી અંકિતાનો સવાલ સાંભળીને મનોમન વિચારમાં મુકાઈ જાય છે. કે ગિફ્ટ કોના માટે લેવાની છે એની વાત અંકિતાને તો કરવી જ પડશે. જો તેને વાતો નહિ કરું તો પણ તેને ખબર તો પડી જ જશે.
"બોલને કેમ કંઈ બોલતી નથી?"
"હા કહું ખરા પણ એક શરત કે તારે કોઈને કહેવાનું નહિ?" માનવી અંકિતનાં કાનમાં હળવેકથી બોલે છે.
"શું શરત?"
"મારા બોયફ્રેન્ડ માટે લેવાની છે." આટલું બોલતા માનવીનાં ચહેરા પર એક સ્માઈલ આવી જાય છે.
"તારે બોયફ્રેન્ડ? ક્યારે બનાવ્યો અને કોણ છે એ?" અંકિતા ઉપરાંઉપરી સવાલોનો મારો ચલાવે છે. "ક્યાંનો છે? શું કરે છે એ? કેવો છે?"
"શાંત મારી મા શાંત.બધું જણાવું છું. એનું નામ કેવિન છે. તે અમારા ઘરે ટિફિન લેવા આવતો ત્યારે.... "
" શું વાત છે! કેવિન માટે ગિફ્ટ લેવી છે."
" હા બાબા હા. પણ હવે બોલ તો ખરા શું લઉં એના માટે? "
"એ મારો બોયફ્રેન્ડ નથી. તારો છે. તો તારી પસંદગીની આપવાની હોય મારી પસંદગીની નહિ." અંકિતા સાચી સલાહ આપે છે.
"વાતો તો સાચી છે તારી." ત્યાં તેની નજર એક ઘડિયાળ પર પડે છે. તે ઘડિયાળ પેક કરાવી માનવી અને અંકિતા દુકાનમાંથી બહાર નીકળી ફૂડકોર્ટમાં નાસ્તો કરવા પહોંચે છે. બન્ને ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યાં છે.
"શું વાત છે એકલા એકલા." માનવીની પાછળથી અવાજ આવે છે.
માનવી પાછળ નજર ફેરવીને જોવે તો તે ચોંકી જાય છે.
" કેવિન તું.... અહીંયા... "
"કેમ અહીંયા એટલે મારે નહોતું આવવું જોઈતું."
"ના ના આ તો બસ આમ જ." માનવીનાં ધબકારા વધી જાય છે.
"ઉભો કેમ છે બેસ ને." કેવિન માનવીની પાસેની ખુરશી પર બેસે છે.
અંકિતા આંખોથી માનવીને ઈશારો કરી જાણી લે છે કે આ કેવિન તેનો બોયફ્રેન્ડ છે.
"તું અહીંયા શું કરે છે?" માનવી કેવિનને પૂછે છે.
"આજે રવિવાર હતો તો બધા મિત્રો ફરવા નીકળ્યા હતાં. અને તમને આ ફૂડકોર્ટમાં મેં જોયા તો થયું કે હમણાંથી મુલાકાત થઈ નથી તો મળી લઉં."
"હા સારુ કર્યું ને. અને હા Thank you." માનવી કેવિનનો આભાર વ્યકત કરે છે.
" thank yoy શેના માટે? "
"આ સ્માર્ટવોચ માટે." માનવી હાથમાં પહેરેલી ઘડિયાળ કેવિનને બતાવતા કહે છે.
"ઓહ અચ્છા.."
"આ કોણ છે?" કેવિન અંકિતા સામે જોઈને માનવીને પૂછે છે.
"આ મારી ફ્રેઈન્ડ અંકિતા છે."
"હાય.."
"હાય.. માનવી તમારા બહુ વખાણ કરતી હતી." અંકિતા માનવી સામે સહેજ સ્માઈલ આપીને બોલે છે.
"એમ..."કેવિન માનવી સામે જોઈને હસી જાય છે. માનવી પણ તેની નજરમાં નજર મિલાવી હસી જાય છે.
"તમે બન્ને વાતો કરો. મારે એક કામ છે. તે પતાવીને હું આવું." અંકિતા ત્યાંથી નીકળી જાય છે.
"લો તમારી બહેનપણી તો તમને મૂકીને જતી રહી. "
"તમે તો છો ને!" માનવી શરમાઈને બોલે છે.
"એમ.. મારા પર એટલો વિશ્વાસ છે."
"હા.. એ બધું છોડો મારે તમને ક્યારનો એ એક સવાલ પૂછવો હતો. પૂછું?"
"હા પૂછો "
" તમે જિંદગીમાં કોઈને પ્રેમ કર્યો છે? "
"એ જ તો નથી સમજાતું. કે પ્રેમ થયો છે કે નહિ." કેવિન મનમાં બોલે છે.
"તમે કંઈ જવાબ ના આપ્યો."
"કદાચ હા." કેવિન માનવીનાં હાથ પર હાથ મુકતા બોલે છે.
માનવી પોતાના હાથ પર કેવિનનો હાથ જોઈને ખુશ થઈ જાય છે.
"એને પ્રપોઝ કરવાનું પણ વિચારી રહ્યો છું. તમે કહો તો પ્રપોઝ કરી દઉં?"
માનવી માથું નીચું કરી હકારમાં માથું ધુણાવે તે પહેલા કેવિનનાં ફોનમાં કોઈનો ફોન આવતા તે જતો રહે છે.
"હેલ્લો.... હા એક મિનિટ હમણાં જ આવ્યો... અર્જન્ટ કામ છે એટલે જવુ પડશે. પછી નિરાંતે મળીશું. Ok." કેવિન માનવીને હગ કરીને નીકળી જાય છે.
માનવી કેવિનને જતો જોઈ રહે છે.
ક્રમશ :