સગાઈ
"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવવાનું છે? લાવવાનું હોય તો હું લેતી આવું." માનવી ચહેરા પર દુપટ્ટો બાંધી રસોડામાં ટિફિન માટે રસોઈ બનાવી રહેલી તેની મમ્મીને જણાવે છે.
"કંઈ નથી લાવવાનું પણ તું ફાલતુ ખર્ચો ના કરતી!" નીતાબેન શાકનો વઘાર કરતા કરતા બોલે છે.
"અરે નહિ કરું." માનવી ખભે પર્સ ભરાવીને ઘરની બહાર નીકળી જાય છે.
* * *
નીતાબેન અગિયાર ટીફીન સોમાકાકાને આપીને થોડીકવાર થાક ખાવા માંડ સોફા પર હજુ બેસે છે જ ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ઉભા થઈને ઘરનો દરવાજો ખોલે તો સામે તેમના નણંદ રમીલાબેન એટલે માનવીનાં ફોઈ ઉભા છે.
"અરે રમીલાબેન તમે. આવો... આવો.... આવો..."
"આવીશું જ ને અમારા ભાઈનું ઘરનું છે." રમીલાબેન તેમના એક તીરે બે નિશાન મારવાનો સ્વભાવ ધરાવતા છે. તેમના દરેક જવાબમાં કોઈને કોઈ રૂપે કટાક્ષ હાજર હોય જ છે. નીતાબેનનાં મીઠા આવકારમાં પણ તે તેમનાં સ્વભાવ મુજબ કટાક્ષ વ્યક્ત કરે છે.
" બોલો કમલેશકુમારને બધા મજામાં ને? " નીતાબેન રમીલાબેનનાં પરિવારનાં સભ્યોની ખબર અંતર પૂછે છે.
" હા બધા મજામાં જ છે. તમે કહો તમે મજામાં ને? " રમીલાબેન એમના થેલામાંથી પ્લાસ્ટિકની ડબ્બીમાંથી છીંકણીની ચપટી નાકમાં ખેંચતા બોલે છે.
" તમે બેસો હું શરબત બનાવી લાવું." નીતાબેન ઉભા થઈને રસોડામાં શરબત બનાવા જાય છે.
રમીલાબેન આખા ઘરમાં પોતાની આંખો ઝીણી કરીને ખૂણે ખૂણે નજર ફેરવી રહ્યાં છે. ત્યાં તેમની નજર નીતાબેનને મળેલા કાવ્ય લેખનનાં સર્ટિફિકેટ તરફ જાય છે. તે ઉભા થઈ તે સર્ટિફિકેટ હાથમાં લઈ તેનાં પર નીતાબેનનું નામ વાંચતા જ તેમના ચહેરા પરનાં રંગ ઉડી જાય છે.
નીતાબેન શરબત બનાવી હોલમાં આવે છે.
"આ લો શરબત. શું જોવો છો રમીલાબેન?" નીતાબેન રમીલાબેનને શોકેશ પાસે ઉભા રહેલા જોઈને સહજ પૂછે છે.
" હાય... મારો ભાઈ જીવતો હોત ને તો... " રમીલાબેન મગરનાં આંશુ સારવા લાગે છે. નીતાબેન તેમના સ્વભાવથી બહુ સારી રીતે વાકેફ છે.
"શું થયું રમીલાબેન કેમ રડો છો?"
" અરે રડું નહિ તો શું તારી આરતી ઉતારું. અમારી આખી પેઢી, પેઢી શું આખા સમાજમાં કોઈ વિધવાને ઘરની બહાર નીકળવું હોય ને તો પણ હજાર વાર વિચાર કરે. અને તમે આ.. આ કાવ્ય લેખનને રસોઈની રંગત....મારા ભાઈની ઈજ્જત કાઢી." રમીલાબેન સોફા પર બેસી રડવા લાગે છે.
નીતાબેન શાંત થઈને તેમની વાતો સાંભળી રહ્યા છે.
"રમીલાબેન એમાં મેં કંઈ ખરાબ કામ નથી કર્યું. આ તો માનવીનાં કહેવાથી..." રમીલાબેન નીતાબેનને બોલતા અટકાવી દે છે.
" મારે કંઈ નથી સાંભળવું. જોઈ લીધું તમે મા- દીકરી શું ધંધા કરો છો. વિધવાને તો ઘરનો ઉમરો પણ ઓળગવો પાપ કહેવાય અને તમે તો... હં... " રમીલાબેન મોઢું ચડાવી ટિપોઈ પર મુકેલો શરબતનો ગ્લાસ લઈ ગટગટાવી જાય છે.
" આ માનવી ક્યાં છે? દેખાતી નથી."
"એ એના મિત્રો સાથે મોલમાં શોપિંગ કરવા ગઈ છે."
"નક્કી નક્કી એ શોપિંગ કરવા નહિ, પણ કોઈ છોકરા સાથે પોતાનું મોં કાળું કરવા જઈ હશે. આ આજની છોકરીઓનો કોઈ ભરોસો જ નહિ." રમીલાબેન જુનવાણી વિચારો સાથે નીતાબેન સામે પાણીનાં પરપોટાંની જેમ ફૂટી રહ્યાં છે.
"અરે રમીલાબેન જમાનો બદલાઈ ગયો છો. જેવું તમે ધારો છો તેવું કંઈ નથી. તે જે મિત્રો સાથે ગઈ છે. તે બધાને હું સારી રીતે ઓળખું છું. તમે ખોટી ચિંતા ના કરો."
" કેમ ના કરું. કાલે કોઈ જોડે ભાગી ગઈ. તો આખા સમાજમાં મારી જ ઈજ્જત જવાનીને કે જોવો રમીલાબેનની ભત્રીજી ભાગી ગઈ. "
"રમીલાબેન ખોટું ના લગાડતાં પણ આજની સ્ત્રીઓ ક્યાંયથી ક્યાંય પહોંચી રહી છે ને તમે હજુ બાબા આદમનાં જમાનામાં જીવો છો. "
"હા જીવું છું ને એટલે જ અહીંયા આવી છું. માનવી કોઈ સારુ ખોટું પગલું ભરે તે પહેલા તેને કોઈ છોકરા સાથે સગપણ કરાવી દઈએ." રમીલાબેન હળવેકથી બોલે છે.
"શું વાતો કરો છો તમે? મનુ હજુ કોલેજ કરે છે. તે ભણે છે. તેને ભણીગણીને પોતાના પગ પર ઉભી તો રહેવા દો."
"એને ભણીગણીને વળી કરવું છે શું? એનો ધણી કમાઈને નહિ લાવે. આપણે ક્યાં ભણેલા છીએ? આપણે પણ નાના હતાં ત્યારે જ આપણા મા - બાપે આપણી સગાઈ કરી નાખેલી."
"એટલે જ તો મારો આ વખત આવ્યો છે. જો હું ભણીગણી હોત તો આજે આ ટીફીન કરવાની જગ્યાએ કોઈ સારી નોકરી કરતી હોત. એટલે હું મનુને મારી જેમ એનું ભવિષ્ય બગાડવા નથી માંગતી." નીતાબેન હળવેકથી પોતાની જિંદગીમાં રહેલો અણગમો વ્યક્ત કરે છે. રમીલાબેન મૂંગા મોંએ સાંભળી રહે છે.
ક્રમશ :