પ્રેમ થાય કે કરાય? ભાગ - 20 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 20

પ્રેમ

ડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માનવી ચકાસી રહી છે.

"વાઉ, શું ફીચર આપ્યા છે! મસ્ત છે." સ્માર્ટવોચનાં ફીચરનાં વખાણ કરી રહેલી માનવી ખુશ દેખાઈ રહી છે.

પલંગ પર લાંબી થતાં જ તે ખુલ્લી આંખે સપના જોવા લાગે છે.

"હું તો કેવિનને પ્રેમ કરું છું જ,શું કેવિન પણ મને પ્રેમ કરે છે? અરે ગાંડી પ્રેમ કરે છે. ત્યારે તો તારા માટે આટલી મોંઘી ગિફ્ટ લાવ્યો." મનોમન બોલી રહેલી માનવી ઉભી થઈ અરીસા સામે જઈને ઉભી રહે છે. માનવી રૂપ પર તેની મમ્મી પર ગઈ હતી. એ જ અણિયારી આંખો, ધનુશ આકારનાં મુલાયમ ગુલાબી હોઠ, નમણું નાક અને છાતી પર ઉપસી રહેલા વૃક્ષસ્થળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતાં. તે પોતાના રૂપને અરીસામાં નીરખી રહી હતી.

"કેવિન, I Love You " અરીસામાં જોઈને કેવિનને પ્રપોઝ કરવાની પ્રેક્ટિસ કરી રહી છે.

"ના આમ નહિ માનવી. કંઈક એવું અલગ કર કે કેવિન એકક્ષણનો વિચારો કર્યા વગર હા પાડી દે." માનવી અરીસામાં પોતાની જાત સાથે એકલી વાતો કરી રહી છે. તે પોતાનું દિલ કેવિનને આપી ચુકી છે. 

                  *               *              *


કેવિન રોજની જેમ ડાયરી લખી રહ્યો છે, પણ એક પેજ માંડ લખીને તેની પેન આજે અટકી ગઈ છે. કેવિન કંઈક વિચારોમાં ખોવાઈ ગયો છે.

"શું થયું ગુલજાર સાહેબ, ક્યાં ખોવાયા છો? " પ્રદીપ કેવિનને પૂછે છે.

" બસ કઈ નહિ એમ જ "

" હમણાંથી કેવિનનું વર્તન અલગ અલગ નથી લાગી રહ્યું? યાર..." કૌશલ પ્રદીપ સામે આંખ મીંચકારીને કેવિનની ટીખળ કરે છે.

" દિલ દે દિયા હૈ..." નિશાંત હિન્દી ગીતની બે લાઈન ગાયીને બીજા મિત્રો સાથે મળીને કેવિનની મજાક ઉડાવી રહ્યા છે.

"સાચું બોલ કોની સાથે પ્રેમ થયો?" નિશાંત પૂછે છે.

"કોઈ પ્રેમ બ્રેમ નથી થયો." કેવિન ઉભો થઈને બહાર ગેલેરીમાં જઈને આકાશમાં ઉગેલા ચાંદને જોઈ રહ્યો છે.

"શું પ્રેમ કોઈને પૂછીને થાય કે આમ જ થઈ જાય? પ્રેમ થાય તો પ્રેમનાં લક્ષણ શું હોઈ શકે? શું મને પણ પ્રેમ જ થયો છે? શું હું એને પ્રપોઝ કરીશ તો એ મારાં પ્રેમનો સ્વીકાર કરશે? અને કદાચ પ્રેમનો સ્વીકાર ના કર્યો તો? " કેવિન વિચારોનાં વંટોળમાં ખોવાઈ જાય છે. પોતાની જાતને સવાલો પૂછી પોતે જ જવાબો માંગી રહ્યો છે.

               *                *                 *

રાતનાં અગિયાર વાગે રોજ અડધી ઉંઘમાં પહોંચી જતા નીતાબેન આજે પડખા ફેરવી રહ્યાં છે. ઉંઘ જાણે આજે તેમની આંખો સાથે હસ્તમેળાપ કરવા જ તૈયાર નથી. તે કંટાળી ઉભા થઈને બાજુમાં મુકેલા જગમાંથી પાણી પી ને એક ઉંડો શ્વાસ લે છે.

"આજે ઉંઘ કેમ નથી આવી રહી?" નીતાબેન મનોમન બબડે છે.

આખો દિવસ કામ કરીને થાકી ગયેલા શરીરમાં આજે કળતરની વેદના અનુભવાઈ રહી છે. મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી. સારા ખોટા વિચારો નીતાબેનની આસપાસ આંટાફેરા મારી રહ્યાં છે.

તે પલંગમાંથી ઉભા થઈને કબાટ ખોલીને તેમાં મુકેલી ડાયરી હાથમાં લઈને તેનાં પન્ના ફેરવે છે. ત્યાં કેવિનનાં હાથે લખેલી લાઈન પર નીતાબેનની નજર પડે છે.

" એક તો જિંદગી મળી છે. જીવી લેવાની."

નીતાબેન આ લાઈન વાંચતા જ ડાયરી બંધ કરીને કબાટમાં મૂકી, કબાટ બંધ કરી દે છે.

                     *               *             * 

બીજા દિવસે સવારે :

નીતાબેન રોજની જેમ રસોડામાં રસોઈનાં કામે લાગી ગયાં છે. રાતે મોડે સુધી નહિ આવેલી ઉંઘ તેમની આંખોમાં આવીને બોલી રહી છે. ચહેરા પરનો થાક તેમની કોઈ ચિંતાને ઉજાગર કરી રહ્યો છે. ત્યાં જ માનવી બગાસા ખાતી ખાતી આળસ મરડીને  રસોડામાં આવે છે.

"કાલે રાત્રે મોડા સુધી તારા રૂમની લાઈટ ચાલુ હતી. શું કરતી હતી?" નીતાબેન ગેસની સગડીને લાઈટરથી સળગાવતા માનવીને સવાલ પૂછે છે.

" તું તે વખતે જાગતી હતી? " માનવી આશ્ચર્યચકિત થઈને તેની મમ્મીને પૂછે છે.

" મેં પૂછ્યું એનો તે જવાબ ના આપ્યો તે."

"હા, કાલે રાત્રે પેલું ગુજરાતી પિક્ચર જોતી હતી. લવની ભવાઈ." માનવી તેની મમ્મી આગળ જૂઠું બોલી બચવાની કોશિશ કરે છે.

નીતાબેન માનવીની સામે ત્રાસી નજરે જોવે છે. માનવી ને તેની મમ્મીનું વર્તન કાલથી બદલાઈ ગયેલું લાગી રહ્યું છે. તેની સુજી ગયેલી આંખો, બંગડીઓ વગરનાં ખાલી હાથ, બિંદી વગરનું કપાળ જાણે કંઈક કહેવા મથી રહ્યું છે, પણ માનવીનાં સમજણમાં નથી આવી રહ્યું.

"શું હશે?" માનવી મનોમન બબડે છે.

                                                                 ક્રમશ :