પ્રેમ થાય કે કરાય? ભાગ - 16 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 16

મીઠી વાતો

"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો" કાવ્ય સંમેલનનું આયોજન..." નીતાબેન બહાર દરવાજા પર લગાવેલું પોસ્ટર વાંચી રહ્યા છે.

"કેવી લાગી સરપ્રાઈઝ?" કેવિન પૂછે છે.

"સારી.. પણ આ બધું તમે કેમ..."

" મેં કંઈ નથી કર્યું. મેં કહ્યું હતુ ને મને પણ સાહિત્યમાં થોડો ઘણો રસ છે. એટલે મારાં એક ગ્રુપમાંથી જાણવા મળ્યું ને બસ... એ બધું છોડો અને જઈને પોતાના શબ્દોનો શણગાર લોકો સામે રજુ કરો." કેવિન નીતાબેનની વાત વચ્ચેથી અટકાવતા જણાવે છે.

નીતાબેનનાં ચહેરા પર એક મુસ્કાન છવાઈ જાય છે. માનવી તો કેવિનને જ જોઈ રહી છે.ઓપન થિયેટરમાં આયોજિત આ સંમેલનમાં સાહિત્ય ક્ષેત્રનાં ઘણાં લોકો પધાર્યા છે. ત્રણે જણ ત્યાં જઈને પોતાનું  સ્થાન ગ્રહણ કરે છે. લેખકો માટે બેઠક વ્યવસ્થા અલગ હોવાથી નીતાબેન લેખકોની બેઠક તરફ આગળ વધે છે. માનવી અને કેવિન પ્રેક્ષકો માટે મુકેલી ખુરશીઓમાં જઈને બેસે છે.

"એક વાત પૂછું? "

"હા પૂછો" કેવિન માથું ધુણાવે છે.

" તમને મારો નંબર ક્યાંથી મળ્યો? " કેવિન માનવીનો સવાલ સાંભળીને હસવા લાગે છે. કાલે રાત્રે નીતાબેનની જાણ બહાર તેમને આ સંમેલનમાં લાવવા કેવીને મેસેજ કરીને માનવીને આખો પ્લાન સમજાવ્યો હતો.

"અરે પ્રિય, આ દુનિયામાં શોધવા નીકળોને તો ભગવાન પણ મળી જાય છે. તો પછી આ દસ આંકડાનો નંબર મેળવવો એ શું મોટી વાત છે??" કેવિન માનવીની નજરમાં નજર મિલાવી એક કવિના અંદાજમાં જવાબ આપે છે.

"વાઉ. સ્માર્ટ છો." માનવી તેનાં જવાબથી ઈમ્પ્રેસ થઈ જાય છે.

"તમને મમ્મી માટે આ સરપ્રાઈઝ રાખવાનો વિચારો ક્યાંથી આવ્યો?" માનવીનો બીજો સવાલ કેવિનના કાને પડે છે.

"હીરાને ઓળખવો હોયને તો ઝવેરી બનવું પડે. કોઈ માણસને ઓળખવો હોયને તો આપણે પહેલા માણસ બનવું પડે. તમારી મમ્મીનાં હાથમાં સાક્ષાત અન્નપૂર્ણા અને માં સરસ્વતી બન્ને વસ્યા છે. જેને ઘણાં લોકોએ નજર અંદાજ કર્યા છે..." કેવિનનો જવાબ એક કવિના શબ્દોની જેમ થોડીવાર વિચારમાં મૂકી દે તેવો હતો. માનવીને થોડામાં ઘણું સમજાઈ ગયું. કેવિન આગળ બોલવા જાય તે પહેલા માનવી તેને અટકાવી બીજો સવાલ પૂછી નાંખે છે.

"ગમ્યું કે તમે આજના જમાનામાં સ્ત્રીની લાગણીઓ સમજો છો અને ઈજ્જત કરો છો. ગુડ."

"Thank you."

"એવું તો નથીને કે બહારથી સ્ત્રીઓ માટે પ્રેમ ઉભરાતો હોય અને અંદરથી..."

"એવું હોત તો તમારા નંબર પર I love you નો મેસેજ આવ્યો હોત. નહિ કે..."

" ઓકે ઓકે ઓકે. હું સમજી ગઈ કે તમે એવા નથી. હું ખાલી... "

"પરીક્ષા લેતી હતી નહિ?" કેવિન માનવીનું અધૂરું વાક્ય પૂરું કરતા માનવી અને કેવિન એકબીજાને તાળી આપીને હસવા લાગે છે.

કેવિન અને માનવી એકબીજાથી ઈમ્પ્રેસ થઈને નજીક આવી રહ્યા છે. મીઠી વાતોમાં ખોવાઈ રહ્યાં છે. પ્રેમના પહેલે પગથિયે પગ મૂકી રહ્યાં છે.

"તમારા ઘરમાં કોણ કોણ છે?"

" હું, મમ્મી અને પપ્પા."

"અચ્છા. તો તમે 6 મહિના પછી સુરત પાછા જતા રહેશો?"

" હા " કેવિનનાં મોઢામાંથી હા સાંભળીને માનવીના મોતિયા મરી જાય છે.

માનવી અને કેવિન બન્ને એકબીજાની આંખોમાં ઉતરી જાય છે. કાવ્ય સંમેલન માનવી અને કેવિન માટે એક પ્રેમનું પહેલું મિલન બની રહ્યું છે.

ત્યાં જ સ્ટેજ પરથી નીતાબેનનું નામ એનાઉન્સ થાય છે. જે કેવિન અને માનવીની મીઠી વાતોમાં ભંગ પાડે છે. નીતાબેન સ્ટેજ પરથી કાવ્ય રજુ કરે છે. જે સાંભળીને ત્યાં હાજર શ્રોતાગણ તાળીઓ ગડગડાટથી વધાવી લે છે. જે જોઈ નીતાબેનનાં ચહેરા એક અનહદ ખુશી દેખાઈ રહી છે.

"મમ્મી તે તો ચાર ચાંદ લગાવી દીધા. I am proud of you" પ્રોગ્રામ પૂરો થયાં પછી માનવી તેનાં મમ્મીનાં વખાણ કરી રહી છે.

નીતાબેનનું ધ્યાન માનવી કરતા કેવિન તરફ વધુ છે.

" થૅન્ક યુ." નીતાબેન કેવિનનો આભાર વ્યક્ત કરતા સહેજ ઈમોશનલ થઈ જાય છે.

"અરે આમ થેન્ક યુ થી કામ નહિ ચાલે. કાલે તમારે ભીંડીની સબ્જીની પાર્ટી આપવી પડશે."

" ઠીક છે. તો કાલનું બપોરનું ભોજન મારાં ઘરે. ઓકે "

" ઓકે " કેવિન સ્માઈલ આપે છે.

"કાલે નહિ!" માનવી અણગમો વ્યક્ત કરે છે.

"કેમ બેટા?"

" કાલે મારે કોલેજમાં એક ફોર્મ ભરવા જવાનુ છે. તો કાલે નહિ."

" એક કામ કરીએ ભીંડી પાર્ટી તો કાલે જ રાખીએ એ પણ બે ટાઈમ. બપોરે અને સાંજે. શું કહેવું છે કેવિન? "

" ઠીક છે."

કેવિન અને માનવી એકબીજા સામે જોઈને મનોમન હસી રહ્યા છે. નીતાબેન પોતાની નજરમાં તે દ્રશ્ય પણ કેદ કરી રહ્યાં છે.
નીતાબેન કેવિનને જોઈને મનોમન કંઈ વિચારી રહ્યાં છે. જે તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શું વિચારી રહ્યાં હશે???

                                                                  ક્રમશ :