નિતુ - પ્રકરણ 38 Rupesh Sutariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિતુ - પ્રકરણ 38

નિતુ : ૩૮ (ભાવ) 

નિતુની ઈચ્છા કરતા પણ વધારે સારી રીતે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. મંડપમાં સાથે બેઠેલા આ યુગલના વખાણ સૌ કોઈના મુખ પર છવાયેલા હતા. ઘટાદાર વૃક્ષોની છાયામાં પૂર્ણ રૂપે ખીલેલા ફૂલ છોડ હોય એમ ચૉરી વચ્ચે તેઓ લાગી રહ્યા હતા. નજર પડે કે હટવાનું નામ ના લે, એવા આકર્ષક. લગ્નમાં કોઈ જાતની કમી ના રહે એ માટેની તમામ જવાબદારી તેના પાડોશી હરેશ અને તેના કલીગે ઉઠાવેલી. ઉપરથી સવારથી આવેલી વિદ્યાની હાજરી નિતુની નિશ્ચિન્તતામાં વધારો કરી રહી હતી. માટે આજે કૃતિને પોતાની બહેનની સૌથી વધારે જરૂર હતી, ત્યારે તે અને ઋષભ બંને તેની બાજુમાં જ હાજર હતા.

વૈદિક મંત્રોચાર અને અગ્નિની સાક્ષીએ એક પછી એક વચન અપાતા ગયા. જોતામાં તો લગ્ન સંપન્ન થયા. નાનપણથી જે ઘરમાં ઉછરી અને મોટી થઈ, એ ઘરને છોડી કૃતિ પારકું ઘર પોતાનું કરવા ચાલી નીકળી. કઠણ હૈયે કરુણ મન સાથે તેને વિદાઈ આપવામાં આવી. નિતુના લગ્ન પછી તે જાણે ઘરથી અલગ જ થઈ ગયેલી એટલે શારદા માટે જે હતું તે સઘળું કૃતિ થઈ ગયેલી. એટલે તેની વિદાય તેને વસમી તો લાગી, આખરે દૂર ક્યાં છે? એવા ભાવથી તેણે પોતાનું મન મનાવી લીધું.

દીકરીના લગ્નનો હરખ પણ એટલો હોય અને શોક પણ. નાનપણથી ઉછેરેલી કુમળી કળી હવે અન્યના આશરે, કેટલો વરવો વિચાર થઈ પડે! દીકરીના વિરહનું ઓછું ના આવે માટે જીતુભાઈ અને મધુ બંનેએ શારદા પાસે જઈને તેને સાંત્વના આપી. ધીરુભાઈ અને ઘરના બાકીના સભ્યોને પણ કૃતિ અંગે કોઈ ચિંતા ના કરવાની ભલામણ કરી બંનેએ તેની રજા લીધી.

વિદાયની વેળાને વિતાવી સૌ જન ધીમે ધીમે ચાલતા થયા. પારિવારિક નાતે આવેલા મહેમાનો શારદાની અને અન્ય સંબંધને નાતે આવેલા મહેમાનો નિતુની કે ઋષભની રજા મંજૂરી લઈને જવા લાગ્યા. તેના કલીગ ચાલ્યા ગયા અને તેના પછી વિદ્યા તેની પાસે આવી.

હરેશ તેને કહેતો હતો, "નિતુ! જો તમારે લોકોને વાર હોય તો હું મમ્મી પપ્પાને છોડીને પાછો આવું અને તમને બધાને લઈ જાઉં છું."

એ સાંભળી વિદ્યાએ કહ્યું, "એની જરૂર નથી. નિતુ, મેં એક ગાડી અહીં છોડી છે. તું તારી ફેમિલી સાથે તારે ઘેર ચાલી જજે."

"થેન્ક યુ મેમ. પણ અમે હરેશ સાથે જતા રહીશું."

"શું જતા રહીશું! કમોન, મોડી રાત થઈ ગઈ છે. એને ખાલી ખોટા ફેરા શું કામ મરાવે છે? હું કહું છુંને. એવું લાગે તો કાલનો દિવસ તું આરામ કરી લેજે. લગ્નને કારણે થાકી ગઈ હોઈશ. આમેય કોઈ છૂટક કામ હોય તો પતી જાય."

"ઠીક છે મેમ. થેન્ક યુ."

"ટેક કેર, મીટ સુન." એટલું પ્રેમથી કહીને વિદ્યા તેઓને બધાને મુસ્કાન આપતી ચાલતી થઈ.

પાર્ટી પ્લોટમાં ફક્ત ત્યાંના કામદારો વધ્યા. શારદાને સંભાળતા નિતુ અને ઋષભ પણ પરિવાર જનો સાથે ઘેર આવી ગયા. તેઓને કૃતિની વધારે યાદ ના આવે અને બધું સામાન્ય થઈ જાય એવા આશયથી ધીરુભાઈ પોતાના દીકરા અનંત સાથે ત્યાં આવ્યા અને તેઓને આવતા જોઈને હરેશ પણ તેની પાછળ પાછળ ત્યાં આવી પહોંચ્યો. તેઓની આવ - ભગત કરીને નિતુ તેના માટે પાણી લેવા અંદર ગઈ અને આગંતુક સર્વોએ ઘરમાં શારદા અને ઋષભ સાથે સ્થાન લીધું. વધારે વિચાર ના કરીને આરામ કરવાનો અને સવારે ફરી આવવાનું કહી તે ચાલ્યા ગયા. શારદાને અને તેના પરિવારને તેઓના આવવાથી થોડું સારું લાગ્યું.

આ બાજુ કૃતિને લઈને તેનું સાસરી પક્ષ તેના નિજ આંગણે પધારી ચૂક્યું હતું. સાસરિયામાં બહુ માનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. એક અદ્ભૂત ગણાવી શકાય એવો નિર્ણય છે, નહિ? એક જ ક્ષણમાં પોતાનું ઘર ત્યજીને અન્યના ઘરને આંખના પલકારે પોતાનું સમજી લેવું. આવું કામ તો એક સ્ત્રી જ કરી શકે. કોણ જાણે એના મનમાં આવો નિઃસ્વાર્થ ભાવ ક્યાંથી પ્રગટે છે? એણે માત્ર પોતાના પતિનો સ્વીકાર કર્યો. તો પછી મફતમાં ભેગા આવતા સંબંધો તે કઈ રીતે સ્વીકારી શકે? કદાચ એટલે જ કુદરતે તેને એક નિર્મળ ભાવ ભરેલું હૃદય બક્ષી દીધું હશે! જેથી તે સહર્ષ સૌનો સ્વીકાર કરી લે છે.

ઘરમાં આવતા પહેલા જ કૃતિએ જીતુભાઈ અને મધુબહેનનું મન જીતુ લીધું હતું. આજના આ જમાનામાં આ કાર્ય તો સરળ થઈ ગયું છે. તેને ઘરમાં કોઈ ચિંતા ના રહે એ વાતની ખાત્રી જીતુભાઈએ પહેલેથી જ કરી રાખેલી. કૃતિ એ વાતને સુપેરે જાણતી હતી. એ મનોમન આવા સાસુ સસરા મળ્યાનાં ધન્યવાદ ઉપરવાળાને કહેતી હશે.

આજે એક નવા ભાવ અને નવા આનંદ સાથે તેને સાગરને મળવાનું હતું. સાગરના ચળકતા શુદ્ધ વિચારોએ તેના મનમાં જગ્યા કરી તે દિવસથી તેણે બીજું કશું મહત્વનું નહોતું સમજ્યું. સાગર પણ તેને મળવા માટે અધીરો હતો. એટલા લાંબા સમયે આજે તેઓનું મિલન થયું હતું. આજે તેઓની મર્યાદા થોડી આગળ સુધી જવાની તેમને મંજૂરી આપી રહી હતી. આ જ તો ખાનદાની માણસોની ખાસિયત, કહેવા પૂરતું નહિ, સંસ્કારને નિભાવવા તેની સીમામાં રહીને જ આગળ ચાલે છે. મનમાં ગમે તેવો ભાવ આવે, જો ખોટો તો તેને દબાવીને આગળ ચાલવું.

ક્યારેક એ વિચાર કરવો પણ ઘટે કે માનવીના મનમાં કેટ- કેટલાંય ભાવોનું નિર્માણ થતું હશે. બાળકો પ્રત્યે વ્હાલનો ભાવ, ભારું પ્રત્યે અદ્રશ્ય લાગણી, માતા પિતા માટે સ્નેહ તો ક્યારેક વળી વણ જોઈતા સમીકરણો. શું માત્ર આ જ ભાવો? ના, માનવીના મનમાં ઉદ્ભવતા ભાવોમાં માત્ર આટલા નથી. આ તો સકારાત્મક છે. ક્યારેક રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને આકર્ષણ. ડર અને નિડર, સ્વાર્થી કે બિનસ્વાર્થી, ક્યારે કેવો ભાવ મનમાં પ્રગટ થાય એ ક્યાં જાણી શકાય છે! કૃતિ અને સાગરના મનમાં પ્રેમભાવ પ્રગટી રહ્યો હતો. તો બીજી બાજુ નિતુના મનમાં...