પ્રેમ સમાધિ - પ્રકરણ-114 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-114

પ્રેમ સમાધિ 
પ્રકરણ-114

 મધુટંડેલ નશામાં ધૂત તો હતોજ. સારાં નરસાંની પરખ એણે ઘણાં સમયથી છોડી દીધી હતી પોસ્ટઓફીસમાં શંકરનાથ કરતાં માત્ર અઢી વર્ષ પાછળથી જોડાયેલો. પહેલેથીજ ખબર નહીં એને શંકરનાથ સાથે આડવેર હતું કોઇ કારણ વિના એ કાયમ શંકરનાથની ઇર્ષ્યા કરતો. શંકરનાથ પોસ્ટઓફીસનો હેડ સર્વેસર્વા તરીકે પ્રમોટ થયો પછી તો એને અંદરથી ખૂભ ઇર્ષ્યા થયેલી એને થતું પોરબંદર અને જુનાગઢનાં વિસ્તારનાં બધાં ખારવા ત્થા ડ્રગ માફીયા હવે શંકરનાથનું ઘર ભરશે એને સર સર કહેશે સાલો બામણ ઔકાત વિના મોટો માણસ બની જશે હું એના હાથ નીચે રહી હાથ ધસતો રહી જઇશ. 
 અત્યારે ખૂબ નશાની અવસ્થામાં પણ એનાં મનમાં શંકરનાથ અને એનો છોકરો કલરવજ ભમી રહેલો. મધુએ ઇર્ષ્યા અને દ્વેષભાવમાં બધાં ખોટાં કાળાં કામ કર્યા એક સારાં ઘરની છોકરી પરણી લાવેલો એનેય બરબાદ કરી ઉપરથી એને છોકરાં ના થયાં એટલે એ અધૂરો ફરતો એનાં મનમાં એવું ઠસી ગયેલું કે મારાં નસીબજ ચાર ડગલાં આગળ છે આ પોસ્ટ ખાતાની નોકરી છોડી ગાંજો વેચવા માંડુ ખુદની શીપ લઇ લઊં ખૂબ પૈસા કમાઊં એશ આરામ અને ઐયાશી કરુ સાલી કુમળી કુમળી છોકરીઓ ભોગવું. આ બામણને ઠેકાણે પાડી દઊં... 
 પોસ્ટ ખાતામાં નોકરી કરતાં કરતાં બધાં સંપર્ક ઉભા કર્યા શંકરનાથની નજર નીચે ખબરના પડે એમ ડ્રગનાં પડીકાં પહોચાડવાનું જોખમી કામ કરવા લાગ્યો. વિજય જેવાં બીજા નાના દાણચોરો અને ડ્રગ પેડલર્સ સાથે સંબંધો વધાર્યા પૈસા અને પાવર ઉભો કરવા પ્રયત્ન કરવા લાગ્યો. 
 સીધી રીતે નોકરી કરતાં શંકરનાથને કેવી રીતે ફસાવી જેલનાં સળીયા પાછળ મોકલી દેવો એનાં ષડયંત્રજ વિચારતો પણ મહાદેવનાં પોઠીયા જેવા શંકરનાથને ફસાવી ના શક્યો ઉપરથી શંકરનાથ સાથે વિજય ટંડેલ જેવાં મોટામાંથાની ખાસ દોસ્તી એનાંથી જોવાતી નહોતી. એકદિવસ એને ચાન્સ મળી ગયો.. વિજય તથા એનાં જેવાં બીજા ડ્રગ માફીયાનાં પાર્સલ પોસ્ટ દ્વારા... કાયદેસર નહીં પણ ખાનગીમાં પોસ્ટની મોટી વાનમાં બીજા પાર્સલો સાથે જુનાગઢ થી સુરત જવાની હતી એમાં શંકરનાથની સહીઓ સાથે બધાં પાર્સલ જવાનાં હતાં. 
 મધુ ટંડેલ ચોપડે તથા ચલણોમાં શંકરનાથની સહીઓ લીધી અને ડુપ્લીકેટ ચલણમાં શંકરનાથ જેવી સહીઓ એણે કરી અને પ્લાનમાં બીજા પાર્સલ સાથે વાનમાં ડ્રગનાં પાર્સલ પણ ચઢાવી દીધાં મધુ ટંડેલ નક્કી કરેલું મારાં હાથે કરોડોનું ડ્રગ હું સગેવગે કરુ છું આ નોકરી જાય ભાડમાં.. સુરત પહોંચી જાય પછી હું કરોડપતિ અને થોડો માલ પકડાવી શંકરનાથને ફસાવી દઇશ ડ્રગની હેરફેરમાં એને જેલ થઇ જશે. હું નિર્દોષ.. કરોડપતિ બનીશ મનોમન ષડયંત્ર પર એ ખુશ થઇ રહેલો...
 એણે જુનાગઢથી બધુ સલામતિપૂર્વક આયોજન પ્રમાણે વાનમાં મૂકાવી વાનને રવાના કરી... અને શંકરનાથ પાસે આવ્યો અને બોલ્યો “મારે 10 દિવસની રજા મૂકવાની છે મારી બૈરી બિમાર છે સારવાર માટે મુંબઇ લઇ જવાની છે મારી પાસે પૈસાની એટલી સગવડ નથી પણ સુરતથી મારાં દોસ્ત પાસેથી ઉધાર મળવાનાં છે તો હું એ પ્રમાણે સારવાર કરાવી 10 દિવસ પછી હાજર થઇશ”. શંકરનાથે કહે “ઘરની વાત છે મને કહેવું જોઇએ ને હું કંઇક..” શંકરનાથ આગળ બોલે પહેલાં મધુટંડેલ કહ્યું "ના ના તમારાં બામણનાં પૈસા ક્યાં લઇ જવાનો ? જો વ્યવસ્થા કરી છે બધી એતો તને કાલે ખબર પડી જશે બધી..” એમ દબાતે અવાજે ધમકી આપી ત્યાંથી નીકળી ગયો. 
 શંકરનાથ ને બે ઘડી સમજણ ના પડી.. મધુટંડેલને એનાંથી તકલીફ હતી એની એને જાણ હતી પાકો એહસાસ હતો હું એને કંઇક મદદની ઓફર કરું પહેલો તો એ તને કાલે ખબર પડી જશે એવું કીધું.. એ આશ્ચ્રર્ય સાથે વિચારમાં પડ્યો એને વહેમ પડી ગયો કે ચોક્કસ દાળમાં કંઇક કાળું છે એમણે મધુટંડેલ આપેલી અને ગયા અઠવાડીયા સુધીની બધીજ ફાઇલો ચલણોની નકલો હતી જેમાં શંકરનાથની સહી નહોતી પણ મધુએ એનાં નામે કરી હતી હવે શંકરનાથને ફાળ પડી કે મધુએ મને ફસાવવાની ચાલ ચાલી છે. 
 શંકરનાથે બધી ફાઇલ કબ્જે કરી થેલામાં મૂકી અને લઇને ઓફીસથી ઘરે જવા નીકળી ગયો. સુરતની મુખ્ય ઓફીસે જાણ કરી દેવા વિચાર્યુ તથા એ વાનને ખોલતાં પહેલાંજ સીલ કરવા માટે સૂચના ફોનથી આપી દીધી. 
 શંકરનાથ ખૂબ ચિંતા અને નકારાત્મક વિચારોનાં વમળમાં ફસાયેલો ઘરે આવ્યો અને તાત્કાલિક વાન પહોંચે એવાંજ સમયે સુરત પહોંચી જવાનો નિર્ધાર કર્યો. ઘરે શું કહેવું ? બધાં અનેક વિચારો કરતાં નક્કી કર્યું કે કલરવને મહાદેવનાં મંદિરે બોલાવી સમજાવીને વાત કરવી ઉમાને સમજાવવી આમાં બધુ ઉકેલતાં પોલીસની મદદ લઇ બધુ નિપટાવતાં સમય જશે. બધુ કેવી રીતે ઉકેલીશ ? પેલાં મધુનાં ષડયંત્રથી પોતાની જાતને બચાવવી... ઘણાં વિચારો આવી ગયાં કોની કોની મદદ લેવી ? કોણ મદદ કરશે ? વિજયનો વિચાર પહેલો આવ્યો. સુરતની ઓફીસનાં સાહેબોનાં નામ યાદ કર્યા. 
 મધુએ મને ફસાવવા પાકું ષડયંત્ર કર્યુ છે મારે એમાંથી બચવાનું છે સાથે સાથે મધુએ વાનમાં બધાં ડ્રગનાં દાગીનાં મૂકાવ્યાં છે એ વાનમાંથી બહાર નીકળી સગેવગે થાય પહેલાં પકડાવી દેવાં મધુનો જે પ્લાન છે એ નિષ્ફળ બનાવવો એને કાણી પાઇ ના મળે ના એનાં ડ્રગનાં પાર્સલ એ વાનમાંથી કાઢી શકે... સુરતની પોસ્ટઓફીસ એનાં સાહેબો ત્થા નાર્કોટીસવાળાને હુંજ ખબર પહોંચાડી દઊં.
 શંકરનાથે બધાં વિચાર કરી પહેલોજ ફોન વિજયને કર્યો... "બોલો ભૂદેવે ઓફીસથી ઘરે જાવ છો ? સાંજ સાંજમાં શું કામ પડ્યું ?” શંકરનાથ થોડાં ગભરાયેલાં સ્વરે બોલ્યાં “વિજય આજકાલમાં કે આ અઠવાડીયામાં તમારાં કોઇ પાર્સલ વગેરે પોસ્ટ ખાતામાં અમારી બ્રાંચમાંથી ક્યાંય આગળ સુરત વગેરે ગયાં છે ? આજે મારી વાન અહીંથી સુરત ગઇ છે”. 
 વિજયે કહ્યું "કેમ ભૂદેવ શું થયું ? પણ.. તમે ગભરાયેલાં લાગો છો વાત શું છે ? મારાં કોઇ પાર્સલ નથી અને જે પાર્સલ છે એમાં કશું.. ગેરકાનુની કશું નથી પણ તમારો પેલો મધુ મારાં રાજુને પૂછી રહેલો... પણ ભૂદેવ સીધી વાત કહો શુ થયું છે ?” શંકરનાથ બધીજ વાત વિસ્તારથી વિજયને કહી.. વિજય પહેલાં શાંતિથી સાંભળી રહ્યો. પછી બોલ્યો “ભૂદેવ તમે ફસાઇ ગયાં છો પેલાં મધુએ ઘણાં પાર્સલ ડ્રગનાં ઉઠાવ્યાં છે તમે તાત્કાલિક સુરત પહોંચો પહોંચતાં પહેલાં ફોનથી ઓફીસ, પોલીસ અને નાર્કોટીસમાં સામેથી ફોન કરો... હમણાં મને ફોન ના કરશો હું સંપર્ક કરીશ............” 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-115