સૌરાષ્ટ્રની રસધાર-બોળો Bipin Ramani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌરાષ્ટ્રની રસધાર-બોળો

વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યાં. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથપગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી.

સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી-ઠોલીને લોહીલુહાણ કરી નાખેલાં કાંધ : સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડાં : બેસુમાર બગાંઓ : લોહીમાંસ વિનાનાં શરીરનાં બે હાડપિંજર : એવા બે બળદો છે. એક સો ને એક કાણાંવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે ! અને ચીંથરેહાલ એ સોંડો ! અસવાર એ બોખ નિહાળી રહ્યો. હાથ-મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળી ને બેઠો.


કોસ હાંકતાં હાંકતાં સોંડાએ વાત ઉચ્ચારી : ‘ક્યાં રે‘વાં ?’

‘રે‘વાં તો ભાવનગર.’

‘ત્યારે તો રાજના નોકર હશો.’

‘હા, છીએ તો રાજના નોકર.’

‘સપાઈ લાગો છો, સપાઈ.’

‘હા, સપાઈ છીએ.’

‘એલા, તમે નમકહલાલ કે નમકહરામ ?’

‘કેમ ભાઈ ? નિમકહરામ ને નિમકહલાલ વળી કોને કહેવાય ?’

‘નમકહલાલ હો તો ઠાકોરને કહો નહિ ?’

‘શું ?’

‘કે આખો દી સાંસલા ને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કો‘ક દી જોશે ? અને રાણિયુંના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી ! ખેડુનાં ઘરમાં ખાવા ધાન નો રે‘વા દીધું ! ઈ તો રાજા છે કે કસાઈ ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય !’

સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં સાતગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાનાં વેણ કહી નાખ્યાં.

અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ-પ્રસાદીથી તો એની ભૂખ ઊલટી વધી. સોંડાને એણે પૂછ્યું : ‘ભાઈ, ભૂખ લાગી છે. કાંઈ ખાવાનું આપીશ ?’


‘શું આપે, કાળજાં અમારાં ? તમે બધાએ ભેળા થઈને ખેડુના ઘરમાં ધાન ક્યાં રે‘વા દીધું છે ? બોળો ખાવો છે, બોળો ?’

‘બોળો શું ?’

‘બાપગોતર બોળોય દીઠો નથી ને ?’ એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થુલું (ભરડેલું ધાન) નાખીને ખેડુ લોકો રાંધે, અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટિંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળેરે હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો (પડિયો) બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું : ‘વધારે છે ?’

સોંડે મીઠું મીઠું હસીને કહ્યું : ‘કેમ, મારે ખાવાય નથી રે‘વા દેવું ને ?’ એમ કહીને બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને ખવરાવી દીધો.

પરોણાનું પેટ ઠર્યું, તેમ દુઃખદાઝથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું.

તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતાં જાતાં એણે પૂછ્યું : ‘ભાઈ, તારું નામ શું ?’

‘સોંડો.’

મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો : ‘કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને ? નામ શીદ લખછ, બાપા ?’

હસતાં હસતાં અસવાર બોલ્યો : ‘ભાઈ ! ભાઈ ! ભાવનગર કોઈ દિવસ આવશો ને ?’


‘હં, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય ! તેં તો વળી બોળો ખાધો ને નામેય લખ્યું, એટલે ઓળખીતાને બે ઠોંસા વધુ લગાવ્ય, ખરું ને ? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે !’

બીજા દિવસનું મોંસૂઝણું થયું ત્યારે છાશ-રોટલો શિરાવીને, માથે કોસ મેલી, વરત, વરતડી, પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જાવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું : ‘સોંડો માળી કોનું નામ ?’

‘મારું નામ સોંડો.’ કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો.

‘કોણે, બાપ ?’

‘ઠાકોર વજેસંગજીએ પંડે.’

આ સાંભળી, સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈ કાલની વાત સાંભરી; લાગ્યું કે ‘નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે, અને હવે નક્કી મને કેદમાં નાખશે.’

બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એનાં છોકરાં પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલાં. એમને કાંઈ સમજ ન પડી.

સોંડાએ બાયડીને કહ્યું : ‘હવે આપડા તો રામરામ સમજવા !’ બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતાં જાતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, પણ ભેળાભેળ ઠાકોરને મોઢામોઢ જ મારે ઈનાં ઈ વેણ સંભળાવી લેવાં છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો ?

સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો ! એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો : આ તો ઠાકોર પોતે ! સોંડો ભયભીત બની ગયો.

ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું : ‘પણ સોંડા, તું બીવે છે શા માટે ?’

‘બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે.’

‘એમાં શું ખોટું થયું, ભાઈ ? તમે તો અમારા છોરુ કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક્ક છે. બચ્ચાંની ગાળો તો માવતરને ઊલટી મીઠી લાગે.’

સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી : ‘ઓહો જેસાભાઈ ! પરમાણંદદાસ ! શું કહું ? આ ભોળિયા ખેડુનાં વગર ઓળખ્યે આદરમાન : એ મીઠો બોળો : અને એથીય મીઠી એની સાચુકલી ગાળો ! એવી મઝા મને આ મોલાત્યુંની મીઠાયુંમાં નથી પડી.’ બોલાતાં ! બોલતાં ઠાકોરની છાતી ફૂલવા લાગી.

ઠાકોરે ફરી પૂછ્યું : ‘સોંડા ! તારે કેટલી જમીન છે ?’

‘બાપુ, સો વીઘાં જમીન ને એક કોસની વાડી છે.’

મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું : ‘એક ત્રાંબાનું પતરું મંગાવો.’

ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું : ‘સોંડાને બાર સાંતીની જમીન અને છ વાડીના કોસ આપવામાં આવે છે.’

પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા : ‘પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો બાર બળદ.’

બાર બળદ આપ્યા.

વળી દરબારે કહ્યું : ‘બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે ? આપો વીસ કળશી બાજરો.’

બાજરો આપ્યો.

‘બિચારાને છોકરાં છાશ લેવા ક્યાં જશે ?’

‘આપો ચાર ભેંસો.’

ચાર ભેંસો અપાઈ.

‘રૂપિયા એક હજાર આપો.’

માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો.

સોંડાના પરિવાર પાસે આત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે.