પ્રેમ થાય કે કરાય? ભાગ - 2 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 2

કંકોત્રી 

માનવી ઘરનો દરવાજો ખોલે તો સામે તેના જાની દુશ્મન એવા ચંપાબેન ઉભા હતાં. ચંપાબેન પહેલા માનવીના પાડોશી હતાં. તેમના નામની જેમ તે પણ બધાની ચાપલુસી કરતા રહેતા હતાં. તેમના મોટા દીકરાને સારા પગારની નોકરી મળતા તેઓ ઘર ખાલી કરીને બીજા સારા એરિયામાં રહેવા જતા રહ્યા હતાં. તેમના ગયાં પછી તો આખી સોસાયટીમાં શાંતિ ફેલાઈ ગયી હતી. ખબર નહિ આજે બપોરે અમારે ઘરે કેમ પધાર્યા હતાં?

"મનુ... તું તો મોટી થઈ ગયી બેટા" ચંપાબેન માનવીના ગાલ પર હાથ ફેરવવા લાગે છે.

"મારું નામ મનુ નહિ માનવી છે." માનવી મોઢું બગાડી પોતાના રૂમમાં જઈને ફોન લઈને બેસી જાય છે.

"કોણ છે બેટા?" રસોડામાંથી નીતાબેન બહાર આવે છે.

"આવો ચંપાબેન બેસો.હું પાણી લઈને આવું." નીતાબેન રસોડામાં પાણી લેવા જાય છે.

"હાય બાપ કેટલી ગરમી છે. તમારે એસી નથી નખાવ્યું?"
ચંપાબેન ઘરની છત પર ફરી રહેલા પંખા તરફ નજર કરી નીતાબેન સાંભળે તેમ કટાક્ષ કરે છે.

"ચાંપલી હવે આખા ઘરની પંચાત કરશે." માનવી મોબાઈલ સ્ક્રિન પરથી નજર ઊંચી કરીને બબડે છે.

"ના ના ચંપાબેન અમારે એસી શું કરવું છે?" નીતાબેન પાણીનો ગ્લાસ ચંપાબેન આગળ ધરી તેમની પાસે પલંગ પર બેસે છે.

"ઘર એવું ને એવું જ છે કંઈ સુધાર્યો વધાર્યો કર્યો લાગતો નથી?" ચંપાબેન ઘરના ખૂણે ખૂણે નજર ફેરવી રહ્યા છે.

નીતાબેન ચૂપ થઈને સાંભળી રહે છે.

"મારે તો એના પપ્પા અને મોન્ટુ એટલું કમાય છે ને કે હવે તો અમે સુરતમાં પણ બીજો બંગલો લીધો 1. 5 કરોડનો. પુરુષ વગરના ઘરમાં તમને મા દીકરી ને કેવી રીતે ફાવે છે?" ચંપાબેન ની વાત સાંભળીને માનવી અંદરના રૂમમાંથી વળતા પ્રહાર કરે છે.

"તમે ખરા બપોરે શું કામ આવ્યા છો એ જણાવોને." માનવીનો મૂડ પારખી ગયેલા ચંપાબેન તરત જ વાત ફેરવી વાળે છે.

"અરે હું તો ભૂલી જ ગઈ નીતાબેન... આ લો" ચંપાબેન થેલીમાંથી કંકોત્રી નીતાબેનનાં હાથમાં આપે છે.

"અમારા મોન્ટુનાં લગ્ન નક્કી થઈ ગયાં છે. તેની કંકોત્રી આપવા આવી છું. આવતા મહિનાની 24 તારીખે છે. તો મા દીકરી બન્ને આવજો. શું કીધું."

નીતાબેન કંકોત્રી વાંચી રહ્યા છે.

"નીતાબેન એક વાત કહું ખોટું ના લાગે તો?" ચંપાબેન હળવેકથી નીતાબેનનાં કાનમાં કહે છે.

"હા કહો તમારું શું ખોટું લગાડવાનું "

"તમારી આ મનુ માટે કોઈ છોકરો જોયો કે નહિ?"

"ના રે ના, હજુ તો મનુ નાની છે. એને કોલેજનું પહેલું વર્ષ છે. એ ભણી લે પછી વાત."

"હાય હાય નીતાબેન તમે તો બહુ ભોળા છો. જો હું તમને કહે ને તો તમને ખોટું લાગશે. આ આજકાલની છોકરીઓનો કોઈ ભરોસો નહી." ચંપાબેન પોતાના સ્વભાવ મુજબ ચાવી ભરવાનું ચાલુ કરે છે.

"એટલે??"

"અરે શું એટલે?? આ આજકાલની છોકરીઓ ભણવાના બહાને કોલેજમાં છોકરાઓ જોડે રંગરેલીયા મનાવવા જતી હોય છે. એટલે આજકાલની છોકરીઓને બહુ ભણવાય નહિ. તમે શું ટીવી અને અખબારોમાં નથી જોતા. આજની છોકરીઓ કેવા કેવા કારનામા કરીને ઘરે આવતી હોય છે."
ચંપાબેનની વાત સાંભળીને નીતાબેન થોડીવાર વિચારમાં પડી જાય છે.

"એમાંય આ તમારી મનુ તો બિચારી અભાગી બાપ વગરની. ખોટું ના લગાડતાં પણ મનુને આ ઘરમાં કોની બીક? બાપ વગરની દીકરીને અવળે રસ્તે જતા વાર ના લાગે. તે તો તમે સારી રીતે સમજો છો નીતાબેન."

નીતાબેન મનુનાં રૂમના ખુલ્લા દરવાજા તરફ નજર કરીને મૌન ધારણ કરી લે છે.

"એમાંય આ જ્યારથી આ મોબાઈલ આવ્યા છે ને ત્યારથી તો કંઈ કહ્યા જેવું જ નથી રહ્યું. આજની છોકરીઓ બસ આખો દિવસ મોબાઈલ પર વળગેલી રહેતી હોય છે. એટલે તમને એટલું જ કહેવા માંગુ છું કે મનુ સારા ખોટા કામ કરે તે પહેલા એને ઝટ સારો છોકરો જોઈને પરણાવી દો."

નીતાબેન મૌન ધારણ કરી બસ ચંપાબેનની વાત સાંભળી રહ્યા છે.

"જો તમને વાંધો ના હોય તો મારાં ભાઈનો છોકરો એન્જીનીયર છે. મહિને 35 હજાર પગાર છે. કહેતા હોય તો અત્યારે જ એને અને મારાં ભાઈ ભાભીને બોલાવી. મનુ અને મારાં ભત્રીજાનું નક્કી કરી દઈએ." ચંપાબેન ફોનમાંથી તેમના ભાઈને ફોન કરવા જાય ત્યાં જ ચૂપ થઈને બેઠેલા નીતાબેન ચંપાબેનનાં દઝાડી મુકતા શબ્દોથી દાજી ગયેલા નીતાબેન તપી ઉઠે છે.

"મારી દીકરીનું ભવિષ્ય નક્કી કરવાનો હક તમને કોને આપ્યો??"નીતાબેનનો ઉંચો અવાજ સાંભળી માનવી દોડીને બહાર રૂમમાં આવે છે. મારી મમ્મીને પહેલીવાર આ રૂપમાં મે જોયેલી.

"એ મારી દીકરી છે. એને ક્યાં અને કેટલું ભણાવવી એ મારે નક્કી કરવાનું છે તમારે નહિ?? એ કોલેજમાં જઈને સારા કામ કરે કે ખરાબ એ મારે જોવાનું છે તમારે નહિ?? સમજ્યા! તમે કંકોત્રી આપવા આવ્યા હતાં ને.આપી દીધીને બસ જાવ." નીતાબેનનો ગુસ્સો જોઈને ચંપાબેન ઝડપથી બહાર નીકળે છે.

"આજકાલ તો ભલાઈનો જમાનો જ રહ્યો નથી. હું સારી શિખામણ આપતી હતી પણ આ લોકોને તો..." ચંપાબેન બોલતા બોલતા ઘરની બહાર નીકળી જાય છે.

માનવી દોડીને તેની મમ્મીને ભેટીને રડવા લાગે છે.

"મમ્મી..."

"રડે છે કેમ તારી મા અને બાપ બન્ને હું છું બેટા. આવા લોકોની વાત મગજમાં નહિ લેવાની." નીતાબેનની આંખોનાં ખૂણા પણ ભીંજાઈ જાય છે.

                                                                 ક્રમશ :