પ્રેમ થાય કે કરાય? ભાગ - 3 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 3

વિચાર
    
મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું કરવાની લ્હાયમાં દેખાઈ રહી છે. બટેટા પર આજે ચપ્પુ એ રીતે ફરી રહ્યું છે જાણે બટેટાએ કરેલા કોઈ ગુનાની સજા મમ્મી આપી રહી હોય. કાલ ચંપાબેને કરેલી વાત મમ્મીના મગજમાં વિચારોનાં વંટોળ સ્વરૂપે ફરી રહી છે.

"ચંપાબેન ભલે ગમે તેવા હોય પણ એમની વાત તો સાચી હતી. આજકાલની છોકરીઓ આખો દિવસ ફોનમાં જ ચોટેલી હોય છે. શું મારી મનુ પણ છોકરાઓ સાથે..." સમારેલા બટેટા તપેલીમાં નાખી વઘાર કરવા મરચું, મીઠુ સાથે બીજો મસાલો ભભરાવી ગેસ ધીમો કરે છે.

"મમ્મી..." માનવી આજે વહેલી ઉઠીને રસોડામાં આવેલી જોઈને નીતાબેનની આંખો પહોળી થઈ જાય છે.

"શું આજે કંઈ બહાર જવાનો પ્લાન છે?"

"ના રે ના. તને વળી આવું કોને કહ્યું?" માનવી ફ્રિજમાંથી પાણીની બોટલ લઈને તેમાંથી બે ઘૂંટડા પી ને બોલે છે.

"સવારે 11 વાગે ઉઠવાવાળી આમ અચાનક સવારે 6 વાગે ઉઠી તો નવાઈ જ લાગે ને!" મમ્મી પાણીમાં દાળ પલાળી મારાં વખાણ કરવાને બદલે કટાક્ષ કરી રહી છે.

"એ હેલ્લો, હું તો તારી હેલ્પ કરવા ઉઠી છું. લાવ રોટલી માટે લોટ બાંધી દઉં." માનવી સ્ટીલના ડબ્બામાંથી લોટ કાઢી તેમાં મોયણ રેડી લોટ બાંધવા લાગે છે. મમ્મી આ બધું જોઈ રહે છે.

"શું જોઈ રહે છે?? લોટ બાંધું છું."

મમ્મીને હેલ્પ કરતી વખતે ખબર નહી પણ અંદરથી એક હેલ્પ કરવાનો આનંદ મળી રહ્યો છે. લોટ બાંધતા રસોડામાં લાગતી ગરમીનો આજે મને અહેસાસ થઈ રહ્યો છે કે મમ્મી રોજ આટલા ટિફિન કેવી રીતે કરતી હશે?

"મનુ એક વાત પૂછું?" ગરમીના કારણે ચહેરા પર નીકળી રહેલા પરસેવાને સાડીના છેડેથી લૂછી કમરના ભાગે છેડાને દબાવી દે છે.

"પાછી મનુ? તું નહિ સુધરે પુછ." માનવીને કોઈ મનુ કહીને બોલાવે તે તેને પસંદ નથી.

"તારે કોલેજમાં કોઈ.. બોયફ્રેન્ડ છે." 

"શું?? ફરી બોલજે??" માનવીનાં હાથ તરત જ અટકી જાય છે. કદી ના પૂછેલો સવાલ આજે પૂછતાં મારા હૃદયના ધબકારા પણ થોડીવાર માટે ધડકવાની ઝડપ વધારી દે છે.

"તારે કોઈ બોયફ્રેન્ડ છે??" કુકરની સીટી સાથે મમ્મીનો અવાજ પણ વધી રહ્યો હોય તેવું મને લાગી રહ્યું છે.

"કોઈ નથી?" માનવી હળવેકથી અણગમો વ્યક્ત કરતા બોલી ફરીથી લોટ ગુંદવા લાગે છે.

"તો પછી આખો દિવસ ફોનમાં શું કરતી હોય છે?"

"ફોનમાં શું કરતી હોય છે? એટલે તું કહેવા શું માંગે છે?" માનવીને તેની મમ્મીની વાત સમજાવા લાગે છે.

"હા... હવે ખબર પડી કે તું કેમ આવા સવાલો પૂછી રહી છે. પેલી ચંપા ચાંપલીએ કહેલી વાતો તને સાચી લાગી રહી છે ને? કે હું કોલેજમાં રંગરે...."

"ચૂપ... મા છું તારી. એમાં પણ તું બાપ વગરની ને હું..." મમ્મી રસોડાની ખુલ્લી બારીમાંથી આવી રહેલી ઠંડી લહેરોને ઊંડા શ્વાસ સાથે લઈને આંખો બંધ કરીને પોતાનો ગુસ્સો કંટ્રોલ કરે છે.

"ચંપાબેનની વાત ખોટી પણ નહતી. હું તને એવું નથી કહેતી કે તું કોલેજમાં રંગ.... મા છું તારી ચિંતા થાય છે ને એટલે પૂછું છું. ના કરે ને કાલે તારી સાથે કંઈ અજુકતું થાય તો લોકો શું વાતો કરશે? કે તેની મા એ શું ધ્યાન આપ્યું?" મમ્મી આટલુ બોલતા જ તે રડવા લાગે છે.

"મમ્મી તને મારા પર વિશ્વાસ નથી. એવું કંઈ હોતને તો તને ક્યારનું એ કહી દીધું હોત." મમ્મીને રડતી જોઈ મારી આંખોમાં પણ આંસુ આવી જાય છે.

ત્યાં જ સોમાકાકાની સાયકલની ઘંટડી વાગે છે. ટ્રીન... ટ્રીન... ટ્રીન...

મમ્મી આંસુ લૂછી ઝડપથી ટિફિન લઈને સોમાકાકાને આપવા જાય છે.

"નીતાબેન બીજા બે ટિફિન બનાવવાના છે તો બનાવશો?" સોમાકાકા ટિફિનની થેલી સાયકલ પર ભરાવતા પૂછે છે.

"ના કાકા આ દસ ટિફિન પણ માંડ માંડ પુરા થાય છે ત્યાં બીજા બે ટિફિન ના... આ દસ ટિફિન બરાબર છે." મમ્મી લોખંડનો ઝાંપો બંધ કરીને રૂમમાં પંખો ચાલુ કરીને ખુરશી પર બેસે છે.

મમ્મીને રોજનું આ એક જ કામ કરતી જોવું છું તો મને પણ ગુસ્સો આવે છે. મમ્મી આજે પહેલીવાર મને ઉંચા અવાજે બોલી કેમ....?? એ તો મે વિચાર્યું જ નહી. મમ્મીએ કોઈ દિવસ મને કોઈ વાતની ખોટ નથી થવા દીધી. મારી મમ્મી તન થી થાકે છે તે તો બધાને ખબર છે. શું તે મનથી પણ થાકતી હશે. જો થાકતી હશે તો તે થાક ઉતારવા શું કરતી હશે? હું તો મારી મનની વાત ફ્રેન્ડ સાથે સોશ્યિલ મીડિયા પર પણ શેર કરું છું પણ મમ્મીને તો કોઈ ફ્રેન્ડ પણ નથી. તો તે મનની વાત કોને કરતી હશે???

મમ્મી આજે ફરીથી ખબર નહિ આંખો બંધ કરીને ક્યા વિચારોમાં ખોવાઈ જાય છે.

                                                                 ક્રમશ :