દીકરો Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

દીકરો

જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમાં પ્રવેશતા જ પહેલા ઓરડામાં પાટી ભરેલા ખાટલામાંથી દરવાજા તરફ નજર રાખીને ડાબે પડખે સુઈ રહેલા શાંતિબા 90 વર્ષની વયે કોઈકનાં આવવાની રાહ જોઈ રહ્યા છે.
“લાલો, મારો લાલો આવશે. હમણાં થોડીકવારમાં આવતો જ હશે.” મરણ પથારીએ પડેલા શાંતિબાનાં મુખમાં ભગવાનનાં નામનાં બદલે આખો દિવસ લાલાનાં નામનું રટણ ચાલતું રહે છે. પણ, ઘરમાં તેમનું આ રટણ સાંભળવાવાળું કોઈ નથી.
“બા..” પાડોશમાં રહેતી દિલીપભાઈ અને કંચનબેનની સાત વર્ષની દીકરી દિયા તેનાં હાથમાં બપોરનાં ભોજનની થાળી લઈને શાંતિબાનાં ઘરમાં પ્રવેશે છે.
“લાલો, મારો લાલો આયો. આવ મારા લાડકવાયા લાલ આવ.” પોતાની ઝીણી આંખે દિયાને દરવાજામાંથી પ્રવેશતી જોઈને પોતાનો દીકરો આવ્યો છે. તેમ સમજી હળવેકથી તે ખાટલામાંથી બેઠા થવાની કોશિશ કરે છે.
“બા..આ લો જમવાનું.” દિયા થાળી લઈને શાંતિબાનાં ખાટલા પાસે આવીને ઉભી રહે છે.
“મારો લાલો આવ્યો? એ જમ્યો? પહેલા એને જમાડ એ ભૂખ્યો હશે.” કાને ઓછું સાંભળતા શાંતિબા પોતાની આંખો પરનાં ચશ્માં સરખા કરી દિયાની હાથમાં ભોજનની થાળી જોઈને પૂછે છે.
સાત વર્ષની દિયા બાનાં લાલા વિશે કંઈ જાણતી ના હોવાથી ભોળાભાવે શાંતિબાની સામે જોઈ રહે છે.
“મારો લાલો આવશે પછી જ હું જમીશ.” શાંતિબાની જીદ સાંભળીને દિયાને તેની મમ્મીએ કહેલી વાત યાદ આવે છે.
“હા તે આવ્યા પણ ખરા અને જમ્યા પણ ખરા. પણ, હાલમાં તેઓ આરામ કરે છે. હવે તમે પણ જમી લો.” મમ્મીએ કહેલી વાત શાંતિબાનાં કાનમાં જોરથી કહીને તે તરત જ ત્યાંથી નીકળી જાય છે.
શાંતિબા દિયાની વાત સાંભળીને રાજી થઈને ધ્રુજી રહેલા હાથે કોળિયો પોતાના મોઢામાં મૂકે છે.
                                                                         ***
“મમ્મી, હું જયારે જયારે શાંતિબાનાં ઘરે જમવાનું આપવા જાવું છું ત્યારે તે બસ ‘મારો લાલો આવ્યો!’, ‘મારો લાલો જમ્યો!’ આવું બધું એકલા એકલા બોલ બોલ કરતા હોય છે. તે આ લાલો વળી કોણ છે?” કંચનબેન દિયાની વાત સાંભળીને મૌન થઈ જાય છે. તેઓ એક નજર દિયાનાં પપ્પા તરફ કરે છે.
“બેટા, શાંતિબા કૃષ્ણ ભગવાનને લાલો કહીને બોલાવે છે. જેમ તારી મમ્મી તને લાડમાં ‘પરી’ કહીને બોલાવે છે. તેમ તે પણ ભગવાનને લાડમાં લાલો કહીને બોલાવે છે.” દિયા તેનાં પપ્પા પાસેથી જવાબ સાંભળી બહાર તેની સખીઓ સાથે રમવા જતી રહે છે. દિયાને બહાર જતી જોઈને દિલીપભાઈની આંખોનાં ખૂણા સહેજ ભીના થઈ જાય છે.
ત્યાં દિલીપભાઈનાં ઘરે સામાજીક કામ અર્થે આવીને બેસેલા રાજુભાઈ અને અશ્વિનભાઈ દિલીપભાઈ અને દિયાની વાત સાંભળીને તેમને એક સવાલ કરે છે.
“હેં દિલીપભાઈ તમારી દીકરી કયાં શાંતિબાની વાત કરે છે? તમારા બા તો...”
“હા મારી બાને સ્વર્ગલોક ગયે તો નવ વર્ષ થયાં. મારી દીકરી જે શાંતિબાની વાત કરે છે.તે અમારા પાડોશી છે. તેમની વાત કંઈક એવી છે કે...” દિલીપભાઈ રાજુભાઈ અને અશ્વિનભાઈને શાંતિબા વિશે વિસ્તારથી વાત કરે છે.
                                                                              ***
શાંતિબા અને નટવરભાઈ. ઘરમાં ફક્ત બે માણસ. નટવરભાઈનાં ઘરે ખાધેપીધે કે પૈસે ટકે કોઈ દુઃખ નહીં. બન્ને સાવ સાદા, ભોળા અને સરળ સ્વભાવનાં સાક્ષાત ભગવાનનાં માણસો. નટવરભાઈ જિલ્લા પંચાયતમાં ક્લાર્કની નોકરી કરીને પોતાનું જીવન પસાર કરતા. જયારે શાંતિબા તો લગ્ન કર્યા ત્યારથી જ ભક્તિવાન. નટવરભાઈ સવારે પોતાનું કર્મ કરવા ઓફિસે જવા નીકળી જાય. ત્યારે શાંતિબા આજુબાજુનાં મંદિરોમાં ધર્મનું પાલન કરવા નીકળી જાય. બન્ને પતિ-પત્ની પોતાની જિંદગી આનંદથી પસાર કરતા. બસ ખાલી તેમના ઘરે ભગવાને ફક્ત એક શેરમાટીની ખોટ રાખેલી કે તેમને કોઈ સંતાન નહોતું.
“સાંભળ્યું કે...” છાપું વાંચવામાં તલ્લીન થઈ ગયેલા નટવરભાઈને ખભે સહેજ ધક્કો દઈને શાંતિબા નટવરભાઈને પોતાની વાત ધ્યાનથી સાંભળવા મજબુર કરે છે.
“હા બોલ શું કામ છે? સાંભળું છું.” નટવરભાઈ છાપું બાજુ પર મૂકીને શાંતિબા સામે નજર ફેરવે છે.
“ગોમતીકાકી કાલે મને શિવજીનાં મંદિરમાં ભેગા થયેલા. તેમને મને કહ્યું કે શ્રાવણ માસમાં જે પતિ-પત્ની એક ટંક ભોજન કરી આખો શ્રાવણ માસ શિવજીની પૂજા કરે. પાંચ ગરીબોને યથાશક્તિ દાન કરે તો શિવજી તેમની તમામ મનોકામના પુરી કરે છે. તો શું તમે મારી સાથે શ્રાવણ માસમાં ઉપવાસ કરશો?” શાંતિબાની આંખોમાં રહેલી અધૂરી મનોકામના સમજી ગયેલા નટવરભાઈ ના નથી પાડી શકતા.
“ઠીક છે. તારી જેવી ઈચ્છા, પણ જમવાનું બે ટંક નહીં થઈ શકે?” નટવરભાઈ શાંતિબા સાથે સહેજ મજાક કરે છે.
શ્રાવણ માસમાં શિવજીની સખત સાધના, ઉપાસના અને ભક્તિ કરી શિવજી પાસે શાંતિબા બસ પોતાના માટે સંતાનસુખની મનોકામના કરે છે.
                                                                                         ***
“નટવરભાઈ તો એજ્યુકેટેડ હતાં અને પૈસે ટકે પણ સુખી હતાં. તો એકવાર શહેરનાં કોઈ સારા ડોક્ટર પાસે તપાસ કરાવી જોઈ હોત તો કદાચ કંઈક રિઝલ્ટ પણ મળી જાત.” અશ્વિનભાઈ દિલીપભાઈની વાત સાંભળીને પોતાનો આધુનિક વિચાર જણાવે છે.
“તમારી વાત સાચી અશ્વિનભાઈ. તેમને ડોક્ટર પાસે પણ બન્નેનાં રિપોર્ટ કરાવેલા અને તમે નહીં માનો બન્નેનાં રિપોર્ટ પણ નોર્મલ આવેલા. એટલે આના પરથી તો એવું જ કહી શકાય કે કુદરતે કદાચ તેમના ભાગ્યમાં સંતાનસુખની રેખા નહીં ખેંચી હોય!” અશ્વિનભાઈ દિલીપભાઈની વાત સાંભળીને મૌન થઈ ગયા.
                                                                                         ***
“ત્રીજા ઘરે રહેતા મંગુબેન છે ને તેમના ભત્રીજાને પણ સંતાનસુખ નહતું, પણ તેમને એક ત્રિકાળજ્ઞાની જ્યોતિષ પાસે જઈને 11000 મંત્રજાપ કરાવ્યાને તો દોઢ વર્ષ પછી તેમનાં ઘરે દીકરો અવતર્યો. એમને મને જ્યોતિષનું સરનામું પણ આપ્યું છે. તો ચાલોને એકવાર આપણે પણ..” શાંતિબા નટવરભાઈને પોતાની વાત મનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
શાંતિબાનું મન વાંચી ચૂકેલા નટવરભાઈ પોતાની પત્નીને ખુબ પ્રેમ કરતા હતા. તેઓ તેને નિરાશ કરવા માંગતા નહતાં. આમ પણ આખા ઘરમાં તેમની પાસે માંગવાવાળું જો કોઈ હોય તો તે તેમની પત્ની શાંતિબા જ હતાં. આમ તો તેઓ આ જ્યોતિષ, તાંત્રિક કે ભુવામાં માનતા નહતાં, પણ પોતાની પત્ની માટે તૈયાર થઈ ગયેલા.
“ઠીક છે. આવતા રવિવારે જ્યોતિષને મળવા જઈશું.” નટવરભાઈનો જવાબ સાંભળીને શાંતિબા ખુશ થઈ જાય છે.
જ્યોતિષ પાસે તપ-જપને બીજી અન્ય વિધિ કરાવી જોઈ પણ તેમને કંઈ પરિણામ મળતું નહતું. છતાંય શાંતિબાનો ભગવાન-માતાજી પરથી વિશ્વાસ ડગમગ્યો નહતો.
આમને આમ, શાંતિબા પણ એક ઉંમર વટાવી ચુક્યા હતાં. 52 વર્ષની ઉંમરે પહોંચેલા શાંતિબાને ખબર હતી કે સ્ત્રીની એક ઉંમર હોય છે અને તે ઉંમર વીતી જાય પછી ગર્ભધારણ કરવો એ અશક્ય છે. તે પોતે તે ઉંમર વટાવી ચુક્યા હતાં, પણ તેમના મનમાં હજુએ મા બનવાનાં કોડ જાગતા હતાં. કચ્છથી માંડીને કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી કોઈ દેવસ્થાન એવું નહીં હોય જ્યાં શાંતિબા અને નટવરભાઈએ બાધા, આખડી કે માનતા નહીં રાખી હોય. કોઈ ભુવો, તાંત્રિક કે જ્યોતિષ નહીં હોય જેની પાસે જઈ દોરા-ધાગા, તપ-જપ કે વિધી નહીં કરાવી હોય, પણ ભગવાને મારેલા લેખમાં કોણ મેખ મારી શકે.
નટવરભાઈએ તો સ્વીકારી પણ લીધેલું કે જે આપણા ભાગ્યમાં નથી તેની ભીખ માંગીને શું ફાયદો, પણ ભગવાન પ્રત્યેય અતૂટ શ્રદ્ધા ધરાવતા શાંતિબાને અતૂટ વિશ્વાસ કે એક દિવસ મારો ભગવાન મારી લાજ રાખશે.
“હવે ક્યાં સુધી આ મંદિર-મહાદેવ ફર્યા કરીશ. હવે તો ઉંમર પણ વીતી ગઈ છે. આપણા ભાગ્યમાં સંતાનસુખ નહીં હોય તે વાત હવે તારે સ્વીકારી લેવી જોઈએ.” નિવૃત થયેલા નટવરભાઈ શાંતિબાને હકીકતથી રૂબરૂ કરાવે છે.
“તમે સ્વીકારી લો. મારે નથી સ્વીકારવી. મને મારા ભગવાન અને માતાજી પર પુરેપુરો ભરોસો છે. તે મારી વાત જરૂરથી સાંભળશે.” શાંતિબા ભગવાન પ્રત્યેય પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે.
                                                                                ***
“તો શું ભગવાને તેમની વાત સાંભળી?” રાજુભાઈ દિલીપભાઈને પૂછે છે.
“એ ભગવાન છે. સાંભળે તો સૌનું છે પણ...” દિલીપભાઈની આંખો સહેજ ભીંજાય જાય છે.
                                                                               ***
“મેડિકલ સાયન્સમાં આ ઉંમરે મા બનવું તો અશક્ય છે. પણ, આ તો શાંતિબાની અતૂટ ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસનું ફળ છે કે તમે 66 વર્ષની ઉંમરે પિતા બન્યાને ભગવાને તમારા ઘરે દેવ જેવો દીકરો દીધો. અભિનંદન નટવરભાઈ.” શાંતિબાનાં અતૂટ વિશ્વાસ, ભક્તિ અને કોઈ દેવીકૃપાનાં આશીર્વાદથી શાંતિબાની 60 વર્ષની ઉંમરે જન્મેલા દીકરા માટે ડોક્ટર નટવરભાઈને અભિનંદન પાઠવે છે.
નટવરભાઈ અને શાંતિબાને હરખનો કોઈ પાર નથી.કેમ ન હોય! આખી જિંદગી જે મંદિર-મહાદેવનાં પગથિયાં ઘસવામાં કાઢી નાખી. તે ભક્તિનાં પ્રસાદરૂપે ભગવાન-માતાજીએ દેવ જેવો દીકરો દીધો હોય તો એ મા બાપને કેટલો હરખ હશે. તે તો તે મા-બાપનું હૈયું જ જાણે.
આખા ગામમાં કોઈ ઘર બાકી નહીં રાખ્યું હોય. જ્યાં આ દંપતીએ દીકરાની જન્મની ખુશીમાં પેડાંની વહેંચણી નહીં કરી હોય.
“આનું નામ શું પાડીશું?” નટવરભાઈ શાંતિબાને પૂછે છે.
“દેવ”
“દેવ! પણ, રાશિ તો તુલા છે.” નટવરભાઈએ હાથમાં રહેલી જન્મકુંડળી જોઈને શાંતિબાને કહ્યું.
“રાશિ ભલે ગમે તે હોય. પણ, દેવનો દીધેલ છે. એટલે દેવ.” શાંતિબાનાં ચહેરા પર હરખ છલકાઈ રહ્યો છે.
“ઠીક છે. તને ગમ્યું એટલે તારા ભગવાનને ગમ્યું.” નટવરભાઈ ‘દેવ’ નામ સાથે સહમત થઈ જાય છે.
વર્ષો પછી દેવે દીધેલ દીકરાને શાંતિબા અને નટવરભાઈ પુરા લાડકોડથી ઉછેરે છે. દેવ પાણી માંગે તો દૂધ મળે, દૂધ માંગે તો અમૃત મળે. દેવનાં મોઢામાંથી કોઈ વસ્તુ માટે શબ્દ નીકળે ત્યાં તો તે વસ્તુ હાજર થઈ જાય. તેવી તમામ સુખસુવિધા સાથે નટવરભાઈ અને શાંતિબા દેવનો ઉછેર કરે છે. શાંતિબાનાં મોઢામાં હવે ભગવાનનું નામ કરતા દેવનું નામ વધુ હોય છે. તે દેવને લાડમાં ‘લાલો’ કહીને બોલાવે છે.
દિવસે દિવસે દેવ મોટો થતો જાય છે. તેમ નટવરભાઈ અને શાંતિબાની ઉંમર પણ વધતી જાય છે. દેવ 20 વર્ષનો થયો હશે ત્યાં જ 86 વર્ષનાં નટવરભાઈ આ સંસારમાંથી કાયમને માટે વિદાય લઈ લે છે.
80 વર્ષની ઉંમરે પહોંચેલા શાંતિબા દેવને ભણાવવામાં કોઈ કસર નથી રાખતા. દેવ પણ તેમનાં આપેલા સંસ્કાર, સિંચન સાથે સારુ શિક્ષણ મેળવી પ્રોફેસર બને છે. શાંતિબાને હરખનો પાર નથી રહેતો.
દેવ દેખાવે પણ દેવરૂપ જેવો હોવાથી અને સારી નોકરી હોવાથી સમાજમાં તેને લાયક સુકન્યા પણ મળી રહે છે. ઘરમાં દેવ અને તેની પત્ની દેવીલા અને શરીરથી થાકી ગયેલા, કાને ઓછું સાંભળતા અને પથારીવશ થયેલા શાંતિબા રહેતા હતાં.
સમય જતાં દેવનાં ઘરે પણ એક દીકરી અને દીકરાનો જન્મ થાય છે. પથારીવશ થયેલા બિમાર શાંતિબા હવે દેવની પત્ની અને દેવને આંખમાં કણાંની જેમ ખૂંચવા લાગ્યા હતાં.
“દેવ આ ઘરડી ડોશીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. આપણી ઈજ્જતની પથારી ફેરવી નાખી છે.” નોકરીથી છૂટીને ઘરે આવેલા દેવ પર દેવીલા અગનવર્ષાની જેમ વર્ષી પડે છે.
“પાછું શું કર્યું ડોશીએ?”
“આજે આપણા ઘરે મેં કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું હતું. બધાં પાર્ટી એન્જોય કરતા હતાને આ ડોશી પથારીમાં બેઠા બેઠા મને ઓર્ડર કરતી હતી. ‘વહુ બેટા ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપજે. કાલનું કંઈ ખાધું નથી.’ એ પણ બધાં સાંભળતા હતાં તેમ ઉંચા અવાજે. હવે તું જ કહે કે બધાની વચ્ચે આપણી ઈજ્જત કેવી જાય.” દેવીલાને શાંતિબા હવે ભારે પડવા લાગ્યા હતાં.
“મારો લાલો આવ્યો... બેટા તું જમ્યો!” દેવને પોતાની પથારી પાસે ઉભેલો જોઈને શાંતિબાનો માતૃત્વનો પ્રેમ છલકાઈ જાય છે.
“સાલી ડોશી.. હું લાલો નથી હવે. સમાજમાં, સોસાયટીમાં પણ મારી ઈજ્જત છે. લોકો મને દેવકુમારનાં નામથી ઓળખે છે. ને તું મારી...” દેવ પોતાની 90 વર્ષની મા ઉપર બેલ્ટ વડે રાક્ષસની જેમ તૂટી પડે છે. ઢોરમાર મારતો હોય તેમ મારવા લાગે છે. દેવ હવે દેવ નહતો રહ્યો પણ દાનવ બની ગયો હતો, પણ શાંતિબાને માટે તો તે હજુએ તેમનાં કાળજાનો કટકો, લાડકાવાયો લાલો જ હતો.
પુત્ર અને પુત્રવધુનાં મારને પણ હસતા મોંઢે સહન કરતી માનો પ્રેમ દીકરા પ્રત્યેય સહેજ પણ ઓછો નહતો થયો.
શાંતિબાની વધતી ઉંમર અને તેમનું કથળાયેલું શરીર તેમની લાચારી બની ગયું હતું.
તેવામાં કોરોનાએ શાંતિબાથી છુટકારો મેળવવા દેવ અને દેવીલાનાં હાથમાં વણમાંગ્યું કારણ આપી દીધું.
“દેવ આ પથારીમાં સડી રહેલી ડોશીને જો કોરોના થયો તો આ ડોશી તો જશે સાથે આપણને ચારેને પણ તેની સાથે લેતી જશે.” દેવીલાની વાત સાંભળીને દેવ તરત જ શાંતિબાનાં કપડાં અને સામાન પેક કરી શાંતિબાને તેમનાં ગામનાં જુના ઘરમાં એકલા મૂકીને જતો રહે છે.
                                             ***
દિલીપભાઈની વાત સાંભળીને રાજુભાઈ અને અશ્વિનભાઈની આંખો ભીંજાઈ ગઈ છે.
“તો પછી એ માજીની સંભાળ કોણ રાખે છે? એમને બે સમયનું જમવાનું, દવાદારૂ..” અશ્વિનભાઈ આટલું પૂછતાં ભાવુક થઈ જાય છે.
“ગામનાં સેવાભાવી લોકો દવાદારૂ આપી જાય છે અને આડોશપાડોશનાં લોકો વારાફરતી બે સમયનું જમવાનું શાંતિબાને આપતાં રહે છે.” દિલીપભાઈની વાત સાંભળીને રાજુભાઈ અને અશ્વિનભાઈ મૌન થઈ જાય છે.
“તેમનો દીકરો કે વહુ જોવા પણ નથી આવતા અને કોઈ ગામમાંથી ફોન કરે તો પણ નથી ઉપાડતા.” કંચનબેન પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં જ દિયા દોડતી દોડતી આવે છે.
“શું થયું પરી? કેમ આટલી હાંફે છે?” કંચનબેન દિયાને હાંફતી જોઈને પૂછે છે.
“મમ્મી... મમ્મી... શાંતિબા બહુ બીમાર છે. ચાલ..” દિયાની વાત સાંભળતા જ દિલીપભાઈ, રાજુભાઈ, અશ્વિનભાઈ અને કંચનબેન દોડીને શાંતિબાનાં ઘરે પહોંચી જાય છે.
આડોશપાડોશનાં લોકો ભેગા થયેલા છે. ખાટલામાં પડેલા શાંતિબાનાં છેલ્લા શ્વાસ જોર જોરથી ચાલી રહ્યાં છે. જીવનની છેલ્લી ક્ષણો ગણી રહ્યાં છે.
“માજી તમારે તમારા દીકરાને કે કોઈને કહી કહેવું હોય તો કહો. તમારી કોઈ ઈચ્છા...” પાડોશમાં રહેતા નાથુકાકા શાંતિબાનાં કાનમાં જઈને પૂછે છે.
જૈફ ઉંમરનાં કારણે પોતાનો ધ્રુજી રહેલો હાથ શાંતિબા તેમનાં ખાટલાની અડકીને ઉભેલી દિયા તરફ લાંબો કરી અને જીવનનો છેલ્લો ઉંડો શ્વાસ લઈને કહે છે કે “ભગવાને મને 60 વર્ષે આપ્યો આપ્યોને દીકરો આપ્યો આનાં કરતા તો દીકરી આપી હોતને તો મારી આ દશા ના આવી હોત.”
શાંતિબાનાં છેલ્લા શબ્દો સાંભળી ત્યાં હાજર સૌ કોઈની આંખો છલકાઈ જાય છે.