SCENE 6
[ સ્ટેજ ઉપર લાઈટ આવે છે વિરેન ફોન પર વાત કરી રહ્યો છે]
વિરેન - ના મનનભાઈ અત્યારે નહીં તમે ટેમ્પો બપોર પછી મોકલાવજો ન ફાવે તો કાલે મોકલાવજો આજે પપ્પા ઘરે આવવાના છે તો એમને મળીને પછી દુકાન ખોલીશ . આજનો દિવસ જરા સંભાળી લો . હા હા જરૂર પપ્પાને ચોક્કસ તમારી યાદ આપીશ બાય . કપિલા ક્યાં છે તું યાર ?
[ કપિલા ચા લઈને આવે]
કપિલા - આવી આવી લો ચા પીવો અને મગજ જરા શાંત રાખો.
વિરેન - શું કપાળ શાંત રાખુ. મારા તો ધબકારા વધેલા છે . પપ્પાનો સામનો કેવી રીતે કરીશ ? પપ્પાને શું કહીશ ? એ મમ્મી વિશે પૂછશે તો હુ શું જવાબ આપીશ ? કાંઈ ગડબડ થઈ ગઈ અને પપ્પાને ખબર પડી ગઈ તો મોટી મુસીબત થઈ જશે યાર.
કપિલા - તમે પહેલા બેસી જાઓ અને ઊંડા ઊંડા શ્વાસ લો બધુ બરાબર થઈ જશે . આ તમારી ગભરામણને લીધે પરમભાઈ ને એમને લેવા મોકલ્યા છે . તમે વધુ બોલતા જ નહીં આ ફોન ઉપર બીઝી રહેજો . તમારા ધંધાની વાતો કર્યા કરજો બધું બરાબર થશે .
[ નીલમ આવે]
નીલમ - શું ભાઈ તું આટલો નર્વસ થાય છે. જો ચિંતા ના કર આમ પણ બે ચાર દિવસમાં તો આપણે એમને જણાવ્વુ જ પડશે . બસ એકવાર ઘરે આવી જાય અને આપણને લાગે કે એકદમ સારા થઈ ગયા છે ત્યારે જણાવી દેશુ . ત્યાં સુધી તું થોડી હિંમત રાખ.
કપિલા - નીલમબેન તરફ જુઓ એ કેટલી હિંમત બતાવી રહ્યા છે.
વિરેન - અરે એ તો પેહલેથી હિમતવાળી છે પપ્પા સામે તો મારિજ બોલતી બંધ થઈ જાય છે . રસોઈ થઈ ગઈ ? પપ્પાનું ભાવતું બનાવ્યું છે ને ?
કપિલા - બધી રસોઈ થઈ ગઈ છે. પપ્પાએ કાલે ફોન પર જ કહ્યું હતું ભરેલા ભીંડા નું શાક બનાવવાનું . એ પણ તૈયાર છે . એ આવે એટલે બધા સાથે બેસી જજો . ગરમાગરમ રોટલી બનાવી આપીશ અને થોડું હસતું મોઢું રાખજો. પપ્પા સાજા થઈને પાછા આવી રહ્યા છે શું એ વાત ખુશ થવા માટે પૂરતી નથી .
[વિરેનના ચહેરા પર હલકી સ્માઈલ આવે ડોરબેલ વાગે નીલમ દરવાજો ખોલવા જાય પરમ બેગ સાથે અંદર એકલો આવે ]
વિરેન - પપ્પા આવી ગયા . બધા હસતું મોઢું રાખજો.
કપિલા - અમારું મોઢું હસતું જ છે . તમે જ ચિંતામાં દેખાવો છો
નીલમ - પપ્પા ક્યાં છે ?
પરમ - આ બેગ લે ને એમની રૂમમાં મૂક . એ નીચે બિલ્ડીંગના સેક્રેટરી જોડે વાતે ચડયા છે.
વિરેન - શું બોલે છે ?
પરમ - હું શું બોલું છું ? આવા દે પપ્પા ને . તમારા બધાની બોલ્તી બંધ થઈ જવાની છે . અને પછી હું જોઉં છું તમે શું બોલો છો ?
કપિલા - પરમભાઈ સમજાય એવું બોલોને.
પરમ – ભાભી મને કાંઈ સમજાય તો હું તમને સમજાવી શકું . થોડી રાહ જુઓ હમણાં આવે જ છે અને પછી તમને કાંઈ સમજાય તો મને સમજાવજો.
[ પપ્પાની એન્ટ્રી થાય શોર્ટ્સ અને ટીશર્ટ અને આંખો પર ગોગલ્સ કોઈ ઓળખી ના શકે કે આ એમના જ પપ્પા છે બોલીવુડ સોંગ બેગ્રાઉન્ડમાં વાગે " અરે દીવાાનો મુુુ જે પેહચાનો કહાાં સે આયા મેં હું કોન " પપ્પા ને જોઈ બધાની આંખો મોટી થઈ જાય]
જયંત - હેલ્લો એવરીબડી કેમ છો બધા ? મને મિસ કરતા તા ને ?
વિરેન - આ આ શું છે પપ્પા ?
જયંત - કેમ શું થયું ફાટેલું છે ?
વિરેન - ના ફાટેલું નથી પણ આ કોના કપડા છે?
જયંત - મારા જ છે . જતીન પાસે મંગાવ્યા . આ ગોગલ્સ પણ બહાર ખૂબ તડકો છે . ટોપી પણ મંગાવી હતી પણ નાની સાઈઝ હતી એટલે ચેતન ને આપી દીધી એનું માથું નાનું છે .
વિરેન - આ ચેતન કોણ છે ? આ જતીન કોણ છે ?
જયંત - ના તું નથી ઓળખતો . મારા નવા મિત્રો છે . ત્યાં સ્કૂલમાં જ્યાં તમે મને એડમીટ કર્યો હતો. તુ નાનો હતો ત્યારે મે તને સ્કુલ મા એડમીટ કર્યો હતો મોટા થઈ ને તે મને સ્કુલમા એડમીટ કર્યો આને કેહવાય કર્મચક્ર . ત્યાં મેં 12 નવા મિત્રો બનાવ્યા છે . અને નવી સ્કુલ માથી હુ ગણુ નવુ શીખી ને આવ્યો છુ એટલે મને બાગાની જેમ જોયા ના કરો . બહારથી આવ્યો છું પાણીનું તો પૂછો .
કપિલા - હા હા હા હા પપ્પા પાણી લઈ આવું તમે બેસો.
જયંત - ઓ હેલો મારી પત્ની ક્યાં છે ? દેખાતી નથી ? અંદર આરામ કરે છે ? એ મજામાં છે ને ?
પરમ - પપ્પા એમાં એવું છે કે મમ્મીને હજી રજા નથી આપી .
જયંત - કેમ અરે 15 દિવસમાં તો બધાને રજા મળી જ જાય છે . એકવાર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી અઠવાડિયામાં રજા આપે છે . ગયા સોમવારે મેં તને પૂછ્યું હતું ત્યારે તો તે કહ્યું મમ્મીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે . તો પછી હજી રજા કેમ નથી આપી . તુ ડોક્ટર ને ફોન લગાડ હું વાત કરું છું.
નીલમ - ના પપ્પા મમ્મીને ડાયાબિટીસ વધારે છે એટલે રિકવરીમાં ટાઈમ લાગી રહ્યો છે. ડોક્ટરે કહ્યું છે કે હજી બે ત્રણ દિવસ માં એકદમ સારા થઈ જશે પછી રજા આપશે.
[ કપિલા પાણી લાવે પપ્પા પાણી પીવે અને નીલમ તરફ સ્માઈલ આપી જુએ ]
જયંત - તું કેમ છે બેટા ? ઓફિસ હજી ચાલુ નથી થઈ ?
નીલમ - હા એટલે અત્યારે તો વર્ક ફ્રોમ હોમ જ ચાલે છે .
જયંત – વિરેન તુ કેમ શાંત ઉભો છે ? દુકાને નથી ગયો ? મને લાગ્યુ તુ દુકાને હોઇશ એટલે લેવા ના આવ્યો .
વિરેન – હા એટલે દુકાને ગયો હતો પણ એક પેમેંટ કરવા નુ હતુ તો પૈસા લેવા આવ્યો હતો .
જયંત – કેમ ચાલે છે કામ્કાજ કોઇ ટેન્સન તો નથી ને ?
વિરેન – ના ના કોઇ ટેન્સન નથી .
જયંત – તારા ચેહરાથી એવુ લાગે છે કે ટેન્સનમા છે . જો જરાય ટેનસન લેવાનુ નહિ . થાય એટ્લુ કરવા નુ. સમજ્યો ? આ અળધી બિમારિઓ તો ટેનસન કરવાથી થાય છે . ખુશ રેહવાનુ એટલે બિમારિઓ ભાગી જાય .
વિરેન – ના પપ્પા આ તો તમારિજ ચિંતા હતી એટલે ......
જયંત – સારુ હવે ચિંતા ના કર હુ એક્દમ ફિટ છુ. વહુ બેટા જમવાનું તૈયાર છે ને ? ત્યાં પણ જમવાનું સારું હતું . પણ તારા હાથ જેવું નહીં . હું ફટાફટ નાહિ ને આવું છું પછી જમવા બેસીએ. કેરી કાપી છે ને ?
કપિલા - ના પપ્પા આ વખતે બધાની તબિયત સારી નહોતી . તમે અને મમ્મી હોસ્પિટલમાં હતા એટલે કોઈએ કેરી નથી ખાધી મંગાવી જ નથી.
જયંત - અરે એવું હોતું હશે . તારી મમ્મીને ખબર પડશે કે એની તબિયત ને લીધે તમે લોકોએ કેરી નથી ખાધી તો મારું આવી બનશે . વિરેન તું ફોન કરીને ઓર્ડર આપ હું નાહિ ને આવું છું.
[ જયંત એમના રૂમમાં જાય બધા એકબીજા સામે જોયા કરે]
પરમ - હવે બોલો સમજાયું કાંઈ ?
કપિલા - પપ્પાનો વહેવાર સાવ બદલાઈ ગયો છે .
પરમ – લાગે છે હોસ્પિટલ્મા બાળક બદલાઇ જાય એમ પપ્પા બદલાઇ ગયા છે . મને લાગે છે હુ બિજા કોઇ ના પપ્પા લઈ આવ્યો છુ .
નીલમ - જીભમાં હાડકું નથી એટલે કાંઈ પણ બોલવાનું.
વિરેન - પણ પપ્પા આવું કેમ બિહેવ કરી રહ્યા છે ?
નીલમ - અરે હશે કાઇ. હમણાં આવે એટલે પૂછી લઈશું . ભાભી ચાલો આપણે જમવાની તૈયારી કરીએ.
કપિલા - ચાલો મને પણ કંઈ સમજાતું નથી . પણ જમતા જમતા વાત કરશું.
વિરેન – પરમ પપ્પા આટલા ખુશ છે. ને આપણે અત્યારે એમને મમ્મીના સમાચાર આપશુ તો ?
પરમ - ઓ ભાઈ તારું ખસી ગયું છે . પપ્પાની એકવાર એન્જો પ્લાસ્ટી થઈ ગઈ છે. આઘાત સહન ન કરી શક્યા તો લેવાના દેવા પડી જશે . તું હમણાં ચૂપ જ રહેજે જેમ ચાલે છે એમ ચાલવા દે . એમને વિશ્વાસ થઈ ગયો છે કે મમ્મી હજી હોસ્પિટલમાં છે અને બે ચાર દિવસમાં આવશે . ત્યાં સુધી કોઈને કોઈ રસ્તો નીકળશે .
વિરેન - મમ્મી સાથે વાત કરાવો એમ કહેશે ત્યારે શું જવાબ આપશો ?
પરમ - અરે કહી દેશું ત્યાં ફોન એલાઉડ નથી . અમે રોજ સાંજે મમ્મીને હોસ્પિટલ માં મળવા જઈએ છીએ . અને એ તો અત્યારે સાજા થયા છે એટલે હોસ્પિટલ વાળા એમને તો એલાઉડ કરશે નહીં. તું ખાલી ચૂપ રેહ જે અને મારી હા માં મેળવ જે હું બધું સંભાળી લઈશ.
[ પપ્પા કપડાં બદલીને આવે છે]
જયંત - આવો જમી લઈએ . કેરી મંગાવી ?
[ નિલમ અને કપિલા ડિશ ગોઠ્વતા હોય ]
વિરેન - પપ્પા કેરી તો સાંજે આવી જશે . હજી બધું જોઈએ એવું ખોલ્યું નથી.
જયંત - શું વાત કરે છે ? દારૂની દુકાનો ખુલી ગઈ અને કેરીની દુકાન બંધ છે . તુ આપણા ભૈયા ને ફોન લગાડ એ મોકલાવશે હવે તો બધું પાટા પર આવી રહ્યું છે.
પરમ - મને લાગે છે પપ્પા બે પેક લગાવીને આવ્યા છે.
જયંત - તમે લોકો શું ખુશ્પુસ કરી રહ્યા છો મોટેથી બોલો .
પરમ - ના પપ્પા એટલે એમાં એવું છે કે બધાને થોડી ચિંતા થઈ રહી છે . એટ્લે તમે મોગેમ્બો માથી મોગલી બનીગયા હોય એવુ તમારું વર્તન થોડું બદલાયું લાગે છે એની જ ચર્ચા ચાલે છે .
જયંત – બસ થોડું બદલાયું લાગે છે ? અરે હુ તો પુરો બદલાઇ ગયો છુ .બધા આવો બેસો તમને સમજાવુ . આમાં થયું એવું કે મરવા ગયો હતો અને જીવન જીવતા શીખીને પાછો આવ્યો. ન સમજાયુ ? બેટા આખી જિંદગી જે રીતે હું જીવ્યો એ વાત ઉપર મને મારી જ દયા આવે છે . વર્ષો પહેલા ગામથી જ્યારે અહીં રોટલા માટે આવ્યો હતો ત્યારથી દોડી જ રહ્યો છું . ઉભા રહીને શાંતિથી ક્યારે શ્વાસ લીધો હતો યાદ નથી . આ બીમારીએ જ્યારે આંખ સામે મોત લાવીને મૂક્યું ત્યારે યાદ આવ્યું કે જીવવાનું તો રહી જ ગયુ. દુકાન કરવી છે, ઘર કરવું છે,, છોકરાઓને ભણાવવા છે , પગે ઉભા કરવા છે, દીકરીને પરણાવી છે એના લગ્ન માટે પૈસા ભેગા કરવા છે. આ સંસારિક જવાબદારીને પૂરી કરવી એ જિંદગી બનાવી લીધી હતી. પણ હવે બસ . પપ્પા આજથી રિટાયર થયા છે. આ બધું નોર્મલ થાય એટલે હું અને તારી મમ્મી કુલ્લુ મનાલી ફરવા જશુ એને બરફ ખૂબ ગમે છે . મને જ્યારે પણ કહે કે ચાલો બરફ જોવા જઈએ એટલે હું કહેતો ફ્રીજ ખોલીને જોઈ લે. મારી બધી વાતો હસતા મોઢે માની લે છે. એનું પ્લેનમાં પણ બેસવાનું બાકી છે એટલે આ વખતે તું ફ્લાઇટની ટિકિટ કરાવજે. અને હા દુકાન ની પૂરી જિમ્મેદારી આજથી તારી . પોતાના નિર્ણયો પોતે લો શીખો અને આગળ વધો . હા ક્યારેક મારી મદદ જોઈએ તો હું તો અહીંયા જ છું . એક વાત યાદ રાખજે મારા જેવો ના થઈ જતો . સમય કાઢી ઉભો રહેજે અને શ્વાસ લેજે . જીવન ને માણજે . આ ઓક્સિજન ઘટી ગયું ત્યારે સમજાયું કે એક એક શ્વાસ કેટલો કીમતી છે . અરે હવે બહુ ઈમોશનલ ન થઈ જાઓ ચાલો જમી લઈએ ભુખ લાગી છે .
[ બધા પપ્પાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા વિરેન પપ્પા ને ભેટી પડે.]
જયંત – અરે એ આ શુ કરે છે ?
વિરેન – પપ્પા હુ ડરી ગયો હતો જો તમને કાઇ થઈ જાત તો . ...
જયંત – એ ગાંડા જો હુ એક્દમ સાજો છુ આ સમય દુ: ખી થવાનો નહિ ખુશ થવાનો છે .આ તારી મમ્મી એ મારા માટે આટ આટ્લા વ્રત કર્યા છે મને કાઈ નથી થવાનુ . ચાલો હવે જમી લઈયે નહિ તો મને ચક્કર આવશે .
[ બધાની આંખો ભીની હતી કોઈ કંઈ જ બોલી શકયુ નહિ સેડ મ્યુઝિક સાથે બ્લેક આઉટ ]
ભાગ ૬ સમાપ્ત