નારદ પુરાણ - ભાગ 42 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 42

સનત્કુમાર બોલ્યા, “શુકદેવ, શાસ્ત્ર શોકને દૂર કરે છે; તે શાંતિકારક તથા કલ્યાણમય છે. પોતાના શોકનો નાશ કરવા માટે શાસ્ત્રનું શ્રવણ કરવાથી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થવાથી મનુષ્ય સુખી તથા અભ્યુદયશીલ થાય છે. શોક અને ભય પ્રતિદિન મૂઢ માણસો પર પોતાનો પ્રભાવ પાડે છે, વિદ્વાન પુરુષો આગળ તેમનું જોર ચાલતું નથી. અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો જ અપ્રિય વસ્તુનો સંયોગ અને પ્રિય વસ્તુનો વિયોગ થવાથી મનમાં ને મનમાં દુઃખી થાય છે. જે વસ્તુ ભૂતકાળના ગર્ભમાં છુપાઈને નષ્ટ થઇ ગઈ હોય તેના ગુણોનું સ્મરણ ન કરવું જોઈએ કારણ કે જે આદરપૂર્વક તેના ગુણોનું ચિંતન કરે છે, તે તેની આસક્તિના બંધનથી મુક્ત થવા પામતો નથી. જેમાં ચિત્તની આસક્તિ વધવા લાગે તેમાં જ દોષદૃષ્ટિ કરવી જોઈએ ને તેનાથી અનિષ્ટ વધે છે એમ જાણવું જોઈએ.

        આમ કરવાથી તેના પ્રત્યે શીઘ્ર વૈરાગ્ય પેદા થઇ જાય છે. વીતી ગયેલી વાત માટે શોક કરનારને ધર્મ, અર્થ અને યશની પ્રાપ્તિ થતી નથી. ભૂતકાળમાં મરણ પામેલી કોઈ વ્યક્તિ અથવા નષ્ટ પામેલી કોઈ વસ્તુ માટે નિરંતર શોક કરનારો મનુષ્ય એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થાય છે. કદી કોઈ શારીરિક અથવા માનસિક આવી પડેલા દુઃખને દૂર કરવા માટે ઉપાય કામ ન લાગે તો તે માટે ચિંતા ન કરવી જોઈએ. તેનું વારંવાર ચિંતન ન કરાય એ તે દુઃખને દૂર કરવાની સારામાં સારી દવા છે. દુઃખનો વિચાર કરવાથી તે ઘટવાને બદલે વધ્યા જ કરે છે. તેથી માનસિક દુઃખને બુદ્ધિના વિચારથી અને શારીરિક કષ્ટને ઔષધના સેવનથી નષ્ટ કરવું જોઈએ.

        દુઃખ આવી પડે ત્યારે બાળકની જેમ રડવું એ યોગ્ય નથી. રૂપ, યૌવન, જીવન, ધનસંગ્રહ, આરોગ્ય તથા પ્રિયજનોનો સહવાસ- આ સર્વ અનિત્ય છે. વિદ્વાન વ્યક્તિએ તેમાં આસક્ત થવું એ અયોગ્ય છે. આવેલા સંકટને ટાળવાનો કોઈ ઉપાય હોય તો શોક છોડીને તે ઉપાય કરવો જોઈએ. જીવનમાં સુખ કરતાં દુઃખ જ વધારે હોય છે એ વિષે સંદેહ નથી. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ-આ દુઃખ મોટાં છે તેથી પોતાના પ્રિય આત્માનો ઉદ્ધાર કરવામાં લાગી જવું.

        તૃષ્ણાથી વ્યથિત, દુઃખી તેમ જ લાચાર થઈને જીવવાની ઈચ્છા રાખનાર મનુષ્યનું શરીર પ્રતિક્ષણે વિનાશ પામી રહ્યું છે. જેવી રીતે નદીનો પ્રવાહ આગળ ને આગળ જ વધ્યા કરે છે, પાછળ ફરતો નથી, તેવી જ રીતે રાત અને દિવસ પણ મનુષ્યોના આયુનું અપહરણ કરતાં રહી એક પછી એક વીતતાં જાય છે. જીવે કરેલા કર્મોનું ફળ જો પરાધીન ન હોત તો તે જે કામના કરત તે પૂરી થઇ જાત. સંયમી, ચતુર અને બુદ્ધિમાન મનુષ્યો પણ પોતાના કર્મોના ફળથી વંચિત થતા જોવામાં આવે છે તથા ગુણહીન, મૂર્ખ અને નીચ પુરુષો પણ કોઈના આશ્રીવાદ વિના જ સમસ્ત કામનાઓથી સફળ થયેલા જોવામાં આવે છે. સદા પ્રાણીઓની હિંસામાં વ્યસ્ત અને સંસારમાં છળકપટ કરતો મનુષ્ય પણ ક્યારેક સુખી હોવાનું જોવામાં આવે છે. કેટલાક એવા મનુષ્યો પણ છે જેઓ કોઈ કામ ન કરતાં હાથપગ જોડીને બેસી રહે છે, તોપણ તેમની પાસે લક્ષ્મી આપમેળે પહોંચી જાય છે; જયારે કેટલાક મનુષ્યો અવિરત પ્રયત્નો છતાં મનગમતી વસ્તુ પ્રાપ્ત કરી શક્તા નથી.

        આ વિષે મનુષ્યનું પ્રારબ્ધ જ મુખ્ય હેતુ છે. વીર્ય અન્યત્ર પેદા થાય છે ને અન્યત્ર જઈને સંતાન ઉત્પન્ન કરે છે. કેટલાક મનુષ્યો પુત્ર-પૌત્રાદિની ઈચ્છા રાખીને તે મેળવવા માટે યત્ન કરે છે, તોપણ તેમને સંતાન થતું નથી. જયારે કેટલાય મનુષ્યો સંતાનને ક્રોધે ભરાયેલો કાળો નાગ સમજીને હંમેશાં ડરતા રહે છે તોપણ તેમને ત્યાં દીર્ઘજીવી પુત્ર ઉત્પન્ન થાય છે.

        સુખ અને દુઃખ-બંનેની ચિંતાને છોડી દેનારો અવિનાશી બ્રહ્મને પ્રાપ્ત થાય છે અને પરમ આનંદનો અનુભવ કરે છે. ધનના ઉપાર્જનમાં ઘણું કષ્ટ થાય છે, તેને સાચવવામાં પણ સુખ નથી તેમ જ તેનો વ્યય કરવામાં પણ કલેશ જ થાય છે, તેથી ધનને પ્રત્યેક દશામાં દુઃખદાયક સમજીને તે નષ્ટ થાય તો તેના વિષે ચિંતા કરવી જ જોઈએ. મનુષ્ય ધનનો સંગ્રહ કરતો રહીને પહેલાંના કરતાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી પણ કયારેય તૃપ્ત થતો નથી અને વધુ ધન કમાવાની આશા સાથે મૃત્યુનું વરણ કરે છે, તેથી વિદ્વાન પુરુષો હંમેશાં સંતુષ્ટ રહે છે.

        સંગ્રહનો અંત છે વિનાશ. સાંસારિક ઐશ્વર્યની ઉન્નતિનો અંત છે તે ઐશ્વર્યની અવનતિ. સંયોગનો અંત છે વિયોગ અને જીવનનો અંત છે મરણ. તૃષ્ણાનો કયારેય અંત થતો નથી. સંતોષ જ ઉત્તમ ધન છે. જ્યાં પોતાનું શરીર જ અનિત્ય છે ત્યાં સંસારની અન્ય કઈ વસ્તુને નિત્ય માનવી! જે મનુષ્ય સર્વ પ્રાણીઓની અંદર મનથી પરે પરમાત્મસ્થિતિ માનીને તેનું ચિંતન કરે, તેઓ સંસારયાત્રા સમાપ્ત થતાં જ પરમપદનો સાક્ષાત્કાર કરીને શોકથી તરી જાય છે.

        વિવેકી પુરુષે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને ક્યારેય શોક કરવો ન જોઈએ. ધૈર્ય દ્વારા શિશ્ન અને ઉદરની, નેત્ર દ્વારા હાથ અને પગની, મન દ્વારા આંખ અને કાનની તથા સદ્વિદ્યા દ્વારા મન અને વાણીની રક્ષા કરવી જોઈએ. અન્ય મનુષ્યોમાંથી આસક્તિ દૂર કરી શાંતભાવથી વિચરનારો મનુષ્ય જ સુખી છે અને તે જ વિદ્વાન છે.

        જે અધ્યાત્મ-વિદ્યામાં અનુરક્ત, નિષ્કામ તથા ભોગ અને આસક્તિથી દૂર છે, તેમ જ હંમેશાં એકલો જ વિચરતો રહે છે, તે સુખી થાય છે. જયારે મનુષ્ય સુખને દુઃખ અને દુઃખને સુખ માનવા લાગે છે, તે અવસ્થામાં બુદ્ધિ, સુનીતિ અને પુરુષાર્થ પણ તેની રક્ષા કરી શકતા નથી.”

        સનંદન બોલ્યા, “વ્યાસપુત્ર શુકદેવજીને આ પ્રમાણે ઉપદેશ આપીને, તેમની અનુમતિ લઈને મહામુનિ સનત્કુમાર તેમનાથી સાદર પૂજિત થઈને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. યોગીઓમાં શ્રેષ્ઠ શુકદેવજી પણ પોતાની સ્વરૂપસ્થિતિને સારી રીતે બ્રહ્મપદનું અનુસંધાન કરવા માટે ઉત્સુક થઈને પિતા પાસે ગયા. પિતાને પ્રણામ કરીને તેમની પરિક્રમા કર્યા પછી તેઓ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. વ્યાસ પણ શુકદેવજીના વિરહના દુઃખથી વ્યથિત થયેલા તેમ જ પુત્ર પ્રત્યેના સ્નેહથી ઘેરાયેલા હોવાથી બેબાકળા બનીને ‘હે પુત્ર, થોડીવાર તો ઊભા રહો’ આ પ્રમાણે હાંક મારીને રડવા લાગ્યા.

        શુકદેવજી સંસારના બંધનમાંથી મુક્ત, સ્નેહરહિત તેમ જ કશાનીય અપેક્ષા વિનાના થઈને મોક્ષધર્મના જ્ઞાનમાં જ રત થઈને શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત થયા.”

 

ક્રમશ: