સંઘર્ષ - પ્રકરણ 1 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - પ્રકરણ 1

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ, તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૧ ભીમા દેવા

 

પૂનમની રાત પોતાનું અજવાળું ચારે તરફ ફેલાવી રહી હતી. બે ઘોડેસવારો દક્ષિણ દિશામાંથી આશાવન તરફ આવી રહ્યા હતા. એમના ઘોડાઓના ડગ ઝડપી હતા. એક એવા સમાચાર આમની પાસે હતા જે ભીમા દેવાને તુરંત આપવાના હતા કારણકે તે સમાચાર તેના આ નાનકડા આશાવન પરના રાજને કાયમ માટે નષ્ટ કરવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા હતા. 

ભીમા દેવા વનવાસી રાજા હતો. આશાવનના વનવાસીઓ માટે તો ભીમા દેવા ખરેખર દેવ સમાન જ હતો. પરંતુ ભીમા દેવાનું આ દેવપણું અને તેનું આ નાનકડું રાજ્ય હવે નિશ્ચિત ભયમાં હતું અને આવનારા બે ઘોડેસવારો આ ભયની સત્યતા નક્કી કરી દેવાના હતા. 

બંને ઘોડાઓ ભીમા દેવાની વિશાળ કુટિર પાસે ઉભા રહ્યા. ઘોડેસવારોને ચોકીદાર ઓળખતો હતો એટલે એ તરત જ અંદર ગયો અને ભીમા દેવાને એમના આવવાની ખબર આપી. ઘોડેસવારોએ જરા પણ રાહ જોવી ન પડી, ચોકીદારે બહાર આવીને બંનેને અંદર જવાનો સંકેત કરી દીધો.

ઘોડેસવારો ઝડપી પગલે ભીમા દેવાની કુટિરની અંદર ગયા. અંદર છાણ અને માટીના બનાવેલા વિશાળ સિંહાસન પર ભીમો દેવો બેઠો હતો. અડધી રાતે અચાનક જાગવું પડ્યું હોવાને કારણે એની આંખોમાં હજી ઊંઘ હતી અને તે અડધી લાલ પણ હતી. 

ભીમા દેવાની કુટિર વનવાસીઓમાં દેવસ્થાન તરીકે ઓળખાતી. અહીં જ ભીમો પોતાનો દરબાર ભરતો અને કોઇપણ વનવાસીની ફરિયાદ એ દિવસ કે રાત્રિ જોયા વગર સાંભળતો. એની આ કુટિરમાં દરબાર માટે અને પોતાના પરિવાર માટે ભીમાએ અલગ અલગ ઓરડાઓની વ્યવસ્થા કરી હતી. દરબારીઓ અને તેની પ્રજાને આ દરબારના ઓરડા સિવાય અન્ય કોઈ ઓરડામાં જવાની મનાઈ હતી. ફક્ત સેવક અને સેવિકાઓને ભીમાના પરિવારની મંજૂરી સાથે સમગ્ર કુટિરમાં સેવાકાર્ય કરવા પૂરતી છૂટ હતી. 

દરબારના ઓરડામાં પણ સિંહાસન સિવાય બીજું ખાસ કશું ન હતું. દરબારીઓ અને પ્રજાજનો ભીમા સામે નીચે જમીન પર બેસતા. સિંહાસન પાછળની દિવાલમાં આશા માતાની વિશાળ પ્રતિમા ઉભી હતી. આશાવનના વનવાસીઓ માટે આશા દેવી જગત માતા હતી. એમની ઈચ્છા વગર આશાવન કે પછી સમગ્ર દુનિયામાં પાંદડું પણ હલી શકતું નથી એવી એમની માન્યતા હતી. 

દર કાળી ચૌદસની મધરાતે આશાવનમાં ઉત્સવ થતો અને ત્યારે ફક્ત એક રાત્રિ માટે આશા મા ની આ વિશાળ પ્રતિમા ભીમા દેવાની કુટિરમાથી બહાર આવતી અને તેના દર્શનનો લાભ તમામ વનવાસીઓ લેતા. આ ઉત્સવમાં ફળો, શાકભાજીઓ, માંસ અને મહુડાની જ્યાફત ઉડાવાતી. વનવાસી સ્ત્રી-પુરુષો આશા મા ની આરાધના કર્યા બાદ ઉજવણી કરી અને મહુડાના નશામાં સવાર સુધી નૃત્ય કરતા. પ્રભાતનું પહેલું કિરણ જમીન પર આવે એ પહેલા તો આશા મા ની પ્રતિમા પાછી ભીમા દેવાના સિંહાસન પાછળ ફરી સ્થાપિત થઇ જતી. 

આશા મા ની આંખો મોટી હતી. તેમની જીભ બહાર નીકળેલી હતી. ગળામાં મુંડમાળા રહેતી. એક હાથમાં ત્રિશુલ અને બીજા હાથમાં ફરસો હતો. કપાળમાં મોટો ગોળ ચાંદલો ચમકતો રહેતો. દરરોજ સંધ્યા સમયે ભીમો દેવો ખુદ તેમની સમક્ષ દીવો પ્રગટાવતો અને આસપાસ દીપમાળા થતી જે સમગ્ર રાત્રિ દરમ્યાન બુઝાતી ન હતી. નવરાત્રિના નવે દિવસ આશા મા સમક્ષ ચોવીસે કલાક અખંડ દીવો કરવામાં આવતો. 

દીપમાલા અને મુખ્ય દીપક પ્રતિમાની બિલકુલ નીચે રહેતા એટલે તેના પ્રકાશમાં આશા મા ની એ છબી પહેલીવાર નીરખનાર છળી મરતો. 

‘બોલ ગાંડ્યા, આઘેથી એવા તે શું સમાચાર લાવ્યો છે કે અડધી રાતે ઉઠાડવો પડ્યો?’ એક પગ સિંહાસનની બરાબર નીચે મુકેલા પગ રાખવાની ઉંચી જગ્યા ઉપર અને બીજો પગ સાવ જમીન પર રાખતા ભીમો દેવો બોલ્યો. 

‘જય આસા... દેવ, કરસન રા’ આપણા પર આવ સ.’ ગાંડ્યો બોલ્યો. કરસન રા’ નામ બોલતા એની જીભ જરા ધ્રુજી ગઈ. 

આ કરસન રા’ એટલે કરસન રાવ એટલે કૃષ્ણદેવ રાવ હલ્લી જે દક્ષિણ આર્યવર્ષના ચાર સહુથી સશક્ત રાજ્યો હતા તેમાંથી એક એવા રાધેટકના વિશાળ સામ્રાજ્યનો રાજા હતો. આમ તો એ પ્રજાવત્સલ રાજા ખરો પણ એને એની આવનારી સો પેઢીઓ માટે એક વિશાળ રાજ્ય છોડીને જવાની ઈચ્છા હતી. પોતાની આસપાસ રહેલા તૈલંગ પ્રદેશ, થાલાદેશ અને મલયાળ જેવા તેના જેટલા જ સશક્ત રાજ્યો સાથે કૃષ્ણદેવના બાપદાદાઓના સમયથી રોટી-બેટીના વ્યવહાર હતા, એટલે એમને સ્પર્શસુદ્ધાં ન કરવાનું નક્કી કરીને કૃષ્ણદેવે પોતાના રાજ્યની ઉત્તરમાં આવેલા આર્યવર્ષના રાજ્યો પર ચડાઈ કરવાનું અને તેમણે જીતી લેવાનું શરુ કર્યું.

રાધેટકની ઉત્તરે આવેલા વિશાળ કંકણરાષ્ટ્રના રાજા પલ્લવરાજે કૃષ્ણદેવની મહેચ્છાને વહેલી પારખીને તેની સાથે પોતાની દીકરીને પરણાવીને સંધી કરી લીધી અને પોતાની અપરંપાર સેનાને પણ તેને હવાલે કરી દીધી અને આ રીતે તેણે પોતાનું રાજ્ય અને ગાદી બંને બચાવી લીધા હતા. આથી હવે કૃષ્ણદેવે પ્રમાણમાં નાના-નાના રાજ્યોમાં વહેંચાયેલા પરંતુ અતિશય મહત્વના એવા ગુજરદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ પ્રયાણ કર્યું.

આ ગુજરદેશના દક્ષિણમાં આવેલા ભાઉરાજ, વ્યાપી પ્રદેશ, નવ્યસારિકા, સરસવદન, વરુદેશ અને વડાઈદ જેવા રાજ્યો આવેલા હતા. કૃષ્ણદેવની બે વિશાળ રાજ્યોની વિશાળ સેના સામે આમાંથી અમુક રાજા લડીને વીરગતીને પ્રાપ્ત થયા, અમુક ખપ્યા તો અમુકે સંધિ કરીને રાધેટક રાજ્યના સુબા બનીને રહેવાની અપમાનજનક પરિસ્થિતિ સ્વીકારીને પોતાનો જીવ અને પોતાના રાજ્ય અને જનતાને ખાનાખરાબીમાંથી બચાવી લીધી. 

કૃષ્ણદેવની સેના કોઈ વાવાઝોડાની માફક દુશ્મન સેના અને પ્રદેશ પર ત્રાટકતી. દુશ્મનને હરાવી, તેનું સઘળું ખેદાનમેદાન કરી ત્યાં પોતાનો સુબો નિયુક્ત કરી કૃષ્ણદેવ આગળ વધી જતો. આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત સરસવદન અને વડાઈદ રાજ્યો પરના વિજયને બાદ કરીએ તો એક દિવસનો જ સમય લાગતો એટલું જોર આ કૃષ્ણદેવની સેનામાં હતું. સરસવદનના રાજા સૂર્યકુમાર અને વડાઈદના વડરાજ પ્રભુએ કૃષ્ણદેવના વંટોળને દોઢેક દિવસ સુધી રોકવામાં સફળ રહ્યા પરંતુ છેવટે એમણે વીરગતીને સ્વીકારવી પડી.  

આ કૃષ્ણદેવની પોતાની આંખ જ્યાં સુધી પહોંચે તો પણ પૂરી જોઈ ન શકે એવી મહાન સેના લઈને જેઠ મહિનાની કાળી ગરમીમાં નાનકડા વનવાસી આશાવનની સરહદ ગણાતી એવી હિરણમતિ નદીના સુકાભઠ પટમાં આવીને તંબુ રોપીને બેઠો હતો. 

આશાવન તો નાનું વનવાસી રાજ્ય હતું ભીમો દેવો સરહદ સાચવવામાં માનતો ન હતો અથવાતો એને એના પરદાદાઓ તરફથી આવું કોઈ જ્ઞાન મળ્યું ન હતું. અને અત્યાર સુધી તેની આસપાસના ગુજરદેશનાં કોઈ રાજાએ સ્વભાવે સદાય આક્રોશિત વનવાસીઓને હેરાન કરવાની કોઈજ ચેષ્ટા કરી ન હતી એટલે એ મસ્ત હતો. હા, એના ચર ગુપ્તરીતે બધે એટલેકે છેક કંકણપ્રદેશ સુધી ફરતા અને કોઈ મહત્વની માહિતી હોય તો એને પહોંચાડતા. 

કૃષ્ણદેવ અહિંથી નીકળી ગયો છે એ વાત તો એને મહિનાઓ પહેલાં જ મળી ગઈ હતી પણ રસ્તામાં આટઆટલા મહાન રાજ્યો છે તો પોતાનો વારો નહીં આવે એમ વિચારીને ભીમો દેવો નિશ્ચિંત થઈને પડ્યો રહેતો. 

પણ અત્યારે ગાંડ્યાનું ‘દેવ, કરસન રા’ આવ સ’ સાંભળીને ભીમા દેવાને નજર સમક્ષ પોતાનું પતન દેખાવા લાગ્યું અને એ પણ આવનારા કેટલાક દિવસોમાં જ. 

‘ચ્યોં સ અતારે?’ ભીમાએ સહેજ ચિંતા સાથે પૂછ્યું.

‘દેવ, આજ હોંજે પટમાં તંબુ ખોડ્યા સ ઈને.’

‘એટલે કાલ હવારમોં આવી ચડસઅ.’ ભીમો સહેજ ગભરાયો. 

‘દેવ, એનો મોંણહો ન અંદરઅંદર કે’તા હોંભર્યા સ ક બવ થાસી ગ્યા સીએ એકાદ-બે દી પસે નીકલીસુ આસાવન પ્રત્યે.’

‘ઠીક છઅ, તું જા અન ચતુરને મોકલ.’

‘જી દેવ. જય આસા!’ કહીને ગાંડ્યો અને એનો સાથી ભોળિયો ગયા અને ભીમો દેવો એના મંત્રી અને સલાહકારની ગરજ સારતા ચતુરની રાહ જોવા લાગ્યો.