સંઘર્ષ - પ્રકરણ 2 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - પ્રકરણ 2

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૨ ચતુરની સલાહ 

ભીમો દેવો ચતુરની રાહ જોતા જોતા પોતાના ખાલી ‘દરબારમાં’ આમતેમ આંટા મારી રહ્યો હતો. આમ તો ચતુર એના નામ પ્રમાણે એનો સહુથી ચતુર મંત્રી જ હતો અને એનો ખાસ વિશ્વાસુ પણ હતો. પરંતુ, ચતુરે કૃષ્ણદેવ આશાવન પર આવી શકે છે એવી આગાહી એ છેક રાધેટકથી નીકળ્યો એ સમાચાર જે દિવસે અહીં મળ્યા ત્યારે જ કરી ચૂક્યો હતો. પરંતુ પોતાની મનની મરજીમાં મસ્ત એવા ભીમા દેવાએ ચતુરની આ વાતને હસી નાખી હતી એનો એને અત્યારે ખટકો હતો.

ચતુર વનવાસી તો હતો જ, પણ ભોમિયો હતો. આમ તો આશાવન વનવાસીઓના અકળ સ્વભાવના ડરને કારણે ચારેતરફથી સુરક્ષિત જ રહેતું એટલે પોતાની ગેરહાજરીની ચિંતા કર્યા વગર દર શિયાળે ચાર મહિના એ ‘દુનિયા જોવા’ નીકળી પડતો. ચતુર ઉત્તરમાં છેક હિમશિખર, પૂર્વમાં ઈન્દ્રાલય અને દક્ષિણમાં મલયાળ સુધી જઈ ચૂક્યો હતો. તે ફક્ત ફરવા જ નહીં પરંતુ ચરવા પણ જતો, એટલેકે દુનિયાભરનું જ્ઞાન એ ફરતા ફરતા મેળવતો અને આથી એ અન્ય વનવાસીઓ કરતા અતિશય જ્ઞાની હતો અને એનું નામ ‘ચતુર’ એને તે ઉજાળતો.

ચતુર પોતાની આ યાત્રા દરમ્યાન એટલું સમજ્યો હતો કે રાજ્યવિસ્તાર કરવાની જેટલી મહેચ્છા અને જુસ્સો દક્ષિણ આર્યવર્ષના રાજાઓમાં હતા એટલા ઉત્તર, પૂર્વ કે પશ્ચિમના રાજાઓમાં ન હતી. એટલે ભવિષ્યમાં જો ગુજરદેશ પર કોઈ ચડી આવશે તો તે દક્ષિણમાંથી જ હશે અને દક્ષિણના આ રાજાઓ જે ઉત્તર તરફ કદમતાલ કરે એવી એની મનની યાદીમાં કૃષ્ણદેવ રાવ હલ્લી પ્રથમ સ્થાને હતો. 

ચતુરે એમ તો ગુજરદેશને અડીને આવેલા સુરાષ્ટ્ર અને મરુ પ્રદેશનો પણ પ્રવાસ કર્યો હતો. આ બંને પ્રદેશોની યાત્રા દરમ્યાન ચતુર એમ સમજ્યો હતો કે મરુના રાજા પણ અન્ય પશ્ચિમી આર્યવર્ષના રાજાઓની જેમ રાજ્યવિસ્તારમાં બહુ માનતા ન હતા, પરંતુ સુરાષ્ટ્રના રાજાઓ નોખી માટીના હતા.

એમને રાજ્યવિસ્તાર કરવો ન હતો પણ પોતાનું રાજ્ય કોઈને આપવું પણ ન હતું. આ કારણસર સુરાષ્ટ્રના તમામ રાજાઓ પછી તે ભાવપ્રદેશ હોય, જુનોદેશ હોય, રાજ્યદુર્ગ હોય, નવોદેશ હોય કે ઝાલરરાજ હોય, આ તમામે પોતાની રાજધાનીઓની આસપાસ મોટા મોટા દુર્ગ બનાવી દીધા હતા જે મોટેભાગે અભેદ્ય હતા. 

આથી આશાવનને ઉત્તર ગુજર પ્રદેશ કે દક્ષિણ ગુજર પ્રદેશના રાજાઓ જે વનવાસીઓના આક્રોશથી રીતસરના ભય પામતા એ તો આશાવનને સ્પર્શ પણ નહીં કરે પરંતુ મરુ અને સુરાષ્ટ્રના રાજાઓના પોતપોતાના સ્વભાવને લીધે પણ આશાવન માટે કોઈ ભય ધરાવતા ન હતા. હા, જે દિવસે કૃષ્ણદેવ રાવ રાધેટકમાથી ઉપડ્યો એ દિવસ આશાવનનું નસીબ જરૂર બદલાવાનું.

જ્યારે ભીમાદેવાને એમ હતું કે રાધેટક અને આશાવન વચ્ચે આટઆટલા વિશાળ સામ્રાજ્યો છે અને એમાંથી એકાદું રાજ્ય પાર કરવામાં કૃષ્ણદેવને જરૂર તકલીફ પડવાની જ છે એટલે એનો વારો નહીં હવે. પણ સંપૂર્ણ આર્યવર્ષ ફરી ચૂકેલા અને જ્ઞાન મેળવી ચૂકેલા ચતુરે તેને ત્યારે જ કહ્યું હતું કે જો કંકણરાષ્ટ્રનો પલ્લવ પોતાનું વિશાળ રાજ્ય, એ પણ કૃષ્ણદેવના રાજ્યની સાવ અડીને આવેલું હોવા છતાં અને સાથે વિશાળ, પરાક્રમી અને મજબૂત સૈન્ય હોવા છતાં પોતાની સહુથી નાની અને સહુથી લાડકી દીકરીને કૃષ્ણદેવ સાથે પરણાવીને, એ કૂટનીતિ સમજીને અને અપનાવીને પોતાની જાતને અને પ્રજાને સુરક્ષિત કરવામાં ડહાપણ માનતો હોય તો આપણી તો શી વિસાત?

ચતુરની બીજી વાત પણ ભીમા દેવાના ગળા નીચે નહોતી ઉતરી. ચતુરે કૃષ્ણદેવની પોતાની આસપાસના ત્રણ રાજ્યો સાથેની પુરાણી સંધિ ચાલુ રાખવાના નિર્ણયનું પણ ઉદાહરણ આપતા ભીમાને સલાહ આપી હતી કે જો કૃષ્ણદેવ રાવ બાપદાદાની સંધિને આટલું બધું સન્માન આપતો હોય તો એનો અર્થ એવો પણ છે કે એને ભલે રાજ્યવિસ્તાર કરવો છે પરંતુ સંબંધોને ભોગે નહીં. આથી તેનું સૈન્ય આશાવનની દક્ષિણ તરફે અને સહુથી નજીકના મોટા રાજ્ય વડાઈદ સુધી જો આવી પહોંચે તો તેણે જાતે જઈને કૃષ્ણદેવ સાથે સંધિ કરી લેવી અને પોતાનું આ નાનકડું રાજ બચાવી લેવું, ભલે પછી તે આશાવનનો રાજા નહીં પરંતુ કૃષ્ણદેવનો સુબો બનીને રાજ કરે. કારણકે કૃષ્ણદેવને એ ગમશે અને એ આ રીતે ભીમા દેવાનો મિત્ર બની જશે અને સંબંધ સાચવશે.

પણ ભીમો દેવો ચતુર જેટલું દૂર જોઈ શકતો ન હતો. એ ફક્ત અત્યારની ઘડીમાં જીવતો. તેને રાજ વારસામાં મળ્યું હતું, તો દૂરંદેશીનો અભાવ પણ એના બાપદાદાઓએ જ વારસામાં આપ્યો હતો. એ તો એમ જ વિચારીને મસ્ત હતો કે કૃષ્ણદેવ આશાવન આવતા સુધીમાં કાં તો થાકી જશે અથવાતો હારી જશે. એ વખતે એણે જમાનાના ખાધેલ ચતુરને પણ ચતુર ગણ્યો ન હતો અને એની વાત હસી નાખી હતી. 

ચતુરની ચતુરાઈને તે સમયે હસી કાઢી અને હવે એના આ હોંશિયાર મંત્રીએ ભાખેલો કાળ નજર સામે આવીને ઉભેલો જોઇને ભીમા દેવાને ચતુરનો સામનો કેમ કરવો એ સમજાતું ન હતું. 

પરંતુ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આ જ ફરક હોય છે. જ્ઞાની પુરુષો ક્યારેય પોતાના જ્ઞાનની બડાઈ હાંકતા નથી હોતા જ્યારે અજ્ઞાની પોતે ખોટા સાબિત થાય ત્યારે ભોંઠા પડવા માટે પણ તેમની પાસે કોઈ વિકલ્પ નથી હોતો. 

‘જય આસા... દેવ!’ ભીમો દેવો ગડમથલમાં હતો ત્યારે જ ચતુર એની પાછળ આવીને ઉભો રહ્યો.

‘ચતુર, તારી વાત હાસી પડી. કરસન રા’ હરણમતીને કાંઠે કાલ હાંજનો આયીને તંબુ તોણી બેઠો છે. ગોંડિયો ને  ભોરિયો ખબર લાયા સ કે બે દી’ પસે આપણી ઉપર આવસે.’ ભીમો રાજા હોવા છતાં ચતુરની દૂરંદેશી સામે શરમનો માર્યો ઓસંખાઈ રહ્યો હતો. 

‘દેવ, અત્તારે જ ઘોડા પલાણો. એ આવે એ પે’લા આપણે એની પોહે પોંચી જઈએ. એ મોનવતામોં મોને સે, સંબંધો જારવવામોં મોને સે. આપણે અબઘડીએ ભઈબંધીની વાત કરીએ, એ માની જસે ઈની મને ખાતરી સે દેવ.’ ચતુરે ભીમા દેવાની શરમ પર ધ્યાન ન આપીને પોતાના જ્ઞાની હોવાની સાબિતી આપી દીધી. 

‘એ મોની તો જાય, પણ પસી? મારે એના નોકર થઈને રે’વાનું ન? આપણને એ પોહાય?’ ભીમાએ પોતાની શંકા રજૂ કરી.

‘દેવ, આસાવન ખેદોનમેદોન થઇ જસે એ પોહાસે? પરજા જ નઈ રે’, ઓપણે જ નઈ રઈએ તો રાજ કરસો કુના પર? એના કરતોં કરસનના હુબા બની, એના થઇ ને રે’વું લાખ દરજે  હારું. આપણી ઇસ્સા સામે અજોણ પરજાની બલી કેમ સડાવવી?’ ચતુરે પોતાની વિદ્વતા ફરી દેખાડી. 

એ સત્ય હતું કે અશાવનના વનવાસીઓની ખુમારી અને વીરતા અંગે કોઈને શંકા ન હતી, પરંતુ એ ચારસોની સેના ચાલીસ હજારથી પણ વધુની સેના સામે ટકે એ વાત કોઈ કાળે ગળે ઉતરે એવી ન હતી. ભીમા દેવાને એના સિંહાસનની ચિંતા હતી, અને એના ચતુર મંત્રી ચતુરને પ્રજાની. ભીમો દેવો વીર ખરો પણ છેવટે તો રાજા જ ને? એને પોતાનો દબદબો ગુમાવવો પોસાય એમ ન હતો. એ વિચાર કરી રહ્યો હતો. 

‘દેવ, અતારે કોમ થતું હોય તો પરભાતની રા’ નથી જોવી. હું કવ સું કે હેંડો, અતારે જ.’ ચતુરે ભીમા દેવાની કુટિરના દરવાજા તરફ બે ઉતાવળા ડગ પણ માંડી દીધા. 

ભીમા દેવા છેવટે એટલું સમજ્યો કે કૃષ્ણદેવ નીકળ્યો ત્યારે ચતુરે ભાખેલું સત્ય એ સમજી ન શક્યો અને આજે સિંહાસન ગુમાવવાનો વારો આવ્યો છે એટલે હવે વધુ વખત જવા દઈને કૃષ્ણદેવની કેદમાં પુરાવું કે જીવ ગુમાવવો અને પ્રજાને ખેદાનમેદાન કરી નાખવી એના કરતા એક વખત કૃષ્ણદેવને મળી લેવામાં કોઈ જ વાંધો નથી. 

એણે પોતાનું ખડગ લીધું અને ચતુર સાથે ઝડપી ડગ માંડતો કુટિરની બહાર નીકળી ગયો.