નારદ પુરાણ - ભાગ 40 Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારદ પુરાણ - ભાગ 40

સનંદન બોલ્યા, “હે દ્વિજશ્રેષ્ઠ, ત્યારબાદ મંત્રીઓ સહિત રાજા જનક પુરોહિત અને અંત:પુરની સ્ત્રીઓને આગળ કરીને મસ્તક ઉપર અર્ઘ્યપાત્ર લઇ ગુરુપુત્ર શુકદેવજી પાસે ગયા. તેમણે સંપૂર્ણ રત્નોથી વિભૂષિત સિંહાસન શુકદેવજીને અર્પિત કર્યું. વ્યાસપુત્ર શુક આસન ઉપર વિરાજમાન થયા પછી રાજાએ પહેલાં તેમને પાદ્ય અર્પણ કર્યું. ત્યારબાદ અર્ઘ્ય સહિત ગાય નિવેદન કરી. મહાતેજસ્વી દ્વિજોત્તમ શુકે મંત્રોચ્ચારણપૂર્વક કરવામાં આવેલી પૂજાનો સ્વીકાર કરીને રાજાને કુશળ-મંગળ સમાચાર પૂછ્યા.

        તેમણે પણ ગુરુપુત્રને કુશળ-મંગળ વૃત્તાંત જણાવી તેમની આજ્ઞા લઇ ભૂમિ પર બેઠા. પછી શુકદેવજીને રાજાએ પ્રશ્ન કર્યો, “બ્રહ્મન, શા હેતુથી આપનું અહીં શુભ આગમન થયું છે?”

        શુકદેવજીએ કહ્યું, “રાજન, આપનું કલ્યાણ થાઓ ! પિતાજીએ મને કહ્યું છે કે મારા યજમાન વિદેહરાજ જનક મોક્ષધર્મના તત્વને જાણવામાં કુશળ છે. તમે તેમની પાસે જાઓ. તમારા હૃદયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિષયમાં જે પણ સંદેહ હશે, તેનું તેઓ શીઘ્ર નિવારણ કરી દેશે. તેથી હું પિતાજીની આજ્ઞાથી આપની પાસે મારો સંશય મટાડવા માટે આવ્યો છું. આપ ધર્માત્માઓમાં શ્રેષ્ઠ છો. મને યથાયોગ્ય ઉપદેશ આપવાની કૃપા કરો. બ્રાહ્મણનું આ જગતમાં શું કર્તવ્ય છે તથા મોક્ષનું સ્વરૂપ કેવું છે? તેણે જ્ઞાન અથવા તપ કયા સાધનથી પ્રાપ્ત કરવાં જોઈએ?”

        રાજા જનક બોલ્યા, “બ્રહ્મન, આ જગતમાં જન્મથી લઈને જીવનપર્યંત બ્રાહ્મણનું શું કર્તવ્ય છે તે કહું છું. તાત, ઉપનયન સંસ્કાર થયા પછી બ્રાહ્મણ બાળકે વેદોના સ્વાધ્યાયમાં લાગી જવું જોઈએ. તેણે તપ, ગુરુસેવા અને બ્રહ્મચર્ય પાલનમાં સંલગ્ન રહેવું. હોમ તથા શ્રાદ્ધતર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓના ઋણથી મુક્ત થવું. કોઈની નિંદા ન કરવી. સંપૂર્ણ વેદોનું નિયમપૂર્વક અધ્યયન પૂર્ણ કરીને ગુરુને દક્ષિણા આપવી અને ત્યારબાદ તેમની આજ્ઞા લઈને દ્વિજ બાળકે ઘરે પાછા ફરવું.

સમાવર્તન સંસ્કાર થયા પછી ગુરુકુળથી પાછા આવેલા બ્રાહ્મણકુમારે લગ્ન કરીને પોતાની જ પત્નીમાં અનુરાગ રાખીને ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરવો. કોઈના દોષ ન જોવા. ન્યાયપૂર્વક વર્તાવ કરવો. અગ્નિની સ્થાપના કરીને પ્રતિદિન આદરપૂર્વક અગ્નિહોત્ર કરવું. પુત્ર અને પૌત્રોની ઉત્પત્તિ થાઉં ગયા પછી વાનપ્રસ્થ આશ્રમમાં રહેવું અને પહેલાં સ્થાપિત કરેલ અગ્નિનું જ વિધિપૂર્વક આહુતિ દ્વારા પૂજન કરવું. વાનપ્રસ્થીએ પણ અતિથિસેવામાં પ્રેમ રાખવો જોઈએ. ધર્મજ્ઞ પુરુષે વનમાં ન્યાયપૂર્વક સંપૂર્ણ અગ્નિઓને (ભાવના દ્વારા) પોતાની અંદર જ લીન કરીને વીતરાગ થઇ બ્રહ્મચિંતનપરાયણ સંન્યાસ આશ્રમમાં નિવાસ કરવો અને શીત-ઉષ્ણ વગેરે દ્વંદ્વોને ધૈર્યપૂર્વક સહન કરવાં.”

        શુકદેવજી બોલ્યા, “રાજન, જો કોઈને બ્રહ્મચર્ય આશ્રમમાં જ સનાતન જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય તેમ જ હૃદયનાં રાગદ્વેષ આદિ દ્વંદ્વો દૂર થઇ ગયા હોય તો પણ તેના માટે શું બાકીના ત્રણ આશ્રમોમાં નિવાસ કરવું આવશ્યક ખરું? આપ મારા સંદેહ વિષે મને જણાવવાની કૃપા કરો.”

        રાજા જનક બોલ્યા, “બ્રહ્મન, જ્ઞાન-વિજ્ઞાન વિના જેમ મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેવી જ રીતે સદગુરુ સાથે સંબંધ થયા વિના જ્ઞાનની ઉપલબ્ધી પણ થતી નથી. ગુરુ આ સંસારસાગરથી પાર ઉતારનારા છે તેમણે આપેલું જ્ઞાન નૌકા સમાન છે. લોકની ધાર્મિક મર્યાદાનો ઉચ્છેદ ન થાય તેમ કર્માનુષ્ઠાન પરંપરાનો પણ નાશ ન થવા પામે તે માટે પહેલાંના વિદ્વાન ચારે આશ્રમોના ધર્મોનું પાલન કરતાં. આ પ્રમાણે ક્રમશ: અનેક પ્રકારનાં સત્કર્મોનું આચરણ કરતાં કરતાં શુભાશુભ કર્મોની આસક્તિનો ત્યાગ થતાં અહીંયા જ મોક્ષ પ્રાપ્ત થઇ જાય છે. અનેક જન્મોથી સત્કર્મ કરતાં કરતાં જયારે સર્વ ઇન્દ્રિયો પવિત્ર થઇ જાય છે, ત્યારે શુદ્ધ અંત:કરણવાળો પુરુષ પ્રથમ આશ્રમમાં જ ઉત્તમ મોક્ષરૂપ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તે પામ્યા પછી બ્રહ્મચર્ય આશ્રમમાં જ જો તત્વનો સાક્ષાત્કાર તથા મુક્તિ સુલભ થઇ જાય તો પરમાત્માને ચાહનારા વિદ્વાનને શેષ ત્રણે આશ્રમોમાં જવાની શી આવશ્યકતા છે.

વિદ્વાને રાજસ અને તામસ દોષોનો પરિત્યાગ કરી દેવો અને સાત્વિક માર્ગનો આશ્રય લઈને બુદ્ધિ દ્વારા આત્માના દર્શન કરવાં. જે સર્વ ભૂતોને પોતાનામાં અને પોતાને સર્વ ભૂતોમાં રહેલો જુએ છે, તે સંસારમાં રહીને પણ તેના દોષોથી લેપાતો નથી ને અક્ષયપદને પ્રાપ્ત કરી લે છે. હે તાત, આ વિષયમાં રાજા યયાતિએ કહેલી ગાથા સાંભળો.

મોક્ષશાસ્ત્રમાં નિપુણ વિદ્વાન દ્વિજો જેને સદા ધારણ કરીને રહેલા છે તે આત્મજ્યોતિનો પ્રકાશ તેમની પોતાની અંદર જ છે, અન્યત્ર નથી. તે જ્યોતિ સકળ પ્રાણીઓમાં સમાનરૂપથી સ્થિત છે. સમાધિમાં પોતાના ચિત્તને સારી પેઠે એકાગ્ર કરનારો પુરુષ તેને સ્વયં જોઈ શકે છે. જેનાથી કોઈ પ્રાણી ભય પામતું નથી તેમ જ જે પોતે કોઈ અન્ય પ્રાણીથી ભયભીત થતો નથી તથા જે ઈચ્છા અને દ્વેષથી રહિત થઇ ગયો છે, તે બ્રહ્મભાવને પ્રાપ્ત થઇ જાય છે. જયારે મનુષ્ય મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણીનું અહિત કરતો નથી, તે સમયે તે બ્રહ્મરૂપ થઇ જાય છે. જયારે મોહમાં નાખનારી ઈર્ષ્યા, કામ અને લોભનો ત્યાગ કરીને પુરુષ પોતાને તપાચરણમાં પ્રવૃત્ત કરી દે છે, તે સમયે તેને બ્રહ્માનંદનો અનુભવ થાય છે.

જયારે સાંભળવા અને જોવા યોગ્ય વિષયોમાં તથા સર્વ પ્રાણીઓ ઉપર મનુષ્યનો સમાનભાવ થઇ જાય અને સુખ-દુઃખ આદિ દ્વંદ્વ તેના ચિત્ત પર પ્રભાવ ન નાખી શકે ત્યારે તે બ્રહ્મને પ્રાપ્ત થઇ જાય છે. જયારે નિંદા-સ્તુતિ, લોઢું-સોનું, સુખ-દુઃખ, ટાઢ-તડકો, અર્થ-અનર્થ, પ્રિય-અપ્રિય તથા જીવન-મરણમાં સમાન દૃષ્ટિ થઇ જાય છે, ત્યારે મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થઇ જાય છે. જેવી રીતે કાચબો પોતાના અંગોનો વિસ્તાર કરીને પછી તેમને સંકોચી લે છે તેવી જ રીતે સંન્યાસીએ મન દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ.

બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ હે શુકદેવજી, ઉપર કહેલી સર્વ વાતો મને આપમાં જોવામાં આવે છે. આ સિવાય બીજો જે કંઈ પણ જાણવા યોગ્ય વિષય છે, તેને આપ યથાર્થ રીતે જાણો છો. હે બ્રહ્મર્ષિ, હું આપને સારી રીતે જાણું છું. આપ પોતાના પિતાની કૃપા અને ઉપદેશને લીધે વિષયોથી પર થઇ ગયા છો. તે જ મહામુનિ ગુરુદેવની કૃપાથી મને પણ દિવ્ય વિજ્ઞાન પ્રાપ્ત થયું છે, જેને લીધે હું આપની સ્થિતિને ઓળખી શક્યો છું. આપનું વિજ્ઞાન, આપની ગતિ અને આપનું ઐશ્વર્ય-આ સર્વ અધિક છે. બ્રહ્મન, આપને જ્ઞાન થઇ ચૂકયું છે ને આપની બુદ્ધિ પણ સ્થિર છે; સાથે જ આપનામાં લોલુપતા પણ નથી.

સુખ અને દુઃખમાં આપ કશો જ ભેદ જોતા નથી. આપના મનમાં સહેજ પણ લોભ નથી. આપને નાચ જોવાની તેમ જ ગીત સાંભળવાની ઉત્કંઠા થતી નથી; આપનો ક્યાંય પણ રાગ છે જ નહિ. બંધુઓ પ્રત્યે આપની આસક્તિ નથી તેમ ભયદાયક પદાર્થોથી આપને ભય નથી. હે મહાભાગ, હું જોઉં છય કે આપની દૃષ્ટિમાં પોતાની નિંદા અને સ્તુતિ સરખી જ છે. હું તથા બીજા મનીષી વિદ્વાનો પણ આપને અક્ષય તેમ જ અનામય પદ પર સ્થિત માને છે.”

સનંદન બોલ્યા, “હે નારદ, રાજા જનકની આ વાત સાંભળીને શુદ્ધ અંતઃકરણવાળા શુકદેવજી એક દૃઢ નિશ્ચય પર પહોંચી ગયા અને બુદ્ધિ દ્વારા આત્માનો સાક્ષાત્કાર કરીને તેમાં જ સ્થિત થઈને કૃતાર્થ થઇ ગયા. તે સમયે તેમને પરમ આનંદ અને પરમ શાંતિનો અનુભવ થયો. ત્યારબાદ  તેઓ હિમાલય પર્વતને લક્ષ્ય બનાવીને ઉત્તર દિશા ભણી ચાલી નીકળ્યા ને ત્યાં પહોંચીને તેમણે પોતાના પિતા વ્યાસજીને જોયા. તેઓ પૈલ આદિ શિષ્યોને વૈદિક સંહિતા ભણાવી રહ્યા હતા. શુકદેવજીએ તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા. તદ્દનંતર ઉદાર બુદ્ધિ શુકે  રાજા જનક સાથે થયેલ મોક્ષ સાધન વિષયક સર્વ સંવાદ પોતાના પિતાને કહી સંભળાવ્યો. તે સાંભળીને વેદોનો વિસ્તાર કરનારા વ્યાસે હર્ષ અને ઉલ્લાસથી પૂર્ણ હૃદયથી પુત્રને છાતી સરસો ચાંપ્યો ને પોતાની પાસે બેસાડ્યો. ત્યાર બાદ પૈલ આદિ બ્રાહ્મણો વ્યાસ પાસેથી વેદોનું અધ્યયન કરીને તે શૈલ શિખર પરથી પૃથ્વી ઉપર આવ્યા અને યજ્ઞ કરવવાના તથા વેદ ભણાવવાના કાર્યમાં સંલગ્ન થઇ ગયા.”

 

 

ક્રમશ: