Featured Books
શ્રેણી
શેયર કરો

૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૫ (પહેલી મુલાકાત)

પહેલી મુલાકાત 
 
કાર્પેટ લાવી વચ્ચે પાથરી થોડો સમય આરામ કર્યો. ત્યાં સમાચાર મળ્યા. બધાને એક સાથે મેરેજ હોલ સામેના મેદાન પર ભેગું થવાનું છે. આ સૌથી પહેલી મુલાકાત હશે. જેમાં તમામ લોકો ભેગા થશે અને ત્યાં કેમ્પના ટાઈમ ટેબલની બધી માહીતી આપવામાં આવશે. 

નક્કી થયેલ સમયે બધા મેદાન પર કોલેજ પ્રમાણે પાંચની લાઈન કરીને ઉભા રહી ગયા. તે સમયે સાચી ખબર પડી કેટલા લોકો કેમ્પ માટે આવ્યા છે. આશરે સાડા પાંચ સો જેટલાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઑ હતા. થોડા સમયથી ઉભા હતા એટલામાં કોઈને ચક્કર આવ્યા. તેથી બધાને બેસાડી દેવામાં આવ્યા. 

સાહેબના કહેવા મુજબ કોરોના પછીના સમયમાં ઘણા પાસે વધારે સમય એક જગ્યાએ ઉભા રહી શકે તેવી ક્ષમતા રહી નથી. ચક્કર આવવા તથા આંખે અંધારા આવવાના કિસ્સા વધતા જાય છે. આવું જુવાન લોકોમાં અને નાની ઉમરના બાળકોમાં પણ જોવા મળે છે. પહેલા જે કામ કરતાં તે હવે થતું નથી. શરીર નબળા પડી ગયા, જેથી થાક વહેલો લાગે છે. 

મારાં મત મુજબ આ સાચું તો છે. તેની સાથે બીજી ઘણી વસ્તુઓ ભાગ ભજવે છે. કોરોના પછીના સમયમાં ગરમીનું પ્રમાણ ખુબ વધ્યું છે. ઘરનું સાદું અને સાત્વિક ભોજન છોડીને બહાર ખાવાનું વધ્યું છે. પોષણના અભાવ અને સ્વાસ્થ્યની યોગ્ય કાળજી નથી લેવામાં આવતી. સમતોલ આહાર લેવાને બદલે આહારમાં તેલ, મલાઈ, ચીઝ અને મેંદાનો વધું ઉપયોગ થાય છે. ફોનનો ઉપયોગ વધવાથી શારીરિક પ્રવૃત્તિઓ ઘટી છે. લોકોમાં આળસનું પ્રમાણ વધ્યું છે. રોજ શરીર જેટલું કસાવું જોઈએ, એટલું કસાતુ નથી. 

ચક્કર ન આવે તેમાટે બધાએ ભરપૂર પાણી પીવા કહ્યું. લીંબુ પાણી પણ આપવામાં આવશે. ફૂલ પેટ ભરીને ભોજન કરો. જેથી પ્રોટીન અને ફાઇબર શરીરને પૂરતાં પ્રમાણમાં મળે. જો પેટ લાંબા સમય સુધી ભરેલું રહે તો નબળાઇ નહી આવે. આવું સૂચન કરવામાં આવ્યું. 

કેમ્પના ઘણા બધા નિયમો કહ્યા. જેનું ફરજીયાત પણે પાલન થવું જોઈએ. સાથે પોતાના સ્વાસ્થ્યની પુરી કાળજી રાખવા ભલામણ કરી. જો કોઈ બીમાર થાય તો, તુરંત જાણ કરવી. જેથી યોગ્ય સારવાર મળી શકે. કોઈએ અંદરો અંદર ઝઘડો કરવો નહીં. શિસ્તનું યોગ્ય રીતે પાલન કરવું. એક બીજાને મદદરૂપ થવું. 

બધાએ દિવસમાં એક વખત તો ફરજીયાત નહાવું. વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવી. સ્વચ્છ કપડાં પહેરવા તથા સમયાંતરે મોજા ધોતા રહેવું. આસપાસ કોઈ જગ્યાએ ગંદકી કરવી નહીં. જે રીતે આપણને ગંદકી વાળી જગ્યા પર બેસવું ન ગમે. તે જ રીતે આપણે ફેલાવેલ ગંદકી પર કોઈને બેસવું ન ગમે.

ચોમાસાના લીધે મેદાન પર ઉગેલા ઘાસના કારણે ઘણી વખત સાપ અને વીંછી જોવા મળતા હોય. તો ફરજીયાત પણે બુટ પહેરીને જ બહાર નીકળવું. જો કોઈને કરડશે તો, તેની તાત્કાલિક સારવાર માટે કોઈ નજીકમા દવાખાનું નથી. એટલે ખાશ કાળજી રાખવી. 

કોલેજ સિનિયરને પોતાની કોલેજના તમામ કેમ્પમાં આવેલ લોકો માટે મુખ્ય લીડરની ભૂમિકા નિભાવાની હોય. કોલેજ સિનિયર પોતાની કોલેજના લોકોને કેમ્પ લીડર સાથે જોડી રાખવાનું કામ કરે છે. કેમ્પ લીડર એ કેમ્પ સંભાળતા મુખ્ય આર્મી ઓફિસર અને બધી કોલેજના લીડર વચ્ચે જોડતો સેતુ છે. કેમ્પ લીડરનો આદેશ તમામ કોલેજ સિનિયર સાથે તમામ લોકોએ માનવાનો હોય છે. તેના આદેશના પાલનમાં કોઈ શક હોવો જોઈએ નહીં. 

અમને કેમ્પ લીડર દ્વારા સૂચના અપાઈ કાલે અમારો મેસ ડ્યુટીમા વારો છે. કાલના દિવસમાં સવારે છ વાગ્યે નાસ્તો, દસ વાગ્યે ટી બ્રેક, બપોરે એક વાગ્યે જમવાનું, સાડા ત્રણ વાગ્યે ટી બ્રેક અને સાંજે સાત વાગ્યે જમવાનું આ પાંચ ટાઈમ માંથી ત્રણ ટાઈમ મેસમા જમવાનું પીરસવાનું અને ટી બ્રેકમા જે જગ્યાએ લેક્ચર ચાલતા હોય, ત્યાં ચા અને નાસ્તો પહોંચાડવો. બધાના જમીલીધા પછી જમવાનું અને બધા ટેબલ વ્યવસ્થિત કરી પછી કહે ત્યારે જવાનુ. મેસ ડ્યુટીમા આવું કામ કરવાનું હોય. 

આવા સૂચન આપ્યા પછી બધાને સમય મુજબ જમવા માટે મોકલી દીધા.

અમે જયારે મેદાન પર ભેગા થયા હતા. અમે બધી કોલેજના લોકો સાથે લાઈનમાં બેઠા હતા. ત્યારે અમારી કોલેજના લોકો બહારની તરફ હતા. ત્યાંથી ઉભા થઈને નીકળવું સહેલું રહે. અમારી નજીકથી વારંવાર કોઈ આર્મી ઓફિસર નીકળે અને અમારા માંથી હાલો પાંચ લોકો, હાલો ત્રણ લોકો એવી રીતે કંઈક નાના મોટા કામ કરવા માટે બોલાવી જતા. એકવાર મારો વારો પણ આવી ગયો. અમને છ લોકોને બોલાવી, એક બસ માંથી ખુબ ભાર વાળી બંધુક ભરેલ કાળી લાકડાની પેટી ઉતારાવી અને તેને બંધુકથી ભરેલ એક રૂમમાં મુકાવી. ત્યારે મે પહેલીવાર બંધુકથી ભરેલ આખો રૂમ જોયો. મે પહેલા કોઈ પાસે સાંભળેલ હતું કે, આ કેમ્પમાં બધાને બંધુકની ત્રણ ગોળી ફોડવા આપે. જેથી બંધુક ફોડવાને લઈને જે ડર હોય લોકોના મનમાં તે દૂર થાય.